ગુજરાતનો ખેડૂત જો આધુનિક ખેતી તરફ વળશે તો એની ધરતી જરૂર સોનું ઉપજાવશે

1
483
Photo Courtesy: thebetterindia.com

ડાંગ જિલ્લાના 50 જેટલા આદિવાસી ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડીને ઓર્ગેનિક ખેતી તરફ વળીને 23 હેકટરમાં સ્ટ્રોબેરીનું ઉત્પાદન કર્યું. હા વાંચીને નવાઈ લાગશે પણ હકીકત આ જ છે. ડાંગ જેવા અંતરિયાળ પ્રદેશનો ખેડૂત જેને પૂરતું વાંચતા લખતાં નથી આવડતું અને જે સૌરાષ્ટ્રમાં ખેત મજૂરીનું કામ કરવા આવતાં હતાં અને આજે ગુજરાત સરકારના બાગાયતી ખાતાની પૂરતી મદદથી સ્ટ્રોબેરીનું ઉત્પાદન કર્યું! બોલો આપણે ક્યારેય વિચાર્યું હતું કે ગુજરાતમાં અને એય પાછું ડાંગ જિલ્લામાં સ્ટ્રોબેરી ઉત્પાદિત થાય??!!

અને ગુજરાતના અન્ય ખેડૂતો એ શું કર્યું ?

Photo Courtesy: thebetterindia.com

માત્ર ને માત્ર સરકારનો દોષ શોધ્યો. ખેડૂતોની આવક 2022 સુધી બમણી કરવાની માત્ર બજેટમાં વાતો કરશે પણ અમલ નહીં કરી શકે એવી પગ પર પગ ચડાવીને વાતો કરી. પૂરતાં ભાવ નથી, ખાતર મોંધુ, વરસાદ નથી, વીજળી નથી, પાણી નથી મળતું વગેરે વગેરે પણ આ પંચાતમાં સામેલ હતું.

સરકારનો દોષ દેતાં પહેલાં કેટલા ખેડૂતોને સરકારની કેટલી કૃષિલક્ષી યોજનાઓ વિશે ખ્યાલ છે અને એમાંથી કેટલી યોજનાનો તેમણે લાભ લીધો છે એના વિષે એ ખુદ કેટલું જાણે છે? કેટલા ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી કરે છે? કેટલા ખેડૂતો સરકાર દ્વારા યોજવામાં આવતી તાલીમમાં ભાગ લે છે? કેટલા ખેડૂતો કૃષિ વૈજ્ઞાનિકની સલાહ મુજબ પાકના વાવેતરથી માંડી ને લણણી સુધી અપાતી સલાહને અનુસરે છે? કેટલા ખેડૂતો જૈવિક ખેતી કરે છે? કેટલા ખેડૂતો DD KISHAN ચેનલ પર આવતાં પ્રોગ્રામ જોવે છે? કેટલા ખેડૂતોના મોબાઈલમાં કૃષિને લગતી એપ છે ? આવા તો કેટલાંય સવાલોના જવાબ લેવાના બાકી છે. હા, અંદાજે 20% ખેડૂતોએ યોજનાઓનો લાભ લઈને ખૂબ વિકાસ સાધ્યો છે. પણ વાત તો એ હતી કે સામાન્ય ખેડૂતે શું કર્યું?

આ આજના સૌરાષ્ટ્રના ખેડૂતની દુઃખદાયક વાસ્તવિકતા છે પણ હકીકત છે. આજે આઝાદી સમયે જે પદ્ધતિથી સૌરાષ્ટ્રનો ખેડૂત ખેતી કરતો હતો એજ પદ્ધતિથી આજે આઝાદીના 70 વર્ષ બાદ પણ ખેતી કરે છે. બસ કુદરતની મહેરબાની કે 2001ના ભૂકંપ પછી દુકાળનું નામ નિશાન નથી અને મા નર્મદાના પાણીનો ઉપકાર છે પણ એ કુદરતના ઉપકારનો ઉપયોગ આપણે નહિવત ગણી શકાય એવો કર્યો છે, કેમ? એ વાત આપણે સૂકા રણમાં નાનકડા એવા હરિયાળા દેશ ઇઝરાયેલ પાસેથી શીખવાની વાત છે.ઇઝરાયેલ એગ્રીકલ્ચર ટેકનોલોજી માટે અલગથી લેખ લખવો પડે પણ ટૂંકમાં કહું તો ઇઝરાયેલમાં કૃષિ એટલે સરકાર, ટેકનોલોજી અને ખેડૂતોનો ત્રિવેણી સંગમ.

હા, ખેતી કરવાની પદ્ધતિ એજ છે પણ ખેડૂતની પદ્ધતિ ચોક્કસ બદલી છે. પહેલાં ખેડૂતોનો શ્રમ અને આજે કરવાના શ્રમમાં 80% ઘટાડો છે. ખેડૂતો ગાડરિયા પ્રવાહમાંથી અભિગમ બદલીને પરંપરાગત ખેતી તરફથી આગળ વધીને આધુનિક ખેતી તરફ વળે એવી અંગત સલાહ છે.

જો આદિવાસી ખેડૂત આધુનિક કે જૈવિક ખેતી કરી શકતાં હોય તો અન્ય ખેડૂતો કેમ નહીં? સરકારને માત્ર દોષ દેવાને બદલે સરકારી યોજનાઓનો લાભ લઈએ, પધ્ધતિસરનું શિક્ષણ લઈએ, કૃષિક્ષેત્રે આવેલ પરિવર્તનનો ભાગ બનીએ, કૃષિ વૈજ્ઞાનિકનું માર્ગદર્શન મેળવીએ અને સાથેસાથે પશુપાલન, મધમાખી ઉછેર અને હાલમાં જ કાને પડેલો નવો શબ્દ એ બામ્બુની ખેતી કરીને વધારાની આવક મેળવીને સમૃદ્ધિ તરફ હરણફાળ ભરીએ.

~મોજપુત્ર’આનંદ’

eછાપું

તમને ગમશે: ચાલો આપણું સોશિયલ મીડિયા સર્ફિંગ વધારે જ્ઞાનપ્રદ બનાવીએ

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here