Valentine’s Week Special – લવલી લવલી છે આ લવ મેરેજ

0
451

આપણા વડવાઓના વખતમાં લવમેરેજ જેવી કલ્પના પણ અશક્ય હતી કારણકે એ સમયે એડવાન્સ બુકીંગ થઈ જતું કે તમારે ત્યાં દીકરી જન્મે અને અમારે ત્યાં દીકરો જન્મે (કે એથી ઊલટું) તો બંનેને પરણાવીને આપણે વેવાઈ બનીશું. પછી એવો સમય આવ્યો કે છોકરો-છોકરી એકબીજાને જોયાં કે મળ્યાં વગરજ, માબાપની મરજી પ્રમાણે પરણવા લાગ્યાં. મહાત્મા ગાંધી કસ્તુરબાને લગ્ન અગાઉ જોયા વગર જ પરણ્યા હતા. છેલ્લા ઘણાં વર્ષોથી જ્ઞાતિઓના પ્રમુખો અને સભ્યો ‘યુવક-યુવતી મેળાવડો’ ગોઠવતાં હોય છે જેમાં જે-તે જ્ઞાતિના ફ્રેશ, હાઈ-ક્લાસ, ગરમા-ગરમ, સેકન્ડ હેન્ડ કે લેટ-લતીફ સેમ્પલો એકબીજાને જુએ, મળે, વાતો કરે અને પસંદગી થાય તો પછી પરિવારજનો આગળ વધે. પરંતુ આ વ્યવ્સ્થામાં ક્યારેક એવું પણ બને કે યુવક-યુવતીઓને એમ થાય કે આપણી જ્ઞાતિ તો મણિબહેનો અને બાઘાભાઈઓથી જ ભરેલી છે ત્યારે મેરેજબ્યુરોનો સહારો લેવામાં આવે છે.

topdatingsites.in

આથી એક શેર ચઢે એવી વાત એવી છે કે આપણે ત્યાં ગામડામાં જે રીતે પશુબજાર ભરાય છે, પશુમેળા થાય છે બસ એ જ રીતે બિહારના મિથિલા વિસ્તારમાં પરપૂર્વથી ‘દુલ્હા-બજાર’ ભરાય છે. પરણવાની ઈચ્છા ધરાવતા છોકરાનાં મા-બાપ દીકરાને વરરાજાના વાઘા પહેરાવીને હજારોની સંખ્યામાં એક નિયત સ્થળે ભેગાં થાય છે. દીકરીઓના મા-બાપ આ બજારમાં લટાર મારે અને દરેક દુલ્હાને તપાસે-પારખે અને પછી આગળ વાત વધારે.

આ રીતે વિધવિધ લગ્નપ્રકારો વચ્ચે એક ખૂબ જ પ્રચલિત પ્રકાર છે – લવમેરેજ અર્થાત પ્રેમલગ્ન! લવમેરેજ અંગેની વ્યાખ્યા આપવી પડે એવો આજનો જમાનો નથી. ઘેર ઘેર માટીના ચૂલાની જેમ કુટુંબે કુટુંબે લવમેરેજ ના દાખલાઓ જોવા મળતા હોય છે.

જય વસાવડા લખે છે કે દુનિયાના દરેક ધર્મ કે દેશમાં પ્રેમને પરમાત્મા સુધી પહોંચવાનો સૌથી સરળ અને સાચો માર્ગ બતાવ્યો છે. પણ ભારતમાં પ્રેમનું નામ પડે કે નેવું ટકા વડીલો અને કેટલાક જનમઘરડા યુવાનો પણ ધિંગાણે ઉતરી જાય છે. બેઉ પ્રેમીપંખીડા મનમેળથી તનમેળ સુધી પહોંચવા ‘પરણવા’નો સહારો લે! કોઈ લફરું કરવા કરતાં લગ્નની વાત કરવી – એ તો સામાજિક અને શુદ્ધ વાત કહેવાય. પણ સામાન્યતઃ આપણા સમાજમાં થાય છે એમ બંને પક્ષના માતા-પિતાનો ગરાસ લૂંટાતો હોય એમ નકારો ભણે! પવિત્ર ભારતભૂમિના કેટલાય અક્કલમઠ્ઠાઓ માટે લવમેરેજ કરવા એ પાપ છે પણ એ માટે કોઈ જુવાન જીવને મોતને ઘાટ ઉતારવા એ પાપ નથી!

