મેરીટલ રેપ, એક અપરાધીક માનસિકતા

0
428
Photo Courtesy: dnaindia.com

આજે એક એવા વિષય પર ચર્ચા કરવી છે જે લખતા તો ઠીક, વિચારતા પણ કંપન આવી જાય. આપણા સુધરેલા સમાજની આસપાસ જો તમે “મેરિટલ રેપ” શબ્દ સાંભળ્યો હોય, તો અમારો તમને પ્રશ્ન એ છે કે એ સાંભળીને તમે તેના વિરોધમાં કોઈ સકારાત્મક પગલું ભર્યું? જો જવાબ “હા” હોય તો તમારી જાત પર ગર્વ કરજો અને “ના” હોય તો અમારો આ લેખ અચૂક વાંચજો. આ વાંચનાર દરેક પુરુષ પોતાની જાતને જ પુછે કે તેઓ પત્ની ઉપરનાં આવા કહેવાતા ‘અધીકાર’ અથવા તો ‘ઈન્ટેન્સ લવ મેકીંગ’ ના નામે મેરીટલ રેપનો ભાગ તો નથી બનતાને?  અને દરેક સ્ત્રી વિચારે કે તેઓ હંમેશા પોતાની મરજી વગર મેરીટલ રેપ નો ભોગ તો નથી બનતીને? જો જવાબ ‘હા’ માં હોય તો આપની માનસિકતા બદલવાનો સમય આવી ગયો છે એમ માનવું.

Photo Courtesy: dnaindia.com

અજુગતું લાગ્યુંને ? આંખનાં ભવા ચડી જાય તો પણ આજકાલ સોશિયલ મીડિયામાં આ શબ્દો ખુબ ચર્ચાય છે. સામાન્ય રીતે ‘રેપ’ શબ્દ કે ઘટનાને આપણે સહુ વખોડીએ છીએ, પણ મેરિટલ રેપને? ઘણા એવું માનશે કે આવું કઈ હોતું નથી, જ્યાં મેરેજ એટલે કે લગ્ન હોય ત્યાં રેપ એટલે કે બળાત્કાર ક્યાંથી આવે? કારણ કે આપણો સમાજ આજે પણ એમ માને છે કે શારીરિક સંબંધોમાં સ્ત્રીની ‘હા’ કે ‘ના’ હોય જ નહિ અને લગ્ન એટલે પતિનું પત્ની ઉપર પૂરેપૂરું આધિપત્ય. ‘લગ્ન’ એટલે ભારતનાં કલ્ચર પ્રમાણે બે કુટુંબ વચ્ચેનું ગઠબંધન એને સંસારનાં નિયમો લાગુ પડે, પછી તે સ્વીકારવા દંપતી તૈયાર હોય કે ન હોય. શું છે આ સંસારનાં નિયમો? જુના જમાનામાં દીકરીનાં માતાપિતા માટે લેવડ-દેવડ દ્વારા દીકરાનાં કુટુંબ સાથે કરવામાં આવતો સોદો જે સંપૂર્ણપણે માનસિક અને શારીરિક શોષણનો પડઘો પાડે? કે પછી આજના ભણેલ ગણેલ સમાજ પ્રમાણે એક એવી વ્યવસ્થા કે જેમાં માનસિક અને શારીરિક શોષણની સાથે આર્થિક જરૂરીયાત પુરી કરવાની શરતો આવે?

પણ દેવીઓ અને સજ્જનો, ‘No means No’. પત્નીને પણ ‘ના’ કહેવાનો અધિકાર છે. શારીરિક ઇચ્છાઓ જેટલી જ માનસિક ઇચ્છાઓને પ્રાધાન્ય આપવામાં આવે, તો એમાં ખોટું શું છે? સ્ત્રી જાણે પુરૂષોની પ્રોપર્ટી હોય એમ તેની સાથે વર્તણૂક કરવામાં આવે છે. સમાજનો ડર એને આ અભિશાપમાં જકડી રાખે છે. પતિ તો શારીરિક બળાત્કાર કરે જ છે પણ જો એ સ્ત્રી પોતાનાં સ્વમાનની માંગણી કરે તો સમાજનાં અગ્રણી ગણાતા તત્વો, એ સ્ત્રીનો માનસિક બળાત્કાર કરતા ખચકાતા નથી. આ પરિસ્થિતિ એ કોઈ પણ સ્ત્રી માટે અપમાનથી વિશેષ નથી.

