અમૃતા પ્રીતમ- એક વિલક્ષણ વ્યક્તિત્વ અને એક અનેરી લેખીકા

6
933
Photo Courtesy: vidaweb.org

સામાન્ય રીતે ગુજરાતી વાચક તરીકે આપણા બધાના મનમાં અમૃતા પ્રીતમ વિષેનું એવું જ્ઞાન હશે કે અમૃતા એટલે એક લેખિકા, સાહિર લુધિયાનવીની પ્રેમિકા અને ઈમરોઝની સાથીદાર. આપણા માંથી ઘણા એવા હશે જેમણે એમની રચનાઓ નથી વાંચી પણ તેમની આત્મકથા ‘રેવન્યુ સ્ટેમ્પ’ વાંચી અને તેમની એક છબી દોરી છે પણ શું ખરેખર આટલા ટાઈટલ તેમના માટે પૂરતા છે? શું અમૃતા સાહિરની પ્રેમિકા તરીકે જ મશહુર છે? અમૃતાના જીવનમાં ઈમરોઝનું શું સ્થાન? આ દરેક પ્રશ્નોના ઉત્તરો અમૃતાએ જ તેમની આત્મકથાઓ અને તેમની કૃતિઓમાં આપેલા છે.

Photo Courtesy: vidaweb.org

1919માં અત્યારના પાકિસ્તાનમાં આવેલ પંજાબ પ્રાંતના ગુજરાનવાલામાં જન્મેલ અમૃતા પ્રીતમ તે વખતે અમૃતા કૌર હતા. સાધુમાંથી સંસારી બનેલ નંદ જેમનું સાંસારિક નામ કરતારસિંહ હતું તે તેમના પિતા અને રાજબીબી તેમની માતા. ઘરમાં ધાર્મિક વાતાવરણ પહેલેથી જ હતું અને કલમ પર હાથ અજમાવવો એ પણ તેમના પિતા દ્વારા જ પ્રાપ્ત થયેલું. તેમના પિતા ધર્મ પર લેખો લખે તેથી તેમનો એવો આગ્રહ કે અમૃતા પણ ધાર્મિક કવિતાઓ લખે અને તે લખતા પણ ખરા. અમૃતા 3 વર્ષના હતા ત્યારે એક ભાઈ ગુમાવ્યો, અગિયાર વર્ષના થયા ત્યારે માતા ગુમાવી, મૃત્યુ સાથે ખુબ નજીકનો સંબંધ રહ્યો તેમનો. જીવનમાં હંમેશા ઉદાસી છવાયેલી રહે અને તે ઉદાસીમાં સતત કોઈકની આકૃતિ તેમના મનમાં રચાયા કરતી જેનું નામ તેમણે રાખ્યું હતું ‘રાજન’, ફક્ત કલ્પનાં હતી પણ આ કલ્પના સાકાર થાય તેવી એષણા સતત મનમાં ગુંથાયા કરતી હતી. માતાનાં મૃત્યુ બાદ પિતા પુત્રી લાહોરમાં આવીને વસ્યા હતા.

માત્ર ચાર વર્ષની ઉમરે સગાઇ અને 16 વર્ષની ઉમરે 1935ની સાલમાં તેમના લગ્ન પ્રીતમ સિંહ નામના લાહોરનાં વેપારીપુત્ર સાથે થયા હતા. તેમની સાથે તેમણે 25 વર્ષનું લગ્નજીવન વિતાવ્યું હતું. પણ આ 25 વર્ષ ખરેખર તેમની સાથે વિતાવ્યા હતા ખરા? તો તેનો જવાબ છે ના. પ્રીતમ સિંહ માટે અમૃતાને પ્રેમ નહતો, ફક્ત આદર હતો. તે બંડ પોકારનાર બહાદુર લેખિકા હતા. જે વર્ષે તેમના લગ્ન થયા તે જ વર્ષે તેમનો કાવ્યસંગ્રહ ‘અમૃત લહેરે’ પ્રકાશિત થયેલો.

અમૃતા પ્રીતમ નાં જીવનમાં સતતપણે જીવનનાં દરેક પડાવે કોઈ ને કોઈ પુરુષનો સાથ,સંગાથ, પ્રેમ મળેલા છે પછી એ પિતા કરતારસિંહનું વહાલ, ત્યારબાદ, પતિ પ્રીતમસિંહ સાથે ગૃહસ્થી, મિત્ર સજ્જાદની મિત્રતા, સાહિર સાથે પ્રેમ, પતિને છોડ્યાનાં અમુક વર્ષો બાદ ઈમરોઝનો સાથ. આમ, સતત પણે સાથ મળ્યા છતાં પણ અમૃતાને જીવનમાં અમુક ક્ષણોએ પ્રેમનાં અસંતોષની ભાવના થયેલી જ.