તમને ગમશે: 50 વર્ષનો સોમણ અને 20 વર્ષની ગર્લફ્રેન્ડ – ટ્વીટર ભડક્યું

ભારતના કયા ભગવાને અરેન્જ્ડ મેરેજ કરેલા એ કહો જોઈએ? સીતા કે દમયંતી કે દ્રૌપદી – બધી જ રાજપુત્રીઓ સ્વયંવર કરીને, પિતાને નહીં પણ પોતાને ઈચ્છિત પતિને જાહેરમાં પસંદ કરતી. રુક્મિણીનું પણ કૃષ્ણએ હરણ કરેલું. ગીતાનો સાંભળનારો અર્જુન અપ્સરાથી આદિવાસી સુધીની કન્યાઓ સાથે પરણેલો. આજે 21મી સદીમાં પણ ઓનરકિલિંગના નામે આપણા સમાજની બહેન-દીકરીને મારી નાખવાની ઘટના બને છે અને તે સામે સદીઓ પહેલાં કૃષ્ણ જેવા મહાપુરુષ પોતાની બહેન સુભદ્રાને (મોટાભાઈ બલરામની ઈચ્છા વિરુદ્ધ) તેના મનગમતા પુરુષ અને પોતાના મિત્ર એવા અર્જુન સાથે ભાગી જવામાં મદદ કરે છે. આપણે આ બધાની પૂજા કરવી છે પણ એમના આચરણ જેવું આપણા સંતાનો કરે તો ભૂકા બોલાવી દેવા છે.

અને એવું કોણે કહ્યું કે લવમેરેજ સફળ નથી થતાં?જયભાઈએ એમ પણ લખ્યું છે કે પ્રેમલગ્નોથી છલકાતું કુટુંબ એટલે સલમાનખાનના પિતા સલીમખાન ઍન્ડ ફૅમિલી. પુત્ર અરબાઝના લગ્ન મેંગ્લોરની ખ્રિસ્તી છોકરી મલાઈકા સાથે (જે લગ્નના અઢારેક વર્ષ પછી પોતાના અંગત મતભેદને કારણે હાલમાં છૂટા થયાં), સોહેલના હિંદુ પંજાબી કુડી સીમા સાથે, પુત્રી અલ્વીરાના પંજાબી બ્રાહ્મણ અતુલ અગ્નિહોત્રી સાથે, દત્તક દીકરી અર્પિતાના બિઝનેસમેન આયુશ શર્મા સાથે. સલીમ સાહેબ પોતે પત્નીઓ હેલન-સલમા અને સાથે બંને સાથે લવમેરેજ કરીને પ્રેમભર્યું જીવનસંગીત માણી રહ્યાં છે. મારા પોતાના મામાના દીકરાએ સિંધી છોકરી સાથે, દીકરીએ ખોજા મુસ્લિમ છોકરા સાથે 20 વર્ષ પહેલાં લગ્ન કરેલ છે અને આજે સુખી છે! લગ્નની સફળતા તો સપ્તપદીના સૂત્રોમાં છે. કયા પ્રકારે લગ્ન કર્યા એમાં નથી.

