કોંગ્રેસ હજીપણ મોદીને ભારતના વડાપ્રધાન માનતી નથી એ ફરીવાર સાબિત થઇ ગયું

0
364
Photo Courtesy: zeenews.india.com

મોદીને ચાયવાલા કહેવું એ એક સમયે કોંગ્રેસની ભૂલ ભલે હતી પણ હવે એ તેની ફિતરત બની ગઈ છે. આ બાબત ગઈકાલે લોકસભા અને રાજ્યસભામાં મોદીના ભાષણ દરમ્યાન વારંવાર સાબિત થઇ હતી અને લોકસભામાં તો સળંગ સો મિનીટ તેની સાક્ષી મળી રહી હતી. સામાન્યરીતે લોકસભામાં અને રાજ્યસભામાં એવી પ્રથા રહી છે કે જ્યારે વડાપ્રધાન બોલી રહ્યા હોય ત્યારે કદાચ તેમને ટોકી તો શકાય (આમ તો એમ પણ ન થાય પણ ચાલે) પરંતુ એમના ભાષણ દરમ્યાન શોરબકોર તો ન જ થાય કારણકે એ વડાપ્રધાન પદની ગરિમાનો વિષય છે.

Photo Courtesy: zeenews.india.com

પરંતુ વડાપ્રધાનની ગરિમા જાળવવાનો પ્રશ્ન તો ત્યારે આવે જ્યારે તમે એ પદ પર બેસેલા વ્યક્તિને વડાપ્રધાન માનતા હોવ. 2014માં ભવ્ય વિજય મેળવીને પોતાને સત્તા સ્થાનેથી ખદેડી દેનાર નરેન્દ્ર મોદીને કોંગ્રેસ આજે પણ ભારતના વડાપ્રધાન માનતી નથી. જો એવું ન હોત તો ગઈકાલે નાખી દેવાના મુદ્દે કોંગ્રેસના લોકસભાના સભ્યોએ વડાપ્રધાનના રાષ્ટ્રપતિના ભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પરના ભાષણને શાંતિથી સાંભળ્યું હોત. કોંગ્રેસ હજીપણ એમ માને છે કે તેને આ દેશ પર રાજ કરવાનો એકાધિકાર છે અને બીજો  કોઈ આવે તો એ માત્ર કામચલાઉ ધોરણે જ સત્તા પર રહેવાનો છે.

છેક વાજપેયીની 13 મહિનાવાળી સરકાર સુધી કોંગ્રેસના સત્તા પર કોઇપણ ભોગે ટકી રહેવાના સીધા કે આડકતરા પ્રયાસોએ સાથ આપ્યો પણ આ વખતે એવો સજડબમ મેન્ડેટ મોદીને મળ્યો છે કે કોંગ્રેસ માટે કહેવાય અને સહેવાય એ બંનેમાંથી એકપણ વિકલ્પ હાજર નથી. કોંગ્રેસને એમ છે કે લોકો મોદીથી કંટાળીને એનીમેળે 2019માં તેને સત્તા પરત આપી દેશે, અને એટલેજ કોંગ્રેસના પ્રવક્તા અજોય કુમારે ગઈકાલે ટ્વીટ કરી હતી કે “હવે એક વર્ષ રહ્યું!” લોકસભામાં મોદીના ભાષણ દરમ્યાન સતત શોરબકોર કરવાની કોંગ્રેસની નીતિ શરમજનક હતી પણ તેના માટે આ એક સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી છેક વડાપ્રધાનના પદ સુધી પહોંચેલી વ્યક્તિનું અપમાન કરવાની એક ઔર તક સિવાય બીજું કશું ન હતું, નહીં તો તેના પ્રમુખે શોરબકોર કરતા પોતાના સભ્યોને વાર્યા હોત.

અને રાજ્યસભામાં તો હદ થઇ ગઈ. પોતાને કાયમ MBA (મને બધું આવડે) માનતા કોંગ્રેસી નેતા અને રાજ્યસભાના જ ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ રેણુકા ચૌધરીએ જ્યારે મોદીએ આધારના મૂળ લાલકૃષ્ણ અડવાણીએ આપેલા એક ભાષણમાંથી મળે છે એમ કહ્યું ત્યારે અટ્ટહાસ્ય કર્યું હતું. પહેલી નજરેજ આ વડાપ્રધાનનું અપમાન હતું અને ચેરમેન વૈંકયા નાયડુએ યોગ્યરીતે જ રેણુકા ચૌધરીને ઠપકો પણ આપ્યો. પરંતુ નરેન્દ્ર મોદીને તેમની વિચક્ષણ અને ઈન્સ્ટન્ટ સેન્સ ઓફ હ્યુમર કામે લાગી ગઈ અને એમણે મજાકના સૂરમાં કહ્યું કે રેણુકા ચૌધરીને કશું કહેવામાં ન આવે, કારણકે રામાયણ સીરીયલ પછી આ પ્રકારનું અટ્ટહાસ્ય સાંભળવાનો મોકો આજે મળ્યો છે.

પછી તો જે થવાનું હતું એ જ થયું. રેણુકા ચૌધરીએ આશા રાખ્યા મુજબ જ વડાપ્રધાનની મજાકને સમગ્ર સ્ત્રી જાતિનું અપમાન ગણાવ્યું. ટૂંકમાં એક સ્ત્રી પુરુષનું જાહેરમાં ગમેત્યારે અપમાન કરી શકે પરંતુ જ્યારે પુરુષ તેનો વળતો જવાબ આપે ત્યારે એ નારીજાતિનું અપમાન થઇ ગયું!

આ બંને ઘટના એ સાબિત કરે છે કે કોંગ્રેસ હજીપણ denial mode માં છે કે તે સત્તા પર નથી. તેની આ જ માનસિકતા તેને દેશભરમાં વધુને વધુ અલોકપ્રિય બનાવી રહી છે અને એકપછી એક રાજ્ય તેનાથી દૂર થઇ રહ્યા છે. આ જ કોંગ્રેસી કલ્ચર છે જેને લઈને વડાપ્રધાન મોદીએ ‘કોંગ્રેસ મુક્ત ભારત’ નો નારો આપ્યો છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here