મોર્નિંગ વોક કરતા પાર્કમાં વિશ્વયુદ્ધનું થયું એલાન

1
504
Photo Courtesy: clipart-library.com

શિયાળો એટલે મજાની ઋતુ . મજાની ઋતુ શિયાળાની અસલી મજા મસ્ત મજાની ગુલાબી ઠંડીમાં મોર્નિંગ વોક કરીને અને રાતે બાજરીનો રોટલો, રીંગણનો ઓળો, મસાલેદાર ખીચડી, કઢી, ઘી, ગોળ, લીલું લસણ, લીલી ડુંગળી, ચટણી ને પેટભરીને ઝાપટીને જ આવે. દરેક ગુજરાતી માટે મોર્નિગ વોક મજાનું નથી હોતું પણ જમવાનું બધા માટે મજાનું જરૂર હોય છે.

Photo Courtesy: clipart-library.com

મારા માટે શિયાળામાં મોર્નિંગ વોક અને દેશી જમવાનું બેય મોજ અને મજા માટે હોય છે પણ મારા મિત્ર મનન ઉર્ફે મનીયા માટે મોર્નિંગ વોક એટલે આકરી સજા. શિયાળામાં મોર્નિંગ વોક માટે મારા ઘરેથી નજીકમાં આવેલા ગાર્ડનમાં સમયસર અને નિયમિત જવાનું મને બહુ ગમે. એક દિવસ ગાર્ડનમાં ચાલતા ચાલતા મારા આળસુ મિત્ર મનીયાને તેની એકની એક પત્ની શાંતા જોડે મોર્નિંગ વોક કરતા જોઈ મને આનંદ થયો પણ મનીયા અને શાંતા ભાભીને ધીમે ધીમે ચાલતા ચાલતા ઉતાવળા અવાજે ઝઘડતાં જોઈ હું થોડો ચિંતિત થયો. મનીયા અને શાંતા ભાભીને તેમની આજુબાજુ મોર્નિંગ વોક કરતા લોકો જોઈ રહ્યા હતાં તેની ખબર અને ચિંતા પણ ન હોય તેવું દુરથી મને દેખાઈ રહ્યું હતું. હું પણ ઉતાવળે પગલે તેમની પાછળ પહોંચ્યો અને કાન લગાવી શું ગરમા ગરમ ચર્ચા થઇ રહી છે તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મારે તેમને આમ ઝઘડતાં રોકવા હતાં પણ તે પહેલા આ મોર્નિંગ વોક વિશ્વયુદ્ધનું કારણ અને તે શરુ થવાના પરિબળો તેમની ગરમા ગરમ ચર્ચામાંથી જાણવા હતાં. મારો મિત્ર મનીયો મહા આળસુ અને શાંતા ભાભી થોડા ઝઘડાળું એ અમારી સોસાયટીમાં જગજાહેર. મનીયાની આળસ, અવળચંડાઈ અને શાંતા ભાભીના ગરમ મગજને કારણે મનીયાના ઘરમાં અવારનવાર નાનામોટા ઝઘડા થતાં તેમાં હું પણ ક્યારેક વગર કારણે નિમીત બનતો.

મનીયા અને શાંતા ભાભીની પાછળ પાછળ ચાલતા ચાલતા ઝઘડાનું કારણ તો ના જ સમજાયું પણ મનીયાની હાલત જોઈ દયા આવી ગઈ. મોર્નિંગ વોક  કરવા આવેલ બીજા લોકોને આજે આ ઝઘડાળું કપલને જોઈ મફતમાં મનોરંજન મળતું હતું તે હું જોઈ રહ્યો હતો. ચાલતા ચાલતા મેં જોયું કે શાંતા ભાભી મોર્નિંગ વોક માટે શુઝ, શોકસ, વોકિંગ ટ્રેક માટેના પેન્ટ અને ટીશર્ટ પહેરીને સંપૂર્ણ તૈયારી સાથે નીકળ્યા હતાં અને મનીયો લઘરવઘર કપડામાં , શુઝની દોરી છુટી ગયેલ અને ઉતાવળમાં શોકસ તો પહેરવાનું જ ભુલી ગયો હોય તેવું દેખાઈ આવતું હતું.

