શું નરેન્દ્ર મોદી માલદિવ્સ માટે બીજા રાજીવ ગાંધી બની શકશે?

0
293
Photo Courtesy: orfonline.org

અમુક વર્ષો બાદ જે ટાપુરાષ્ટ્રનું કદાચ અસ્તિત્વ જ નથી રહેવાનું તે માલદિવ્સ અત્યારે ભયંકર રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. માલદિવ્સના રાષ્ટ્રપતિ અબ્દુલા યમીને દેશમાં પંદર દિવસ માટે કટોકટી લાદી દીધી છે અને દેશ વિરોધી કૃત્ય માટે માલદિવ્સના સુપ્રીમ કોર્ટના જજને જેલમાં પૂરી દીધા છે.

Photo Courtesy: orfonline.org

માલદિવ્સના પૂર્વ રાષ્ટ્રપતિઓ મામુન અબ્દુલ ગયુમ અને મોહમદ નશીદે ભારતને આ મામલામાં લશ્કરી દખલ દેવાની વિનંતી કરી છે. હાલમાં તો ભારતના વિદેશ મંત્રાલયે એક ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરીને ભારતીય નાગરિકોને હાલપૂરતા માલદિવ્સ ન જવાની સલાહ આપી છે અને ઉપરોક્ત બંને નેતાઓએ કરેલી અપીલને કોઈજ પ્રત્યુત્તર આપ્યો નથી.

ભારતે અત્યારસુધી માલદિવ્સની પરિસ્થિતિ અંગે કોઈ મહત્ત્વની વાત જાહેર નથી કરી તેનો મતલબ એવો બિલકુલ નથી કે તે તેના પર નજર નથી રાખી રહ્યું. નરેન્દ્ર મોદીની વિદેશનીતિમાં SAARC દેશો પ્રાથમિકતા ધરાવે છે જે આપણે તેમના શપથવિધિ સમારોહમાં આ સંગઠનના તમામ રાષ્ટ્રાધ્યક્ષોની હાજરી જોઇને જ સમજી ગયા હતા. રાષ્ટ્રપતિ અબ્દુલા યમીન ચીન તરફી હોવાનું મનાય છે અને આથી ભારતે માલદિવ્સના મામલે બહુ સમજી વિચારીને પગલાં લેવાના છે એ નક્કી છે.

માલદિવ્સની આજની કટોકટી આપણને 1988ની સાલની યાદ અપાવે છે જ્યારે આવી જ રીતે તે સમયના માલદિવ્સના રાષ્ટ્રપતિ મામુન અબ્દુલ ગયુમ વિરુદ્ધ બળવો થયો હતો. આ સમયે શ્રીલંકાના તમિલ ટાઈગર્સ દ્વારા માલદિવ્સના વ્યાપારી અબ્દુલ્લા લુથુફીના સમર્થનમાં માલદિવ્સ પર આક્રમણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ અબ્દુલ ગયુમ તો પોતાનો જીવ બચાવીને ભાગવામાં સફળ થયા હતા અને તેઓ આ દિવસ દરમ્યાન સતત પોતાની જગ્યા બદલતા રહ્યા હતા. લુથુફીએ પોતાને માલદિવ્સનો રાષ્ટ્રપતિ પણ જાહેર કરી દીધો હતો. પરંતુ, કયુમના વિદેશમંત્રીએ એક પછી એક દરેક દેશની ફોન કોલ્સ દ્વારા મદદ માંગી હતી અને તેમની મદદ કરવા સૌથી પહેલા તે સમયના ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી તૈયાર થયા હતા.

માલદિવ્સના વિદેશમંત્રી દ્વારા મળેલા ફોન કોલના માત્ર નવ કલાકની અંદર જ રાજીવ ગાંધીએ માલદિવ્સમાં 1,600 ભારતીય લશ્કરી દળો ઉતારી દીધા હતા. શ્રીલંકન તમિલ ટાઈગર્સ કોઈ અગમ્ય કારણોસર માલદિવ્સના હુલહુલે એરપોર્ટ પર કબજો જમાવવાનું ભૂલી ગયા અને ભારતીય દળોને સુરક્ષિત ઉતરવાની જગ્યા મળી ગઈ. બસ અહીંથી ભારતીય દળો સીધાજ પાટનગર માલે બોટ્સ દ્વારા પહોંચી ગયા. ભારતીય દળોના માલે પહોંચવાના ખબર મળતા જ તમિલ ટાઈગર્સમાં નાસભાગ મચી ગઈ. કેટલાક ભાગવામાં સફળ થયા તો કેટલાક પકડાઈ ગયા અને તેમને ભારતીય દળો દ્વારા માલદિવ્સ લશ્કરને સોંપી દેવામાં આવ્યા. જેવી માલદિવ્સમાં વ્યવસ્થા પુનઃ સ્થાપિત થઇ ગઈ કે ભારતીય દળો પરત થઇ ગયા હતા. આ સમગ્ર ઓપરેશનને ‘ઓપરેશન કેક્ટસ’ નામ આપવામાં આવ્યું હતું.

હવે સવાલ એ ઉભો થાય કે શું હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પોતાની પ્રો-એક્ટિવ વિદેશ નીતિ માટે જાણીતા છે તેઓ આ પ્રકારનું પગલું ઉઠાવી શકે? તો તેનો જવાબ ના છે. તે સમયે માલદિવ્સ સંપૂર્ણપણે ભારતનું મિત્ર હતું, આજે અહીં ચીનની પેઠ વધી ગઈ છે. આ ઉપરાંત 1988માં સરકાર વિરોધી બળવો હતો જ્યારે આ સમયે ખુદ રાષ્ટ્રપતિએ દેશમાં કટોકટી જાહેર કરી છે, આથી કોઇપણ સાર્વભૌમ દેશ પર કાર્યવાહી કરતા ભારત બે વખત જરૂર વિચારશે.

વળી, અબ્દુલા યમીને પણ માલદિવ્સના ભારતીયોને આ કટોકટીથી કોઈજ તકલીફ નહીં પડે તેની ગેરંટી આપી છે. સરવાળે વિદેશનીતિના નિષ્ણાતો એવું નથી માનતા કે ભારત માલદિવ્સના મામલામાં કોઈ લશ્કરી દખલગીરી કરે. હા મુત્સદીગીરી દ્વારા ભારત જરૂર આ મામલામાં મોડા વહેલું એન્ટ્રી કરશે તેમાં શંકાને કોઈજ સ્થાન નથી.

eછાપું

તમને ગમશે: ભારતના સ્ટાર્ટઅપ માં એક ચાઇનીઝ કંપનીને ખૂબ ઇન્વેસ્ટ કરી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here