અને મારો દીકરો ક્રિકેટ કોચિંગ ક્લાસમાં ભરતી થયો ………

8
467
Photo Courtesy: Facebook

ક્રિકેટ પરત્વે મારી મનોવ્યથા વાંચવાની તમને દરકાર ન હોય તો નીચેનો ફકરો ઠેકી જજો…. અને જો ક્રિકેટ કોચિંગ પરત્વે તમને વાંધા એવમ વચકા હોય તો એનો એક-એક શબ્દ વાંચજો, મારા સમ!

“ક્રિકેટ ભારતમાં ધર્મની જેમ પૂજાય છે!” પવાલું એક તેલ ચડાવી તગારું એક મનોકામના ઈચ્છતો હનુમાનજીનો કોઈ ઠગ-ભગત હનુમાનચાલીસા રટતો હોય તેવી રીતે ભારતનો દરેક નાગરિક આ વાક્ય રટે છે!  ક્રિકેટ એવો ધર્મ છે જેમાં કોઈ છપ્પરપગો નેતા પ્રજાને ગુમરાહ કરી રાજકીય લાભ ખાટી શકતો નથી, કોઈ ધર્મગુરુ નવ્વાણું વર્ષના ભાડા પેટે કરાર કરી નાનકડો સરકારી પ્લોટ પચાવી મંદિર બનાવી શકતો નથી. છતાં પણ ક્રિકેટ રૂપી ધર્મની, દેવી-દેવતાના સ્થાનક વગરના મંદિરોની ધજાઓ, ભારતના દરેક ઘરના છાપરા તોડીને બહાર લહેરાય છે. ક્રિકેટ નામક ગંભીર રોગના ઉપચાર માટે BCCI પહેલાં  ટેસ્ટ મેચ, વન-ડે જેવી નાનકડી ટીકડીઓ આપતી, પછી Twenty-Twentyની શોધ થઈ! એક દસકા પહેલાં ઉદ્યોગપતિઓ, રાજકારણીયના સહિયારા સંશોધનના પ્રયાસે IPL જેવા હાઈડોઝ ઇન્જેકશનો શોધાયા! જે ક્રિકેટ રસીયાઓને વિનામૂલ્યે એવી રીતે ભોકાવ્યા કે નસેનસમાં તેની આડ અસર વર્તાવા લાગી. લલિત મોદી અને બીજા સટોડીયાઓ ક્રિકેટરૂપી દ્રોપદીનું ચિરહરણ કરી રહ્યાં છે, ક્રિકેટ શોખીન લાખો કાનુડાઓની કાળી કમાણી, તેમજ અસંખ્ય કલાકોનો સમય વેડફવા છતાં આવા ચિરનો પર્યાપ્ત પુરવઠો પૂરો પાડવામાં કમરની કઢી થઈ ગઈ છે! અત્યારે ‘લ્યે લાલો ને તોરે હરદા’ આ કાઠીયાવાડી કહેવત જેવા હાલ ક્રિકેટના થયા છે-

Photo Courtesy: Facebook

ટાંટિયા પર ટાંટિયા ચડાવી હું ભલે ક્રિકેટની વાટતો હોવ, મને ય ચૂલ છે. મારું ઘર પણ ક્રિકેટની બબાલમાંથી બાકાત નથી એ મારે કબૂલવું જ રહ્યું. ઉપરના ફકરામાં 174 શબ્દોમાં મેં ફકરા ઠોક્યા પછી હું મૂળવાત પર આવું છું. ભેસના ‘વાહા’ જેવી એક કાળી રાત્રિએ…..

“સાંભળો છો” કહેતી મારી ધર્મપત્ની મા-નવદુર્ગાનાં હાથમાં મહિસાસુરનું માથુ અને શસ્ત્ર હોય તેવી મુદ્રામાં, હાથમાં ચપ્પુ અને રિંગણાના તેજોવધ પછીનું ડીટ્યું લઈ, શાક સમારતી ‘બંબાટ’ શયનકક્ષમાં ‘ઘસી!

