રોટી, રોટલી, ચપાટી – ભારતીય ખાન-પાનનું એક અભિન્ન અંગ છે. આમ જોઈએ તો કોઈપણ ઇન્ડિયન ક્વીઝીનની વાનગી, મેન ડીશ, ખાવા માટે રોટલી કે પરાઠા કે કુલ્ચાની જરૂર પડે જ છે. ચપાટી કે રોટલી એ ઘઉંની બ્રેડનો સૌથી સામાન્ય સ્વરૂપ છે, જે ભારતીય ઉપખંડનો મુખ્ય ખોરાક છે. મોહેંજો દડોમાં ખોદકામ કરતા મળી આવેલ ઘઉંનો દાણો આજે પણ ભારતમાં ઉગતી ઘઉંની એક પ્રજાતિને મળતા પ્રકારનો હતો. સિંધુ ખીણ એ ઘઉંની ખેતી માટે વપરાતી અત્યંત જૂની જમીન પૈકીની એક છે.
ભારતીય ઉપખંડના મોટાભાગની જગ્યાએ, ચપાટી અને અન્ય ફ્લેટ-બ્રેડ, જેમકે રોટી, પરાઠા, કુલ્ચા, પૂરી વગેરે, વચ્ચે તેને બનાવવાની તકનીક, બનાવટ અને વિવિધ પ્રકારનાં લોટના ઉપયોગને આધારિત મૂળ ભેદ પાડી દીધેલા છે. પરંતુ ભારતીય રોટી, ભારતની બહાર, અન્ય દેશોમાં પણ એટલી જ લોકપ્રિય છે.
સાઉથ એશિયામાં કોઈપણ પ્રકારની ‘ફ્લેટબ્રેડ’ કે જે મેંદાના લોટમાંથી બને છે તેને ‘રોટી’ જ કહેવામાં આવે છે. પછી તેમાં તેની બનાવટ અનુસાર જુદાજુદા નામે ઓળખે છે રોટી મરયમ, રોટી કેન, રોટી કનાઈ કે રોટી પર્રાટા.
ટ્રીનીદાદ ટાપુ પર રોટીની જાત-ભાતની વેરાઈટી મળે છે, જે મૂળ ભારતીય જ પણ ત્યાં વસેલા લોકોને આભારી છે. સાદા રોટી કે જે કાર્બોહાઈડ્રેટનો એક મુખ્ય સ્ત્રોત છે અને જેને ત્રિનિદાદના લોકો દ્વારા નાસ્તો અને ડિનર બંને માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પરાઠા રોટી, પૂરી, દાલપુરી, રૅપ રોટી કે જેને પેપર સોસ અને કેરીની ચટણી સાથે પીરસવામાં આવે છે, વગેરે.
રોટી તેમજ પરાઠામાં કોઈ જાતના લીવનીંગ એજન્ટ નથી હોતા, એટલેકે તે આથા વગર બનાવવામાં આવે છે, જ્યારે કુલ્ચામાં હળવો આથો હોય છે જ્યારે નાનમાં આથાનું પ્રમાણ વધારે હોય છે.
આપની એક લોકમાન્યતા એવી છે કે કુલ્ચા કે નાન બનાવવા માટે તંદૂર જ જોઈએ, અને એ ઘરે તો ના જ બની શકે. પરંતુ હકીકતમાં તો કુલ્ચા કે નાન ઘરે બનાવવા પરોઠા જેટલા જ સરળ અને આસાન છે.
એટલે જ આજે આપણે કુલ્ચા ઘરે કેવી રીતે બનાવવા તે જોઈશું.
કોરીએન્ડર ગાર્લિક કુલ્ચા:

સામગ્રી:
- 3 કપ ઘઉંનો લોટ
- ¾ ટીસ્પૂન બેકિંગ પાઉડર
- ¼ ટીસ્પૂન બેકિંગ સોડા
- 3 ટેબલસ્પૂન લસણની પેસ્ટ
- ¼ કપ સમારેલી કોથમીર
- 1 ટેબલસ્પૂન ખાંડ
- ¼ કપ તેલ
- ½ કપ દહીં
- 1 ટેબલસ્પૂન ઘી
- આશરે 1 ટીસ્પૂન મીઠું
રીત:
- એક બાઉલમાં બધી સૂકી સામગ્રી લો.
- હવે તેમાં તેલ, દહીં, લસણની પેસ્ટ અને કોથમીર ઉમેરી બરાબર ભેળવી દો.
- જરૂરમુજબ પાણી ઉમેરતા જઈ તેનો લોટ બાંધી દો, લોટ સ્મૂધ થાય ત્યાંસુધી તેને બરાબર મસળો.
- તેને ઢાંકીને 1 થી 2 કલાક માટે રાખી મૂકો.
- ત્યારબાદ તેમાંથી એક નાનો લૂઓ લઇ, પાટલા પર સહેજ અટામણ લગાવી, હળવા હાથે લૂઆને વણો.
- તવાને ગરમ કરી, તેના પર ઘી કે તેલ લગાવી, વણેલા કુલ્ચાને શેકાવા માટે મૂકો.
- ઉપરની બાજુ પર કુલ્ચો ફૂલવા લાગે એટલે બીજી બાજુ શેકી લો.
- બંને બાજુ શેકાતા કુલ્ચો વ્યવસ્થિત રીતે ફૂલીને તૈયાર થઇ જશે.
- તૈયાર કુલ્ચા પર ઘી કે બટર લગાવી ને પીરસો.
સ્વાદિષ્ટ ટિપ: દાળ મખની કે દાળ બુખારા જોડે આ કુલ્ચા સરસ લાગે છે.
eછાપું
Waah khub saras…