હાલમાં જ રમાયેલી સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચેની બીજી વનડે મેચમાં ICC ની કડક નિયમાવલીને લીધે એક ફારસ સર્જાયું હતું. ભવિષ્યમાં આવી પરિસ્થતિ ઉભી ન થાય એના માટે ICC એ કોમન સેન્સ વાપરવાની તત્કાલ જરૂરિયાત છે.

આપણા ગુજરાતમાં એક રૂઢીપ્રયોગ છે, ‘બુદ્ધિ કોના બાપની’? આ વિકેન્ડમાં સાઉથ આફ્રિકાના સેન્ચ્યુરીયન ખાતે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે રમાયેલી બીજી વનડે મેચ ફક્ત એકપક્ષી જ નહોતી રહી પરંતુ છેલ્લે છેલ્લે તેમાં ફારસ પણ થયું હતું. આ ફારસ ઉપર કહેલા રૂઢીપ્રયોગમાં પૂછાયેલા સવાલનો જવાબ આપે છે કે બુદ્ધિ એટલીસ્ટ ICC ના બાપની તો નથીજ.
બન્યું એવું કે સાઉથ આફ્રિકાની ટીમ પહેલા બેટિંગ કરતા માત્ર 118 રન કરીને ઓલ આઉટ થઇ ગયું. વનડે ના નિયમો અનુસાર જ્યારે પણ કોઈ ટીમ પહેલી બેટિંગ કરતા આ રીતે વહેલી આઉટ થઇ જાય ત્યારે દસ મિનિટનો બ્રેક લઈને બીજી ટીમની બેટિંગ તરત શરુ કરાવી દેવી અને બાકીનો સમય પૂરો થાય પછી લંચ કે પછી સપર બ્રેક લેવો. આ તો થઇ નિયમની વાત, પણ કોમન સેન્સ ભી કોઈ ચીજ હૈ! અને આ જ કોમન સેન્સનો અભાવ વારંવાર ICC ને શરમજનક પરિસ્થિતિમાં મૂકી દેતું હોય છે.
ભારતને મેચ જીતવા માત્ર બે જ રનની જરૂર હતી અને પેલો અગાઉથી નક્કી કરેલો લંચ બ્રેકનો સમય આવી ગયો. મેદાન પરના અમ્પાયરો પાકિસ્તાનના અલીમ ડાર અને સાઉથ આફ્રિકાના એડ્રિયન હોલ્ડસ્ટોકે લંચ બ્રેક જાહેર કરી દીધો. આ સમયે ભારતના કેપ્ટન કોહલી અને સાઉથ આફ્રિકાના કેપ્ટન માર્ખમ બંને મેદાન પર હાજર હતા અને બંનેને અમ્પાયરોના આ નિર્ણયથી નવાઈ લાગી. બંનેએ અમ્પાયરોને વિનંતી પણ કરી કે માત્ર બે રન જ જીતવા માટે જરૂરી છે ત્યારે ચાલીસ મિનીટ રાહ જોવાની તેમની કોઈજ ઈચ્છા નથી.
પણ અમ્પાયરો શાહબુદ્દીન રાઠોડના પેલા યુરોપીન જેવા નીકળ્યા, કે રોડ માથે હાલ્યા જાતા હોય અને આમ જોવે કે દસ? તો રોડ માથે સુઈ જાય! એટલે અમ્પાયરોએ લંચ તો પડશેજ એવો નિર્ણય જાહેર કરી દીધો. અને આ રીતે ભારતના હોઠ સુધી આવેલો જીતનો કટોરો ચાલીસ મિનીટ દૂર થઇ ગયો. અમ્પાયરોને જો ક્રેડીટ આપવી હોય તો એ રીતે આપી શકાય કે એમણે આ લંચ બ્રેક જ્યારે ભારતને જીતવા માટે હજી 25 રન બાકી હતા ત્યારે ત્રણ ઓવર માટે વધારી આપ્યો હતો.
હવે સવાલ એ થાય છે કે જ્યારે 25 રન બાકી હતા ત્યારે જો લંચ બ્રેક મોડો લઇ શકાય, એવી ધારણાએ કે આ ત્રણ ઓવરમાં ભારત 25 રન બનાવી જ લેશે, તો જ્યારે જીત માટે બે રન જ બાકી હતા ત્યારે અમ્પાયરોને અચાનક જ ભારતીય બેટ્સમેનો પરનો વિશ્વાસ ઉઠી ગયો કે આવનારી એકાદી ઓવરમાં મેચ પૂર્ણ થઇ જશે કે પછી એમનાથી ભૂખ સહન નહોતી થઇ રહી?
જેમ ટેસ્ટ મેચમાં લંચ કે ટી પહેલા બેટિંગ કરનારી ટીમની નવ વિકેટો પડી હોય તો અડધો કલાક વધુ રમી લેવામાં આવે છે એવું વનડેમાં પણ આવી લો સ્કોરિંગ ગેમમાં જો બીજી ઇનિંગમાં એકતરફી પરિણામ નજર સમક્ષ દેખાઈ જ રહ્યું હોય ત્યારે મેચ પૂર્ણ જ કરવી એવો કોઈ સીધોસાદો અને કોમન સેન્સ ધરાવતો નિયમ ICC કેમ ન લાવી શકે?
અરે, નિયમ લાવવાની જ જરૂર નથી, જ્યારે આવી પરિસ્થિતિ આવે ત્યારે નિર્ણય મેચ રેફરી અને ઓન ફિલ્ડ અમ્પાયરોની બુદ્ધિમતા પર છોડી દેવામાં આવશે એવી એક નાની લીટી જ ICC એ એની નિયમાવલીમાં ઉમેરવાની જરૂર છે. શિસ્ત માટે નિયમોનું પાલન કડક રીતે થવું જોઈએ પરંતુ જ્યાં શિસ્તનો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો ત્યારે આવી વડીલગીરી કરવાનો શો મતલબ?
eછાપું
ICC ने कोमन सेंस छे??