ગઈકાલે ભારતીય નેવીમાં સમાવિષ્ટ થયેલી INS કારંજ શું વિશેષતા ધરાવે છે?

2
317
Photo Courtesy: hindi.apnlive.com

દરિયાઈ સીમામાં ચીનનું વધતું મહત્વ ભારત માટે ચિંતા સમાન છે ત્યારે INS કારંજનું લૉન્ચ થવું ચીનને લાલ આંખ બતાવનાર માની શકાય એમ છે. ભારતની મઝગાવ ડોક શિપબિલ્ડર્સ લિ અને દરિયાઈ સુરક્ષાક્ષેત્રે કામ કરતા અને ફ્રેન્ચ શિપબિલ્ડીંગમાં વિશાળ એવા નેવલ ગ્રુપ (અગાઉ DCNS) ના સહકારમાં બાંધવામાં આવી છે. આ  કંપની સાથે 2005માં થયેલા કરાર અંતર્ગત INS કારંજ ત્રીજી સબમરીન છે, જે ગઈકાલે નેવલ ચીફ એડમિરલ સુનિલ લાંબાના પત્ની શ્રીમતી રીના લાંબા દ્વારા લૉન્ચ થઈ. કંપની સાથે થયેલા કરાર મુજબ મુંબઈસ્થિત મઝગાંવ ડૉક લિમિટેડમાં કુલ છ સબમરીન ભારતમાં તૈયાર થશે.

Photo Courtesy: hindi.apnlive.com

આ પહેલાં કલવારી-ક્લાસમાંની (જે ભારત બહાર સ્કોર્પિન ક્લાસ તરીકે ઓળખાય છે) પહેલી સબમરીન INS કલવારી ગયા ડિસેમ્બરમાં નૌકાદળને સોંપવામાં આવી. જ્યારે બીજી સબમરીન INS ખંડેરી પર આશરે એક વર્ષથી અલગ અલગ પરીક્ષણો ચાલુ છે. INS ખંડેરી 2018ના મધ્યાન્ત સુધીમાં નૌકાદળને સોંપી દેવાશે તેવું મનાઈ રહ્યું છે.

કલવારી જૂથની બધી જ સબમરીનો ઇલેક્ટ્રિક પાવર દ્વારા આગળ વધે તેવી ગોઠવણ છે. સબમરીનમાં ચાર હેવી ડીઝલ જનરેટર કુલ 2500 KW પાવર જનરેટ કરે છે જેનો ઉપયોગ મોટર દ્વારા પ્રોપેલરને પરિભ્રમણ કરાવવા અને બેટરી ચાર્જ કરવામાં થાય છે. પાવર સ્ટોરેજ માટે 750 કિલોગ્રામની એક એવી કુલ 360 બેટરીઓ સબમરીનમાં ઉપલબ્ધ કરાઈ છે.

તમને ગમશે: Facebook થકી થતા લગ્નો વિષે ગુજરાત હાઇકોર્ટનું મંતવ્ય

INS કારંજની લંબાઈ 67.5 મીટર છે તેમજ ઊંચાઈ 12.3 મીટર છે જ્યારે સબમરીનની પહોળાઈ 6.2 મીટર છે. INS કારંજ દરિયાની સપાટીથી 350 મીટર નીચે મહત્તમ 37 kmphની ઝડપે તરી શકે છે તેમજ સપાટી પર તેની મહત્તમ ઝડપ ઘટીને 22 kmph રહે છે. INS કારંજ પાણી નીચે રહીને મહત્તમ 15 kmphની ઝડપે કુલ 12000 કિમીનું અંતર ખેડી શકે છે અને સપાટી પર રહીને 9.3 kmphની મહત્તમ ઝડપે 1000 કિમી અટક્યા વગર પ્રવાસ કરી શકે છે.

સબમરીનમાં સમાવિષ્ટ શસ્ત્રોની ચર્ચા કરીએ તો કારંજમાં કુલ છ ટોર્પિડો ટ્યૂબો છે અને ઇટાલી દ્વારા નિર્મિત અઢાર એન્ટિશિપ/એન્ટિસબમરીન “બ્લેક શાર્ક” ટોર્પિડો અથવા એન્ટિસરફેસ મિસાઈલો સંગ્રહિત થઈ શકે છે. ટોર્પિડો અને મિસાઈલોને હટાવીને તેના સ્થાને સબમરીનમાં ત્રીસ સમુદ્રી સુરંગો ગોઠવી શકાય તેવી વ્યવસ્થા છે. સબમરીનમાં 9 ઑફિસર અને 35 નાવિકો એમ કુલ મળીને 43 જણા રહી શકે તેટલી સગવડ આપવામાં આવી છે. સબમરીન કિનારે આવ્યા વગર લાગલગાટ ચાલીસ દિવસ સુધી આરામથી મધદરિયે રહી શકે છે.

અત્યાધુનિક યંત્રો દ્વારા INS કારંજને એક મજબૂત ઓળખ મળી છે. અહીં મોટા ભાગનું ઓટોમેશન ઑફિસરોનો બોજ ઘણો હળવો કરી દે છે. સબમરીનનો હાઇડ્રોડાયનેમિક આકાર કે જેની પ્રેરણા વ્હેલના આકારને કારણે મળી છે, તેના લીધે ખૂબ ઓછા અવરોધ સાથે આગળ વધે છે.

કરાર અનુસાર 2020 સુધીમાં બાકીની ત્રણ સબમરીન લૉન્ચ થઈ જશે તેવું મનાય છે.

eછાપું

2 COMMENTS

  1. હાર્દિક ક્યાડા, મેં તમારો આર્ટિકલ વાંચ્યો જે ખુબજ ઉત્સાહિત કરનાર છે. ભારત દેશ ના હિત માટે જે પગલાં આપણી સુરક્ષા સેનાએ લીધા અને બહેતરીન ડિફેન્સ સાધનો વિશે તમારા વિચારો ખુબજ ઉચ્ચ છે. જે આજના સમય માં સામાન્ય લોકો લખવાની વાત તો દૂર પણ વિચારી પણ નથી શકતા,તમે તમારા આર્ટિકલ માં ખુબજ સરસ લખ્યું છે. જે વાંચી ને મને આનંદ થયો.

    • જી મોહનભાઇ,જ્યારે દેશનો દરેક નાગરિક દેશની સુરક્ષા વિશે જાણતો,વિચારતો થશે ત્યારે સૈનિકોને ઉજાગરા નહીં કરવા પડે. આપે રસ દાખવીને ટિપ્પણી માટે સમય ફાળવ્યો એ બદલ આભાર. વધુ લોકોને પહોંચે એ માટે સહભાગી બનશો તો ઋણી રહીશ. આભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here