મનીયાની કફોડી હાલત મારાથી ન જોવાતાં હું કમોસમી વરસાદની જેમ તે બંનેના ઝઘડામાં વચ્ચે કુદી પડ્યો. મને જોતાવેત મનીયાને મારામાં ભગવાનના દર્શન થયા હોય તેવો ભાવ મનીયાના ચહેરા પર તરી આવ્યો. શાંતા ભાભી પણ મને અચાનક જોઈ બોલતાં બોલતાં અટક્યા. હવે મેં તે બંનેને વોકિંગ ટ્રેક પરથી સાઇડમાં બોલાવી બાંકડા તરફ દોરી ગયો. કુતરા થાંભલાને જોઈ ખુશ થતાં હોય તેમ મનીયો બાંકડાને જોઈ ખુશ થઈ ગયો. હું અને મનીયો કોર્પોરેટરે ફાળવેલ નબળા બાંકડા પર મજબુતાઈથી ગોઠવાયા. શાંતા ભાભી પણ નજીકના બાંકડે બેઠાં. હવે બાજી મારા હાથમાં હતી. ભાભી મને ગાર્ડનમાં જોઈ થોડા અટવાતા હતાં પણ મનીયો ગેલમાં હતો. મેં મનીયાના ખભે હાથ મુકતા જ મનીયાએ ઉંડો શ્વાસ લીધો અને મેં પણ હાશકારો અનુભવ્યો.

જેમ બાળકો ચોકલેટ જોઇને અધીરીયા થાય, રાજનેતા માઈક જોઇને , કુતરા થાંભલા જોઇને અને સ્ત્રીઓ પોતાના પતિ વિરુદ્ધ બોલવાની તક ઝડપાય તો અધીરી બનીને સહેજ પણ પાછી પાની ના કરે તેવી જ રીતે જ્યાં શું વાત છે એમ મેં કીધું ત્યાં તો શાંતા ભાભી મનીયા ની માથાકુટની કથા ચાલુ કરી જ નાંખી. શાંતા ભાભીએ નીચલા સુરથી શરુઆત કરીને વાતનો દોર ઉપલા સુર તરફ પહોંચાડ્યો. શાંતા ભાભીએ તેમની વ્યથા અને મનોવ્યથાનું સંપૂર્ણ ચિત્ર વર્ણન તેમની આકરી ભાષામાં શરુ કર્યું, “ જુઓને ભાઈ આ તમારા આળસુ ભાઈબંધની ફાંદ ચાનો કપ મુકાય તેવી થઇ છે તોય તેમને ભાન નથી પડતું. તમારા ભાઈબંધ બાઈકની કિક મારતાંય હાંફી જાય છે. તેમના શરીર પર જામેલા ચરબીના થર મગજ સુધી પહોંચ્યા છે અને મગજમાં ચરબી ચડી ગઈ છે. શરીરની હાલત તો જુઓ કેવી બનાવી છે. તમારા મિત્રના શરીરમાં વા, ગેસ, એસીડીટી, ડાયાબીટીસ, માઈગ્રેન, હાઈ બ્લડ પ્રેશર જેવી બિમારીઓ ઘર કરી ગઈ છે અને જેમ ભુત ભુવાથી દુર ભાગે તેમ તમારો ભાઈબંધ ડોક્ટર અને લેબોરેટરીમાં ટેસ્ટ કરવાથી દુર ભાગે છે. તમારા મિત્રને કેટલું ઊંઘવું અને ક્યારે ઉઠવું નું સહેજ પણ ભાન નથી અને શરીરની નસેનસમાં લોહીની સાથે સાથે નકરી આળસ જ વહે છે. “ હું ભાભી ને સાંભળતા સાંભળતા મનીયા સામે જોતો તો તે બંધ આંખે ભગવાન ને યાદ કરતો કે ઊંઘતો તે સમજાતું નહોતું. મારે વારે વારે તેના ખભે હાથ મુકી તેને નેટવર્કમાં લાવવાના પ્રયત્નો કરવા પડતાં હતાં.

