અરે! આ મુસ્લિમ વિરોધી મોદીનું આરબો બંને હાથે કેમ સ્વાગત કરી રહ્યા છે?

0
323
Photo Courtesy: timesofindia.indiatimes.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે પોતાની પશ્ચિમ એશિયા અને ખાડીના દેશોની ‘ઐતિહાસિક’ મુલાકાત પૂરી કરી હતી. વડાપ્રધાનની પેલેસ્ટાઇનની મુલાકાત તો ઐતિહાસિક હતી જ પરંતુ બે વર્ષમાં મોદીની બીજીવારની UAEની મુલાકાતને પણ ત્યાંના અખબારોએ ઐતિહાસિક ગણાવી દીધી છે. સૌથી મોટો સવાલ અહીં એ થાય છે કે નરેન્દ્ર મોદી અને એમની સરકાર તો મુસ્લિમ વિરોધી છે, તો પછી આ આરબો નરેન્દ્ર મોદીનું બે હાથે સ્વાગત કેમ કરી રહ્યા છે? એ લોકો કેમ મોદી માટે લાલ જાજમ બિછાવી રહ્યા છે?

નવાઈ એ વાતની આગે છે કે 1988માં એટલેકે ત્રીસ વર્ષ અગાઉ પેલેસ્ટાઇન પ્રેસિડન્સીને અધિકારીક માન્યતા મળ્યા પછી પણ ભારતમાં મુસ્લિમોનું હિતનું ધ્યાન રાખતી અને ભાજપની ‘ઇઝરાયેલ તરફી નીતિ’ નો સતત વિરોધ કરતી કોંગ્રેસ પાર્ટીના એકપણ વડાપ્રધાનને ત્યાંની મુલાકાત લેવાનું કેમ સુજ્યું નહીં અને એક મુસ્લિમ વિરોધી છબી ધરાવતો કટ્ટર હિન્દુવાદી કહેવાતો અને જેના પર ગુજરાતના દંગાઓમાં હિન્દુઓ તરફી રહેવાનો આરોપ છે એવો વ્યક્તિ કેમ પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યો જેણે પેલેસ્ટાઇનની મુલાકાત લીધી? શું કાશ્મીરી પંડિતોને બદલે ઇઝરાયેલના પેલેસ્ટાઇનો પ્રત્યેના કહેવાતા અત્યાચારો માટે ભારતમાં વિરોધ પ્રદર્શન કાઢનારાઓ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને આ સવાલ પૂછશે ખરા?

Photo Courtesy: timesofindia.indiatimes.com

મોદી પેલેસ્ટાઇન ગયા તો ગયા પરંતુ ત્યાંના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે તો એમને એમના દેશનું કોઇપણ વિદેશી આગેવાન માટે અપાતું સર્વોચ્ચ સન્માન, ‘The Collar of the State of Palestine’ થી પણ સન્માન કરી દીધું? એક મુસ્લિમ વિરોધી નેતાનું એક આરબ નેતા સ્વાગત કરે? નવાઈ લાગે નહીં? કે પછી જેમ અહીં આરોપ લગાવાય છે એમ દેશના મીડિયાની જેમ મોદીએ અબ્બાસને પણ ફિક્સ કરી દીધા હશે?

સૌથી મજાની વાત તો ત્યારે બની જ્યારે મોદીની પેલેસ્ટાઇન યાત્રા માટે ચોપર એટલેકે હેલિકોપ્ટરની વ્યવસ્થા જોર્ડનની સરકારે કરી આપી અને એની હવાઈ રક્ષાની જવાબદારી ઇઝરાયેલની એરફોર્સે લીધી! પેલેસ્ટાઇનના આકાશમાં ઇઝરાયેલનું એરફોર્સ? ઓહ માય ગોડ! આરબો આ તમે શું કર્યું અમારા દેશના મુસ્લિમ વિરોધી વડાપ્રધાન માટે? વાત હજી અહીં પૂરી નથી થતી. મહમૂદ અબ્બાસે તો એટલી હદે કહી દીધું કે પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ વચ્ચે વર્ષોથી ચાલતા ટંટાનો અંત લાવવામાં ‘નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળનું ભારત’ એક મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

લો કલ્લો બાત! હા, આ જ સાઈટ પર જ્યારે ભારતે UNમાં ઇઝરાયેલ વિરુદ્ધ મત આપ્યો ત્યારે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ બે દિવસ પહેલા ભારતના વિદેશ મંત્રાલયના એક અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે ભારતની ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનની નીતિ એકબીજાથી અલગ અને સ્વતંત્ર છે. ટૂંકમાં ભારત એકસરખી રીતે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન સાથે સંબંધ રાખશે. આ વાત એકબીજાના કટ્ટર દુશ્મન એવા ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન તો સમજે છે પણ આપણા દેશના કેટલાક કૂપમંડૂક રાજનેતાઓ અને પત્રકારોને સમજાતી નથી અને કદાચ ક્યારેય સમજી પણ નહીં શકે!

UAE સરકારે મોદીની છેલ્લી મુલાકાત દરમ્યાન અબુધાબીમાં હિન્દુ મંદિર માટે જમીન હસ્તાંતરીત કરી આપી હતી અને આ મુલાકાત વખતે મોદીએ તે મંદિરનો શિલાન્યાસ પણ કરી દીધો. UAEના અખબારોએ મોદીની મુલાકાત સમયે ફૂલ પેજમાં સ્વાગત કરતી એડ આપી હતી અને એ પણ ફ્રન્ટ પેજ પર. મોદી UAE પહોંચ્યા તેની એક સાંજ અગાઉ બુર્જ ખલિફા ઉપરાંત અબુધાબીની મહત્ત્વની ઈમારતો પર દર કલાકે સતત ચાર કલાક સુધી એકવાર ભારતીય રાષ્ટ્રધ્વજના રંગો પાથરવામાં આવ્યા. UAEની ટોચની નેતાગીરીએ જાહેરમાં કહ્યું કે મોદીના આવ્યા બાદ ભારત અને UAEના સંબંધો માત્ર સાંકેતિક નથી રહ્યા પરંતુ સાથે રહીને કામ કરવા જેટલા મજબૂત બન્યા છે અને હજીપણ તે વધુ મજબૂત બનશે.

જો કોંગ્રેસ મોદીને હજી સુધી દેશના વડાપ્રધાન તરીકે સ્વીકારી શકી નથી તો આપણું મીડિયા મોદીને ઘર કી મુર્ગી જ ગણે છે. પરંતુ દેશના નાગરિક તરીકે આપણા વડાપ્રધાનનું જ્યારે આટલી હદ સુધી સન્માન કરાતું હોય ત્યારે તેમને અપાતા મુસ્લિમ વિરોધી ટેગને અવગણીને આપણે આપણી છાતી જરૂરથી ગજગજ ફૂલાવવી જોઈએ.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here