આજકાલ પદમાવતી ફિલ્મનો કકળાટ ખુબ ચાલ્યો .ફિલ્મનો વિવાદ છેક સુપ્રિમ સુધી આંટો મારી આવ્યો. વાત હતી એક રાજપૂત રાણીની. સ્ત્રીત્વ એટલેકે એક સ્ત્રીના સન્માનની. એની અંદરની વાતો જે હોય એ પણ વિચાર એવો આવ્યો કે આખરે તો વાત સ્ત્રી સુરક્ષાની જ છે ને ! તો આ પ્રશ્ન તો સદીઓથી હજી ત્યાં નો ત્યાં જ છે. ફરક એટલો કે એક સમયે સ્ત્રી સન્માન માટે પુરષો કેસરીયા કરતા , આજે ગપસપિયાં કરે છે. સ્ત્રીનાં ઝળઝળીયાં એમનાં સુધી પહોંચે તો છે પણ એમના પુરૂષત્વને ઝંજોડી શકતાં નથી.એ જ તો કારણ છે કે સ્ત્રી એક કે બીજાં કારણોસર શોષાતી આવી છે.

રોજ એક નવી ઘટના કાને અથડાશે. પછી એ મિકાએ રાખી સાવંતને કરેલી કીસ હોય કે કોઈ દૂરનાં ગામડામાં ચાર / પાંચ વર્ષની બાળકી પર થયેલો બળાત્કાર હોય! જ્યાં જબરજસ્તી થાય છે એ ધિક્કારણીય છે પણ એક સવાલ એ પણ છે કે જ્યાં બળાત્કાર નથી થતો અને છતાં પણ સ્ત્રી શોષાય છે એનું શું ?
આજે મારે જે વાત કહેવી છે એ સ્ત્રીની પોતાની જ અણસમજની વાત કરવી છે.
થોડાં સમય પૂર્વે એક ચેનલ પર કોઈ વિરેન્દ્ર બાબાના કરતૂત જોયાં જેમાં બાબાનું આખું સેક્સ સ્કેન્ડલ બતાવાઈ રહયું હતું જેમાં સ્ત્રીઓ ખુદ બાબાને મહિલા પહોંચાડતી હતી.આનાથી વધુ અધોગતિ સ્ત્રી સન્માન અને સ્ત્રી સુરક્ષાની શું હોય? અને અહીં સ્ત્રીત્વ દેખાય પણ ક્યાંથી?
એ પહેલાંની ઘટના યાદ કરો. ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહિમસિંહને સાધ્વીઓ સાથે દુષ્કર્મના કેસમાં કોર્ટએ 20 વર્ષ ની સજા ફટકારી આ વાતનો અનહદ આનંદ છે પણ સવાલ ત્યાં થયો કે આ કેસ 15 વર્ષ સુધી ચાલ્યો?
તમને ગમશે: વર્ષો બાદ ગુજરાતમાં ફરી સંભળાશે ‘વાઘ આવ્યો રે વાઘ’
જે દેશમાં સ્ત્રી શક્તિ સ્વરુપે આરાધિત છે એ દેશમાં સ્ત્રીએ પોતાની સાથે થયેલાં અત્યાચારના ન્યાય માટે 15-15 વર્ષ સુધી રાહ જોવાની? સવાલ તો ત્યાંથી જ ઉઠવા જોઇએ. એને બદલે સમાજમાં વ્યાપેલાં અંધશ્રધ્ધાના દૂષણની વિષમતા જુઓ કે સજાને એક અવાજે વધાવવાને બદલે આ કહેવાતા પાખંડી ગુરુના સમર્થનમાં ઠેર ઠેર તોફાનો ફાટી નીકળ્યાં અને એ તોફાની ટોળામાં મહિલાઓ પણ સામેલ હતી.આ અજ્ઞાનતા એ આપણી કરૂણતા નથી તો શું છે?
ત્યારે શું સ્ત્રીત્વ રડી પડ્યું નહીં હોય? અહીં વાત આવે છે ધર્મ સાથે જોડાયેલી અંધશ્રધ્ધાની, ઘણાં સંપ્રદાયમાં આવી ઘટના બનતી જ આવી છે. ગોપીપ્રથા, દેવદાસીપ્રથા, વગેરે પુરાતન સમયમાં પ્રચલિત હતી અને ધર્મના નામે સ્ત્રીઓનું બધી જ રીતે શોષણ કરવામાં આવતું. જે અતિ આધુનિક ટેક્નોસેવી જમાનામાં પણ ચાલુ જ છે. ત્યારે સવાલ થાય છે કે એના માટે જવાબદાર કોણ?
સમાજ કે સ્ત્રી પોતે? સમાજ તો ગાડરિયો પ્રવાહ જેવો ઘણીવાર જોવા મળે પણ સ્ત્રી ! સ્ત્રી ચૈતન્ય સ્વરૂપ- દુર્ગા સ્વરૂપ – શક્તિ સ્વરૂપ કહેવાતી હોય તો પોતાના શોષણ માટે સ્વંય જવાબદાર ન ગણાય?
