પૃથ્વીના વિનાશનો સમય વધુ નજીક લાવતી Doomsday Clock

0
369
Photo Courtesy: fallcreekonline.org

ગુરુવારે એટોમિક વૈજ્ઞાનિકોના બુલેટિને Doomsday Clock જે સાંકેતિકરૂપે પૃથ્વીના વિનાશનો સમય દર્શાવે છે તેને મધ્યરાત્રીથી બે મિનીટ વધુ નજીક કરી દીધી હતી. 1950ના દાયકા બાદ આ ઘડિયાળ મધ્યરાત્રીની સૌથી નજીક આવી છે તેમ જાણકારો કહી રહ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે Doomsday Clock માં કરવામાં આવેલા ફેરફારો ન્યુક્લિયર યુદ્ધની વધતી જતી સંભાવનાઓ તેમજ ક્લાઈમેટ ચેન્જની વિપરીત અસરોને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યા છે.

Photo Courtesy: fallcreekonline.org

રેચલ બ્રોનસન જે Bulletin of the Atomic Scientists ના પ્રમુખ છે તેમણે કહ્યું હતું કે “હાલના સમયમાં ભયસ્થાનોમાં થઇ રહેલા વધારાને લીધે Doomsday Clockને મધ્યરાત્રીથી માત્ર બે જ મિનીટ દૂર રાખવામાં આવી છે જે છેલ્લા નક્કી કરવામાં આવેલા સમયથી ત્રીસ સેકન્ડ આગળ છે.” આમ જો આ બાબતને સરળતાથી સમજવી હોય તો પૃથ્વીનો વિનાશ થવાનો સમય ગઈકાલ કરતા આજે વધારે નજીક આવ્યો છે એમ કહી શકાય. છેલ્લે આ ઘડિયાળ 1953માં મધ્યરાત્રીના સમય કરતા સૌથી નજીક આવી હતી જ્યારે અમેરિકા અને રશિયા વચ્ચે શીતયુદ્ધ તેના ચરમ ઉપર પહોંચી ગયું હતું.

વૈજ્ઞાનિકોએ Doomsday Clock માં ફેરફાર કરવા માટે વિવિધ કારણોનું મિશ્રણ હોવાનું બતાવી રહ્યા છે. જેમાં ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન દ્વારા પરમાણુ યુદ્ધની ધમકી પ્રમુખ માનવામાં આવે છે. ઉત્તર કોરિયાના કોઇપણ પ્રકારના પરમાણુ હુમલા સામે રક્ષણ મેળવવા અમેરિકાએ પણ કમર કસી છે. બ્રોનસનનું કહેવું છે કે કોઇપણ ખોટી ગણતરી કે પછી અકસ્માતે પણ આ બંને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધ શરુ થઇ શકે તેમ છે જેનાથી પૃથ્વીનો વિનાશ નજીક આવી ગયો છે એમ જરૂર માની શકાય.

તમને ગમશે: ચેન્નાઈના પત્રકારોએ જીગ્નેશ મેવાણીની દાદાગીરી ન ચલાવી

એક અન્ય કારણમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પેરિસ ક્લાઈમેટ કરારમાંથી અમેરિકાના પરત થવાના નિર્ણયને પણ દર્શાવવામાં આવ્યું છે. અમેરિકન પ્રમુખના આ પગલાને ખતરનાક ગણવામાં આવ્યું છે. ક્લાઈમેટ ચેન્જને વૈજ્ઞાનિકો તાત્કાલીક ભયસ્થાન હજીપણ નથી માની રહ્યા, પરંતુ તેઓ તેને પૃથ્વીના વિનાશ માટે ઝડપથી ઉભરી રહેલા કારણોમાંથી એક તો ગણી જ રહ્યા છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે દુનિયાના તમામ દેશોએ તેમના ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનનું પ્રમાણ નોંધપાત્રરીતે ઘટાડવું જ પડશે અને તો જ ક્લાઈમેટ ચેન્જના ખતરાને આપણે સારીરીતે મેનેજ કરી શકીશું.

તમને થતું હશે કે પૃથ્વીના વિનાશની આટલી બધી વાતો તો કરી પરંતુ આ Doomsday Clock કઈ બલાનું નામ છે એનો ફોડ તો પાડ્યો જ નહીં? તો આવો જાણીએ કે આ Doomsday Clock આખરે છે શું.

1947માં વૈજ્ઞાનિકોએ એક કાલ્પનિક ઘડિયાળનું સર્જન કર્યું હતું જેને Doomsday Clock કહેવામાં આવે છે. અહીં મધ્યરાત્રીના સમયને Doomsday એટલેકે પૃથ્વીના વિનાશનો કાલ્પનિક સમય ગણવામાં આવ્યો છે. આથી મિનિટનો કાંટો મધ્યરાત્રીથી જેટલો નજીક એટલો પૃથ્વીના વિનાશનો સમય પણ નજીક એમ માનવામાં આવે છે. આ માટે ઉપર જણાવ્યા અનુસાર પ્રવર્તમાન સમયમાં વિશ્વ સમક્ષ ઉપસ્થિત વિવિધ કારણોને વૈજ્ઞાનિકો ધ્યાનમાં લે છે અને તેની ગંભીરતાના પ્રમાણ અનુસાર ઘડિયાળને આગળ કે પાછળ કરે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here