“હૂકમ કર ચકૂડી” મારા રંગતઢોલિયામાં પડ્યા-પડ્યા હું આફેડો વહાલો થવા મથ્યો, ચકૂડી શબ્દ સાંભળી પૂત્ર ટેબ્લેટ મઈ પેસી જવાનો હોય તેવી રીતે, નીચું ડાચુ કરી હસ્યો.

“ચતચમાચરો ચપુચત્ર ચરિચસાચણો ચછે.” પત્ની એ ‘ચ’ની બોલીમાં પુત્ર રિસાયો છે એવું કહ્યું. આ અમારો પતિ-પત્નીનો પુત્રને ન સમજાય એવી ભાષામાં બોલવાનો શિરસ્તો છે. નવદંપતીને ‘ચ’ની બોલી અનેક રીતે લાભદાયી છે! (આટલામાં તમે સમજી જશો)

“લે બોલ! કેમ? ચોખ્ખું કહી દે … આપણે સમાધાન કરાવી દઈએ.” મેં કહ્યું.

“તમારા લાડકાને ક્રિકેટના ટયુશનમાં જાવું છે, બે દિવસથી મારું લોહી પી ગ્યો, તમે જ સમજાવો એને.” પત્નીએ ફરિયાદ કરી.

“એલી એને ટ્યુશન ન કહેવાય, કોચિંગ ક્લાસ કહેવાય. ક્રિકેટ કોચિંગ ક્લાસ. સમજી?” મેં પત્નીને ટોકી.

“મારે કઈ સમજવું નથી. તમે તમાર પાટલીકુંવરને સમજાવો, એટલે ભયો ભયો. આ ઉમરે મારે કેટલું શીખવું!.” પત્ની એ છણકો કર્યો.

“બેટા, તમારામાં ટેલેન્ટ હોય તો વગર ક્રિકેટ કોચિંગ ક્લાસે સચિન તેન્ડુલકર બની શકાય. વસીમ અક્રમ જેવા ‘બનાના સ્વીંગ” કરતાં ફાસ્ટ બોલર ક્રિકેટ કોચિંગ ક્લાસ વગર પણ બની શકાય. જોન્ટી રોડ્સની જેમ જમીનમાં ખાડો પાડી દે તેવી ડાઈવ મારી કેચ પકડતાં કોઈ ક્રિકેટ કોચિંગ ક્લાસમાં ન શીખી શકાય. ક્રિકેટ એ એવી વસ્તુ છે કે તમને ભોજિયો ભાઈ ય ના શીખવાડી શકે. કાંડમાં બળ જોયે. હૈયામાં હામ. કોન્ફીડંસ જોયે, બેટા.” મેં લેકચર આપ્યું.

“મમ્મા….” પુત્ર એ પત્ની સામે જોઈ ભેકડો તાણ્યો.

“તમારું ભાષણ ન આપો, આને એક વાર મોકલી તો જુઓ. પ્રકાશભાઈનો કુશ પણ જાય છે” પત્ની પુત્રના સમર્થનમાં ઊતરી.

“પેલો જાડિયો?” બંને એ એકબીજા સામે જોઈ મોઢામાં મગ ભરી લીધા એટલે મેં આગળ ચલાવ્યું: “હમમમ, હવે હમજાયુ. અરે…એ જાડિયાને એક રન દોડવા બે વખત સટલ રિક્ષા કરવી પડે એટલો અદોદારો છે. એ તો શીખશે નહી બે-ત્રણ સારા ખેલાડીઓના ટાંગા મચકોડી નાખશે એ લટકામાં! એના શેરબજારિયા બાપાને આવું બધું પોસાય. મને ન પોસાય. ચોરની વાદે ચય્ણા ના ઉપાડાય બેટા.”

આ સાંભળી મારો બેટો ભાદરના લાલ ટામેટા જેવો થયો. “મમ્મી…” એણે રાગભૈરવી ફરી આલેપ્યો.

