ટેનિસ લેજન્ડ રોજર ફેડરરે આ રવિવારે બરાબર એક વર્ષ બાદ ઓસ્ટ્રેલિયન ઓપનની ટ્રોફી ફરીથી જીતી લીધી અને તેના તમામ ટીકાકારોની બોલતી તો બંધ કરી જ દીધી પરંતુ માર્ટીન સિલિક સામે રમેલી ફાઈનલ પાંચ સેટ સુધી લંબાઈ હતી એટલે તેની ફિટનેસ પણ પુરવાર થઇ ગઈ હતી. જીવનનો ત્રીજો દાયકો અડધો વટાવી દીધો હોવા છતાં રોજર ફેડરરે ઘણાબધા ફિટનેસ પંડિતોને ખોટા પાડી દીધા છે પરંતુ તેના બેસ્ટ ફ્રેન્ડ આન્દ ચુડીનેલીની માન્યતાને પણ તેણે ખોટી ઠેરવી છે.

ફેડરરના રવિવારના વિજય બાદ સ્વિત્ઝરલેન્ડના એક અખબારને આપેલી એક ભાવપૂર્ણ મુલાકાતમાં ચુડીનેલી, જે ફેડરરના શરૂઆતના સમયમાં તેની સાથે ટેનિસ રમ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષે વિમ્બલ્ડન જીત્યા બાદ ફેડરર જે રીતે ઈજા સામે સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે એમને લાગ્યું હતું કે હવે રોજર ગમેત્યારે નિવૃત્તિ જાહેર કરી દેશે કારણકે હવે આ ઉંમરે આ પ્રકારની ઇજામાંથી બહાર આવવામાં સમય લાગશે.
ચુડીનેલીએ ઉમેર્યું હતું કે આટલા બધા ગ્રાન્ડસ્લેમ જીતીને જો તે સમયેજ રોજર ફેડરરે નિવૃત્તિ જાહેર કરી દીધી હોત, પછી ભલેને તે ઈજાને કારણે એની ઈચ્છા વિરુદ્ધ લેવી પડી હોત, તો પણ કોઈને આશ્ચર્ય ન થાત. આ ઉપરાંત આટલા બધા વર્ષ ટેનિસ પર રાજ કર્યા બાદ તેની ઈજાને લેવામાં આવેલી નિવૃત્તિને લીધે કોઈએ એને લેજન્ડ ગણવાથી ઇન્કાર પણ ન કર્યો હોત. ટૂંકમાં કહીએ તો ગયા વર્ષે વિમ્બલ્ડન જીતીને જ ફેડરરે જો નિવૃત્તિ લેવાની ઘોષણા કરી હોત તો તેને કશુંજ ગુમાવવાનું ન હતું.
તમને ગમશે: નાના વ્યાપારીઓ દ્વારા ધ્યાનમાં લેવા જેવી 15 સલાહ
બે વર્ષ પહેલા પણ રોજર ફેડરરને ઘૂંટણની ગંભીર ઈજા થઇ હતી. આન્દ ચુડીનેલી કહે છે કે, “ઇવન તે વખતે પણ રોજર ગ્રેટ જ હતો. તે વખતે એ રિટાયર થયો હોત તો બહુબહુ તો લોકો એમ કહેત કે 34 વર્ષે 17 ગ્રાન્ડસ્લેમ જીતીને એક મહાન ખેલાડી નિવૃત્ત થયો.” ચુડીનેલીનું માનવું છે કે ત્યારે પણ ફેડરર ઇજામાંથી બહાર આવીને વધારાના ત્રણ ગ્રાન્ડસ્લેમ ટાઈટલ જીતશે તેની અપેક્ષા તેના નજીકના મિત્રોને, જેમાં એ પણ સામેલ છે, બિલકુલ ન હતી.
ચુડીનેલીએ છેલ્લે રોજર ફેડરરની નમ્રતા અને પ્રમાણિકતાના સદગુણોના વખાણ કરતા કહ્યું કે તે આટલો વિખ્યાત ખેલાડી બની ગયો હોવા છતાં, રોજર ફેડરરે હજીપણ પોતાના આ ગુણો જાળવી રાખ્યા છે.
ઓસ્ટ્રેલિયન ઓપનમાં જીત મેળવ્યા બાદ રોજર ફેડરર હવે ચાર અઠવાડિયાના આરામ પર છે અને હવે આ મહિનાના અંતમાં રમાનારી દુબઈ ઓપનમાં ફરીથી રમશે. ફેડરરનું માનવું છે કે હવે તે બે મોટી ટુર્નામેન્ટની વચ્ચે મોટો બ્રેક લઈને આરામ કરે તો પણ તેની કેરિયર લંબાઈ શકે તેમ છે.
eછાપું