પ્રિયા પ્રકાશ વારિયર – આંખોની આ ગુસ્તાખીઓને પ્લીઝ માફ કરી દેજો

0
397
Photo Courtesy: ndtv.com

કોલેજના બીજા વર્ષમાં હતો ત્યારે વેલેન્ટાઇન ડેનું નામ પહેલીવાર કાને પડ્યું. આ એ સમય હતો જ્યારે ભારતનું બજાર બાકીની દુનિયા માટે હજી નવુંનવું જ ખુલ્યું હતું અને એટલેજ આ પ્રકારના પશ્ચિમી ઉત્સવો વિષે બહુ ઓછી માહિતી અમારા જેવા ગુજરાતી માધ્યમમાં ભણેલાઓ પાસે રહેતી. પણ વો દિન હૈ ઔર આજ કાં દિન હૈ આટલા વર્ષોમાં પ્રિયા પ્રકાશ વારિયર જેવું ગામને ગાંડું કરી નાખે એવું વેલેન્ટાઇન્સ વિક મા કસમ આજ સુધી નથી જોયું.

Photo Courtesy: ndtv.com

પ્રિયા પ્રકાશ વારિયર એક મલયાલમ અભિનેત્રી છે અને એની આંખોના ઈશારાઓએ ભારતના દરેક પુરુષને ઘાયલ કરી દીધો છે ભલે તેની ઉંમર કોઇપણ હોય એમ કહીશ તો જરાય અતિશયોક્તિ નહીં ગણાય. શું પરણેલા? શું કુંવારા? પ્રિયાની ભ્રમરો પેલા વિડીયોમાં જે રીતે ઉંચીનીચી થાય છે એ જોઇને જો તમારા હાર્ટ બિટ્સ પણ તેની સાથે તાલ સે તાલ મેળવે તો તમારા પુરુષત્વના બીજા કોઈજ પૂરાવા મેળવવાની તમને જરૂર નથી.

શુષ્ક જીવન અથવાતો નાનપણમાં જ આધ્યાત્મિક રવાડે ચડી ગયેલો પુરુષ જ કદાચ પોતાની કિશોરાવસ્થામાં આવી જ કોઈ પ્રિયા પ્રકાશ વોરિયર જોઇને વિચલિત નહી થયો હોય. જે પુરુષે પોતાના દિલના દ્વાર હંમેશા ખુલ્લા રાખ્યા હશે એના દસમા, અગિયારમા, બારમા ધોરણમાં કે પછી કોલેજના ત્રણેય વર્ષોમાંથી એક વર્ષમાં તેને આવીજ કોઈ પ્રિયા પ્રકાશ વોરિયર ભટકાઈ ગઈ હશે. હા કદાચ વિડીયો ક્લિપમાં દેખાડ્યું છે એમ તેની સામે પ્રગટ સ્વરૂપે તમારી પ્રિયાએ તમારી સામે આંખો નહીં નચાવી હોય કે પછી આંખ નહીં મારી હોય, પણ એને છાનામાના જોતી વખતે એની આંખોની એ મસ્તી જોઇને તમારો ઉચ્છવાસ પણ એ જ રીતે બહાર નીકળી ગયો હશે જેવો એ વિડીયો ક્લિપમાં પ્રિયા જે છોકરાને આંખ મારે છે એનો ઉચ્છવાસ બહાર નીકળી પડ્યો છે.

પેલા છોકરાને તો ટેકો લેવા એનો મિત્ર પણ છે તમારી આસપાસ તો એ સમયે કદાચ કોઈજ નહીં હોય અને કદાચ એ પળે પ્રાણ નીકળી ન જાય તેને માટે ભરાઈ ગયેલા શ્વાસને છાતીમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા કરતી વખતે, બે ડગલા પાછળ ખસતી વખતે પાછળ રહેલા થાંભલા કે પછી ઝાડ અથવાતો કોઈ વ્યક્તિ સાથે અથડાયા પણ હશો. છેવટ બાકી બેલેન્સ તો ચૂકી જ ગયા હશો! યાદ આ ગયા ના વો ગુઝરા ઝમાના? તો પછી???

થોડોક ટ્રેક ચેન્જ કરીએ. તમે એપિક કોમેડી ફિલ્મ ‘પ્યાર કિયે જા’ જોઈ છે? હા, હા આ પ્રશ્નને પ્રિયા પ્રકાશ વારિયર સાથે સીધો સંબંધ છે જ, ચિંતા ન કરો. હા, તો પ્યાર કિયે જા માં ઓમ પ્રકાશને મહેમૂદ જે રીતે પોતાની ભૂતની ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવીને ડરાવે છે એ સીનમાં કરેલી જબરદસ્ત એક્ટિંગને લીધે મહેમૂદભાઈને એ વર્ષનો બેસ્ટ કોમેડિયનનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. પોતાની સ્પિચમાં અને વર્ષો સુધી મહેમૂદભાઈએ પોતાની એ કોમેડીથી લોકો એટલા માટે હસ્યા કારણકે સામે ઓમ પ્રકાશે જે રીતના હાવભાવ દેખાડ્યા એને કારણ આપ્યું હતું અને એમને ક્રેડિટ આપી હતી.

હાલમાં Oru Adaar Love નો જે વિડીયો વાયરલ થયો છે એમાં પણ પ્રિયા પ્રકાશ વારિયર જે રીતે આંખો નચાવે છે એનાથી આપણા પુરુષોના દિલ તો ઘાયલ થયા જ છે પરંતુ એ આંખ નચામણીની જે યોગ્ય અસર ઉભી થઇ છે એને માટે પ્રિયા પ્રકાશ વારિયરના એ સાથી કલાકારનું રિએક્શન પણ એટલુંજ જવાબદાર છે એ ન ભૂલાય.

સોશિયલ મીડિયાના જમાનામાં ક્યારે કઈ ચીજ વાયરલ થઇ જશે અને ગૂમ થઇ જશે એની આપણને ખબર નથી હોતી પણ એ બાબતે ખાતરી રાખવી રહી કે પ્રિયા પ્રકાશ વારિયર કી ઉન આંખો કી મસ્તી અને એના મસ્તાનાઓ વર્ષો સુધી યાદ રહેશે અને એટલેજ જનાબ એની આંખોની આ ગુસ્તાખીઓને પ્લીઝ માફ કરી દેજો!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here