અને મૂળ ઈશ્યુ પ્રેમનો નથી. પ્રોબ્લેમ છે આપણી માનસિકતામાં. પેઢી દર પેઢી બંધિયાર મગજની મેથી મારનારા અક્કલના ઓથમીરોમાં. વાત કોઈ ચોક્ક્સ જ્ઞાતિ, રાજ્ય, કોમ કે નગરની પણ નથી – વાત છે જડસુ દિમાગની! પછી એ કોઈપણ માણસનો કેમ ન હોય! લગ્ન એ માત્ર મંત્રો બોલીને અગ્નિકુંડની આસપાસ ચાર ફેરા ફરવાથી, કાગળ પર સહી કરવાથી, કે ‘કબૂલ છે’ કહેવાથી બંધાઈ જતો કોઈ સંબંધ નથી. લગ્ન એ સાવ જુદા વાતાવરણમાંથી આવતા, આવ જુદી રીતે ઉછરેલા બે પાત્રોએ સાથે જીવવાની એક સુંદર સામાજિક વ્યવસ્થા છે. સારાં-નરસાની ખબર ન રહેતી હોય અને હાંઢિયા જેવા થાય તોયે નીતિ-નિયમમાં બાંધવા પડતા હોય એવા સંતાનો માટે માતા-પિતા જવાબદાર છે. ઉછેરમાં અને ઘડતરમાં ક્યાંક ચૂક કે ખોટ રહી ગઈ હશે. બાકી લવમેરેજ કર્યા પછી એમાં નુકસાન થાય તો એમનું પોતાનું જ થશે, બીજાનું નહીં! એ વાત સંતાનોને ખુદને સમજાવી જોઈએ. લવમેરેજ પ્રત્યેના વિરોધના કેસમાં લગભગ મામલો સંતાનના હિતનો ઓછો અને ઈગોનો વધુ હોય છે. ‘એવા ઘરની છોકરી અમારા ઘરની વહુ બની જ કેમ શકે?’ કે ‘આપણા ઘરની દીકરી એવા લોકોના ઘરમાં પરણાવી જ કેમ શકાય?’ – આ મેઈન મુદ્દો છે.

ટુ સ્ટેટ્સ (બુક અને ફિલ્મ, બન્ને) તો હમણાં આવી પણ દાયકાઓ પહેલાં બાબાસાહેબ આંબેડકરે પોતાના એક લખાણમાં લખેલું કે ભારતીય સમાજમાંથી જો જ્ઞાતિવાદને ખતમ કરવો હોય તો લવમેરેજ શ્રેષ્ઠ માર્ગ છે અને તેને પ્રોત્સાહન આપો. આ જ વિચારને લોકો સમક્ષ લાવવા ગુજરાતના પ્રખ્યાત કોલમિસ્ટ અને વ્યાખ્યાનકાર જય વસાવડાએ સન 2008માં ‘લીડ ઈન્ડિયા’ કોન્ટેસ્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું પણ આપણી માનસિકતાને કારણે જૂજ મત મળવાથી તેઓ કોન્ટેસ્ટથી બહાર થઈ ગયાં.

અરેન્જ્ડ મેરેજમાં એક કે બે મિટીંગમાં છોકરા-છોકરીના માતા-પિતા નક્કી કરે કે આપણે અહિંયા જામશે, આ લોકો સારા છે. અહીં જ લગ્ન કરવા છે. પ્રોબ્લેમ અહીં જ ઊભો થાય છે. એક વાત કાજલ ઓઝા વૈદ્યએ પોતાના પુસ્તક ‘એકબીજાને ગમતાં રહીએ’માં લખી છેઃ “અમેરિકાથી આવેલા એક છોકરાએ છવ્વીસ છોકરીઓ જોઈ નાખી પછી એક સુકન્યા પર પસંદગીની મહોર લગાવી. સુકન્યા પાસે ડિગ્રી હતી, ફિગર હતું. ગોરી-પાતળી છોકરી રસોઈકળામાં પણ નિપૂર્ણ હતી. ૧૫ દિવસ માટે આવેલા છોકરાએ લગ્ન કરી લીધાં, છોકરો અમેરિકા પાછો ચાલી ગયો. વિઝા પર છોકરી પણ તરત જ અમેરિકા પહોંચી ગઈ. અમેરિકા પહોંચતાની સાથે બંને જણા વચ્ચે ભયાનક ઝઘડાં શરૂ થઈ ગયા! કારણ? છોકરી પથારીમાં ઠંડીગાર હતી.”