હિન્દુસ્તાનના ઇતિહાસમાં આ અધર્મ પહેલ વહેલો નથી. 1862નો મહારાજા લાએબલ કેસ ધર્મના નામે રચાતા પાખંડનો પૂરાવો છે. મુંબઇમાં વૈષ્ણવ સંપ્રદાયના જદુનાથજી સામે આ કેસનો ચૂકાદો આવ્યો ત્યારે કહેવાય છે કે અડધું મુંબઇ કોર્ટ બહાર ચૂકાદાની રાહ જોતું ઊભુ હતું. મહારાજા લાએબલ કેસ પણ ધર્મના નામે થતાં સ્ત્રી શોષણનો જ ભાગ હતો.તાજેતરમાં જ આશારામ અને એમનો દિકરો નારાયણ સાંઇના પણ ધર્મને નામે થતા અધાર્મિક આચરણના કિસ્સા સમાજ સામે આવ્યા છે.
અત્યારે જ્યારે સ્ત્રી શિક્ષણનો મહિમા વધ્યો છે, કાયદાકીય જાગૃતિ પ્રવર્તે છે ત્યારે સ્ત્રી શોષણની આવી પાખંડતા સમગ્ર નારી સમુદાયની ક્રુર હાંસી ઊડાવતી હોય એવું લાગે છે. જ્યારે તસ્લિમા નસરીન, દિપિકા પદુકોણ, કાજલ ઓઝા વૈદ્ય જેવી કોઇ બોલ્ડ સ્ત્રી સમાજની વિચારસરણી સામે સ્ત્રીત્વ રૂપે અવાજ ઊઠાવે ત્યારે કમનસીબે એમના અવાજને દબાવી દેવામાં આવે છે. પણ સ્ત્રીને એના નિજાનંદથી શરૂ કરીને એની સલામતી સુધીના તમામ અધિકારો પ્રાપ્ત છે એ વાત સ્વીકારવામાં સમાજ ઊણો ઊતરે છે. ઘણી વખત તો એવું જોવા મળે છે કે સ્ત્રી પોતે પણ એના હક્ક વિશે જાગૃત નથી હોતી. સ્ત્રીને પણ દબાયેલાં કચડાયેલાં રહેવાની જાણે ટેવ પડી ગઇ હોય છે. એ જીવન એણે સહજ સ્વીકારી લીધું હોય છે.
કદાચ એનું મૂળ કારણ મહિલાઓ ઉપર નાનપણથી જ લાદવામાં આવેલું સંસ્કાર અને ધર્મનું આધિપત્ય હોય શકે. સ્ત્રીનું શરીર કોઇ ભોગ વિલાસનું સાધન નથી કે નથી એના દ્વારા ઇશ્વરની પ્રાપ્તિ થતી. આ શરીર સમર્પણ દ્વારા ધર્મ કે ઇશ્વર સુધી પહોચવાની અંધશ્રધ્ધામાંથી સ્ત્રી એ પોતે જ બહાર આવવું પડશે. કોઇ પણ ગુરુ, ધર્મ કે સંપ્રદાય સ્ત્રી ઉપભોગ દ્રારા મોક્ષ પ્રાપ્તિ નો રસ્તો બતાડતો હોય તો એ કેવલ પાખંડ છે, જુઠાણું છે, દંભ છે. માત્ર પોતાની વાસના સંતોષવા માટે આચરવામાં આવતું છળ છે. આ વાત માટે અભણ, અબુધ ને અંધશ્રધ્ધાળુ માનસિક્તા ધરાવતી સ્ત્રીઓને સમાજે જાગૃત કરવી પડશે.
પાખંડીઓ નો ભોગ બનેલી સ્ત્રીઓ પરત્વે પણ હુંફ અને સહાનુભુતિપૂર્વકનું વલણ સમાજે દાખવવું પડશે. એ માટે શિક્ષિત સ્ત્રીઓ એ એક ચોક્ક્સ અભિગમ સાથે પહેલ કર્વાની જરૂર છે. મહિલાઓએ એ સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે કે કોઇપણ ધર્મ સ્ત્રીને એના મૂળભુત અધિકારોથી વંચિત નથી કરતો માટે ધર્મના નામે થતા ધતિંગ સામે સ્ત્રી જ જ્યારે રણચંડી બની જજૂમશે ત્યારે આપોઆપ જ આવા પાખંડી ધર્મગુરુ, ધર્મ સંપ્રદાયો અને ધાર્મિક અંધશ્રધ્ધાનો અંત આવશે એ પછી જ ઊગશે સાચી સ્ત્રી સશક્તિકરણનું સ્ત્રીત્વ ધરાવતું પહેલું કિરણ….
eછાપું
Khub sachot, saras..
જેવું હનુમાનજી ને શક્તિઓ યાદ કરાવી… જેમ શિયાળો ના ટોળા માં રહેલા સિંહ બાળ ને તું શિયાળ નથી એમ યાદ કરાવવું પડ્યું નારી ને પણ એની શક્તિઓ યાદ કરાવવી એજ આ સમય ની માંગ છે… તું કામિની નહિ મહાકાલી છે… જરૂર પડે શક્તિ વાપરતા શીખવાડવું, અવાજ ઉઠાવવો વગેરે સરકારે શીખવવું પડે એમ છે…