અમૃતા પ્રીતમ વિષે દરેક ભાષામાં ખુબ લખાયેલું છે, થોડું સાચું થોડું ખોટું. અમૃતાએ ઘણી નાની ઉમરથી જ લખવાનું શરુ કરેલું અને તે સમયે તેમના જેવું તેજાબી લખનાર ઘણા ઓછા હતા અને તેથીજ તેમની પોતાની ભાષા પંજાબીમાં લખવા છતાં તેમનો સતત વિરોધ થયેલો. તેમ છતાં અમૃતાને પંજાબ રત્ન એવોર્ડ, સાહિત્ય અકાદમી અવોર્ડ, ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ, પદ્મશ્રી, પદ્મ વિભૂષણ, સાહિત્ય અકાદમી ફેલોશીપ  જેવા અનેક એવોર્ડોથી નવાજવામાં આવેલા. આ ઉપરાંત તેમને અનેક યુનીવર્સીટીઓની માનદ ડીગ્રીઓ પણ મળી હતી. જીવનમાં આટલું બધું મેળવનાર એ વિલક્ષણ સ્ત્રીએ ઘણી પીડાઓ ભોગવી, ઘણા અપમાનો સહન કર્યા અને તેમ છતાં પોતાના સત્યનો સાથ ના છોડ્યો. એક સમય એવો હતો જ્યારે તેમને પોતાનુંજ અસ્તિત્વ વહાલું પણ લાગતું અને અળખામણું પણ લાગતું અને આ સિલસિલો જીવનભર ચાલ્યો. અમૃતા તેમની આત્મકથા ‘રેવન્યુ સ્ટેમ્પ’માં લખે છે કે ‘વીતેલા વર્ષો, શરીર પર પહેરેલા કપડા જેવા નથી હોતા,તે શરીરના તલ બની જાય છે. મોઢેથી ભલે કઈ ના કહે, શરીર પર ચુપચાપ પડ્યા રહે છે’. એવું જ હોય છે ને જીવનમાં, વીતેલા વર્ષો સ્મૃતિ બની જાય છે અને અકબંધ રહેતા હોય છે મનમાં. અને તેને આપણે જતનથી સાચવીએ છીએ.

અમૃતા પ્રીતમ જે સમયના લેખિકા છે તે સમય રૂઢીવાદી સમય હતો જ્યારે સ્ત્રીઓ માટે બંડ પોકારવું, બહાર નીકળી અને પોતાના વિચારો રજુ કરવા, અને આ વિચારો ને લોકો સુધી પહોચાડવા ખુબ અઘરું હતું, અમૃતાએ તેમના લેખનમાં જે તે સમયની માનસિકતા, વ્યવહારો, તકલીફો, પીડાનું તાદ્રશ વર્ણન કર્યું છે. ૧૯૪૭નાં ભારત-પાકિસ્તાનનાં વિભાજનને તેમણે ઘણું નજીકથી જોયેલું અને સહન કરેલું અને તેથી જ આ વિભાજનને ધ્યાનમાં લઇ ને તેમણે ‘પિંજર’ નામની નવલકથા લખી જેના પર થી ૨૦૦૩માં ‘પિંજર’ મુવી પણ આવ્યું. જેમાં તે સમયે લોકોને કેવી કેવી યાતનાઓમાંથી પસાર થવું પડતું અને સ્ત્રીઓ માટે તે સમય કેવી રીતે અસહ્ય હતો તે દર્શાવવામાં આવ્યું. આ ઉપરાંત તેમણે પંજાબીમાં ‘આજ અખા વારીશ શાહ નું’ કૃતિ વારીશ શાહ ને સંબોધીને રચી જે આ સમયે પંજાબની દીકરીઓની યાતનાઓ વિષે હતી.

અમૃતા સામાજિક રીતે પણ વિદ્રોહ કરતા ક્યારેય અચકાતા નહિ અને તેમનુ એ વલણ આપણને તેમની કૃતિઓમાં દેખાય છે. તે નાના હતા ત્યારનો એક રસપ્રદ કિસ્સો આ જ બાબતે છે જે તેમની આત્મકથામાં દર્શાવવામાં આવ્યો છે. તે નાના હતા ત્યારે ઘરમાં તેમના દાદીનું જ રાજ ચાલતું હતું, ત્યારે તેમણે ઘરમાં વિદ્રોહ કરેલો કારણ કે તે સમયે તેમના ઘરમાં તેમના પિતાજીના મુસલમાન મિત્રો આવે તેમના માટે ૩ પ્યાલા અલગથી મુકવામાં આવતા જેની તેમના પિતાને પણ જાણ નહોતી, આ બાબતે તેમણે ઘરમાં વિદ્રોહ કર્યો અને તેમનો વિદ્રોહ સફળ થયો એટલે કોઈ વાસણ ન હિંદુ રહ્યું ન મુસલમાન. કદાચ આ આવનારી કાલનો સંકેત હશે કે જેમના માટે ઘરમાં વાસણો પણ અલગ રાખવામાં આવતા તે જ ધર્મની વ્યક્તિને તે જીવનભર પ્રેમ કરતા રહેશે.

—–ક્રમશ—–

eછાપું

6 COMMENTS

  1. સુંદર અને સરળ ભાષામાં લખાયેલી અદ્ભૂત કહાની… આ સિરીઝ વાંચવાની મઝા આવશે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here