ખોરાકી ભેળસેળ … ગંદા હૈ પર ધંધા હૈ યે… પરંતુ તેની સામે ઘરમેળે લડી તો શકાયને?

4
787
Photo Courtesy: livelaw.in

Rose Day અને Prapose Day પુરા થઇ ગયા છે…પ્રપોઝ કરનાર ના રીઝલ્ટ પંચાયતો ના રીઝલ્ટ ની સાથે જ આવી ગયા છે.પ્રેમ અણીશુદ્ધ રહ્યા નથી એવી ઘણા ગુલાબ ના રોકાણકારો ની ફરિયાદ છે. હાસ્ય માં પણ રાક્ષસી ના હાસ્ય ની છેક રામાયણ કાળની ભેળસેળ પકડાઈ છે. કોક ભાઈએ મોનાલીસા ના હાસ્ય માં કરુણતા ની કેટલી ભેળસેળ છે એની ટકાવારી નું પ્રમાણ નક્કી કરેલું. હાલ કેટલાક સમય થી અમદાવાદી ફાફડા અને રાજકોટીયન ચા વચ્ચે ભારે ધમાસાણ મચ્યું હોવાના અહેવાલ છે, વિદ્વાનોના મતે ફાફડા આદિમાં વોશિંગ પાવડર અને ચાહમાં ઘટ્ટ બનાવવા સાબુદાણાની ભેળસેળ કરાય છે. પાણીની બોટલમાં શુદ્ધા ભેળસેળ હોય છે, ઝેર પીવાથી લોકો બચી જવાના સમાચારો ભેળસેળની ખાસ પુષ્ટી કરે છે. આ આખો ફકરો આ લેખની સાઈઝ વધારવા કરાયેલી એક ભેળસેળ જ ગણો.

Photo Courtesy: livelaw.in

હવા થી લઇ દુઆ સુધી અને વાણી થી લઇ પાણી સુધી આ જમાનો ભેલસેળીયો થઇ ગયો છે, ખોરાક માનવના પોષણ અને વિકાસ માટે અનિવાર્ય જરૂરીયાત છે. શુદ્ધ અને સમતોલ આહારથી શરીર નીરોગી રહે છે. ખોરાક અને આરોગ્ય વચ્ચેના સીધા સંબંધનો ખ્યાલ દિન-પ્રતિ-દિન વધતો જવાથી ખોરાકની સલામતી પ્રત્યે વિશ્વવ્યાપી ધ્યાન ખેંચાતું રહ્યું છે. શુદ્ધ ખોરાક એટલે કે ખોરાકને હાનિકારક બનાવે તેવા અથવા તીવ્ર પ્રકારના અથવા કાયમી વ્યાધિરૂપ બને તેવા રોગને પેદા કરે તેવા દૂષક પદાર્થો, ભેળસેળ દ્રવ્યો, કુદરતી રીતે પેદા થતાં ઝેરી દ્રવ્યો અથવા એવા બીજા કોઇપણ પદાર્થનો ખોરાકમાં અભાવ અથવા તેનું સ્વીકાર્ય અને સલામત પ્રમાણ.

આજે દેશમાં ભેળસેળ કરવામાં આવેલો ખોરાક, દૂષિત ખોરાક પછીનું બીજું એક ચિંતાનું કારણ છે. ભેળસેળયુકત ખોરાક અથવા ઉતરતી કક્ષાનો ખોરાક જોખમી બને છે. ખોરાકના પ્રકાર, તત્વો અને ગુણવત્તાને પ્રતિકૂળ અસર કરે તેવા દ્રવ્યોનું તેમાં ઇરાદાપૂર્વક ઉમેરણ હોય અથવા તેમાં વૈકલ્પિક પદાર્થ વપરાયા હોય ત્યારે જ ખોરાકમાં ભેળસેળ થઇ હોવાનું કહેવાય તેમ નથી. વાવેતરથી શરૂ કરીને તેની વૃદ્ધિ, લણણી, કાપણી, સંગ્રહ, હેરફેર અને વિતરણના કોઇપણ તબકકા દરમિયાન તે આકસ્મિક રીતે દૂષિત થાય તો પણ ખોરાકમાં ભેળસેળ થઇ હોવાનું કહેવાય. ખોરાકમાં ભેળસેળ એક મોટુ જાહેર આરોગ્ય જોખમ છે. સામે દવાઓ પણ ભેળસેળવાળી થતી જાય છે.જનેરિક મેડીસીન પણ જો યોગ્ય રીતે ન બનાવાઈ હોય તો એ પણ ભેળસેળમાં પરીણમે છે.

