ટેસ્ટ ક્રિકેટ : “અભી હમ ઝીંદા હૈ!”

0
383
Photo Courtesy: hindustantimes.com

“ક્રિકેટમાં છેલ્લા બોલ સુધી કશું ન કહેવાય” આ ઉક્તિ આપણે યુગોથી સાંભળતા આવ્યા છીએ. પરંતુ આ ઉક્તિ ટેસ્ટ ક્રિકેટ પણ પુરવાર કરે એવું બહુ ઓછું બનતું હોય છે. હાલમાં જ સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચેની સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ જે જોહાનિસબર્ગમાં રમાઈ તે ઓવરઓલ ક્રિકેટની સુંદરતા વ્યક્ત કરી ગઈ હતી. અહીં ભારતની જીતનું માર્જીન છેલ્લે ભલે બહુ મોટું લાગતું હોય પરંતુ આ ટેસ્ટ મેચ એ સમગ્ર સિરીઝની જેમ અત્યંત close રહી હતી.

Photo Courtesy: hindustantimes.com

બહુ ઓછા લોકોને જાણ હશે કે જોહાનિસબર્ગ આંકડાની દ્રષ્ટિએ પણ ઐતિહાસિક પૂરવાર થઇ હતી. ટેસ્ટ ક્રિકેટ આટલા વર્ષોથી રમાતું આવે છે પરંતુ આ ટેસ્ટમાં એવું પહેલીવાર બન્યું કે તેમાં તમામ વિકેટો એટલેકે ત્રણેય ટેસ્ટની છ ઇનિંગમાં 120 વિકેટો પડી હતી. ટેસ્ટ ક્રિકેટનો સામાન્ય નિયમ છે કે જો તમારે ટેસ્ટ મેચ જીતવી હોય તો સામેની ટીમની 20 વિકેટો લેવી પડે. અહીં બંને ટીમોએ ત્રણેય ટેસ્ટમાં 20-20 વિકેટો લીધી પરંતુ સાઉથ આફ્રિકા આપણી ટીમ કરતા જરાક સારું રમ્યું એટલે એ બે ટેસ્ટ જીતી ગયું અને આપણે માત્ર એક ટેસ્ટ જ જીતી શક્યા.

પરંતુ જોહાનિસબર્ગ ટેસ્ટ મેચે એક હકીકત જરૂર પુરવાર કરી કે ટેસ્ટ ક્રિકેટ હજીપણ જીવે છે અને માત્ર જીવતુંજ નથી પરંતુ તેની સ્ફૂર્તિ કોઇપણ યુવાનને શરમાવે તેવી છે એટલે આવનારા એટલીસ્ટ અડધી સદી સુધી ટેસ્ટ ક્રિકેટને કોઈ ખાસ વાંધો નહીં આવે અને એ પણ એવા સમયમાં જ્યારે દરરોજ Twenty20 ક્રિકેટ વધુને વધુ લોકપ્રિય થતું જાય છે. આમ થવા માટે જોહાનિસબર્ગની પીચને ધન્યવાદ આપવા પડે જેની લગભગ તમામ પંડિતોએ ટીકા કરી હતી.

આ ખરેખર એક irony જ કહી શકાય કે સિરીઝની સૌથી ખરાબ પીચે સૌથી સારું પરિણામ આપ્યું. પહેલા જ દિવસથી પીચ પર બાઉન્સ ઉંચોનીચો હતો અને આથી ભારતનું ટોસ જીતવું તેના માટે પોતાની શરમ બચાવવા માટે રસ્તો સાફ કરનારું હતું. પરંતુ ટોસ જીતવાથી મેચ તો ન જીતાય. આવી અઘરી પીચ પર ભારતના બેટ્સમેનોએ અને ખાસ કરીને પૂંછડીયા બેટ્સમેનોએ કમાલ કરી. એકરીતે જોવા જઈએ તો આપણા બોલરોએ એવી બેટિંગ કરી કે જેનાથી એમને પોતાને બોલિંગ કરવામાં થોડો આરામ મળી શકે.

હા મેચના ત્રીજા દિવસે જ્યારે પીચ ખતરનાક બનવા તરફ જઈ રહી હતી ત્યારે પણ ભારતીય બેટ્સમેનોએ બેટિંગ કરી રાખી અને હિંમત દેખાડી અને બાદમાં બેટિંગ કરવા આવેલા સાઉથ આફ્રિકાના બેટ્સમેનોએ થોડું નાટક કર્યું. એક સમય એવો પણ આવી ગયો કે ભારતની ટેસ્ટ જીતવાની ઈચ્છા પર પાણી ફરી વળે એમ હતું કારણકે અમ્પાયરો અને મેચ રેફરી પીચના સ્વભાવથી અચાનક ચિંતિત બની ગયા હતા. પરંતુ ચોથા દિવસની વહેલી સવારે ત્યાં વરસાદ પડ્યો અને વાતાવરણમાં આવેલા આ ફેરફારે પીચને એટલીસ્ટ પહેલા સેશનમાં પીચને બેટિંગ માટે સરળ બનાવી.

આનો ફાયદો આગલા દિવસે નાટક કરી ચૂકેલા ડીન એલ્ગર અને ખતરનાક હાશિમ આમલાએ લીધો પરંતુ જેમજેમ સૂર્યનારાયણ ગરમ થતા ગયા પીચ પર જે કોઇપણ ભીનાશ હતી એ ઉડવા લાગી અને ફરીથી પેલો અકળ બાઉન્સ શરુ થઇ ગયો. આમલા અને એલ્ગરની બેટિંગ ચાલી રહી હતી ત્યારે ભારતીય ટીમની સિરીઝ અંગેની શ્રદ્ધાંજલિઓ લખાવાની સોશિયલ મીડિયા પર શરુ થઇ ગઈ હતી, પરંતુ ટેસ્ટ ક્રિકેટને નજીકથી જાણનાર એની સીટ પર શાંતિથી બેઠો હતો.

છેવટે હાશિમ આમલાની વિકેટે જાણે ડેમના દરવાજા ખોલી નાખ્યા અને એલ્ગર સિવાય બીજો કોઈજ બેટ્સમેન ટકી શક્યો નહીં અને આવા રોમાંચક ઉતાર ચડાવ પછી ભારતે જીત મેળવી.

જે રીતે આ ટેસ્ટ મેચ રમાઈ તેમાં ટેસ્ટ ક્રિકેટ જ નહીં પરંતુ ક્રિકેટના તમામ મસાલાઓ સામેલ હતા. બેટ્સમેનોનો લડત, બોલરોનો હાહાકાર અને બાકી હતું તો વિવાદ પણ અહીં જોવા મળ્યો. આમ ક્રિકેટના તમામ ગુણધર્મો ધરાવતી જોહાનિસબર્ગ ટેસ્ટ મેચે એ સાબિત કરી દીધું કે હાલપૂરતું તો ટેસ્ટ ક્રિકેટ ‘વેલકમ’ ફિલ્મના ફિરોઝ ખાનની જેમ ગર્વથી કહી શકે છે કે, “અભી હમ ઝીંદા હૈ!”

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here