ફરીએકવાર 14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન્સ ડે આવી રહ્યો છે. વેલેન્ટાઈન્સ ડે એટલે તમારી મનગમતી વ્યક્તિ સાથે સમય વિતાવવાનો દિવસ. પ્રેમની મૌસમ ખીલેલી હોય છે અને તેને આપણે યાદગાર બનાવવા માંગતા હોઈએ છીએ. ફૂલો, હાર્ટ શેપ વાળી કેક, લાલ રંગના કપડા, ટેડીબેર, ચોકલેટ્સ જેવી ઘણી વસ્તુઓ આ દિવસને સેલીબ્રેટ કરવાનું સૂચક છે. ફેબ્રુઆરી મહિનો આવતા જ પ્રેમીઓ આ દિવસની તૈયારીમાં વ્યસ્ત હોય છે. તો અમે તમને તમારા વેલેન્ટાઈન્સ ડે ને વધુ યાદગાર બનાવવા તથા આપના વેલેન્ટાઈન સાથે ક્વોલીટી સમય વિતાવવા માટે અમદાવાદ તથા અમદાવાદની આસપાસના સ્થળો બતાવીશું જે આપના માટે મદદરૂપ થશે.
1. કાંકરિયા:

અમદાવાદમાં આવેલ કાંકરિયા લેક ઘણા મોટા વિસ્તારમાં ફેલાયેલ છે. આ એવી જગ્યા છે જ્યાં આપની મનગમતી જગ્યાએ કલાકો સુધી આપણી પ્રિય વ્યક્તિ સાથે બેસી શકીએ. કાંકરીયામાં બોટીંગ, ટ્રેન રાઈડ, હોટ એર બલુન જેવી એક્ટીવીટી કરીને સમય વિતાવી શકાય છે તથા રાત્રે થતો લાઈટ શો જરૂરથી માણવો જોઈએ.
2. રિવર ફ્રન્ટ:

અમદાવાદીઓની બીજી મનપસંદ જગ્યા એટલે સાબરમતી રિવર ફ્રન્ટ. ખુબ સરસ બેસવાની વ્યવસ્થા સાથે સાબરમતી નદીને ખુબ જ નજીકથી નિહાળી શકાય તેવી આ જગ્યા હોવાથી યુથમાં તે આજકાલ હોટ ફેવરિટ છે. રીવર ફ્રંટ ઉપર આવેલ ફ્લાવર પાર્ક પણ ખુબ સુંદર જગ્યા છે જેમાં ફૂલોની મહેક સાથે આપના પ્રિયજનનો સંગાથ આ વેલેન્ટાઈન્સ ડે ને માધુર્ય થી ભરી દે છે.
3 ઈન્દ્રોડા પાર્ક:

અમદાવાદથી 25 કી.મી નાં અંતરે આવેલ ગાંધીનગરમાં આ પાર્ક આવેલો છે. અહીંના મેઈન ગેટમાં પ્રવેશતા જ જાણે કુદરત નો સ્પર્શ મળ્યો હોય તેવું લાગે. 400 હેક્ટરની વિશાળ જગ્યામાં પથરાયેલ નેચર પાર્ક બે ભાગ માં વહેચાયેલ છે. એક ભાગમાં ડાયનોસોર અને જીવાવશેષ ઉદ્યાન અને બીજા ભાગમાં વિશાળ પ્રાણીસંગ્રહાલય આવેલ છે, આ ઉપરાંત બોટનીકલ ગાર્ડન પણ આવેલ છે. આમ દરેક પ્રકારે ફરવા માટે નું ફૂલ પેકેજ અહીં મળી રહે. નીલગાય આપણું વેલકમ કરવા રસ્તામાં મળી જાય, મોર પોતાના પંખ ફેલાવીને કળા કરતો, નાચતો આપણું મનોરંજન કરે, પતંગિયા ઉડાઉડ કરતા તમને રસ્તો બતાવે આ તમામ કુદરતી અનુભવ તમે અહીં મેળવી શકો છો. જંગલમાં ખુબ જ શાંત વિસ્તારમાં જો ટ્રેકિંગનો આનંદ માણવો હોય તો પણ માણી શકાય તેવી આ જગ્યા મસ્ટ વોચ પ્લેસીસમાંની એક છે.
તમને ગમશે: ગબ્બર સિંઘ ટેક્સ જેવી વ્યાખ્યાના લીરેલીરા ઉડાડતી ભારતની ઓટો ઇન્ડસ્ટ્રી
4. તિરુપતિ રીશીવન:

