… અને ફેસબુક પર ગુજરાતીઓ વચ્ચે અચાનકજ છેડાયું અભૂતપૂર્વ ફાફડા યુદ્ધ

1
318
Photo: echhapu.com

દશેરા આવવાને હજીતો મહિનાઓ બાકી છે પરંતુ તેમ છતાં આ રવિવારે અમદાવાદીઓ ફેસબુક પર પોતાના ગામના ફાફડાઓ લઈને કૂદી પડ્યા હતા. આમજુવો તો અમદાવાદ રોજ કિલોબંધ ફાફડા ખાય છે પણ એને એ પૂરા ગર્વથી તો કદાચ દશેરાના દિવસે જ ખાય છે. ફાફડા અથવાતો ગાંઠીયા એ મૂળ સૌરાષ્ટ્રની વાનગી અને જેને અંગ્રેજીમાં authentic કહી શકાય એવા ગાંઠીયા તો સૌરાષ્ટ્રમાં જ મળે અને એ પણ કેટકેટલી જાતના? અમદાવાદમાં પણ ફાફડા ઉપરાંત ભાવનગરી ગાંઠીયા મળે, પાપડી ગાંઠીયા મળે અને મને કદાચ સૌથી ભાવે છે એ ચંપાકલી ગાંઠીયા પણ મળે. પણ રવિવારે ખબર નહીં કેમ અમદાવાદીઓ એમના શહેરના ફાફડાના બચાવમાં ફેસબુક પર યુદ્ધ લડવા લાગ્યા.

Photo: echhapu.com

સૌરાષ્ટ્રના લોકો બહુ યોગ્ય રીતેજ અમદાવાદી ફાફડાને ‘નળિયા’ તરીકે ઓળખે છે અને તેની મશ્કરી કરે છે. ફાફડા એટલે ગાંઠીયાનો એવો પ્રકાર જે એની ‘કોર’ પર પણ સીધો જ હોય. જ્યારે અમદાવાદી ફાફડા તેની જમણી અને ડાબી એમ બંને સાઈડથી અંગમરોડ ઉત્પન્ન કરીને વાંકા વળીને નળિયા જેવું સ્વરૂપ ઉભું કરે છે. ઘણીવાર તો એની કરોડરજ્જુમાં તકલીફ હોય એમ પણ એ વચ્ચેથી વાંકા થઇ જતા હોય છે. સૌરાષ્ટ્રવાસીઓનો એ ટોણો પણ સાચો છે કે અમદાવાદી ફાફડા ગળે માંડ ઉતરે અને એને ગળે ઉતારવા માટેજ જોડે કઢી નામક એક પ્રવાહી આપવામાં આવે છે જે સૌરાષ્ટ્રના રસ્તે લીંબડી સુધી વિસ્તરેલું છે.

તો સામે અમદાવાદીઓનો એવો આક્ષેપ છે કે રોજ સવારે સૌરાષ્ટ્રના ગામેગામનું જે અભિમાન બની ચૂકયા છે એ વણેલા અને ફાફડા ગાંઠીયામાં અતિશય સોડા ઉમેરવામાં આવે છે અને તેને કારણેજ એ એટલા સોફ્ટ થાય છે કે ગળામાં ડંખ માર્યા વગર એકલા પણ ખાઈ શકાય છે. જો કે ફેસબુક પર અમુક સૌરાષ્ટ્રવાસીઓ આ બે દિવસથી એવો દાવો પણ કરે છે કે અમારે ફલાણી જગ્યાએ બિલકુલ સોડા નાખ્યા વગર પણ એટલા જ સોફ્ટ ગાંઠીયા થાય છે.

પર્સનલી મને વણેલા કરતા ફાફડા ગાંઠીયા, અલબત્ત સૌરાષ્ટ્રના જ વધુ ભાવે છે અને સદનસીબે હવે અમદાવાદ, વડોદરા અને સુરતમાં સૌરાષ્ટ્રથી આવેલા કારીગરો અને વ્યાપારીઓ ત્યાંનો સ્વાદ પીરસવા લાગ્યા છે. રવિવારના ફાફડા યુદ્ધ દરમ્યાન મિત્ર કિન્નર આચાર્યએ યોગ્યરીતે જ કહ્યું હતું કે જેને ફાફડા બનાવવામાં આળસ આવે એ જ વણેલા ગાંઠીયા બનાવે!