અમારા જમાનામાં બાપ ખરેખર બાપ હતા! વંઠેલ પુત્ર પિતાને વૃદ્ધાશ્રમે છોડવા જાય એ પહેલાં પિતા જ એ  ટોપાને અનાથાશ્રમે છોડીને માવા ખાતા-ખાતા ઘરે આવી જતાં! ત્યારના સમયમાં પિતા સામે કોઈ દલીલ નહી, ના એટલે ના. દલીલ કરીએ તો જે હાથમાં આવે એ વળગાળી દેતા. લાકડી ત્યારનું અમોધ સસ્ત્ર, બરડામાં એક પડે તો નાગદેવતા જેવી મસ્ત લીલી ભરોડ ઉઠતી! સાચા સેક્યુલારો…ત્યારના બાપો કલરોનું પણ ધ્યાન ન રાખતા, હુહ.

જ્યારે આજકાલના છોકરાઓને પરિક્ષાનું ખરાબ રીઝલ્ટ જોઈ આપણે વ્યંગમાં કહીએ કે “આજ પછી તું મને બાપ કહેતો નહી” તો ધડદેતાંક નપાવટ સંભળાવે કે, “ડેડ, રીલેક્ષ…આ Examનું રીઝલ્ટ છે, DNA રીપોર્ટ નથી!” સાલ્લાવનું સેન્સ ઓફ હ્યુમર સુધર્યું છે; પણ આપણે તો લેવાદેવા વગરના લેવાઈ જાય ને? ટીચરો ચોપડામાં ઋષિ શબ્દ લખવાનું કહે તો લખ્ખણખોટાઓ બાવો લખીને બેસે! પાછી દલીલ પણ એવી કરે કે, “ટીચર..ટીચર ઋષિનું સમાનાર્થી બાવો જ કહેવાય ને! એટલે મેં ઋષિની જગ્યા એ બાવો લખ્યું.” આસારામના ભગતડાવને અટપટું આવડે નહી, તો ય પોતાની ધોકાવ્યા કરે.

કાલ ક્રિકેટનું કઈક કરીશું એવું મધ્યમ સાઈઝનું પ્રોમિસ આપી મેં એને ઠેકાળ્યો. બીજે દિવસે રાતના હું ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે એ જ બબાલ ગાતા ગાતા માંડવે આવી આઈ મીન ડાઈનીંગ ટેબલ પર આવી.

“સોરી બેટા, કામને લીધે તારું ક્રિકેટ કોચિંગનું હું આજ ભૂલી ગયો, કાલ પાક્કું હો.” આવું કહી હું તેની બાજુમાં જમવા ગોઠવાયો. તેણે તેરખાંડીનો તોબળો ચડાવ્યો.

“આ શેનું શાક છે?” ચૂચવી આંખો કરી પુત્ર એ શાકના ટોપિયામાં ભોડું તાક્યું.

પત્ની ભાખરી બનાવતી વેલણ લઈને આવી, પુત્રની માથે ઝળુંબી મીઠાશથી બોલી: “તાંજળિયાની ભાજી છે, મસ્ત બનાવી મેં. શરીર માટે સારી, બેટા”

“મીન્સ?” પુત્રની ખીજ બેવડાઈ. તે ગોટે ચડ્યો.

પત્નિએ અહોભાવથી પુત્રના માથે હાથ પસવાર્યો, મહાભારતનું જ્ઞાન ઠાલવતાં તેણે કહ્યું: “એકવાર કૃષ્ણ વિદૂરજીને ઘરે જમવા ગયા ત્યારે વિદૂરજી એ આવી જ ભાજી ભગવાન શ્રીકૃષ્ણને ખવડાવી હતી.”

પુત્રએ બટાકાની ચિપ્સના સંભારા સામે અનિમેષ નજરે જોયુ એટલે મેં કોણી મારી મજાકમાં હસીને કહ્યું “પુતના મથુરાથી કૃષ્ણને મારવા ગોકુળ ગઈ ત્યારે રસ્તામાં કદંબના વૃક્ષ નીચે વોલ્ટ કરી, તેણે આવી જ ચિપ્સ ખાધી હતી, જમી લે મારો દિકો, બોવ ડાયો.”

