ભારતીય સમાજમાં વર્તમાન એવી ઘણી મિથ્યાઓમાંથી એક છે પિરિયડ્સ અંગેની મિથ્યા. કન્યા જ્યારે કન્યામાંથી સ્ત્રી બનવા તરફ આગળ વધે છે ત્યારથી છેક તેની ચાળીસીના મધ્યમાં આવે ત્યાં સુધી તે દર મહીને, ગર્ભવતી હોવાના સમયને બાદ કરતા પિરિયડ્સનો અનુભવ કરતી હોય છે. શરીરના કોઇપણ ભાગમાંથી નીકળેલું લોહી આમપણ સ્વચ્છતા માટે હાનિકારક હોય છે અને આવામાં સ્ત્રીના શરીરના સૌથી નાજૂક અંગમાંથી દર મહીને પ્રવાહીરૂપે નીકળતું રક્ત તેના એ અંગની સ્વચ્છતા માટે કેવી રીતે લાભપ્રદ હોઈ શકે?

આ જ વિષય લઈને આવી રહી છે અક્ષય કુમાર, રાધિકા આપ્ટેની મુખ્ય ભૂમિકામાં અને આર બાલ્કીના નિર્દેશનમાં એક ફિલ્મ જેનું નામ છે ‘પેડમેન’. પેડમેન ફિલ્મ અરુણાચલમ મુરુગનાથમના જીવન પર આધારિત છે જેમણે ખુબ મહેનત કરીને પોતાના ગામની સ્ત્રીઓને પિરિયડ્સ વખતે પ્રચલિત રસ્તાઓનો ત્યાગ કરીને સેનેટરી પેડ્સ વાપરવા માટે તૈયાર કરી હતી. તેમણે આ માટે સેનેટરી પેડ બનાવતું એક મશીન પણ ઈજાદ કર્યું હતું.
વિષય સીરીયસ છે, સામાજીક છે પરંતુ અક્ષય કુમાર છેલ્લા બે થી ત્રણ વર્ષથી જે રીતે સામાજીક માન્યતાઓને સ્પર્શ કરતા વિષયો પર ફિલ્મ લઈને આવી રહ્યો છે તેની પાસેથી એ અપેક્ષીત જ હતું કે તે પિરિયડ્સ જેવા ગંભીર વિષયને લગતી ફિલ્મનો મુખ્ય નાયક હોય. પરંતુ આજે આપણે વાત કરવી છે રાધિકા આપ્ટેની જે આ ફિલ્મની નાયિકા છે અને સ્ત્રી હોવા છતાં પતિના ગામની સ્ત્રીઓને સેનેટરી પેડ્સ વહેંચવાના કાર્યનો વિરોધ કરતી હોય છે.
તમને ગમશે: હોય નહીં!: શાકાહારી વ્યંજનો માટે જાણીતું ગુજરાત સી ફૂડ એક્સપોર્ટમાં ભારતભરમાં મોખરે
હાલમાં જ એક જાણીતા અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં રાધિકાએ પેડમેન અને પિરિયડ્સ વિષે વિગતે ચર્ચા કરી હતી. તેમાં પણ રાધિકાએ પિરિયડ્સ અંગે ભારતીય સમાજમાં જે માન્યતાઓ છે તેના વિષે ઘણું કહ્યું હતું. રાધિકાએ કહ્યું હતું કે આપણા દેશમાં પિરિયડ્સ વિષે અમુક માન્યતાઓ તો એવી છે કે જે સાંભળીને કે વાંચીને પણ તમને હસવું આવે.
પરંતુ, બાદમાં રાધિકા એક મહત્ત્વનો સવાલ કરે છે. રાધિકા કહે છે કે આપણા દેશમાં મોટાભાગે માતા જ પુત્રીઓને પિરિયડ્સ વિષે જ્ઞાન આપતી હોય છે અને પિતાઓ આ બાબતે દૂર રહેતા હોય છે. ઘણીવાર તો એવું બનતું હોય છે કે સમાજના અમુક હિસ્સામાં તો માતાપિતા બંને આ અંગે ચર્ચા કરવાનું ટાળતા હોય છે અને પરિણામે છોકરીને પહેલીવાર પિરિયડ્સનો અનુભવ થાય છે ત્યારે તે ગભરાઈ જતી હોય છે.
રાધિકા આપ્ટે કહે છે કે હવે સમય આવી ગયો છે કે પિતાઓ પણ આગળ આવે અને અમુક ઉંમરની પુત્રીને બાજુમાં બેસાડીને તેને એમ કહે કે, “હવે બહુ જલ્દીથી તને પિરિયડ્સ આવશે.” અને ત્યારબાદ તે વૈજ્ઞાનિક કારણો પોતાની પુત્રી સાથે શેર કરે અને તેની સાથેસાથે પિરિયડ્સ દરમ્યાન હાઈજીનના કેવા પગલાં તેણે લેવા પડશે એ પણ તેને જણાવે.
રાધિકા આપ્ટેએ જો કે છેવટે એમ ઉમેર્યું હતું કે બહેતર તો એ રહેશે કે માતાપિતા બંને જોડે રહીને પુત્રીને પિરિયડ્સ વિષે યોગ્ય માહિતી આપે. જે દિવસે જે ઘરમાં આ શક્ય બનશે તે દિવસેથી એ ઘરની સ્ત્રીઓમાંથી પિરિયડ્સનો ડર જતો રહેશે અને એ ઘરમાં સ્વચ્છતા બધાને સલામ કરશે!
eછાપું