બજેટ સમજવા પણ આપણી પાસે બજેટ હોવું જોઈએ

0
318
Photo Courtesy: indianexpress.com

દરેક વર્ષની પહેલી ફેબ્રુઆરીએ બજેટ આવે છે. પહેલા રેલ્વેનું અલગ દિવસે અને યુનીયન બજેટ અલગ દિવસે આવતું હતું એટલે બે દિવસ સુધી કેટલીયે સ્ત્રીઓને સાસુ-વહુ બ્રાન્ડની ટી.વી સિરિયલો અને બાળકોને તારક મહેતા કા ઉલટા ચશ્માં જોવા નહતું મળતું. આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં બી.જે.પીનાં ગુજરાતનાં શાસન કરતા વધારે ચાલ્યું કે ઓછું એની ભલે કોઈજ માહિતી નથી, કદાચ તમને નાગિન સિરિયલ અને ક્રાઈમ પેટ્રોલનાં એપીસોડમાં પણ તેનું સસ્પેન્સ ખબર પડી જાય પણ ફાયનાન્સ મીનીસ્ટરનાં ભાષણમાં સમજ પડવી એ સૌથી અઘરી બાબત છે.

Photo Courtesy: indianexpress.com

ફાયનાન્સ મીનીસ્ટર બજેટનું ભાષણ અંગ્રેજીમાં વાંચે અને કેટલીક હિન્દી ચેનલો એનું અનુવાદ કરીને આપણને ફરી એ જ ભાષણ સંભળાવે પછી આપણને ખ્યાલ આવે કે કદાચ અંગ્રેજી ભલે ને કાચું રહ્યું પણ અંગ્રેજીમાં સાભળ્યું હોત તો કદાચ ખબર પડી જાત. બજેટના ભાષણનાં દિવસે સ્ટોક માર્કેટ પણ આખો દિવસ કન્ફયુઝ રહે કે આ બજેટને સારૂ ગણવું કે ખરાબ ગણવું. બજેટના અને ફાયનાન્સ ક્ષેત્રનાં જાણકાર લોકો ટી.વી પર બજેટ સમજાવવા આવીને આપણી બજેટની ગેરસમજમાં થોડો વધારો કરી આપે અને પત્નીને ટી.વી જોવા ના મળે એટલે ઘરનું બજેટ ખોરવાઈ જાય એ અલગ.

બીજા દિવસે રૂપિયો ક્યાંથી આવશે અને ક્યા જશે એવા વિઝ્યુઅલ છાપીને છાપાવાળા ઔર કન્ફયુઝ કરી નાખે. આપણને થાય કે આપણા ખીસ્સ્સામાં તો રૂપિયો આવતો જ નથી તો જાય છે ક્યાંથી? પણ બજેટનું ભાષણ અને બજેટને બનાવવાવાળા એ લોકો જ છે જેમણે મહાભારતકાળમાં અભિમન્યુ માટે સાત ચક્રવ્યૂહ બનાવ્યા હતા. વચ્ચે આવા બોરીગ ભાષણને રસસ્પદ બનાવવા એના રચયિતાઓ ભાષણમાં શેરો શાયરી નાખી દેતા હતા પણ એનાથી બજેટનું ભાષણ સમજવું વધારે અઘરું બની જતું હતું કેમકે એક તો શેર શાયરી પણ સમજવાની અને બજેટને પણ સમજવાનું એટલે પેલી કહેવત ફિટ બેસે ‘इक तो करेला दूजे निम् चढ़ा’|

આ વખતે પણ ઈક્વીટી ઉપર  Long term capital gains tax (LTCG) 10% લગાવવામાં આવ્યો. આ સમજવો એટલો અઘરો છે કે માણસ  સ્ટોક માર્કેટમાં લોસ કરવાનું પસંદ કરે પણ પ્રોફિટ કરવાનું નહિ. STT, GST, Script Charge, Brokerage, treading Charge, Demat Charge બધા ચાર્જમાંથી તમે પસાર થઈ ને પ્રોફિટ કરો એ પણ એક વર્ષ પછી તો એના પર કદાચ કમાઈ ગયા હો તો એના પર દસ ટકા બીજો ચાર્જ લાગે.

ટૂંકમાં ‘’શેરબજારની કમાણી અને મહુડીની સુખડી કોઈ ઘરે લઇ જઈ શકતું નથી.’’  એવું સરકારે આ વખતે સાબિત કરીને બતાવી દીધું. હવે આ 10% કેવી રીતે ગણવા એ સમજવા કેટલાય CAને ફી ચૂકવવાની એ અલગ. યુનિયન બજેટનાં ભાષણમાં અને ઘરમાં પત્નીનાં ભાષણમાં એક ફરક છે. યુનિયન બજેટમાં ફાયનાન્સ મીનીસ્ટર કઈક સારું બોલે એટલે બધા પોતાની આગળ રહેલુ ટેબલ ખખડાવે અને ઘરમાં પતિ કઈક સારું બોલે પણ એનું ઘરનું બજેટ ખોરવાઈ ગયું હોય તો પત્ની એને વેલણથી ખખડાવે એટલેજ કદાચ યુનિયન બજેટના આવ્યા પછી તરતજ પત્નીને મનાવવા વેલણ ટાઈન ડે આવતો હશે .

બજેટને સમજતા સમજતા ઘણી વખત એટલીવાર લાગે છે કે ત્યાંસુધીમાં બીજું બજેટ આવી જાય છે. શેના પર કેટલો ટેક્સ છે અને એ ટેક્સ ભરવા માટે કેટલા કાગળ ભરવા પડશે આ બધું સમજતા થઇએ ત્યાં સુધી માં એ નિયમો ચેન્જ થઇ જાય છે એટલે બજેટ ભાષણ અને સ્ત્રીનાં મૂડને કોઈ સમજી શકતું નથી પણ બધાને એવું લાગે છે કે તેઓ સંપૂર્ણ પણે સમજી ગયા છે. કેટલાક લોકો બજેટ પહેલા રાહુલ ગાંધીની જેમ 63,000નું જેકેટ લેવાના સપના જોતા હોય છે પણ બજેટ પછી એમના CAને મળવા જાય છે ત્યારે CA કહે છે કે એના કરતા અમદાવાદનાં જમાલપુર બ્રિજ પર મળતું જેકેટ લઇ લો .

મિડિયા થોડા દિવસ બજેટ પર લોકોને સમજાવાનો પ્રયત્ન કર્યા પછી જ્યારે પોતે સમજે છે કે બજેટ સમજાવવામાં પોતે જ કન્ફયુઝ થઇ રહ્યા છે ત્યારે સૈફ અલી ખાનનાં સુપુત્ર તૈમુરનાં સમાચારો પર પાછા આવી જાય છે.

સ્ત્રીઓનાં વોટ્સએપ ગ્રુપમાં પણ બજેટની જોરદાર ચર્ચા થઈને બજેટ સમજવાનો પ્રયત્ન થાય છે.  ટુકમાં બજેટ સમજવાનું આપડું બજેટ સાઉથનાં મુવી જેટલું હોય છે પણ આપણ ને બજેટની સમજણ ગુજરાતી મુવીના બજેટ ‘’જેટલી’’ જ પડે છે .

અજ્ઞાન ગંગા:
ગર્લ 1 : દીદી બજેટ જોયું ?
ગર્લ 2: હા અરૂણ જેટલી ની કોટી કેટલી સરસ હતી મારે તારા જીજુ માટે પણ આવીજ કોટી લેવી છે.

લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી .

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here