ગુમ થયેલ છે: ભારતીય એની શોધ એ જ ઇનામ

1
381
Photo Courtesy: tashiara.com

ખોવાયેલ છે એક ભારતીય. જેને રંગથી કોઈ લેવાદેવા ન હતી. ઉંચાઈ વધારે નહીં પણ દેશના સ્વમાન જેટલી, કપડા બિલકુલ તિરંગાના રંગ જેવા અને અશોકચક્રની જગ્યાએ એનું હૃદય આવતું હતું. જાતિવાદ અને કુંઠિત માનસિકતાએ આપેલા ઠપકાથી ઘર છોડીને નાસી ગયેલ છે. જેને પણ આ ભારતીય મળે (બહાર અથવા પોતાનામાં જ!) એમને નમ્ર વિનંતી કે એનું અનુસરણ કરે. એના માટે કોઈ ઇનામ આપી શકાય તેની હાલ કોઈ જોગવાઈ નથી. પણ હા, એનું અનુસરણ જ તમેં ઇનામ તરીકે લઇ શકો છો”

Photo Courtesy: tashiara.com

આવી જાહેરાત અખબારોમાં આપીએ તોયે એને નોટીસ કર્યા વગર જ એ પાનામાં આપણે ગાંઠિયા અને ચટણી સાથે સંભારાની લિજ્જત માણીને એને કચરાપેટીમાં નાખી દઈએ એટલી હદે ભારતીયતા મરી પરવારી હોય એમ લાગે છે. લોકો જ્ઞાતિવાદના બોજ તળે એટલા તો ધરબાઈ ગયા છે કે એ બોજ હટાવીને પણ જો એમને બહાર કાઢવામાં આવે તો ય એ બહાર નીકળતાવેંત કાઢવાવાળાને એમ પૂછી લે, “તમે કઈ નાતના?”. આપણે આવા ક્યારથી થઇ ગયા? જે ભારતની બિનસાંપ્રદાયિકતાનો આખી દુનિયામાં ડંકો વાગે છે એ જ ભારતનું આજે વિહંગાવલોકન કરતા એવું લાગે છે કે જાણે જાતિવાદ નામનું એક કાળું ડીબાંગ વાદળ લોહીની વર્ષા કરાવે છે.

બધા જ લોકો ‘મારી જાતિ’ ‘મારો સમુદાય’ની માળા જપે રાખે છે. કોઈનાય મોઢે ભારત કે ખુદના ભારતીય હોવાની  વાત નથી. અમને ફલાણું કે ઢીંકણું નથી મળતું એટલે અમારી જાતિના લોકો રસ્તા ઉપર આવીને આંદોલન કરશે અને જે એ આંદોલનને સપોર્ટ નહીં કરે એની બાઈક સળગાવી દઈશું, એને ઢોરમાર મારીશું, પણ સરકારે અમારી વાત તો માનવી જ પડશે. નહીતર અમે દેખાડી દઈશું કે અમે કોણ છીએ. બસ, આ દેખાડો જ કરવાની વૃત્તિએ આપણા દેશમાં જાતિવાદનું ઝેર ફેલાવેલું છે. ભારત ક્યારેય જાતિવાદના ભરડામાંથી પોતાની પ્રજાને છોડાવી શક્યો નથી અને કમનસીબે એ ભારતીય ગુમ થવાનું કારણ ખુદ પ્રજા પોતે જ છે. ચુંટણીની સીટ્સ વહેંચવાની પ્રક્રિયાથી માંડીને કોલેજની સીટ્સ ભરવા સુધી દરેકે દરેક ક્ષેત્રે જાતિવાદ પગપેસારો કરી ચુક્યો છે. પ્રજાની વ્યક્તિગત માનસિકતા મરી પરવારી હોય તેમ લાગે છે, કહો કે એનું કોઈએ ઠંડા કલેજે ખૂન કર્યુ છે.