શાંતા ભાભી સહેજ પણ રોકાય તેમ ન હતાં . મે જ્યાં મનીયાને ભાભીની વાત તારા સારા માટે છે એમ કહી ભાભીની તરફેણ કરી ત્યાં તો મનીયો ઓશિયાળો બની મારી સામે જોઈ રહ્યો . મનીયાની આંખોમાં મને લાચારીનો ભાવ તરી આવતો દેખાતો હતો. શાંતા ભાભી એ ફરી પાછુ બોલવાનું શરુ કર્યું ત્યાં તો મનીયાનું મગજ શુન્ય અવકાશ થતું હતું,“ તમારા ભાઈબંધ ને ડાયટ શબ્દ તો ફાઈટ જેવો લાગે છે. આખા મહીનામાં એક પણ વાર ઉપવાસ કરવાનું જોર આવે છે, જમવાનું મોડું થાય ત્યાં તો તેમને અશક્તિ આવી જાય તેવા નાટક કરે છે. જન્મોજન્મ થી ભુખ્યા હોય તેવું લાગે છે. “ આખરે મેં મનીયો માની જશે અને હું સમજાવીશ એવા આશ્વાસન બાદ બાંકડા પરથી ઉભા કરી ઘરે જવા રાજી કર્યા. ઘર તરફ જતાં પણ ભાભી બોલે જ જતાં હતાં અને સોસાયટી આવતાં મનીયાએ હાથ જોડી શાંત થવા કહ્યું ત્યારે રોકાયા પણ મને અને મનીયાને ખબર હતી કે આ વધુ સમય શાંત નહી રહી શકે એટલે અમે બે જણાંએ સોસાયટીમાં પ્રવેશતાં જ ઉતાવળે પગલે પોતપોતાના ઘર તરફ પ્રયાણ કર્યું.

હું તૈયાર થઇ ઓફીસ જવા નીકળ્યો પણ મનમાં તો મનીયો અને શાંતા ભાભી જ છવાયેલા હતાં. બપોરે લંચ ટાઇમમાં મનીયાનો મારી પર ફોન આયો ,” યાર તે શાંતાની વાતો તો સાંભળી પણ મારા મનની વાત તો સાંભળી જ નહીં. મારે તને સાંજે મળીને મારી વાત કહેવી છે .” મેં પણ સવારનું વોકિંગ બાકી રહ્યું તે પુર્ણ કરવાના બહાને અને મનીયાને વધુ જાણવા, જણાવવા, સમજાવવા માટે સવારે મળ્યા ત્યાં ગાર્ડનમાં રાતે ભેગા થવાનું નક્કી કર્યું . ગાર્ડનનું નામ પડતાં જ મનીયો બગડ્યો ગાર્ડન સિવાય ગમે ત્યાં મળીએ અને વોકિંગ બોકીંગ ની વાત ના કર યાર.અમે બે જણે આખરે સોસાયટી નજીકના પાર્લર પર મળવાનું ફાયનલ કર્યું.

