ગુજરાતમાં સારો વરસાદ આ વખતે થયો છે પાણી ની સારી આવક હોવા છતાં પણ હવે આવતા ઉનાળામાં પાણીનો કાપ મુકવો પડે એવી પરિસ્થિતિ સર્જાઈ છે. છેલ્લા ઘણા વર્ષોથી કુદરત આપણા ગુજરાત પર હંમેશા મહેરબાન રહી છે. વરસાદ ના પડ્યો હોય અને પાણીની અછત સર્જાય તો સમજી શકાય એવું છે પરંતુ આટલો બધો વરસાદ પડ્યા પછી પણ હજુ તો ફેબ્રુઆરી મહિનામાં જ પાણીની સમસ્યા ની આગાહી કરી દેવામાં આવે અને એક જ સમય પાણી મળશે તેમજ ઉનાળુ ખેતી કરવાની મનાઈ ફરમાવામાં આવે આ બધુ સૂચવે છે કે ગુજરાત માં જળસંકટ છે અને આ જળસંકટ માનવસર્જિત છે.

સૌની યોજના હેઠળ કચ્છ ની ધરા સુધી લઇ જવાયેલું પાણી… એક તો પાણી નો પ્રવાહ બદલવામાં આવ્યો વડવાઓ કહેતા હતા કે પાણીનો પ્રવાહ કોઈ દિવસ બદલવો જોઈએ નહીં પાણી એનો પ્રવાહ જાતે જ નક્કી કરે છે અને અહીંતો પાણી નો પ્રવાહ પણ બદલાયો તેમજ સરકારી તંત્ર ની ઘોર બેદરકારી નાં કારણે કેનાલ માં પડેલા ગાબડા થી રણમાં તળાવ બની ગયું એવો દિવ્યભાસ્કર દૈનિકનો ફોટા સાથે નો અહેવાલ પણ હતો. આપણ ને હોળી-ધૂળેટી નિમિતે પાણીની એક ડોલ પણ ના ઢોળાય એની સલાહ સૂચન આપતા લોકો એ પાણી નો આખું તળાવ રણમાં બની ગયું તોય એક ઠાલો અક્ષર પણ ઉચ્ચાર્યો નહીં. ચાલો બીજા રાજ્ય જોડેથી અથવાતો જળસંગ્રહ અને ભૂગર્ભ જળના ઉપયોગ થી કદાચ આવેલું જળસંકટ ટળી પણ જશે પણ આવી ઘોર બેદરકારી દાખવનાર સરકારી અધિકારીઓ સામે પગલાં લેવા માટે શું કર્યું એ બાબતે સરકાર પોતે મૌન છે.
જ્યારે સરકાર ને ખબર હતી કે આવું જળસંકટ થવાનું છે તેમ છતાં સાબરમતિ રીવરફ્રન્ટને જોવાલાયક સ્થળ તરીકે ટકાવી રાખવા સાબરમતિમાં નર્મદા માતાનું જળ કેમ સતત છોડવામાં આવતું હતું? પ્રજાની તરસ અને ખેતી અગત્ય ની છે કે જોવાલાયક સ્થળ પાણી નાં કારણે રમણીય લાગે એ અગત્ય નું છે? થોડા દિવસ જોવાલાયક સ્થળ તરીકે સાબરમતિ નહીં રહે તો ચાલશે પણ લોકો તરસ્યા અને ખેતી વગર તો ન જ રહેવા જોઈએ.
તમને ગમશે: પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) માત્ર બિલ્ડરને નફો કરાવે છે
વોટ બેન્ક પોલીટીક્સને કારણે પણ પાણીનો વ્યય થાય છે. અમારા એક મિત્રના જણાવ્યા મુજબ તેઓ નર્મદાની કેનાલમાંથી મોટર મુકીને પાણી કાઢી લઈએ છીએ અને એમને કોઈ કશું બોલતું નથી કેમકે એલોકો જ વોટ આપે છે, અને અધિકારી કોઈ કાર્યવાહી કરવા આવે તો પણ જે-તે પોલીટીશીયન જોડે ફોન પર વાત કરાવી દેવાની! આવુંજ ઔધોગિક એકમોમાં પણ ચાલે છે. તેઓ પણ આ જ રીતે પાણી વગર પરવાનગીએ વાપરી નાખે છે અને જ્યાં ખરેખર પાણી પહોચાડવાનું છે ત્યાં પાણી પહોચતું નથી અને કોઈ પગલાં પણ લેવામાં આવતા નથી. જો એમ થાય તો ઔઘોગીક એકમ જોડેથી મળતું ચુંટણી ફંડ અને વોટ બેન્ક પણ જતી રહે.
ગુજરાત સરકારના તંત્રની બેદરકારી, અણઘડ વહીવટના કારણે કુદરત દ્વારા આપણને પુરતું પાણી આપવામાં આવતું હોવા છતાં પાણીની સમસ્યા સર્જાય છે અને સરકાર અચાનકજ ઊંઘમાંથી જાગૃત થઈને પાણીનું સંકટ સર્જતા લોકો સામે પગલાં લેવાની જગ્યાએ હવે નવું પાણી ક્યાંથી લાવીશું અને જળસંકટ ટેમ્પરરી કેવીરીતે દુર કરીશું એજ વિચારો માં પડી જાય છે. ભવિષ્યમાં ફરી આવું પાણીનું માનવસર્જિત જળસંકટ ન સર્જાય એ અંગે જરૂરી નીતીઓ ઘડવાની અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની જરૂર છે કારણકે આ આખુંય જળસંકટ સરકારમાં બેઠેલા માનવો દ્વારા જ સર્જિત છે.
eછાપું