પોતાના અંગ્રેજી ભાષા પરના અગાધ જ્ઞાન તેમજ તેના શુદ્ધ ઉચ્ચારણ માટે ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી શશી થરૂર જાણીતા છે. પરંતુ ઘણીવાર તેમના આ અગાધ જ્ઞાનને કારણેજ તેઓ મુશ્કેલીમાં આવી જતા હોય છે. ટ્વીટર પર તો શશી થરુરને રોજેરોજ ટ્રોલ થવામાં કોઈજ નવાઈ નથી પરંતુ બે દિવસ અગાઉ તેઓ જયપુરમાં પોતાના અંગ્રેજી શબ્દોના ઉચ્ચારણને લીધે જાહેરમાં ભરાઈ પડ્યા હતા.

આ અગાઉ પણ આપણે eછાપુંમાં જાણ્યું હતું કે પદ્માવતના મામલે સંજય લીલા ભણસાલીનો બચાવ કરવા જતા શશી થરૂરે રાજપૂતોને કાયર કહી દીધા હતા અને બાદમાં તેમણે પોતાના શબ્દો માટે દિલગીરી વ્યક્ત કરવી પડી હતી. આ વખતે એવું બન્યું હતું કે શશી થરૂર જયપુર લિટરેચર ફેસ્ટીવલમાં ભાગ લેવા માટે જયપુર ગયા હતા. અહીં તેઓ જયપુર એરપોર્ટ પર પોતાની બહેન જે દિલ્હીથી જયપુર આવી રહી હતી તેની રાહ જોઇને બેઠા હતા.
આ સમયેજ તેમના કોઈ જાણીતા વ્યક્તિએ થરૂરને એરપોર્ટ આવવાનું કારણ પૂછ્યું. જેના જવાબમાં થરૂરે એ જેમના માટે જાણીતા છે એવા સ્પષ્ટ ઉચ્ચારણ સાથે કહ્યું, “waiting for sister.” હવે ખબર નહીં પણ કેમ આ બંનેની આસપાસ જ ઉભેલા વ્યક્તિને ગમેતે હોય પણ શશી થરુરનું “waiting for sister” “waiting for pistol” સમજાયું. આ સાંભળતાની સાથેજ પેલો વ્યક્તિ ગભરાઈ ગયો અને એરપોર્ટ પર સુરક્ષા સંભાળતા સ્ટાફને તેની જાણ કરી દીધી.
તમને ગમશે: વાઘેલા-કેશુભાઈ-મોદીની આ તસ્વીર ઘણું કહી જાય છે
સિક્યોરીટી સ્ટાફમાંથી કેટલાક શશી થરુર પાસે ગયા અને એમની પાસે પિસ્તોલ છે કે કેમ એની સ્પષ્ટતા કરવા જણાવ્યું. શશી થરુર પાસે પિસ્તોલ તો હતીજ નહીં એટલે એમણે એ પ્રમાણે સિક્યોરીટી સ્ટાફને પણ જણાવ્યું. એરપોર્ટ સિક્યોરીટીને થરૂરના જવાબથી સંતોષ થયો અને વાત પર એટલીસ્ટ જયપુર એરપોર્ટ પર તો પૂર્ણવિરામ આવી ગયું.
પરંતુ, આપણા મીડિયાને સખ નથી. તેમણે સોશિયલ મીડિયામાં ટ્વીટ કરી દીધી કે શશી થરુર પાસેથી જયપુર એરપોર્ટ પર પિસ્તોલ મળી આવી અને તેમની અટકાયત કરવામાં આવી છે… બસ પત્યું! તરતજ સોશિયલ મીડિયામાં થરૂરની ખીંચાઈ શરુ થઇ ગઈ અને વાતાવરણ અચાનકજ ગતિમાન થઇ ગયું. બાદમાં મીડીયાને ખુદ સ્પષ્ટતા કરવી પડી કે ખરેખર તો શશી થરૂર પાસે પિસ્તોલ હોવાની ખોટી આશંકા ઉભી થઇ હતી.
અહીં મુદ્દો એ છે કે શશી થરુર આમતો અંગ્રેજી શબ્દોના અત્યંત સ્પષ્ટ ઉચ્ચારણો કરવા માટે જાણીતા છે તેમ છતાં પેલો વ્યક્તિ જેણે એરપોર્ટ સિક્યોરીટીને ફરિયાદ કરી તે sister અને pistol એમ બે અલગ અલગ ઉચ્ચારને પણ ન ઓળખી શક્યો? કેટલી નવાઈની વાત છે ને? આ સમગ્ર ઘટનાને એક જ રીતે હકારાત્મક ઘટના તરીકે લઇ શકાય (જો લેવી હોય તોજ) કે ભારતનો સામાન્ય માનવી હવે સુરક્ષા અંગે જાગૃત થયો છે અને ગમે તેટલા રસૂખવાળો વ્યક્તિ પણ કેમ ન હોય તેના પર જો શંકા જાય તો સુરક્ષા અધિકારીઓને ચેતવી દેતા તે ખચકાતો નથી.
પરંતુ આ ઘટનાએ એક હકીકત ફરીથી સિદ્ધ કરી બતાવી કે ભારતીય મીડિયા હજીપણ બેજવાબદાર છે અને તેને જવાબદાર બનતા હજી ઘણો સમય બાકી છે.
eછાપું