વળી, આ ખૂન કરવાવાળા જાતિના જ ઠેકેદારો પોતપોતાનો રાજનૈતિક મનસુબો પૂર્ણ કરવા માટે જાતિના લોકોને હથિયાર બનાવે છે, એમને વાપરે છે અને પછી મનોરથ પુરા થયા બાદ આખાય ટોળાને દિશાહીન કરી નાખે છે. ટોળું જાય તો જાય ક્યાં? અને પછી આખાય ટોળાનું ફ્રસ્ટ્રેશન સરકારી મિલકતો પર અને ઘણી વાર આમ આદમીની વ્યક્તિગતસંપત્તિ પર નીકળે છે. આવા એક નહિ, એક હજાર બનાવો હરરોજ ન્યુઝપેપર્સમાં વાંચવામાં આવે છે. આના કરતા વધારે બદનસીબી આપણી એ છે કે હવે આપણે લોકો એ બધાથી ટેવાઈ ગયા છીએ, ગેટ યુઝ્ડ થઇ ગયા છીએ. દેશનું એવુંય સૌભાગ્ય રહ્યું છે કે એક સમયે આ બધી વાતોની નવાઈ લાગતી હતી. એ સમયે કોઈ જાતિ ફાતિની વાત નહતું કરતું. કોઈ વાત કરતુ હતું તો માત્ર ભારતીય હોવાની અને એકત્વની. એ સમય કયો હતો ખબર છે? અંગ્રેજોની ગુલામી. અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ કરાવવા માટે જ્યારે આંદોલન કરવાનું થતું ત્યારે ગાંધીજી મૌલાના અબુલ કલામને એમ નહતા કહેતા કે તમે મુસ્લિમ છો તો અમારાથી અલગ રહો. અરે ભારતીયો ખુદ પોતાની જાતપાત ભૂલીને હિન્દુસ્તાન ધર્મને પ્રાધાન્ય આપતા હતા. મને તો ઘડીક એમ પણ થઇ જાય કે શું એ લોકોએ આવા જાતિવાદના ઝઘડાઓથી દેશને ભડકે બાળવા માટે આઝાદી માટે પોતાના જીવતર ન્યોછાવર કરી દીધા હતા? આ મુર્ખ લોકો માટે જે જરા અમથી કાન ભંભેરણથી પોતાની બુદ્ધિમત્તા ખોઈ દે છે? જો એમ જ હોય તો પછી આપણે ગુલામો જ શું ખોટા હતા? ભલેને ગુલામીમાં પણ કમ સે કમ   આપણે પોતાની જાતને ભારતીય તો માનતા હોત. એ તમામ શહીદોની આત્માઓ અત્યારે નિસાસો નાખી રહી હશે કે શું આપણે આવી છીછરી માનસિકતાવાળી અનુગામી પેઢી માટે થઈને આપણા આત્મ-બલિદાનો આપી દીધા? રખેને ગાંધીજી અત્યારે ફરીથી જન્મ લે અને આપણે એમના સિદ્ધાંતોની કરેલી ધૂળધાણી જુએ તો આ બધું જોઈને તેઓ ગોડસેના પણ પુનર્જન્મની જ પ્રાર્થના કરે એટલી હદે જાતિવાદના ચુંગાલમાં આપણે ફસાઈ ગયા છીએ.