ક્રિકેટ કોચિંગ ક્લાસનો ગુસ્સો પુત્રના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો, તેણે અમને બંનેને શિશુપાલ વચનો સંભળાવી કમને જમી લીધું. હું પણ જેમતેમ જમવાનું પતાવી ન્યુઝ ચેનલ પર, કાન પડયો ન સાંભળે એવી જોરદાર ડીબેટ જોવા સોફા પર આડો પડ્યો. જો મને તક મળે તો મારે પણ આવો જ શો હોસ્ટ કરવો છે, જેનો મુદ્દો હશે “ડીબેટ મેં બેઠે બુદ્ધીજીવી એક દૂસરે કી ક્યું નહી સુનતે!” પૂત્ર એ કતરાતા મારી સામે આસન જમાવ્યું.

“બેટા, મારો મોબાઈલ ચાર્જીંગમાં મૂકી દે ને” મેં મોબાઈલ ધર્યો.

“નો, બીગ બીગ નો, ટીટ ફોર ટેટ” પૂત્રે ક્રિકેટનો ખાર મોબાઈલ પર ઊતાર્યો.

મેં એક જુનો અંગ્રેજી જુમલો તેની તરફ ફેંક્યો: “If you don`t come to my funeral I m not coming to yours, right?” તેને પગ અડાડી મેં મજાક કરી.

“હુહ” તે દૂર ખસ્યો.

“ભાયસાબ ક્રિકેટ એનો શોખ છે. આખો દિવસ બેટ-દડો લઈ ટીચ્યા કરે છે. એકવખત એની જીદ પૂરી તો કરો.” પત્ની દિવ્ય દ્રષ્ટિ મારફત રસોડામાંથી આ નજારો જોઇને બોલી.

“સારું…રાજકોટનું સારામાં સારું કોચિંગ ક્લાસ કયું?”

“પઠાણ ક્રિકેટ એકેડમી…” તે રાજી થઈ ટટાર થયો: “કાલાવાડ રોડ પર, અહીંથી ટ્વેલ્વ કિલોમીટર થાય. બસ લેવા-મુકવા આવે છે.”

“ઇમરાન પઠાણની નિશાળ છે?” મેં પ્રશ્ન કર્યો.

“હા” તે મોજમાં આવી મારી બાજુમાં આવ્યો.

“એ પોતે આવે શીખવાડવા?”

“હકન”

“હમણા IPLની મંડી લાગશે, કોઈ ફ્રેન્ચાઈસીસ વાળા એને પાકેલ કરમદાના ભાવમાં ખરીધી લેશે. તમને ક્યાંથી શીખવાડવા આવશે?” મેં શંકા જતાવી.

“મમ્મા…મમ્મા…મમ્મા” પુત્રે રાગભૈરવીમાં ચલતી પકડી.

“તમે ય ગુંદાના ઠળિયાની જેમ ચોટી ગયા છો. કા હા પાડો કા ના પાડો એટલે પાર આવે. છોકરા સાથે ભેજામારી ના કરો.” પત્નીએ ગુસ્સો કર્યો.

“પણ તને ખબર છે ઇમરાનના ઈ ની? એને ખુદને ક્રિકેટ કોચિંગ લેવાની જરૂર છે, એ આને શું હાંબેલું શીખવાડવાનો!”

“ડેડ…” પુત્ર ઉઠ્યો, સોફા પરથી તકિયો લઈ મારી તરફ છૂટો ઘા કર્યો, પગ પછાડી એના શયનકક્ષ તરફ ચાલતી પકડી.

“સારું…કાલ આપણે બેય પઠાણ એકેડમીમાં જઈશું” બીચકેલા મામલાને ઠારતા મેં કહ્યું.

 

ક્રમશ….