લગ્ન એટલે પત્ની સાથે તેની ઈચ્છા વિરુદ્ધ પણ સંભોગ કરવાનું લાઈસન્સ તો નથીજ. આપણા દેશમાં મેરિટલ રેપ એક અપરાધ ગણવામાં નથી આવતો. સરકાર ‘જો મેરિટલ રેપને અપરાધ ગણવામાં આવે તો તેનો દુરુપયોગ થાય’ તેવું કહે છે, પરંતુ હાલમાં પતિ દ્વારા પત્ની પર થતા અત્યાચારનું શું? ભલે એમ કહેવાય કે લગ્નલક્ષી કાયદાઓ સ્ત્રી તરફ વધારે ઝૂકે પણ તેને સાબિત કરવામાં અડધી ઉંમર ખર્ચાઈ જાય છે.

તમને ગમશે: ટકાઉ સફળતા માટે જેફ બેઝોસ વીસ વર્ષ પહેલા બોલ્યા હતા

એક સામાન્ય દાંપત્ય જીવનમાં પતિ પોતાની પત્નીને માન – સમ્માન સાથે જીવવા માટે સાથ આપે છે અને એની બધી જ ઈચ્છાઓ પૂરી કરવી એને એક ધર્મ માને છે. પણ, એક વ્યક્તિ જ્યારે માત્ર શારીરિક ઈચ્છાઓ પૂરી કરવા માટે લગ્નરૂપી બંધનમાં બંધાય ત્યારે તેને એક બળાત્કારીનું બીરૂદ આપતા અમને જરા પણ ખચકાટ નહી થાય.

મેરિટલ રેપ એક એવી સ્થિતિ હોય છે જેને સ્ત્રી કોઈને જણાવી પણ નથી શકતી અને કોઈને કહે તો એ હાસ્યાસ્પદ વાત બની જતી હોય છે. પણ ખરેખર પત્નીની લાગણીઓ, ઇચ્છાઓ, અપેક્ષાઓ, ગમા-અણગમાનું કઈ મહત્વ નહીં? પત્નીની ‘ના’ કેમ પતિનાં મન પર હાવી થઇ જતી હોય છે? લગ્ન એટલે તો સાયુજ્ય, એકમેક નાં મનનો મેળાપ, એકબીજાના ગમા અણગમા પતિ-પત્ની બંને સમજે તો? ‘મેરિટલ રેપ’ નાં આકડાઓ ઘણા મોટા પ્રમાણમાં છે, પણ શું થઇ શકે? સ્ત્રીની સંવેદનાનું શું મૂલ્ય? પતિ દ્વારા જતાવવામાં આવતા આવા ‘અધિકાર’ ને આપણે શું નામ આપીએ?

બળાત્કાર એટલે બળજબરીથી કરવામાં આવતો શારીરિક અત્યાચાર. તો લગ્ન બાદ પત્ની સાથે બળજબરીથી પતિ શારીરિક અત્યાચાર કરે તો એ પણ એક જાત નો બળાત્કાર છે જ અને જ્યારે આવા મેરિટલ રેપનો ભોગ સ્ત્રી બનતી હોય છે ત્યારે તે શારીરિક જ નહિ પણ માનસિક રીતે પણ તૂટી જતી હોય છે અને ઘણા ખરા કિસ્સામાં ડિપ્રેશનનો ભોગ બનતી હોય છે.

મેરિટલ રેપ ભલે કાયદાકીય અપરાધ ગણવામાં આવે કે ન આવે પણ જો આનું પ્રમાણ ઘટાડવું હોય તો સ્ત્રીએ જ દ્રઢ મનોબળ રાખવું પડશે અને પોતાના મન-સમ્માનની રક્ષા કરવી પડશે. ઉપરાંત પુરુષે સ્ત્રી માટે ફક્ત ‘श्यनेशु रंभा’ ની ઇચ્છા રાખ્યા વગર એક સમજદાર મિત્રની જેમ વર્તન કરવું પડશે. તો જ બેડરૂમ એ યુદ્ધભૂમિ નહિ પણ પ્રેમભૂમિ બનશે. પતિ પત્નીએ એક બીજાની ‘ના’ અને ‘હા’ને માન આપતા શીખવું પડશે.

જો સંવેદનશીલ પતિ પોતાની પત્નીનાં મનને પારખી અને તેની ઇચ્છાઓને માન આપે તો એક પત્નીનું મન અને તન તેને સ્વીકારવા તૈયાર થઈ જાય છે. બંને પોતપોતાની લાગણીઓને વાચા આપી વ્યક્ત કરે તો તિરસ્કારની ભાવના દુર કરી શકે છે અને પ્રેમભાવ હંમેશા જાગૃત રહે છે.

સહલેખન: પ્રાપ્તિ બૂચ અને શ્લોકા પંડિત

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here