જેમ દરેક મોટી કોર્પોરેટ કંપનીઓ આજકાલ સોશિયલ મીડિયામાં પોતાની હાજરી પૂરાવે છે એમ વિશ્વની જાણીતી હોટેલ્સ ચેઈન Marriott પણ Facebook, Twitter અને Instagram પર પોતાના વિષે માહિતીની આપ-લે કરતી રહેતી હોય છે. પરંતુ જાન્યુઆરી 11 થી જાન્યુઆરી 18 સુધી Marriott ના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ રહ્યા હતા. આ ઉપરાંત ચીનમાં તેની વેબસાઈટ અને એપ પણ આ અઠવાડિયા દરમ્યાન બંધ રાખવામાં આવી હતી. આમ કેમ થયું તેની પાછળનું કારણ પણ એકદમ રસપ્રદ છે.

બન્યું એવું કે Marriott દ્વારા તેના ચીની ગ્રાહકોને મેન્ડેરીન એટલેકે ચીની ભાષામાં એક સરવે મોકલવામાં આવ્યો હતો અને આ સરવેમાં તેણે તાઇવાન, હોંગકોંગ અને મકાઉને અલગ દેશ દેખાડ્યા હતા. ચીન આ ત્રણેયને પોતાનો ભાગ ગણે છે. તાઈવાન આજે પણ આઝાદ દેશ છે પરંતુ બાકીના બે પર ચીનનું અધિપત્ય કોઈને કોઈ રીતે સ્થાપિત છે. આમ Marriottની આ ભૂલની સજા સ્વરૂપે ચીની સરકારે તેની તમામ વેબ પ્રવૃત્તિઓ પર એક અઠવાડિયાનો પ્રતિબંધ મૂકી દીધો હતો.
તમને ગમશે: મંગળ ગ્રહ પર ગુજરાતનું એક શહેર અમર થઇ ગયું છે
માત્ર ચીની સરકાર જ નહીં પરંતુ ચીની પ્રજા પણ Marriott થી રોષે ભરાઈ હતી અને તેના Instagram એકાઉન્ટ પર “get out of China”, “remember! people’s republic of china! only one! marriott hotels roll out of china!” પ્રકારની કમેન્ટ્સ કરવામાં આવી હતી. Marriott હોટેલ્સ પણ પરિસ્થિતિની ગંભીરતા સમજી ગઈ અને તેણે તરતજ આ અંગે માફી માંગી લીધી જેમાં તેણે કહ્યું હતું કે “Marriott International ચીનના સાર્વભૌમત્વ અને તેની પ્રાદેશિક એકતાનું સન્માન કરે છે. અમે ચીનના સાર્વભૌમત્વ અને તેની પ્રાદેશિક એકતા તોડવાનો પ્રયાસ કરતા કોઇપણ વ્યક્તિનું સમર્થન કરતા નથી અને અમે આ પ્રકારની કોઈ કાર્યવાહીને પ્રોત્સાહન પણ નથી આપતા. અમે પરિસ્થિતિની ગંભીરતાને સમજીએ છીએ અને અમારી નમ્ર માફી માંગીએ છીએ.”
જો કે ચીનની સરકારે આપેલી સજામાં Marriott દ્વારા માત્ર તેની ઈન્ટરનેટ સાઈટ અને એપને જ બંધ કરવાની સજા આપી હતી પરંતુ Marriotએ સ્વયંભુ પણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ મૂંગા કરી દીધા હતા. આટલુંજ નહીં તેની અન્ય બ્રાન્ડ્સ જેમકે Marriott Chicago અને Courtyard Marriott વગેરે પણ આ સ્વયંભુ સોશિયલ મીડિયા બંધમાં સાથ આપ્યો હતો.
ચીની સરકારને જ્યારે પ્રવાસીઓ હોંગકોંગ, તાઈવાન અને મકાઉ માટે અલગ ટિકીટો બૂક કરાવે ત્યારે કોઈજ વાંધો નથી હોતો પરંતુ જ્યારે કોઈ તેને અલગ દેશ તરીકે ઓળખે ત્યારે તેને તકલીફ પડી જાય છે.
કોઈ કંપની આ પ્રકારે પ્રતિબંધ ન હોય તેમ છતાં સ્વયંભુ પણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બંધ કરી દે તે ઘણાને આશ્ચર્ય પમાડે તેવું છે. વળી આ એકાઉન્ટ્સ માત્ર ચીનમાં નહીં પરંતુ વૈશ્વિક સ્તરે બંધ કરવામાં આવ્યા હતા. આ દર્શાવે છે કે Marriott માટે ચીન કેટલું મહત્ત્વનું છે જ્યાંથી તેને દર વર્ષે $64.8 મિલિયન જેટલો બિઝનેસ મળી રહે છે.