Facebook થકી થતા લગ્નો વિષે ગુજરાત હાઇકોર્ટનું મંતવ્ય

0
357
Photo Courtesy: indianexpress.com

સમાજમાં લગ્ન વિચ્છેદ કોઈ નવી ઘટના નથી. એક સમય એવો હતો જ્યારે છૂટાછેડા લેવાનો વિચાર કરવો પણ પાપ ગણાતું અને બંને પક્ષો જેમતેમ અને દુઃખી થઈને પણ જીવન વિતાવી દેતા. ત્યારબાદ પ્રેમ લગ્નોની સંખ્યા વધી અને ઓવરઓલ છૂટાછેડા લેવાની સંખ્યા પણ વધી. અમદાવાદમાં હાલમાં એક અનોખો Facebook થકી થયેલા લગ્ન અને તેના થોડાજ સમયબાદ થયેલી છૂટાછેડાની માંગનો કિસ્સો સામે આવ્યો છે.

Photo Courtesy: indianexpress.com

અમદાવાદના અનિતાબેન શાહના પુત્ર જયદીપ શાહે ફેસબુક દ્વારા પસંદ પડી ગયેલી ફંસી શાહ સાથે 2015માં લગ્ન કર્યા હતા. લગ્નના બે જ મહિના બાદ બંને વચ્ચે મનમેળ તૂટી ગયો અને હાલમાં બંને ગુજરાત હાઈકોર્ટમાં છૂટાછેડા માટે લડી રહ્યા છે. આ સમગ્ર મામલામાં ગંભીર કહી શકાય એવો કોણ એવો છે કે ફંસી શાહે તેના સાસરીયાઓ પર દહેજના નામે ત્રાસ ગુજારવાનો આરોપ મૂક્યો છે.

ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ પારડીવાલાએ આ કેસની હાલમાં સુનાવણી કરતા કેટલાક વેધક અને મહત્ત્વના અવલોકનો કર્યા હતા. જસ્ટીસ પારડીવાલાએ કહ્યું હતું કે, “આજના નવા યુગમાં Facebook થકી થનારા લગ્નો નિષ્ફળ જવાના જ છે.” જસ્ટીસનું આમ કહેવા પાછળ કારણ એ હતું કે ફંસીને માત્ર તેના પતિ જયદીપ સાથે તકલીફ હતી તેમ છતાં ઘર છોડ્યા બાદ રાજકોટ પોતાના ઘેર પહોંચીને તેણે લખાવેલી FIRમાં પોતાના સાસરીયાઓ પર હેરાન કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.

જસ્ટીસ પારડીવાલાનું કદાચ એવું માનવું છે કે Facebook જેવા વર્ચ્યુઅલ માધ્યમથી થયેલું આકર્ષણ લાંબો સમય ટક્યું નહીં અને પછી તેમાંથી ઉતાવળે બહાર નીકળી જવાની ફંસીની ઈચ્છાએ તેને તેના સાસરીયાઓ પર ખોટો આરોપ મૂકવા માટે મજબૂર કરી દીધી હતી, કારણકે આમ કરવાથી તેના પ્રત્યે જજને લાગણી થાય અને તેનો કેસ મજબૂત બને. પરંતુ, જસ્ટીસ પારડીવાલાએ બંને પક્ષોને ફરીએકવાર સાથે બેસીને સમાધાન કરવાની સલાહ આપી છે.

જો સમાધાન શક્ય ન હોય તો સુમેળભર્યા વાતાવરણમાં છૂટા થવાનો નિર્ણય લેવાની પણ જસ્ટીસ પારડીવાલા દ્વારા સલાહ આપવામાં આવી છે. આમ ગુજરાત હાઇકોર્ટના આ નિર્ણયને જો ધ્યાનથી સમજવામાં આવે તો એવો ખ્યાલ આવે છે કે ફંસી શાહે પોતાના સાસરીયાઓ પર જે આરોપ મૂક્યો છે તે જસ્ટીસ પારડીવાલાને ખોટો લાગે છે અને આથીજ તેમણે એક વડીલ તરીકે ફંસીને પોતાના આરોપ પરત ખેંચીને અને જયદીપ તેમજ તેના પરિવાર સાથે સમાધાન કરી અને ઘરે પરત ફરવા અથવાતો જો એ શક્ય ન હોય તો શાંતિથી છૂટા પડી જવાની સલાહ આપી છે.

કોઇપણ સમયે પ્રેમની લાગણી પછી તે ફેસબુક કે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી થઇ હોય કે પછી કુદરતીરીતે થઇ હોય તે ખરી છે કે ખોટી તેને પહેલા પારખી લેવી અત્યંત જરૂરી છે. જો એમ કરવામાં આવે અને લગ્ન કરવામાં ઉતાવળ ન કરવામાં આવે, જેમકે ફંસી અને જયદીપ બંનેની ઉંમર ખૂબ નાની છે અને સમય તેમની સાથે છે, તો પછી લગ્ન સામાન્યરીતે થયા હોય કે પછી Facebook થકી, એ જરૂર સફળ જશે. કારણકે Facebookની બહાર થયેલા લગ્નો પણ અમુકજ મહિનામાં નિષ્ફળ જતા આપણે ક્યાં નથી જોયા?

 eછાપું

તમને ગમશે: આ Office of Profit વળી કઈ બલાનું નામ છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here