તિરુપતિ રીશીવન એટલે નેચરલ પાર્ક, વોટર પાર્ક તથા એડવેન્ચર એક્ટીવીટી નો કોમ્બો. નેચરલ પાર્ક સવારના 8.30 થી સાંજના 6.30 વાગ્યા સુધી ખુલ્લો રહે છે જો આપ તથા આપના પ્રિયજન પ્રકૃતિ પ્રેમી હોય અથવા એડવેન્ચરનાં શોખીન હોય તો જરૂર થી અહી ડે પ્લાન બનાવી શકાય. તિરુપતિ રીશીવન વિજાપુર-હિમતનગર રોડ પર આવેલ છે જે અમદાવાદ થી આશરે 75 કી.મીનાં અંતરે છે. તો કરો પ્લાન અને વેલેન્ટાઈન્સ ડે ને બનાવો એડવેન્ચરસ.
5 થોળ લેક:

અમદાવાદ થી લગભગ 30 કિમીનાં અંતરે આવેલી આ જગ્યા એ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલેલું હોય છે અને ત્યાં આવેલ આ લેક પર આરામથી 3 થી 4 કલાક વિતાવી શકાય છે. કુદરતી સૌન્દર્યના ચાહકોને આ જગ્યા જરૂરથી પસંદ આવશે. સવારના સમયે સારા એવા પ્રમાણમાં અનેકવિધ પક્ષીઓ પણ જોવા મળે છે. અને કુદરતી સૌંદર્ય સાથે આપના પ્રિયજનનો સાથ મળે એટલે જાણેકે સ્વર્ગનો અહેસાસ થાય.
6. વોટરસાઈડ રેસ્ટોરંટ

સરખેજ ગાંધીનગર હાઈ વે પર નર્મદા કેનાલ પાસે એક ખુબ જ સુંદર રેસ્ટોરંટ આવેલું છે જે આપના આ દિવસને યાદગાર બનાવવા માટે પુરતું છે. કેન્ડલ લાઈટ ડીનર, લાઈવ મ્યુઝીક સાથેનું ડીનર અને રોમાન્સસભર માહોલ અને આપની પ્રિય વ્યક્તિનો સંગાથ એટલે વેલેન્ટાઈન્સ ડે નું ફૂલ પેકેજ. અહી જતા પહેલા ફોનથી ટેબલ બુક કરાવી શકાય છે. અને જો કૈક સ્પેશીયલ સરપ્રાઈઝ આપવી હોય તો પણ ત્યાં જાણ કરવાથી તેઓ પર્સનલ ટચ આપીને ખુબ જ સુંદર રીતે વ્યવસ્થા કરી આપે છે જેમ કે, બલુન ડેકોરેશન, ટેબલ ડેકોરેશન, ડેડીકેટેડ સોન્ગ્સ, ફ્લાવર ડેકોરેશન.
આમ અમદાવાદ તથા તેની આસપાસની આ સુંદર જગ્યાઓ સુંદર હોવાની સાથે સાથે નજીક છે જેથી ઓછા સમયમાં આ જગ્યાઓએ પહોચી શકાય છે આ ઉપરાંત આ દરેક જગ્યાઓ પ્રમાણમાં સુરક્ષિત જગ્યાઓ છે. તો પ્લાન કરીને અથવા તો પ્લાન કર્યા વગર આપના પ્રિયજનને લઇ ને નીકળી પડો વેલેન્ટાઈન્સ ડે પર અને બનાવી દો આ સમયને યાદગાર.
eછાપું
Bhai rajkot nu pan kaik kaho .Ahiya pan Valentine’s day celebrate kre che.
Next time rajkot nu lakhisu