તમે ક્યારેય વિચાર્યું છે કે આઝાદી પછી અચાનક જાતિ શબ્દને આટલો બધો ચગાવી મારવા પાછળ કોનો હાથ છે? તો હાથ કોઈ ચોક્કસ વ્યક્તિનો નથી, પરિસ્થિતિનો છે. સત્તાનો લોભ અને હલકી કક્ષાનું રાજકારણ. આ બંને જ જાતિવાદના વૃક્ષને ખાતર પાણી પાય છે. કોઈ નેતા પોતાના સત્તાલોભને પૂરો કરવા માટે અમુક ચોક્કસ જાતિઓને કે પછી બહુમતીના કિસ્સામાં પોતાની જ જાતિને  ટાર્ગેટ કરે છે. જેતે જાતિના લોકો એ વ્યક્તિને પોતાનો ભગવાન માની લે છે અને એની માનસિકતાને પોતાના આખાય સમુદાયની એક કોમન માનસિકતા બનાવી દે છે. પોતાનો સ્વાર્થ પૂરો થઇ જાય એટલે પછી ‘તમે કોણ ને હું કોણ’વાળી કરવાવાળા કહેવાતા આગેવાનોનું લીસ્ટ ઘણું લાંબુ છે જે તમે અને હું બંને જાણીએ છીએ. તંદુરસ્ત રાજકારણ ભારત માટે એક દિવાસ્વપ્ન સમાન હતું અને અત્યારે પણ છે. રાજકારણના નામે ચાલતી જાતિવાદની ફેકટરીઓ આખા ભારતમાં ઠેકઠેકાણે મોજુદ છે. આવામાં પ્રજાએ એટલે કે આપણે જાતે જ એક સ્ટેન્ડ લેવાનો સમય પાકી ગયો છે. જાતિવાદના નામે ચરી ખાતા લોકોને જાકારો આપીને એની શરૂઆત કરવાની તાતી જરૂરીયાત છે અને તો જ એક ભારતીય પોતાને ભારતીય ગણવા માટે સક્ષમ બનશે.

“યહા મુઝે કિસી સ્ટેટ કા નામ નહિ સુનાઈ દેતા હૈ, ના હી દિખાઈ દેતા હૈ. સુનાઈ દેતા હૈ એક હી મુલ્ક ઔર વો હૈ ઇન્ડિયા”, ‘ચક દે ઇન્ડિયા’નો શાહરૂખ ખાનના જ્યારે આ ડાયલોગ બોલે ત્યારે ઉછળી ઉછળીને આપણે તાળીઓ પાડીએ છીએ. ઘણીવાર મને એમ થાય છે કે આપણી ભારતીયતા માત્ર અને માત્ર ક્રિકેટને ફિલ્મોમાં જ રહી ગઈ છે. પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીના દિવસે દેશભક્તિના પાંચ છ ગીતો જે ‘બરસો સે ચાલી આતી પરંપરા’ જેવા છે એ વગાડીને, ઝંડો ગાડીના બોનેટ પર લટકાવીને આપણે દેશભક્તિ દેખાડીએ છીએ. પણ ખરેખર આ બધા દેખાડાની કોઈ જરૂર જ નથી જો આપણે મનથી એક જ વાર ભારતીય બનવાનો નિર્ધાર કરીએ.

લોકો વહેંચે છે અને આપણે બધા વહેંચાઇ જઈએ છીએ. દેશનો જવાન જ્યારે સરહદ પર દુશ્મનની ગોળીએ વિંધાય છે ત્યારે એ ગોળી એની જાત કે ધર્મ નથી પૂછતી કે ન તો એ શહીદ થનારને પોતાની જાતિની કે કુટુંબીજનોની પરવાહ હોય છે. આપણે આમ ને આમ અંદરોઅંદર જ જાતિવાદ ફેલાવીશું તો એ વીર જવાનોને એમ નહિ થાય કે આપણે આવી પ્રજાના રક્ષણ માટે શહીદી વહોરી લઈએ છીએ જે પુરેપુરી ભારતીય પણ નથી!? એમના માટે બહારના દુશ્મનો શું ઓછા છે તો આપણે સરહદની આ પાર પણ દુશ્મનો ઉભા કરીએ? આવો સવાલ સ્વયંને એક વાર પૂછી જુઓ. જો ભારતીયતા ન જાગે તો ધિક્કાર છે આ પવિત્ર ભૂમિ પર જન્મ લેવો.

આચમન : દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા, જ્યાં ધર્મનો છાંટો નહી, ફિરકા છતાં ફાલી રહ્યા” ~ ખલિલ જિબ્રાન (અનુવાદ : મકરંદ દવે).       

          

1 COMMENT

  1. આ સફર લાંબી ચાલશે… હવે અટકે એમ લાગતું નથી.. કેમકે એમાં પેટ્રોલ નાખનારા અનેક છે… ઘણા ની દુકાનો જાતિવાદ પર ચાલે છે એમાં નેતાઓ ખાસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here