ઠીક છે મજાક મસ્તીમાં ફેસબુકમાં ગુજરાતીઓ ગાંઠીયાના મામલે બે ભાગમાં વહેંચાઇ ગયા હતા અને અમદાવાદીઓ પણ સૌરાષ્ટ્રની હવે ગુજરાતભરમાં જાણીતી બની ગયેલી બ્રાન્ડ એવી ચ્હાને બાસુંદી કહીને તેનો વળતા શસ્ત્ર તરીકે ઉપયોગ કરવા લાગ્યા. તો સૌરાષ્ટ્રવાસીઓ પણ અમદાવાદના નળિયાને કોઈ દેશની મિસાઈલ કરતાં પણ વધુ અસરકારક હોવાની વાત વહેતી મુકવા લાગ્યા. મજાક મસ્તીની વાત અલગ છે, પણ મને નવાઈ એ વાતની લાગી કે સૌરાષ્ટ્રમાંથી ઉતરેલા એવા ફાફડાને લઈને અમદાવાદીઓ આટલાબધા ‘સેન્ટી’ કેમ થઇ ગયા?

નવાઈ લાગવા પાછળનું કારણ એ છે કે જેમ આખા સૌરાષ્ટ્ર અભિમાન કરવા માટે પાસે ગાંઠીયા છે, વડોદરા પાસે ભાખરવડી અને ચેવડો છે, સુરત પાસે લોચો અને મા અન્નપુર્ણાનો સમગ્ર થાળ છે, એવી જ રીતે અમદાવાદ પાસે ખુદના અદ્ભુત અને એક્સક્લુઝિવ કહી શકાય એવા દાળવડા અને ચોળાફળી છે. મારા સૌરાષ્ટ્રમાં રહેતા એક સાળા અને છેક ચંડીગઢમાં રહેતા એક પંજાબી મિત્ર જ્યારે પણ અમદાવાદ આવે ત્યારે સામેથી દાળવડા અને ચોળાફળી ખાવાનું ખાસ મન કરતા હોય છે અને જ્યારે પણ એમને એમના અમદાવાદ પ્રવાસ દરમ્યાન આ બંને વાનગીઓ ખવડાવું ત્યારે મારા હજારો ધન્યવાદ કરતા હોય છે.

ટૂંકમાં કહીએ તો અમદાવાદીઓએ ફાફડા જેવી ઉછીની વાનગી અંગે આટલું બધું લડવાની જરૂર જ ન હતી કારણકે અમદાવાદના દાળવડા અને ચોળાફળી કદાચ ભાગ્યેજ ગુજરાતના કોઈ અન્ય ભાગમાં મળે છે અને જો મળતા હશે તો જેમ ફાફડા અમદાવાદ આવીને નળિયા બની ગયા એમ દાળવડા અને ચોળાફળી પણ તેની દસ હજારમી નબળી કોપી જેવા જ બનતા હશે.

તો અમદાવાદીઓ ચાલો જોર સે બોલો જય દાળવડા અને જય ચોળાફળી!!

eછાપું

1 COMMENT

  1. મૂળ ભાવના તો એ જ કે મારો વાડો તમારા વાડા કરતા વધારે સારો છે. પછી એ વાડો રાષ્ટ્રગૌરવ કે જ્ઞાતિ, જાતિ, રાજ્ય, શહેર, પ્રદેશની શાન તરીકે રજૂ થતો હોય, પરંતુ આ વિતંડાવાદી માનસિકતાનું મૂળ તો એ જ છે.

    જોકે ફેસબુક પર શરૂ થયેલી આ ચર્ચા તો માત્ર હળવી મજાક જ હતી એટલે મને પણ મજા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here