વેલેન્ટાઇન ડે! યુવા દિલોની ધડકન, આખા વર્ષમાં પ્રેમનો એ એક દિવસ જે નિર્ધારિત કરેલો છે એ હવે નજીકમાં છે. જે લોકો એવું માને છે કે તેઓ ‘પ્રેમ કરવાને’ પ્રેમ કરે છે એ બધા આ સ્પેશીયલ દિવસની તૈયારીમાં છેલ્લા આખા અઠવાડિયાથી લાગી પડ્યા હશે. એવા છોકરાઓ કે જેમણે કોઈ ખાસ છોકરી સાથે પ્રેમસંબંધ બનાવવાના સપના જોયા હશે એ પ્રપોઝ કરવાનું પ્લાનિંગ કરતા હશે. ઘણી બધી છોકરીઓ પોતાના પસંદીદા યુવકને કહેવા માટે વાક્યો ગોઠવતી હશે. આજની યુથ માટે વેલેન્ટાઇન ડે એક અલગ જ ઊર્મિઓનો સાદ લઈને આવે છે. પ્રેમાતુર વ્યક્તિઓ પોતાના નવા પ્રેમસંબંધની શરૂઆત કરવા માટેની પસંદગી આ દિવસ પર ઉતારે છે. થોડા પ્રપોઝલ સ્વીકારાશે, થોડાકનો અસ્વીકાર થશે, ઘણી બધી જૂની પ્રેમમૈત્રીઓ પર પૂર્ણવિરામ મુકાશે વગેરે વગેરે ઘટનાઓ આ દિવસે બનવાજોગ છે. આ બધું હું સમજણો થયો એના એકાદ વર્ષ પછીથી ચાલુ થયેલું હોય તેમ મારું માનવું છે. એટલે કે એકવીસમી સદીની શરૂઆતથી.

જો આપણે જૂની પેઢી એટલે કે મમ્મી પપ્પા કે દાદા દાદીના જમાના સાથે આ વાતને સરખાવીએ તો ખ્યાલ આવશે કે વેલેન્ટાઇન ડેની મહત્તાનો ગ્રાફ નવી જનરેશનમાં તીવ્ર ઉર્ધ્વ વળાંક લે છે. મને હજી યાદ છે કે મારી ચાર પાંચ વર્ષની ઉંમર હતી ત્યારે ૧૪મી ફેબ્રુઆરી બધાના માટે એક નોર્મલ, રૂટીન દિવસ જેવો જ રહેતો. ન તો કોઈ ચોકલેટ, ન તો કોઈ ટેડી, ન ગુલાબ. આમાંનું કશું જ એ સમયે મહત્વ ધરાવતું નહતું. પણ છતાંય પપ્પાને ઘરે આવતા જો મોડું થતું તો મમ્મીના ચહેરા પર આવતી ચિંતાની રેખાઓ એમની વચ્ચેના પ્રેમનું પ્રમાણ આપી દેતી હતી. બીજી રીતે કહું તો ‘અંદરથી પ્રેમ કરવો’ એ ‘પ્રેમનો દેખાડો કરવો’ કરતા વધારે મહત્વનું હતું. પ્રેમને બતાવવા કરતા જતાવવાનું વિશેષ હતું.
સને 2000થી, કહો કે એકવીસમી સદીની શરૂઆતથી પ્રેમ દેખાડવાનું મહત્વ વધી રહ્યું છે. વેલેન્ટાઇન ડેના દિવસે લોકો ગીફ્ટ પાછળ, કેન્ડલ લાઈટ ડીનર પાછળ અને બીજી ઘણી બધી બાબતોમાં પોતાના ખિસ્સા ખાલી કરી નાખે છે માત્ર અને માત્ર એવું દેખાડવા માટે કે તેઓ પ્રેમ કરે છે. તેઓ પોતાના પાર્ટનરને પ્રેમ કરે છે એવું કન્વીન્સ કરવા માટે આટલા બધા પ્રયત્નો કરે છે. પણ શું પ્રેમ પ્રયત્નોથી થાય? અને જે પ્રયત્નોથી થાય એ પ્રેમ હોય? મારા હિસાબે પ્રેમ એફર્ટલેસ હોવો જોઈએ. કોઈને જોઇને અંતરમાં ઊર્મિઓના ઉદધિમાં લહેર આવવા માટે આપણે કોઈ પ્રયત્ન નથી કરતા, એ એની મેળે જ થાય છે. તો પછી પ્રેમ દેખાડવા માટે આટલા બધા પ્રયત્નો શું કામ? પ્રેમ એના પર આધારિત નથી કે તમે પોતાના પાર્ટનર માટે કેટલા પૈસા ખર્ચો છો, પ્રેમ એના પર આધારિત છે કે એની પાછળ તમે કેટલો સમય ખર્ચો છો. અને એ ખર્ચેલા સમયમાં શું તમે ચિંતાઓ, વ્યથાઓ, દુખો ભૂલી જાઓ છો કે નહીં એ વધારે મહત્વનું છે. અત્યારે લોકો બીજાને ગમશે કે નહીં ગમે એની ચિંતામાં મરી જતા હોય છે. આ સમયને એક શબ્દમાં કહું તો પ્રેમનો સમય એ હિલીંગ ટાઈમ છે કિલિંગ ટાઈમ નહી.
