મુંબઈના લોકો માટે મંગેશ અહીવલે કોઈ નવું નામ નથી, પરંતુ મુંબઈની બહાર એટલેકે આપણા ગુજરાતમાં આ નામ ખરેખર અજાણ્યું છે. કદાચ આજે મંગેશ અહીવલે વિષે અને તેમની ઉદારતા વિષે જાણ્યા બાદ ગુજરાતમાં પણ તેમના વિષે જાણકારી તો વધશે જ પરંતુ તેમના વિષે સન્માન પણ વધી જાય તેવી સંભાવના છે. મંગેશ અહીવલે વિષે વધુ જાણીએ એ પહેલા એમના કારોબાર વિષે જાણી લઈએ? તો મંગેશ એ મુંબઈમાં વડાપાંઉ વેંચવાનો વ્યવસાય કરે છે.

મુંબઈ જેવું શહેર અને એમાં કોઈ વડાપાંઉ વેંચે તો તેનાથી એનું સન્માન કેમ વધી જાય? આવો પ્રશ્ન દરેકને થાય તે સ્વાભાવિક છે. પરંતુ મંગેશ અહીવલે એક અનોખા વડાપાંઉ વેપારી છે. આજે તેઓ તેમની દુકાને આવતા દરેક ગ્રાહકને માત્ર 5 રૂપિયામાં વડાપાંઉ વેંચી રહ્યા છે. કારણ? કારણકે મંગેશ આજની આવક દેશની સેનાને ચરણે ધરી દેવાના છે. આજે મંગેશ જેટલા પણ વડાપાંઉ વેંચશે તેની સમગ્ર કમાણીનો ચેક તેઓ ભારતના રક્ષામંત્રી નિર્મલા સીતારમનને આપી દેવાના છે.
તમને ગમશે: સાહિત્ય ને સીમાડા નહીં, સાહિત્યકારો ખુદ નડે છે…
મુંબઈમાં એક વડાપાંઉ સામાન્યરીતે 14 રૂપિયામાં મળે છે પરંતુ મંગેશ તેને માત્ર 5 રૂપિયામાં જ કેમ વેંચવા માંગે છે એ સવાલનો જવાબ મંગેશ અહીવલે એ આપતા જણાવ્યું હતું કે માત્ર 5 રૂપિયામાં કોઇપણ વ્યક્તિ વડાપાંઉ ખરીદી શકે, એટલેકે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ તેની દુકાનેથી વડાપાંઉ ખરીદીને દેશની સેનાને મદદ કરવાનો ગર્વ લઇ શકે તેના માટે તેમણે વડાપાંઉ આટલા સસ્તા દરે વેંચવાનો નિર્ણય કર્યો હતો..
મંગેશને આટલા સસ્તા ભાવમાં પોતાની વડાપાંઉની દુકાન ‘આપલા વડાપાંઉ’ પર આજેજ 5 રૂપિયામાં વડાપાંઉ વેંચવાનું કેમ મન થયું? આજે કોઈ ખાસ દિવસ છે? તેના જવાબમાં મંગેશે કહ્યું કે સામાન્યરીતે દેશમાં દર 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે દેશભક્તિ તેના ઉફાન પર હોય છે અને બાકીના 363 દિવસ લોકો દેશને અને તેની રક્ષા કરતા સૈનિકોને લગભગ ભૂલી જ જાય છે. આથી આ બંને દિવસ સિવાય કોઈ એક દિવસે સેના માટે કશુંક કરવામાં આવે તો દેશના લોકોને રાષ્ટ્રીય પર્વોની ઉજવણી સિવાય પણ દેશ અને તેના રક્ષકો યાદ આવી શકે છે.

મંગેશ અહીવલે અગાઉ પણ મહારાષ્ટ્રના દુષ્કાળથી ગ્રસ્ત ખેડૂતો માટે મુખ્યમંત્રી રાહત કોષમાં પણ આ જ રીતે સસ્તાદરે વડાપાંઉ વેંચીને રૂ. 20,000ની મદદ આપી ચૂકયા છે. તો ગયે વર્ષે એલ્ફિસ્ટન સ્ટેશને ઘટેલી દુર્ઘટનામાં માર્યા ગયેલાઓ કે ઈજાગ્રસ્ત થયેલાઓના પરિવારજનોને પણ મંગેશે માત્ર 5 રૂપિયામાં વડાપાંઉ વેંચીને મદદ કરવાનો વિનમ્ર પ્રયાસ કર્યો હતો.
સલામ છે મંગેશ અહીવલેને તેમજ તેમની સેવાભાવનાને, દેશને આવા દસ-બાર મંગેશ અહીવલે મળી જાય તો દેશનું જરૂરથી કલ્યાણ થઇ જશે.
eછાપું