ભ્રષ્ટાચાર ગમે ત્યાં થઇ શકે છે; બિહારે પૂરું પાડ્યું અનોખું ઉદાહરણ

0
351
Photo Courtesy: mid-day.com

આપણા ગુજરાતી હાસ્યકારોનું એક બહુ ચવાઈ ગયેલું વાક્ય છે, “હાસ્ય તમને ગમે ત્યાંથી મળી શકે છે, બસ તમારી જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ.” ગુજરાતી હાસ્યકારોનું આ વાક્ય ગુજરાતીઓ સિરિયસલી લે છે કે નહીં એ તો ખબર નથી પરંતુ બિહારીઓએ ખરેખર તેને સિરિયસલી લઇ લીધું છે અને એ પણ ભ્રષ્ટાચાર કરવા માટે. ગઈકાલે રાત્રે ન્યૂઝ ચેનલો સર્ફ કરતા કરતા એક ચેનલ પર બિહારમાં વિવિધ રેલવે સ્ટેશનો પર થઇ રહેલા એક અનોખા ભ્રષ્ટાચાર વિષે ખબર પડી.

Photo Courtesy: mid-day.com

આપણે જ્યારે પણ ટ્રેન દ્વારા કોઈ સ્થળે જતા હોઈએ છીએ ત્યારે આપણને પ્લેટફોર્મ પર વિવિધ સ્ટોલ્સ જોવા મળે છે. મોટેભાગે આ સ્ટોલ્સ ખાણીપીણીના હોય છે તો એકાદો સ્ટોલ પુસ્તકો અને મેગેઝીન્સનો પણ  હોય છે. મોટા શહેરોમાં મોટેભાગે એક સ્ટેશનમાં દસેક પ્લેટફોર્મ હોય તે સામાન્ય બાબત છે. ઘણીવાર નાના શહેરોમાં રેલવે સ્ટેશનો પર બે કે ચાર જ પ્લેટફોર્મ હોય છે અને ટ્રેનોની સંખ્યા પણ ઓછી હોય છે. બિહારમાં આવા ઘણા સ્ટેશનો છે જ્યાં ટ્રેનોની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય છે અને અહીં પ્લેટફોર્મની સંખ્યા પણ ગણતરીની જ હોય છે. આવા સંજોગોમાં મોટી ટ્રેનો મોટેભાગે પહેલા પ્લેટફોર્મ પર આવે અને બાકીના પ્લેટફોર્મ પર રહેલા સ્ટોલ્સને ઘરાકી ન મળે કે પછી સાવ ઓછી મળે તે સ્વાભાવિક છે. બિહારમાં આ જ સ્વાભાવિક બાબત ભ્રષ્ટાચારનું કારણ બન્યું છે.

બિહારમાં રેલવે પ્લેટફોર્મ પરના સ્ટોલ માલિકોએ સ્ટેશન માસ્તરો અને અન્ય અધિકારીઓ સાથે સાઠગાંઠ કરીને અમુક ટ્રેનો એ પ્લેટફોર્મ પર આવે જ્યાં તેમના સ્ટોલ્સ છે એવી વ્યવસ્થા ઉભી કરી છે. આ સેવા ઉપલબ્ધ કરાવવા માટે તેઓ પ્રતિ ટ્રેન સ્ટેશન માસ્તરો અને અન્ય ઉચ્ચ અધિકારીઓને ‘પ્રસાદ’ પણ ચડાવે છે. એટલે જો રાજધાની એક નંબરના પ્લેટફોર્મ પર આવે તો ઇન્ટરસિટી જેવી ધીમી ગતિની ટ્રેનો બીજા, ત્રીજા કે ચોથા પ્લેટફોર્મ પર આવે ભલે પહેલું પ્લેટફોર્મ એ સમયે ખાલી હોય તો પણ, જેથી આ પ્લેટફોર્મના સ્ટોલ માલિકોને પણ ગ્રાહકો મળી રહે! વધુ પ્રસાદ આપવામાં આવે તો રાજધાની કે શતાબ્દી પણ ચોથા પ્લેટફોર્મ પર આવે તે સ્ટેશનોના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુનિશ્ચિત થઇ જાય છે.

તમને ગમશે – હેપ્પી બર્થડે નોટબંધી : કાળા નાણા વિરુદ્ધ સામી છાતીએ જંગ

હવે તમે જરૂર અગ્રી થશો કે ભ્રષ્ટાચાર શોધવા ક્યાંય જવું પડતું નથી, બસ એ કરવાની તમારી ઈચ્છા અને તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. આ નવીન પ્રકારના ભ્રષ્ટાચારની હદ તો ત્યારે આવી ગઈ જ્યારે સ્ટોલ માલિકો કઈ ટ્રેન કયા પ્લેટફોર્મ પર આવશે તેની સ્ટેશન માસ્તર સામે બોલી (હરાજી) લગાવવા માંડ્યા અને જે સ્ટોલ માલિકો વધુ બોલી લગાવે ત્યાં જ અમુક ટ્રેનો આવે એવી વ્યવસ્થા સ્ટેશન માસ્તરો અને ઉચ્ચ અધિકારીઓ ગોઠવવા લાગ્યા.

આટલુંજ નહીં જો કોઈ કારણોસર છેલ્લી ઘડી સુધી ‘ભાવ’ નક્કી ન થાય તો એટલા સમય માટે અમુક ટ્રેનોને આઉટરમાં પંદર મિનીટથી અડધો કલાક વગર કોઈ કારણસર ઉભી રાખવામાં આવી હોય એવા દાખલા પણ બિહારમાં બન્યા છે!

છક્ક થઇ ગયાને? આ સમગ્ર મામલે રાત્રે જોયેલી TV ન્યૂઝ ચેનલે સ્ટિંગ ઓપરેશન કરીને સ્ટોલ માલિકો અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચેના લગભગ 15-20 ફોન કોલ્સ રેકોર્ડ કર્યા અને ઉપરોક્ત તમામ બાબતો સામે આવી. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ આ ભ્રષ્ટાચાર અંગે નોંધ લીધી અને દિલ્હી રેલ મંત્રાલયને જાણ કરી. રેલ મંત્રાલયે તરતજ પગલાં લીધા અને હવે બિહારના સ્ટેશનો પર કઈ ટ્રેન કયા આવશે તેનો નિર્ણય સ્ટેશન માસ્તર નહીં પરંતુ મંત્રાલય દ્વારા સીધા નિયુક્ત થયેલા અધિકારી જ કરશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે.

પેલું કહે છેને કે ઉંટે કાઢ્યા ઢેકા તો માણસે બનાવ્યા કાઠા! બસ એવુંજ આપણા દેશમાં ભ્રષ્ટાચાર વિષે કહી શકાય, કે સરકાર તેને ડામવા માટે ભલે પગલાં લેતી રહે પરંતુ ભ્રષ્ટાચારીઓ કોઈને કોઈ નવો રસ્તો શોધી જ લે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here