 

eછાપું

8 COMMENTS

  1. ક્રિકેટ
    વિશ્ર્વમાં આવેલ કુલ 236 દેશોમાંથી માંડ ગણ્યા ગાંઠયા 16 દેશોમાં રમાતી આ રમતને તેઓએ નામ આપી દીધું છે વિશ્ર્વકપ ! શું આ ખરેખર સત્ય કહેવાય ? આ રમતની શરૂઆત ઇગ્લેંડમાં થઇ, તેના લીધે અંગ્રેજોએ જ્યાં જ્યાં રાજ કર્યું ત્યાં ત્યાં તેઓએ આ રમતનો વિકાસ કર્યો.અંગ્રેજોનું રાજ તો રહયું નહિ પરંતુ તેઓ આપણને ગુલામીના બદલામાં આ રમતને પણ આપતા ગયા. જેમ કે તેઓની નીતિ ભાગલા પાડો અને રાજ કરો. ભારતમાં પણ જ્યારે તેઓ આવ્યા અને તેઓએ રાજામહારાજાઓને કેવી રીતે શામ,દામ,દંડ અને ભેદની નીતિથી તેઓનું એક પછી એક રાજ્ય છીનવી લીધું તેનો ઇતિહાસ ગવાહ છે.તેઓએ તે દરમ્યાન પોતાના મનોરંજન માટે આ રમત રમતા હતા તેને રાજામહારાજાઓને પણ રમતા કર્યા. ત્યારપછી તેમાં ગભૅશ્રીમંતો,સામંતો,સમાજના પૈસે ટકે સુખી લોકો જ આ રમત રમી શકતા. તે દરમ્યાન ક્રીકેટને ‘ જેંટલમેન ‘ ગેઇમ કહેવામાં આવતી કારણકે તેમાં ખેલદિલીપૂવૅક રમવામાં આવતું હતું. ત્યારે એક પ્રકારની શીસ્ત જાળવવામાં આવતી હતી, સફેદ કપડાં જ ફરજીયાત પહેરવા પડતા અને રમત દરમ્યાન ગાળાગાળી કે અપશબ્દો પણ બોલી શકાતા નહોતા, અને ‘મેનસૅ’ (વતૅણૂક) પણ જળવાતી. આઝાદી પહેલા પણ તેઓએ જ્યાં જ્યાં પોતાનું રાજ્ય હતું ત્યાં અંદરોઅંદર મેચો રમતા. ધીરે ધીરે આ રમતનો વિકાસ થતા નોકરચાકર વગૅ પણ આ રમત રમતો થયો. પરંતુ તે દરમ્યાન પણ અંગ્રેજો, રાજામહારાજાઓ કે પૈસે ટકે સુખી લોકોની મહેરબાની નીચેજ તેઓ રમી શકતા. ત્યારબાદ વિવિધ કલબો,સંસ્થાઓ તથા મંડળોના નેજા હેઠળ આ રમત શહેરોમાં રમાવા માંડી, શહેરોમાં અલગ અલગ એસોસીએશન, કલબો, પ્રાઇવેટ કંપનીઓ અને સંસ્થાઓ કે યુનિવૅસિટીઓમાં, કોલેજોમાં, સ્કૂલોમાં આ રમત રમાવી શરૂ થઇ. તે દરમ્યાન પણ તેને જેંટલમેન ગેઇમ તરીકે ઓળખાતી અને રમાતી.
    વિશ્વમાં ક્રીકેટ ટેસ્ટ રમતા દેશોમાં અચાનક એક પૈસાદાર વ્યક્તિના તરંગથી ધરતીકંપ સરજાયો, ઓસ્ટ્રેલીયાના કેરી પેકર નો તરંગ એટલે આજે રમાતી વન ડે યા ડે નાઇટ મેચ. ત્યારે તેને લોકોએ પાગલ કહ્યો હતો અને આવી રીતે તે ક્રીકેટ રમાતું હશે તેમ લોકો કહેતા. તેના વિરુધ્ધમાં ક્રીકેટ રમતાં દેશોએ બહિષ્કાર પણ ઘોષીત કર્યો પરંતુ પૈસાના જોરે તે વ્યક્તિએ ક્રીકેટ રમતા દેશોના ખ્યાતનામ ક્રીકેટરોને ખરીદ્યા અને અંદરોઅંદર ટીમ બનાવીને દુનીયાને બતાવી દીધું કે આ શક્ય થઇ શકે છે. ધીરે ધીરે તેનો તઘલખી તુક્કો કહો કે ગાંડપણ કહો થોડા વષોમાં ક્રીકેટ રમતા દરેક દેશો એ તેને અપનાવ્યો. ક્રીકેટ ને ‘જેંટલમેન’ ગેઇમ નું જે બિરૂદ મળેલ તે વન ડે ના આગમન બાદ તેનો હ્રાસ થવા લાગ્યો. ક્રીકેટરોને પોતાની કિંમત આંકીને ખરીદનાર વ્યક્તિ મલતા તેમણે પોતાના દેશને પણ દ્રોહ દીધો તેમ કહેવું ઉચીત કહી શકાય. તેઓ પોતે મહાન છે દેશ નહિ તેવું તેઓએ પ્રમાણિત કરી બતાવ્યું. સમય જતા આ રમતમાંથી ‘જેંટલમેન’ શબ્દ ફક્ત નામ પુરતોજ રહેવા પામ્યો કારણકે તેમાં પણ ફક્ત જીતવા માટેનુંજ ધ્યેય રાખીને આ રમત રમાવા લાગી.
    ત્યારબાદ થી ક્રીકેટની વન ડે મેચોએ ક્રીકેટરોને આસમાનમાં ઉડતા કરી દીધા. તેની અસર ભારતમાં પણ થઇ અને રાતોરાત જેઓ આમા માહિર હતા તેઓએ પોતાની કિંમત વધારી દીધી. આમ ક્રીકેટમાં વન ડે મેચોને લીધે તેને સંલગ્ન એસોસીએશનો,કલબો,સંસ્થાઓ,મંડળો,સ્કૂલો,કોલેજો,યુનિવૅસીટીઓ તેમજ વિવિધ કંપનીઓએ પોતે મહાન કે અગ્રેસર છે તેની હૂંતાતૂંસીમાં આવી ગઇ. તેને કારણે ટેસ્ટ મેચો કે જે પાંચ દિવસ રમાતી હતી તેનું ચલણ નહિવત થઇ ગયું. આમ વન ડે મેચોને લીધે આમ પ્રજા પણ તેની તરફ આકષિતૅ બની. કેમ કે આ રમતની શરૂઆત કરવા માટે કોઇ (સ્કીલ) વિશેશ આવડતની શારીરિક ક્ષમતાની કંઇ જ મહતા નથી કેમ કે નાનો-મોટો,જાડો-પાતળો,સ્ત્રી-પુરુષ,બોબડો-બહેરો,લુલો-લંગડો,કે આંધળો કે કોઇપણ જાતની શારીરિક ખોડખાંપણવાળો વ્યક્તિ પણ આ રમત રમી શકે છે. બીજું કે તે ગમે ત્યાં એટલે કે ઘરમાં,પરસાળમાં,અગાશીમાં,ગલીમાં,દુકાનની પરસાળમાં,બાગ-બગીચામાં,ફુટપાથ કે રસ્તા ઉપર,ખેતરમાં, દરીયા કિનારે, કે પછી મેદાનમાં જ્યાં પણ જગ્યા દેખાય ત્યાં બે વ્યક્તિ કે તેથી વધુ સમૂહમાં પોતે પોતાની રીતે નિતિ નિયમો નક્કી કરી રમી શકાય છે. આમ અમૂક સ્તર (લેવલ) પછીથીજ તેમાં આગળ વધવા માટેની વિશિષ્ટ આવડત તથા ફિટનેશ (શારીરિક ક્ષમતા) ની મહત્તાની જરૂર ઉભી થાય છે તે પહેલાં નહિ.