તમને ગમશે: પ્રવાસીઓની સુરક્ષા મજબૂત બનાવવા સજ્જ થઇ રહી છે ભારતીય રેલવે

રાતે મારી પહેલા મનીયો પાર્લર પર પહોંચી ગયો હતો . અમે બે જણાંએ સવારની ચર્ચા ટુંકમાં કરી. મેં ફરી મનીયાને ભાભીની વાત તારા ફાયદા માટે છે તે સમજાવવા માટેનો પ્રયાસ કર્યો ત્યાં તો મનીયો હાથ જોડીને પોતાની વાત કહેવા માંડ્યો, “ યાર મને તું આ તંદુરસ્તી અને ચાલવાના ભુતથી દુર કરવામાં મદદ કર. થોડા દિવસ માટે મને આ પરિસ્થિતિમાંથી છોડાવ અને હું જાતે મારી હેલ્થ સાચવવા માટે તૈયાર થઇ જઈશ. હું થોડા દિવસમાં તારી સાથે જ મોર્નિગ વોક કરવા આવીશ. તું મારી પર વિશ્વાસ મુક અને મારી ઘરવાળીની હિટલરશાહી થી બચાવ. હું મનથી સ્વેચ્છાએ વહેલા ઉઠવા અને મોર્નિગ વોક માટે તૈયાર થવા માંગું છું. “ મને એક પળ માટે આળસુ મનીયાની વાતમાં વિશ્વાસ ના બેઠો પણ આજે તેના અવાજમાં, આંખોમાં, વાતમાં સચ્ચાઈ દેખાઈ આવી. હવે મારે મનીયાની મદદ કરવી જ પડશે તેનો વિચાર મનમાં આવ્યો પણ જ્યાં સવારે જોયેલા ભાભીનો ચહેરો યાદ આવતાં હું થોડો અટવાઈ ગયો. મે પણ મનીયાને મારી વ્યથા કહી, “ મનીયા મને તારી પર ભરોસો છે પણ મારો એકલાનો ભરોસો તારા કોઈ કામે નહીં આવે. જ્યાં સુધી શાંતા ભાભીને તારી વાત મગજમાં નહિ ઉતરે ત્યાં સુધી તારી હાલત સુધરવાની નથી અને હું પણ એમાં કંઈ કરી નહિ શકું.” મે મનીયાને ભાભીને રોકવા કે સમજાવવા માટે એક સુયોજિત બહાનું બનાવું પડશે નો આઈડિયા આપ્યો . હવે મનીયાના ચહેરા પર થોડી ખુશી આવી અને તેની સુસ્તી દુર કરવા ગરમાગરમ ચા નો ઓર્ડર કર્યો. ચા પીતા પીતા અમે ગહન ચર્ચા શરુ કરી.

મેં એક પછી એક આઈડિયા મનીયા સામે મુક્યા પણ મનીયો શાંતા ભાભીની સમજણ, મન અને જીદને જાણતો હોવાથી એક પછી એક આઈડિયા કેન્સલ કરતો હતો. હવે મેં ફરી ચા ની ચુસ્કી લેતાં લેતાં નક્કર આઈડિયા માટે મગજને કામે લગાડ્યું અને ગરમાગરમ આઈડિયા બહાર આયો . મેં આખો આઈડિયા મનીયા ને સમજાવ્યો અને મનીયો ખુશ ખુશ થઇ ગયો. મારા આ આઈડિયામાં મનીયાએ કમને પણ વોકિંગ પર તો જવાનું જ અને વોકિંગ કરતાં કરતાં ખાડામાં પગ મુકી ગબડી જવાનું નાટક કરવાનું . મચકોડ આવવાથી વોકિંગની માથાકુટમાંથી થોડા સમય માટે રાહત મળી જશે. મારા ઓર્થોપેડિક ડોક્ટર સાથે પણ સેટિંગ કરી રાખવાનું પણ નક્કી કર્યું. મનીયો નાટકબાજ તો હતો એટલે તે નાટક કરવા માટે તરત તૈયાર થઇ ગયો. મેં મનીયાને નાટકમાં ઓવર એક્ટિંગ નહીં કરવાની સલાહ અને થોડા સમય પછી નાટક બંધ કરી ભાભીની વાત માની તારી હેલ્થ માટે મારી સાથે મોર્નિગ વોક માટે આવવું જ પડશે નું વચન પણ લીધું. અમે રાતના અંધારામાં ઘરથી ગાર્ડનના રસ્તામાં આવતાં સંભવિત ખાડાની મુલાકાત લઇ પ્લાન ફાયનલ કરી ઘરે જવા છુટ્ટા પડ્યા.

