એક નૂર આદમી અને હજાર નૂર કપડાં

1
414
Photo Courtesy: dnaindia.com

લગભગ કોલેજકાળ સુધી અને આમ જુવો તો આજની તારીખ સુધી ફેશને મને જરાય સ્પર્શ કર્યો નથી. ખબર નહીં પણ કેમ કપડાં પેલું જૂની ગોલમાલમાં અમોલ પાલેકર કહે છે એમ શરીરની લજ્જા નિવારણ માટેજ હોય છે એવો વિચાર દિમાગમાં ઉંડે ઉંડે સુધી ફેલાઈ ચૂક્યો છે. પણ જ્યારે નાનપણમાં એકદમ સાદા કપડા પહેરીને પ્રસંગોમાં જવા માટે તૈયાર થતો ત્યારે મારા દાદી મને મારી સાદગીને ટોકતા કે, “એક નૂર આદમી અને હજાર નૂર કપડાં” એટલેકે તમે ભલે ગમે તેટલા હેન્ડસમ કે રૂપાળા હોવ પણ ચકાચક કપડા પહેરો તો જ તમારા દેખાવમાં ચાર ચાંદ લાગે.

Photo Courtesy: dnaindia.com

આપણે ત્યાં એક ફેશન છે કે આકર્ષક કપડાં તો માત્ર સામાન્ય વ્યક્તિ જ પહેરે અને નેતાઓએ માત્ર ખાદી બ્રાન્ડના જ કપડાં પહેરી શકે. આ ફેશનને આપણા નેતાઓએ પણ એમનેમ વગર વિચારે ગળથુથીમાં ઉતારી લીધી છે. હા આપણા ગુજરાતના શક્તિસિંહ ગોહિલ કે સૌરભ પટેલ જેવા કેટલાક અપવાદ જરૂર હોઈ શકે કે જે વિધાનસભામાં પણ પેન્ટ શર્ટમાં આવતા હોય. આપણા નેતાઓ બહુ બહુ તો જોધપુરી પહેરે અને જો વિદેશયાત્રાએ જાય તો સૂટ પહેરે. પોતાના વાણી અને વર્તનમાં ભલે સરળતા ન રાખતા હોય પણ નેતાઓના કપડાં તો સરળ જ હોવા જોઈએ એવો એક નકામો વિચાર આપણે ત્યાં પ્રસિદ્ધ છે.

વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ જ્યારે તે સમયના અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારતયાત્રા આવ્યા હતા ત્યારે એક અનોખો સૂટ પહેર્યો હતો જેના પર ઠેરઠેર એમનું નામ કોતરેલું હતું. એ સમયે એવું કહેવાતું હતું કે આ સૂટ લગભગ એક લાખ રૂપિયાનો છે. તરતજ ભારત જેવા ‘ગરીબ’ દેશના વડાપ્રધાનને આવો મોંઘો સૂટ પહેરવો શોભતો નથી એવો ગણગણાટ શરુ થયો અને કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ મોદી સરકારને ‘સૂટબૂટ કી સરકાર’ જાહેર પણ કરી દીધી.

હવે રાહુલ ગાંધી ખુદ ફસાઈ ગયા છે. બે દિવસ અગાઉ નાગાલેન્ડમાં ચૂંટણી પ્રચાર કરવા ગયેલા રાહુલબાબાએ લગભગ નેવું હજાર રૂપિયાનું બ્રાન્ડેડ જેકેટ પહેર્યું હતું. સદાય સાદગીનું રટણ કરતા રાહુલબાબાએ આવું મોંઘુ જેકેટ કેમ પહેર્યું હશે એવો સવાલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થવા લાગ્યો. કાયમ “પોતે કરે એ જ લીલા” ના મંત્રમાં માનતા કોંગ્રેસીઓએ દર વખતની જેમ આ બાબતને શરૂઆતમાં ઇગ્નોર કરી, પણ જ્યારે એમ લાગ્યું કે હવે જવાબ આપવો જ પડશે ત્યારે તેમણે ફરીથી દર વખતની જેમ ગળે ન ઉતરે એવો જવાબ આપ્યો કે આ તો રાહુલજીએ કોઈકનું જેકેટ ઉધાર લીધું હતું.

કોંગ્રેસને આવો ખુલાસો આપવાની ફરજ એટલે પડી કારણકે મોદીએ જ્યારે લાખ રૂપિયાનો સૂટ પહેર્યો ત્યારે ‘ગરીબ’ દેશના વડાપ્રધાનનું ગાણું ગાયું હતું અને રાહુલ ગાંધીતો વિપક્ષના નેતા પણ નથી.

ખરેખર જોવા જઈએ તો કોણે કેવા કપડાં પહેરવા અને કેવા નહીં એ એની અંગત ચોઈસની બાબત છે. તે વખતે વડાપ્રધાને અને હવે રાહુલ ગાંધીએ જો ભેટમાં મળેલા, ખુદ ખરીદેલા કે પછી ઉધારમાં લીધેલા મોંઘા કપડાં પહેર્યા હોય તો એ એમને એ રીતે મળે છે, પોસાય છે એટલે પહેર્યા હતા. વારસામાં મળેલું ધન બાદ કરો તો પણ એક સંસદસભ્ય અને વડાપ્રધાનનો પગાર એટલો તો છે જ કે એ જરાક અમથી બચત કરીને પણ આવા મોંઘા કપડાં ખરીદી શકવા સક્ષમ બની શકે છે.

વાંધો માનસિકતાનો છે. ભારત હવે ગરીબ રહ્યો હોય કે ન રહ્યો હોય પણ એનાથી એના નેતાઓએ કેવા કપડાં પહેરવા જોઈએ એ નક્કી બિલકુલ ન થાય. બલ્કે જો મોંઘા અથવાતો આકર્ષક કપડાં આપણા નેતાઓ પહેરે તો એ કદાચ જનતાની અપેક્ષાનું જ પ્રતિક કહી શકાય. આજે ભલે ગરીબ હોઈએ પણ એક દિવસ મારે પણ આવા કપડાં પહેરવા છે એવી હકારાત્મકતા આજે કોઇપણ વ્યક્તિ ધરાવી શકે છે અને આ અપેક્ષા જો તેને તેના નેતાઓ તરફથી જ મળે તો એમાં વાંધો શું છે?

eછાપું

તમને ગમશે: IIM Ahmedabad ના વિદ્યાર્થીઓ ભણશે બાહુબલી 2: ધ કનક્લુઝન

1 COMMENT

  1. કોક વાર ફાટેલો ઝભ્ભો પણ પહેરેલો… અલગારી બાબા .. રાહુલ બાબા… જેકેટ બે સાઈડ પહેરાય એવું લાગે છે… ફરી ઊંધું કરી ને પહેરે તો બીસાડા માટે બીજો લેખ ના લખતા કાકુ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here