સ્વરા ભાસ્કર – લિબરલ માનસિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ

2
330
Photo Courtesy: amarujala.com

સંજય લીલા ભણસાલીએ પદ્માવત કદાચ વિરોધનો સામનો કરવા માટેજ બનાવી હોય એવું લાગી રહ્યું છે. જ્યારે ફિલ્મ રીલીઝ નહોતી થઇ ત્યારે જોયા વગર તેનો વિરોધ ન થાય એવી સલાહ આપનારાઓ હવે ફિલ્મ જોયા બાદ પોતે પેલા વિરોધમાં કદાચ જોડાઈ ગયા હોત તો સારું રહેત એવું વિચારવા લાગ્યા છે. એક્ટ્રેસ સ્વરા ભાસ્કર આ બીજા પ્રકારના જૂથમાં સામેલ છે જેણે ગઈકાલે અંગ્રેજી વેબસાઈટ The Wire માં ભણસાલીને એ ખુલ્લો પત્ર લખ્યો છે.

આમતો આ પત્ર ખુબ લાંબો છે અને તમે તેને ઉપર આપેલી લીંક પર ક્લિક કરીને વાંચી શકો છો પરંતુ સ્વરા ભાસ્કર મોટેભાગે એ બાબતે ભણસાલી પર ગુસ્સે છે કે તેમણે ફિલ્મમાં સતી અથવાતો જૌહરની પ્રથાનું મહિમામંડન કર્યું છે. સ્વરાનું માનવું છે કે ભણસાલીની આ ફિલ્મ જોયા બાદ તેને પોતે માત્ર હાલતી, ચાલતી અને બોલતી યોની (તેના શબ્દોમાં vagina) બનીને રહી ગઈ હોય તેવું લાગે છે. સ્વરા ભાસ્કર આમ કહીને ભારતના લિબરલ સમાજની એ માનસિકતાને ખુલ્લી પાડે છે જેને દરેક બાબતે વાંધો પડે છે અને મોટામોટા શબ્દ પ્રયોગો જેમકે અહીં vagina નો પ્રયોગ કરીને મીડિયામાં અને સોશિયલ મીડિયામાં છવાઈ જવા માંગે છે.

સ્વરા ભાસ્કરનો પત્ર જો શાંતિથી અને પૂરેપૂરો વાંચવામાં આવે તો ખરેખર ખ્યાલ આવી જાય છે કે આ બેન પૂરેપૂરા કન્ફયુઝ છે. એક તરફ સ્વરા ભાસ્કર સંજય લીલા ભણસાલીને જૌહર પ્રથાને મહાન બતાડવા માટે ફટકારે છે તો બીજી તરફ એ આ પત્રમાં ઘણીવાર એમ લખે છે કે તેને ખ્યાલ છે કે આ માત્ર ફિલ્મ છે. તો એક તરફ જો સ્વરા એ સમજતી હોય કે આ એક ફિલ્મ માત્ર છે તો પછી વિરોધ શેનો? ફિલ્મ જોયા બાદ એને અચાનક એવું કેમ લાગવા માંડ્યું કે ભારતીય સ્ત્રી જેમાં તેમાં તે પણ સામેલ છે તે માત્ર યોનીરૂપે સમેટાઈ ગઈ છે?

સ્વરા એ લિબરલ્સમાં સામેલ છે જે પદ્માવત અગાઉ એવું ભારપૂર્વક જણાવતા હતા કે જે ઈતિહાસ છે એ છે એને દર્શાવવામાં ન આવે તો ફિલ્મ સાથે ન્યાય કેવીરીતે થાય? સંજય લીલા ભણસાલી જો તે વખતે ઈતિહાસ સાથે ન્યાય કરી રહ્યા હતા તો ફિલ્મ રીલીઝ થયા બાદ, જ્યારે તમને એવું લાગ્યું કે સાલું આતો કાચું કપાઈ ગયું! અમને તો એમ લાગતું હતું કે ફિલ્મમાં રાજપૂતો વિષે ઘણુંબધું ખરાબ હશે તેની બદલે અહીં તો રાજપૂતોની આન, બાન અને શાનને બરકરાર રાખવામાં આવી છે, ઉલટું એક મુસ્લિમ શાસકની ઈમેજ આ ફિલ્મથી ખરડાઈ છે ત્યારે તમે સઢ ફેરવી નાખ્યું?

આપણે ત્યાં સામ્યવાદી લિબરલ્સ મૂંગા સાદે પદ્માવતમાં અલાઉદ્દીન ખીલજીને આટલો બધો ખરાબ દેખાડવા માટે વિરોધ ઓલરેડી દર્શાવવા માંડ્યા છે. કદાચ સ્વરા ભાસ્કર અહીં હિન્દુ મુસ્લિમ મુદ્દાને વચ્ચે લાવવા નહીં માંગતી હોય એટલે તેણે સ્ત્રી સ્વાતંત્ર્યનો મુદ્દો હાથમાં લઈને વિરોધ કર્યો છે કારણકે લગ્નમાં રિસાયેલા ફુવાજીની જેમ કોઇપણ બાબતે વિરોધ કરવો એ લિબરલ ધર્મ છે.

સ્વરાને અહીંથી એક જ સવાલ છે કે જો તે એક ફિલ્મ જોઇને પોતાને અને સમગ્ર સ્ત્રી સમાજને માત્ર યોની સુધી સીમિત થઇ ગઈ હોવાનું માને છે તો આ ખુલ્લો પત્ર તે લખ્યો તે શું ભારતમાં સ્ત્રીઓને મળતી આઝાદીનું સ્વરૂપ નથી કે શું? શા માટે બે અલગ અલગ યુગને ભેગા કરીને એ લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માંગે છે? જો ફિલ્મ રિલીઝ થઇ તે અગાઉ એક ફિલ્મથી હિન્દુ ધર્મ કે રાજપૂત શાન હલી જાય એટલી નબળી નથી એવું ગાઈવગાડીને કહેનારા લિબરલ હવે ફિલ્મ જોયા બાદ ભારતીય સ્ત્રીઓ માત્ર એક ફિલ્મને લીધે ફરીથી એ સતી અને જૌહરના કાળમાં પરત જતી એવું કેમ વિચારવા લાગ્યા?

આ પત્રમાં એક જગ્યાએ તો સ્વરા ભાસ્કર હાસ્યાસ્પદરીતે સંજય લીલા ભણસાલી પર જૌહર અને સતી પ્રથાને પોતાની ફિલ્મ દ્વારા મહત્ત્વ આપવાને લીધે કાયદેસરનું કામ ચલાવવા જેવી સલાહ પણ આપે છે.

ઘણીવાર એક સવાલ મનમાં થતો હોય છે કે લિબરલ હોવાને લીધે અક્કલ ઓછી થઇ જતી હશે કે પછી અક્કલ ઓછી હોય તો જ લિબરલ થવાનું લાઈસન્સ મળતું હશે?

eછાપું

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here