બીજા દિવસે સવાર પડતાં જ આળસુ મનીયો ઉત્સાહમાં આવીને મોર્નિગ વોક માટે ટ્રેક સુટ, સુઝ, સોક્સ પહેરી વહેલો તૈયાર થઇ ગયો. ભાભી પણ મનીયાને આ રીતે તૈયાર જોઈ વિચારવા લાગ્યા અને પછી ખુશ થઇ વોકિંગ માટે નીકળ્યા. મનીયો પણ નાટકના રોલમાં પ્રવેશી ગયો હતો અને રાતે નક્કી કરેલ ખાડો નજીક આવતાં ઉત્સાહભેર લાંબી લાંબી ફલાંગો મારતો ઝડપી વોકિંગ કરતો હતો . મનીયો જેટલો હોંશિયાર ભાભી પણ તેનાથી વધુ હોંશિયાર હોવાથી ભાભીનું ધ્યાન મનીયા તરફ, રસ્તા તરફ અને રસ્તા પરના ખાડા તરફ પણ હતું. ખાડો નજીક આવતાં જ મનીયાનો પગ પડે તે પહેલા જ ભાભી બોલી ઉઠ્યા,” જો જો ખાડો છે , સાચવજો પગ તેમાં ના પડે. આમ રાભાની જેમ ડાફોળીયા ના મારો , રોડ પર નીચે જોઇને ચાલો નહીતર ગબડી જશો. આ સાથે મનીયાનું સપનું રગદોળાઈ ગયું. હું જાણી જોઇને થોડો મોડો મોર્નિગ વોક માટે નીકળ્યો પણ મને ક્યાંય ગબડેલો મનીયો ન દેખાતાં હું વિચારે ચઢી ગયો. વિચારતા વિચારતા હું ગાર્ડનમાં પ્રેવેશ્યો ત્યાં મને મનીયો અને ભાભી વોકિંગ કરતા નજરે ચડ્યાં. આજે તે બે જણ મૌન બની વોકિંગ કરતાં હતાં અને હું પણ તેમની સાથે જોડાયો. મેં મનીયા સાથે ઈશારામાં સમજવાનો પ્રયત્ન કર્યો પણ કંઈ સમજાયું નહીં એટલે વોકિંગ પતાવી ઘરે જવા નીકળ્યા. સોસાયટીના દરવાજે મેં મનીયાને રોક્યો અને ભાભી ઘરે જતાં જ પુછી લીધું, “ શું થયું પ્લાનનું ?” મનીયાએ નિશાશા નાંખતા સવારમાં શું થયું તેની વાત મને કરી. મેં પણ બેટર લક નેક્સ્ટ ટાઈમ કહી કાલ માટે ફરી ટ્રાય કરવાની વાત કરી અમે છુટા પડ્યા.

મનીયાએ બીજા દિવસે, ત્રીજા દિવસે અને સળંગ ચાર પાંચ દિવસ પ્રયત્નો કર્યા પણ અભાગ્યો નિષ્ફળ ગયો. ભાભી સમગ્ર મોર્નિંગ વોક દરમ્યાન ચાલવામાં સાવચેતી અને મનીયાનું એટલું ધ્યાન રાખતાં કે મનીયો કેમે કરીને નિષ્ફળ જ જતો. તેણે મને રાતે રૂબરૂ મળીને પ્લાન બદલવા વિનતી કરી અને મેં જ્યાં સુધી નવો આઈડિયા ના મળે ત્યાં સુધી પ્રયત્નો ચાલુ રાખવા કહ્યું. મનીયાએ પ્લાનમાં થોડો ચેન્જ કર્યો અને થોડો વહેલો અંધારામાં નીકળવાનું શરુ કર્યું . મનીયાએ અંધારામાં ભાભીને વાતોમાં પરોવીને પ્લાન તરફ આગળ વધતો હતો અને એવામાં જ મનીયા પહેલા ભાભી ખાડામાં પગ આવવાથી ગબડી પડ્યા. મનીયો તો રીતસર નો ગભરાઈ જ ગયો અને પળવારમાં શું બની ગયું તે સમજી ના શક્યો. રસ્તામાં પડેલ પત્નીને માંડ માંડ ઉભી કરી સાઇડમાં લઇ ગયો અને દૂધવાળા ના સ્કુટર પર બેસાડી ઘરે આયો . ઘરે આવીને આ દુઃખદ સમાચાર મને આપ્યા અને હું પણ પળભર માટે સમજી ના શક્યો. હું પણ વોકિંગ અધૂરું મુકીને મનીયાના ઘરે પહોંચ્યો. મનીયાના ઘરે મનીયાની જગ્યાએ ભાભી સોફામાં પડ્યા પડ્યા પગ મચકોડવાથી દુખાવો થતાં બુમો પાડી રહ્યા હતાં. અમે બે જણાંએ રીક્ષામાં નજીકમાં આવેલ ભાભીના ઓળખીતા લેડી ઓર્થોપેડિક જોડે સારવાર માટે લઇ ગયા. ડોકટરે રીપોર્ટ કાઢ્યા, તપાસ કરી ને આરામ કરવાની સલાહ આપી. અમે ભાભીને લઇ ઘરે આયા અને મનીયાએ ગામડેથી તેના બા આવે ત્યાં સુધી અઠવાડિયાની રજા લઇ ઘરકામ કરવામાં લાગી ગયો. હું અને મનીયો એકબીજાની સામે જોઈ મનોમન દુઃખી હતાં અને કશું બીજું કરવા માટે વિચારી શકીએ તેમ ન હતાં.