ચાલો જાણીએ ભેળસેળ અંગે સરકારી નીતિ નિયમ:

PFA એક્ટ તરીકે “ખોરાક ભેળસેળ નિવારણ અધિનિયમ” 1954માં અમલમાં આવ્યો. આ કાયદા અનુસાર કેન્દ્રીય અન્ન પ્રયોગશાળાની રાજ્ય અને જીલ્લાની શાખાઓમાં આપ આ અંગે અરજી કરી શકો. જેમાં દોષિતને 6 માસ થી 7 વર્ષ સુધીની સજાની જોગવાઈઓ છે. લોકલ હેલ્થ ઓથોરીટી કે મામલતદારશ્રીને પણ આ અંગે જાણ કરી સેમ્પલ તપાસ માં નજીવા ખર્ચે મોકલી શકાય છે. પણ કમનસીબે, ગ્રાહકો પોતે જ, ગરીબીના કારણે અથવા યોગ્ય શિક્ષણના અભાવે કે પછી સિસ્ટમની જટિલતાથી કંટાળી જઈને ખાદ્ય પ્રોડકટોની ગુણવત્તા વિશે ચિંતિત નથી હોતા.

આ અજ્ઞાન અને આળસના કારણેજ તેઓને સ્વાસ્થયલક્ષી ગંભીર જોખમોએ સામનો કરવો પડે છે. જુદીજુદી ભેળસેળ ચકાસવા ગુજરાતની પ્રાદેશિક ખોરાક પ્રયોગશાળા એ માહિતી આપી છે જે ખરેખર એકાદવાર ઘરમાં ચકાસી જોવા જેવી છે. વધુ નહીં તો ઘર માં આવતા દરેક ખોરાક ને સમયાંતરે ચકાસતા રહેવાથી ચોક્કસ દવાખાનાના પગથીયા ઘસવાથી અને તમારા સંતાનો ને જીન્સમાં રોગ ભેટ આપવાથી આપ બચો છો. ઘરમાં આવતા ખોરાકમાં ભેળસેળ છે કે નહીં તે ચકાસવાની રીત આ રહી…

ભેળસેળ ચકાસવાની સાદી અને સરળ રીતે ખાદ્યતેલમાં જો દિવેલની ભેળસેળ કરાય હોય તો તે જાણવા માટે થોડાક તેલને કસનળીમાં લઇ પેટ્રોલીયમ ઇથરમાં ઓગાળો અને કસનળીને બરફ અને મીઠાના મિશ્રણમાં મુકતા જો માત્ર પાંચ જ મીનીટમાં તે ડહોળું થાય તો તેમાં દિવેલ છે તેમ જાણી શકાય છે.

જયારે મીઠાઇ, પાન અને ચટણીમાં વપરાતા વરખમાં જો આપણને એમ લાગે કે એમાં એલ્‍યુમીનીયમના વરખ છે તો તે શોધવા માટે હાઇડ્રોકલોરીક એસીડમાં તે વરખ નાંખવાથી જો તે એલ્‍યુમીનીયમનું હશે તો અગોળી જશે અને જો ચાંદીનું વરખ હશે તો તે ઓગળશે નહીં.

આપણે બજારમાંથી ખરીદેલી રાઇમાં કોલસાની ભુકી નાંખવામાં આવી છે કે કેમ તે જાણવું હોય તો રાઇને હાથમાં મસળો અને રાઇ મસળતા કાળો રંગ હાથ ઉપર લાગે તો સમજવું કે કોલસાની ભૂકીની ભેળસેળ કરવામાં આવી છે.

બજારમાંથી આપણે ખરીદેલી ચા ખરેખર સારી છે કે તેમાં ભેળસેળ છે તે જોવું હોય તો ભીના ફિલ્‍ટર પેપર ઉપર આવી શંકાસ્‍પદ ભૂકી છાંટો, થોડીવારમાં ફીલ્‍ટર પેપર ઉપર પીળા ગુલાબી લાલ ભુરા ડાઘા દેખાય તો સમજવું કે વપરાયેલી ચાના ડુચાને સુકવીને કૃત્રિમ રંગોથી રંગી ચામાં ભેળસેળ કરી છે.