તમને ગમશે: દાવોસ WEFમાં ભારતીય અર્થતંત્રને વેગ આપશે નરેન્દ્ર મોદી
આજના જમાનામાં લોકો અવારનવાર પ્રેમમાં પડતા હોય છે અને એ પ્રેમ પણ પાછો જેવોતેવો નહીં, એમની ભાષામાં ‘ટ્ર્યુ લવ’ કે પછી ‘લવ એટ ફર્સ્ટ સાઈટ’. આ બંને શબ્દોએ માઝા મૂકી છે. જે હોય તે બસ એની જ વાત કરે છે. મને આ માટે એક ખુબ સરસ શબ્દ સુઝે છે, ‘લવ એટ ફર્સ્ટ સાઈટ’ નહીં, પણ ‘લસ્ટ એટ ફર્સ્ટ સાઈટ’. શું આ પહેલી નજરનો પ્રેમ એ જ છે જેને સાચી રીતે પરમ કહેવાય છે? ના, એ માત્ર પ્રેમનું ભ્રામક સ્વરૂપ છે જેને હજી વિસ્તારથી કહું તો ‘કામપ્રેરિત પ્રેમ’. આ પરિસ્થિતિમાં પ્રેમ તો મૃગજળની માફક ક્યાંય હોતો જ નથી. અત્યારે એક એવરેજ પકડી લઈએ તો સિત્તેર ટકા છોકરા છોકરીઓ માત્ર અને માત્ર સેક્સ્યુઅલ પ્રોફિટને જ પ્રેમ ગણે છે. ક્યાંક ને ક્યાંક આજનું યુથ સેક્સ્યુઅલ ડીઝાયર્સને પ્રાથમિકતા આપવા માંડ્યું છે.
મારું માનવું એવું છે કે જ્યાં પ્રેમ હોય ત્યાં સેકસ્યુઅલ ડીઝાયર્સ ગૌણ બાબત છે. એ અનાયાસે જ થઇ જાય છે. પણ આ વાત અંગે આજની યુવા જનરેશનમાં ભારે અજ્ઞાન પ્રવર્તે છે. ટેકનોલોજીકલી જેટલી અવેરનેસ છે એટલી અવેરનેસ પ્રેમ અંગે નથી આવી એવું હું માનું છું. રોમિયો જુલિયેટના વખતમાં ક્યાં આવા દિવસો આવતા હતા? છતાંય આજે એમનું જ એકઝામ્પલ આપવામાં આવે છે. પ્રેમના અવનવા દિવસો આવ્યા પછી પણ એ ઉદાહરણોમાં ઉમેરો થયો નથી. એક બાજુ છોકરાઓને સેકસ્યુઅલ એક્સપેક્ટેશન છે તો છોકરીઓને એક્પેન્સીસ એક્સપેક્ટેશન છે. સિત્તેર ટકા છોકરીઓ એવું માને છે અથવા તો વિચારે છે કે પ્રેમનો સ્વીકાર કર્યા પછી એમનો તમામ ખર્ચો એમના પાર્ટનરે ઉઠાવવો એ વણલખ્યો નિયમ છે. અને અંતે સેકસ્યુઅલ એક્સપેક્ટેશન અને એક્પેન્સીસ એક્સપેક્ટેશનની ગુંગળામણમાં પ્રેમ જન્મ જ લઇ નથી શકતો. પછી આવા રીલેશન એક ખરાબ અંત પામે છે. તમે અને હું બંને આવા ઘણા અંતના સાક્ષી બન્યા હોઈશું. સાચો પ્રેમ આ બધાનો મોહતાજ નથી, એ તો બસ થઇ જાય છે. તુષાર શુક્લા સાહેબ કહે છે તેમ, ‘એમ પૂછીને થાય નહીં પ્રેમ’!
મારી શબ્દોની આ લાંબી શ્રુંખલાનું અર્ક એટલું જ છે કે ‘લસ્ટ નહીં, લવ કરો’ અને ‘પ્રેમ જમાનાને બતાવો નહીં, માત્ર નજાકતથી એને જતાવો’.
આચમન : વેલેન્ટાઇન ડે તો આવતા અને જતા રહેશે. પ્રેમનું મૂળતત્વ જ જો નહીં હોય તો દરેક દિવસ વેલેન્ટાઇન ડે હશે તોપણ કોઈ મતલબ નથી અને જો પ્રેમ હશે જ તો સો ટકા એ કોઈ વેલેન્ટાઇન ડેનો મોહતાજ નહીં હોય.