એના પછીના દિવસે સવારમાં મેં સોસાયટીમાં પાટો બાંધેલા શાંતા ભાભીને જોતા હું બહુ દુઃખી થયો અને મારી ભુલ નો પસ્તાવો અનુભવ્યો. એ દિવસે રાતે હું અને મારા પત્ની શાંતા ભાભીના ખબર પુછવા મનીયાના ઘરે ગયા. ભાભી સોફા પર આરામ ફરમાવતા હતાં અને મનીયો નાનું મોટું ઘરકામ કરતો હતો. અમને જોઈ ભાભીએ બેઠાં બેઠાં આવકાર્યા અને મનીયાને સાદ પાડ્યો ,” જુઓ તમારા ભાઈબંધ અને ભાભી ખબર કાઢવા આવ્યા છે , રસોડામાંથી બહાર તો આવો.” મનીયો એટલો બધો કંટાળી ગયો હતો અને શરમ ને બહાને બહાર જ ના આવ્યો એટલે હું રસોડામાં ગયો. અમે બેય જણાંએ અમારી મૂર્ખાઈનો ખરખરો રસોડામાં જ કરી લીધો અને મનીયો આઈસ્ક્રીમ ખાવો જ પડશે ની જીદ કરી દુકાને લેવા જવા રસોડાના બારણેથી ઘરની બહાર નીકળ્યો. હું રસોડામાંથી ડ્રોઈંગરૂમમાં પ્રવેશ્યો ત્યાં તો ખડખડાટ હસતાં શાંતા ભાભી મને જોઈ શાંત થઇ ગયા. હું પણ મારા પત્ની અને ભાભી વચ્ચે શું ગુસપુસ થઇ તે જાણવા માંગતો હતો અને તેવામાં જ મારા પત્નીએ મને પાસે બોલાવી કહ્યું, “ મનન ભાઈ આવે એ પહેલા ભાભી એક સસ્પેન્સ વાત કહે છે તે તમે સાંભળો અને તમને મારા સમ છે તમે આ વાત તમારા ભાઈબંધને ના કહેતા.”

હું સસ્પેન્સ અને સમ ની વાત સાંભળી થોડો મુંઝાયો અને તરત તે બંનેને વિશ્વાસ આપ્યો કે હું મનીયાને કશું નહિ કહું એટલે ભાભી એ કહેવાનું શરુ કર્યું, “ જુઓ મને કંઈ જ થઇ નથી, માત્ર પડવાથી થોડું છોલાયું છે. બાકી મને કંઈ પણ થયું છે. જુઓ હું મારા બે પગ પર સહી સલામત ઉભી છું અને ચાલી પણ શકું છું. મેં તમારા આળસુ મિત્રને પાઠ ભણાવવા અને થોડી આળસ ઓછી કરવા આ નાટક કર્યું છે. જે  ઓર્થોપેડિક  ડોક્ટર જોડે ગયા હતાં તે મારી કિટીપાર્ટી ની ફ્રેન્ડના ભાભી છે અને મેં અગાઉથી તેમને ખોટા રીપોર્ટ અને આરામની સલાહ માટે મનાવી લીધા હતાં. મેં તમારા મિત્ર માટે થઈને અગાઉથી પ્લાન બનાવી રાખ્યો હતો . થોડા દિવસમાં તમારા મિત્રની આળસ ઓછી થશે એટલે હું સ્વસ્થ થઇ જઈશ. તમે લોકો મારી ચિંતા ના કરો પણ તમારા ભાઈબંધનું ધ્યાન રાખજો.” ભાભીની વાત સાંભળી મારો પસ્તાવો દૂર થયો પણ મનીયા પર આવી પડેલ તકલીફ માટે થોડુંક દુઃખ અને તેની આળસ દૂર થશે તે વાત પર આનંદ થયો.

eછાપું

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here