Valentine’s Week Special: ગુલાબ સાથે આપવા જેવાં ગુલાબી વચનો

0
408
Photo Courtesy: theromantic.com

Valentine’s Day, દર વર્ષે 14th ફેબ્રુઆરીએ આવતો એક એવો પ્રસંગ જેમાં ગુલાબ આપવાની સાથે ગુલાબ લેવાવાળાની આતુરતા પણ અલગ જ હોય છે. જેની પાસેથી અપેક્ષાઓ હોય એ વ્યક્તિ ગુલાબ લઈને તમારી પાસે આવે ત્યારે હૃદયનાં ધબકારા બુલેટ ટ્રેન કરતાં પણ વધારે ઝડપી થઈ જાય અને મન દીવાસ્વપ્નમાં ખોવાઈ જાય. ખયાલી પુલાવ રંધાય અને દરેક પળ યશરાજ પ્રોડક્શનની ફિલ્મ્સ જેવી લાગે. એટલે કે શાહરૂખ ખાનની મૈં હું ના ફિલ્મમાં દર્શાવાયું છે તેમ આજુબાજુ વાયોલિનવાદકો અચાનક આવી જાય અને એક સૂમધુર સંગીતની પીરસામણી થાય. આ વાંચીને તમે પણ ખોવાઈ ગયાં ને?

Valentine’s Day પર ભારત વર્ષના ઘણાંખરાં યુવાનો આ રસપ્રદ ઉત્સવની ઉજવણી કરવામાં મશગુલ થઈ જાય છે.

Photo Courtesy: theromantic.com

Valentine’s Day ના મૂળ સુધી ન જતાં અહીં આપણે માત્ર એની તૈયારીઓ, મહત્વ તથા પરિણામોની વાત કરીશું. બહુ જ સામાન્ય બાબત છે કે આ દિવસે મોટા ભાગના યુવાનો પોતાના ડ્રીમ પાર્ટનરને લાલ રંગનું ગુલાબ કેમ આપવું અને કઈ રીતે આ દિવસને યાદગાર બનાવવો એ માટે દિવસો અગાઉથી પ્રયત્નશીલ બની જાય છે. માર્કેટમાં ગુલાબના મહત્વ સાથે ભાવ પણ આસમાને પહોંચી ગયા હોય છે. દરેક સ્ટોરમાં લાલ રંગનાં કપડાં આંખે ઊડીને વળગે છે. હાર્ટ શેપના સોફ્ટ ટોય્ઝ અને ફુગ્ગાથી વાતાવરણ ધમધમતુ હોય છે. એમાં સાંજથી હોટેલમાં પાર્ટી માટે કૉલેજ જતાં યુવાનો એકત્રીત થયા હોય છે. લાઉડ મ્યૂઝિક સાથે ડાંસ ફ્લોર ગાજે છે અને ખાણીપીણી શરૂ થાય છે. આ બધાની વચ્ચે ક્યાંક કોઈ નવયુવાન હિંમત કરી પોતાની મનપસંદ વ્યક્તિને એક લાલ ગુલાબ આપે છે અને તેનો પ્રેમ વ્યક્ત કરે છે.

બસ!!! પછી શરૂ થાય છે આ Valentine’s Day ના “ખરા” પરિણામોની અસર. જો માત્ર ગુલાબ આપવાથી પ્રેમ વ્યક્ત થતો હોય, તો જીવન ખરા અર્થમાં એક બગીચો બની જાય. સંવેદનાઓને સ્પર્શે એવા પ્રેમની અભિવ્યક્તિ થાય તો કદાચ જીન્દગી સફળ થઈ જાય. પણ જો માત્ર ઉપરછલ્લી લાગણીઓને સ્પર્શે તો અફસોસ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.

તમને ગમશે: કરચોરો હવે સાવધાન થઇ જજો…

“ગુલાબ” આપવાની સાથે એકબીજાને માન – સમ્માન આપવાના, એકબીજા પ્રત્યે લાગણીઓ સમજવાના, સમાનતા કેળવવાના, બંધનમુક્ત વાતાવરણ આપવાના, નિસ્વાર્થ ભાવે આખી જિંદગી સાથે જીવવાના, એકબીજાને પરિસ્થિતિ મુજબ વર્તન કરવાના વચન આપવામાં આવે, તો? તો કોઇ પણ પ્રકારના વિરોધ કે અવરોધનો સામનો કરવો પડે નહીં.

જો તમે એ સંબંધને કોઈ પરિણામ સુધી પહોંચાડવાના હો તો જ મનને કોઈ વ્યક્તિની લાગણીઓને છંછેડવા પ્રેરવું. બાકી આજના યુવાનોમાંથી અમુક જ ખરા અર્થમાં પ્રેમ કરી જાણે છે, એ સત્ય બની રહેશે. Valentine’s Day ને ઉજવીને એકમેકનાં સાથી બનેલા ઘણાં યુગલો 14th ફેબ્રુઆરીએ પોતાના ભૂતકાળને વાગોળશે. કેમ કે આ ઉત્સવ માત્ર યુવાનો માટે નથી. યુવાની વટાવી ચૂકેલા એ તમામ માટે છે જે પોતાના પાર્ટનરને વર્ષો પહેલાં ગુલાબી વચનો આપી ચૂક્યાં છે.

પ્રેમની ઉજવણીને ઉંમર સાથે કોઈ સંબંધ નથી. પ્રેમ ન દર્શાવીને પણ પ્રેમ કરનારા આપણી આજુબાજુ જોયા હશે. પ્રેમ તો કર્યો હોય પણ  પોતાની મનગમતી વ્યક્તિ સાથે ન રહી શકતા “જીવ”ને પણ જોયા હશે. પોતાની વ્યક્તિ સાથે ન હોવા છતાં એની યાદો સાથે જીવન ગાળતાં એ તમામ લોકો માટે આ પ્રેમનો જ એક પ્રકાર છે. અને આમ જુઓ તો આવા સદાનંદ યુગલો માટે દરેક દિવસ Valentine’s Day થી ઓછો નથી.

માટે આ Valentine’s Day પર ગુલાબના ફૂલ સાથે સંકળાયેલા ગુલાબી વચનો આપી જોજો. વર્ષો વિતશે તેમ તાંતણા મજબૂત થાશે અને એની સાથે બંધાયેલો પ્રેમ અકબંધ રહેશે. પ્રિય વાંચકોને એડવાન્સમાં … Happy Valentine’s Day!!

અસ્તુ!!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here