આજે અક્ષય કુમારની ફિલ્મ પેડમેન રીલીઝ થવાની છે. આપણને ખબર જ છે કે આ ફિલ્મ સ્ત્રીઓને માસીક દરમ્યાન સ્વચ્છતા જાળવવા સેનેટરી પેડનો ઉપયોગ કરવાનો સંદેશ આપે છે. આ ફિલ્મ એક એવા વ્યક્તિની વાત કરે છે જેણે પોતાના ગામની સ્ત્રીઓને સેનેટરી પેડ વાપરવા માટે જાગૃત કરી હતી. હવે જેમ કાયમ બને છે તેમ ફિલ્મનું પ્રમોશન કરવા માટે સોશિયલ મીડિયા પર પેડમેન ચેલેન્જ શરુ કરવામાં આવી છે.

જેમ અમુક વર્ષ અગાઉ અમેરિકામાં બકેટ ચેલેન્જ શરુ કરવામાં આવી હતી એવી જ રીતે અહીં લોકોએ સેનેટરી પેડ હાથમાં રાખીને ફોટો પડાવવાનો, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાનો અને પછી એક કે બે જણને નોમીનેટ કરવાના, આથી આ ચક્ર આગળ વધે. પહેલી દ્રષ્ટિએ ખૂબ ગમી જાય એવો આ વિચાર છે અને એને સપોર્ટ પણ મળવો જોઈએ.
પરંતુ જો ધ્યાનથી વિચારો તો ખ્યાલ આવે કે જે વ્યક્તિઓ સોશિયલ મીડિયામાં એક્ટીવ હોય છે તેમાંથી મોટાભાગના લોકોને સેનેટરી પેડ એટલે શું અને એનાથી શું ફાયદો થાય છે એનો મોટેભાગે ખ્યાલ હોય જ છે. તો જાણકાર લોકોને જ સેનેટરી પેડ વિષેની જાણકારી ફરીથી આપીને શો ફાયદો થવાનો એવો પણ એક સવાલ થાય. જો આવો સવાલ તમારા મનમાં પણ આવે તો સમજી લેવાનું કે પેડમેન ફિલ્મને પ્રમોટ કરવા માટેજ આ ચેલેન્જ જાહેર કરવામાં આવી છે.
હવે એમ વિચારીએ કે ઉપર જણાવવામાં આવેલી ચેલેન્જ એ ફિલ્મનું પ્રમોશન કરવા માટે જ છે અને એનાથી વધુને વધુ લોકો ફિલ્મ જોવા જશે અને અક્ષય પત્ની ટ્વિન્કલનું બેન્ક બેલેન્સ તગડું થઇ જશે કારણકે તે આ ફિલ્મની પ્રોડ્યુસર પણ છે. પણ આમ થાય તો પણ એક આડ ફાયદો એ પણ છે કે વધુને વધુ લોકો પેડમેન જોવા જશે અને વધુને વધુ લોકો, જો ફિલ્મ સારી હશે તો એનો પ્રચાર એટલેકે માઉથ પબ્લીસીટી કરશે. જો એમ થશે તો જે સ્ત્રીઓ કે પુરુષો સેનેટરી પેડના ફાયદાથી અજાણ છે તેમના સુધી આ વાત પહોંચશે અને જો ભગવાન ભલું કરશે તો દેશમાં સેનેટરી પેડ વાપરનારી સ્ત્રીઓની સંખ્યા વધશે. આ hypothetical પરિસ્થિતિ છે પણ જો એમ થાય તો શું વાંધો છે?
વાંધો માત્ર એક વાતનો છે કે સ્ત્રી સ્વાતંત્ર્ય અને દીકરી વ્હાલનો દરિયો જેવા એકતરફી પ્રચારની જેમજ આ સેનેટરી પેડ ચેલેન્જ પણ હરખપદુડી થઇ ગઈ હોવાનું સોશિયલ મીડિયામાં માલુમ પડ્યું છે. કેટલીક બાબતો અંગત હોય છે. સેનેટરી પેડ પર બનતી ફિલ્મ ભલે જાહેરમાં દર્શાવવામાં આવે કારણકે એ કોઈ સંદેશ પ્રસારિત કરે છે બિલકુલ શૌચાલય બનાવવાનો અંગત સંદેશ ફેલાવતી ફિલ્મ ટોઇલેટ એક પ્રેમ કથાની જેમજ, પરંતુ એનાથી હરખપદુડા થઈને માસીકને ઉત્સવ બનાવવો જોઈએ અને માસીક આવે ત્યાર પેંડા વહેંચવા જોઈએ આ બધી સલાહો જરા વધુ પડતી ન કહેવાય?
જો સ્ત્રીઓને માસીક સમયનો ઉત્સવ જ મનાવવો હોય તો પેંડા નહીં પરંતુ જરૂરીયાતમંદ સ્ત્રી, કન્યાને તેમજ જે સ્ત્રી અથવાતો કન્યામાં હાઈજીન અંગેનું જ્ઞાન અતિશય અલ્પ માત્રામાં છે તેમની વચ્ચે પોતે દર મહીને જ્યારે માસીકનો અનુભવ કરી રહી હોય એ તમામ દિવસોએ સેનેટરી પેડ્સને વહેંચવાનું પુણ્ય કમાવવું વધુ યોગ્ય રહેશે નહીં?
eછાપું