ફરસાણ, રંગવાળી મીઠાઇ, આઇસ્‍ક્રીમમાં કોઈ મિશ્રણ છે કે કેમ તે જોવું તો ખાદ્ય ચીજ ઉપર હાઇડ્રોકલોરીક એસીડ નાંખવાથી એનો રંગ ભુરો અને જાંબુડીયો બની જાય તો સમજવું કે મેટાનીલ યલો જેવા પ્રતિબંધિત કોલટાર કલરનો ઉપયોગ કરાયો હોઇ શકે છે.

મરચાની ભૂકીમાં લાકડાનો વહેર અને અખાદ્ય રંગ વપરાયો હોય તો ખાંડેલા મરચાને પાણીમાં નાંખવાથી વહેર તરસે તેમજ પાણી રંગીન થશે.

ચાની અંદર જીણી લોખંડની કણીઓ નાંખવામાં આવી હોય તો ચા ને લોહચુંબક  ઉપરથી પસાર કરતા લોખંડની રજકણો ચોંટી જશે.

દૂધની અંદર સ્‍ટાર્ચની ભેળસેળ કરાય હશે તો દૂધ થોડા દૂધમાં ચારથી પાંચ ટીપા ટીકચર ઓફ આયોડીન નાંખો સ્‍ટાર્ચ હશે તો બ્‍લ્‍યુ રંગે થશે.

દળાયેલી ખાંડમાં સોજી, ધોવાનો સોડા કે ચોકનું મિશ્રણ કરાયું હશે તો ધોવાનો સોડા કે ચોક હશે તો તેમાં હાઇડ્રોકલોરીક એસિડ નાંખતા ઉભરો આવશે અને સોજી હશે તો તેમાં ચારથી પાંચ ટીપા ટીંકચર ઓફ આયોડીન નાંખતા બ્‍લ્‍યુ રંગનું થશે.

ઘી અને માખણમાં વનસ્‍પતિનું મિશ્રણ કરાયું હશે તો એક ચમચી ભરી સાંકળ હાઇડ્રોકલોરીક એસિક (10ML.) માં ઓગાળો તેમાં 10ML ઠરેલ ઘી ઉમેરો, મિશ્રણને હલાવો જો રંગ લાલ થાય તો માખણ અને ઘી નકલી સમજવાના રહેશે.

કઠોળ અને દાળમાં કૃત્રિમ રંગ વપરાયો હશે તો કઠોળ અને દાળ પાણીમાં નાંખવાથી પાણી રંગીન થઇ જશે.

કોપરેલમાં ખનીજ તેલ (મીનરલ ઓઇલ) ભેગું કરાયેલ હશે તો તેલને ફ્રીઝમાં મુકવા છતાં પણ જો તે જામે નહીં તો કોપરેલ તેલ શુધ્‍ધ નથી જયારે મરીમાં ખનીજ તેલ (મીનરલ ઓઇલ), કેરોસીનની ભેળસેળ કરાઈ હશે તો મરી ચળકતા કાળા લાગે તથા હાથ ઉપર ઘસવાથી કેરોસીનની વાસ આવે.

મરચા અને હળદરની ભુકીમાં અખાદ્ય કૃત્રિમ રંગોની તથા બાહય સ્‍ટાર્ચ, કુસકી વગેરેની ભેળસેળ થતી હોય છે જેથી કંપની પેક નમુનામાં આવી ભેળસેળનું પ્રમાણ ખૂબજ ઓછું જોવા મળતું હોઈ કંપની પેક પ્રોડકટ ખરીદી અથવા તો જાતે મરીમસાલા બનાવવા જોઇએ. આમ ઘેર બેઠા પણ ભેળસેળ ચકાસી શકાય છે અને ઘેરબેઠા ભેળસેળ જે ચકાસી શકાતી નથી તે આપણી રાજય સરકારની આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના ખોરાક અને ઔષધિ નિયમન તંત્ર દ્વારા ખોરાક અને ઔષધ પ્રયોગશાળાને સેમ્પલ મોકલવાથી મદદ મળી રહે છે…

ભેળસેળ થી બચવા આ અભિગમ હવે અપનાવો…

ભેળસેળીયાઓ ને ખુલ્લા પાડવા એ દેશ ની મોટી સેવા થશે…

 

eછાપું

 

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here