લગ્ન પહેલાં બંને જણાં એકબીજાની સાથે સમય ગાળી જ શક્યાં નહોતાં એથી એમને બંનેને ખબર જ નહોતી કે એમની જરૂરિયાતો શું છે! અમેરિકામાં જીવતા છોકરા માટે સેક્સ એ લગ્નનો અગત્યનો ભાગ હતો. તેને પત્ની રાંધે નહીં તો ચાલે, પણ પથારીમાં તૃપ્ત કરી નાખે એવી હોવી જોઈએ. જ્યારે છોકરીએ પથારીમાં પોતાનું શરીર પતિને સોંપી દેવાથી આગળ બીજું કશું જ કરવાનું જરૂરી નહોતું લાગતું. એને મન રસોડામાં વાસણો વચ્ચે જિંદગી જીવવી એક લગ્નની પરિપૂર્ણતા હતી. પછી થાય શું? બંને આખરે અલગ થઈ ગયા.

ઈન્ડિયન ટેનિસની સ્ટાર પ્લેયર સાનિયા મિર્ઝાની પહેલી સગાઈ ચાઈલ્ડહૂડ મિત્ર મોહમ્મદ સોહરાબ સાથે નક્કી થયેલી અને પછી છએક મહિનામાં તૂટી પણ ગયેલી. સગાઈ તૂટ્યા પછી સાનિયાએ કહેલું: અમે ઘણાં વર્ષોથી મિત્રો હતાં, પરંતુ અમારે મનમેળ બેસતો ન હતો. અમારી જોડી જામે તેવી નથી. સગાઈ તોડી પછી સોહરાબના પિતા ઈમરાન મિર્ઝાએ કહ્યું કે, સોહરાબ અને સાનિયા અમારી પાસે આવ્યાં હતાં, એ બંને ખુશીથી છૂટા પડવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી અમારા બંનેના પરિવારના સુમેળાભર્યા સંબંધો પર કોઈ અસર નહીં થાય. આ વાતમાં કોઈ કડવાશ નથી. આખી ઘટનામાં મા-બાપે શીખવાનું છે કે તમે સંતાનને નક્કી કરવા દો કે એ લોકો સાથે રહી શકે એમ છે કે નહીં? એ બંનેની જોડી જામે છે કે નહીં? તમારા નિર્ણયો, વિચારસરણી અને પસંદ-નાપસંદ સંતાનો પર ઠોકી ના બેસાડો.

આજની યુવાપેઢી ક્લિયર અને ફોકસ્ડ છે. જબરજસ્તી કે ધરારીનો મતલબ નથી. આખી જિંદગી ભાર વેંઢારવા કરતાં પ્રેમથી બાય બાય કહેવું વધારે હિતાવહ અને ડહાપણ ભરેલું છે. લોકો અને સમાજને જે કહેવું હોય તે કહે પણ જીવવાનું આપણે છે, આ વાત નવી પેઢી બરાબર સમજે છે. આઝાદી અને પ્રાયવસી એ યંગસ્ટર્સને સૌથી વધુ ગમતા શબ્દો છે.

પડઘો

“Love marriages around the world are simple: Boy loves girl. Girl loves boy. They get married. In India, there are a few more steps:

Boy loves girl. Girl loves boy. Girl’s family has to love boy. Boy’s family has to love girl. Girl’s family has to love boy’s family. Boy’s family has to love girl’s family. Girl and boy still love each other. They get married.”

લખાણ ભારતીય (પણ અંગ્રેજીમાં લખતા) લેખક ચેતન ભગતના પ્રસિદ્ધ પુસ્તકટુ સ્ટેટસના પાછળના કવર પેજ પર લખેલું છે. કેવું સાચેસાચું લખેલું છે નહીં?

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here