ખોવાઈ ગયેલો કોઈ માણસ અમુક વર્ષો બાદ ન મળે તો કાયદો અને સમાજ તેને મૃત ઘોષિત કરી દેતો હોય છે. ઘણીવાર આવા કિસ્સામાં વર્ષો બાદ એ વ્યક્તિ જીવતોજાગતો આપણી સામે આવીને ઉભો રહે એવું પણ બની શકે છે. બોલીવુડની ફિલ્મોમાં આવું ઘણીવાર જોયું પણ છે. પરંતુ કોઈ સેટેલાઈટ જેને વિશ્વની સૌથી વિશ્વસનીય અવકાશ સંસ્થા NASA મૃત જાહેર કરી ચૂકી હોય અને જો એ લગભગ એક દાયકા બાદ ફરીથી જીવતો મળે તો?

વિશ્વાસ નથી આવતોને? પરંતુ આ ખરેખર બન્યું છે. Imager for NASA’s Megnetopause-to-Aurora Global Exploration જેવું લાંબુલચક નામ ધરાવતો આ સેટેલાઈટ જેને આપણે હવેથી તેના ટૂંકા નામે એટલેકે IMAGE તરીકે ઓળખીશું તેને અવકાશમાં 25 માર્ચ, 2000 ના દિવસે અવકાશમાં છોડવામાં આવ્યો હતો. આ સેટેલાઈટને બે વર્ષ માટે અવકાશમાં કાર્ય કરવાનું હતું. પરંતુ ત્યારબાદ NASAના વૈજ્ઞાનિકોને લાગ્યું કે હજીપણ આ સેટેલાઈટ કાર્ય કરી શકે તેમ છે એટલે તેની પાસેથી ડેટા મેળવવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું.
અચાનકજ ડિસેમ્બર 18, 2005ના દિવસે IMAGE દ્વારા સિગ્નલ્સ મોકલાવવાના બંધ થઇ ગયા. તેમ છતાં NASA દ્વારા તેનો સંપર્ક સાધવાના પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા. અંતે 2007માં તેને ઓફિશિયલી મૃત જાહેર કરી દેવામાં આવ્યો.
તમને ગમશે: IIM Ahmedabad ના વિદ્યાર્થીઓ ભણશે બાહુબલી 2: ધ કનક્લુઝન
અચાનકજ આ વર્ષે 20 જાન્યુઆરીએ ધ જહોન્સ હોપકિન્સ એપ્લાઇડ ફિઝીક્સ લેબના એક એમેચ્યોર એસ્ટ્રોનોમર દ્વારા IMAGE તરફથી આવતા સિગ્નલો રેકોર્ડ કરવામાં આવ્યા. તેણે આ અંગેની માહિતી તેના ઉચ્ચ અધિકારીઓને આપી. ત્યારબાદ NASAના ગોડાર્ડ સ્પેસ ફ્લાઈટ સેન્ટરના વૈજ્ઞાનિકો તેમજ એન્જીનીયરોએ આ ડેટાનું અધ્યયન શરુ કર્યું.
NASA દ્વારા રીસીવ કરવામાં આવેલા સિગ્નલોથી એ ખબર પડે છે કે IMAGE તેમને બેઝીક ડેટા મોકલી રહ્યું છે અને આ સેટેલાઈટની મુખ્ય કંટ્રોલ સિસ્ટમ હજીપણ કાર્યરત છે. હવે NASAના વૈજ્ઞાનિકો મૃત ઘોષિત થયેલા આ સેટેલાઈટ પરથી મળી રહેલા સિગ્નલોનો સતત અભ્યાસ કરતા રહેશે.
આમ કરવાથી તેમને ખબર પડશે કે IMAGEની અત્યારની હાલત કેવી છે અને તેના સિગ્નલો તેમને હજી ક્યાં સુધી મળતા રહેશે.
એમેચ્યોર એસ્ટ્રોનોમર દ્વારા મેળવેલા ડેટાને ટેલીમેટ્રી ડેટા કહેવામાં આવે છે અને આ ડેટા તેને સ્પેસક્રાફ્ટનું ID 166 દર્શાવતું હતું જે IMAGEનું ID હતું અને તેનાથી NASAને ખ્યાલ આવ્યો કે IMAGE તેના મૃત ઘોષિત થયાના એક દાયકા બાદ હજીપણ જીવે છે.
eછાપું