કારણકે નહિ રમતી વ્યક્તિ પણ જેમ ફાવે તેમ બેટ ફેરવીને બોલને ફટકારે છે અને જે રીતે તેને યોગ્ય લાગે તે રીતે બોલ ફેંકે છે. આમ આ રમતને કારણે નાનપણથીજ યેન કેન પ્રકારે ગમે તે કરીને જીતવા માટેના કાવાદાવા તેમની ગળથુંથીમાંજ આવવાને કારણે તેમની માનસિકતા તે પ્રકારની થઇ જાય છે. નાના ટાબરીયાને પણ ખબર છે કે આ રમતમાં જીતવા માટેના હતકંડા શું અપનાવી શકાય,અને બીજાને કેવીરીતે પછાડી શકાય,અને તેની અસર તેઓના જીવનમાં બીજા બધા પાસાઓમાં પણ વણાઇ જાય છે. આ રમતમાં આગળ આવવા માટે કોઇ ગોડફાધર કે પૈસા ખૂબજ અગત્યનો ભાગ ભજવે છે. તમારામાં ગમે તેટલી આવડત કે ખાસીયત હોય તો પણ તેને નજરઅંદાજ કરીને બીજી વ્યક્તિઓને તમારી સામેજ જ્ઞાતિના આધારે પ્રાંતના આધારે,ચિઠ્ઠીચપાટીથી કે પૈસાના જોરે સીલેક્ટ કરીને રમાડવામાં આવે છે. આમ ‘જેંટલમેન’ શબ્દ નામ પુરતોજ રહી ગયેલ છે. ક્રીકેટમાં પોતે પોતાનું વચૅસ્વ સ્થપાઇ ગયા પછીથી તેઓની આકાંક્ષાઓને કોઇ સીમા રહેતી નથી. આમ આ રમતમાં ‘ગેમ્બલીંગ’ ઉમેરાતા જે કાંઇ થોડો ઘણો રમતનો ચામૅ હતો તેની ઘોર ખોદાઇ ગયેલ છે. કારણકે ફક્ત ખેલાડીઓ કે અધીકારીઓ જ નહિ પરંતું ‘ભાઇ’ લોકો જ આ રમતને રમાડે છે. તેમ કહેવું ઉચિત છે. ‘સટ્ટા’ ને કારણે જીતવા માટે જે પૈસા મળે છે તે કરતા હારવા માટે વધુ પૈસા મળે છે. તેજ રીતે વિકેટ ફેંકી દેવાના,કેચ છોડી દેવાના,રન આપવાના, રનઆઉટ થવાના કે ટોસ જીતીને બેંટીંગ કે ફીલ્ડીંગ લેવાના પણ જો પૈસા મલતા હોય તો તે કોને ના ગમે ? એક્ટર કરતા ક્રીકેટરો સારો અભિનય કરી શકે છે તેમ કહેવું અસ્થાને નથી. તેમની બોડી લેંગ્વેજ ઘણું બધું કહી જાય છે. આમ આ રમતમાં મની (પૈસા) ગેમ્બલીંગ (સટ્ટો) અને અધૂરામાં ગ્લેમર(ચમકધમક, એટલે નેતાઓ,અભીનેતાઓ કે અભીનૈત્રીઓ,કોપોરેટૅ જગત) ને લીધે જેને આ રમતમાં સ્નાન સૂતકનો પણ સબંધ નથી એવી વ્યક્તિઓ કે વ્યક્તિઓનો સમૂહ આના હતૉક્તૉ અને પોતેજ સવૅજ્ઞાની,સવૅસ્વ અને તારણહાર હોય તેમ વિવેચક કે વિશેશજ્ઞ તરીકે વતે’ છે. આ રમતમાં આવી વ્યક્તિઓ શોટૅ કટ અપનાવે છે જેમ કે પછી તે પદાધિકારીઓ,સીલેકટર,કોચીંસ,સાધનસામગ્રીની રીતે, ટુનૉમેંટ પેટે, ટ્રાંસપોટ પેટે યા પ્રોત્સાહન કે પ્રોંસરર પેટે વિગેરે દ્વારા કેવી રીતે પૈસા બનાવવા તેમાં માહિર હોય છે.
    ભારતમાં ક્રૂષ્ણ ભગવાન પોતે નાનપણમાં ‘ગેડી દડો’ રમત રમતા હતા તેનાથી તો સૌ કોઇ વાકેફ છે. ગેડી એટલે કે આગળની બાજુથી વાંકી લાકડી અને લાકડાનો દડો તે વખતે રમાતો હતો કે જે રમત ને આપણી રાષ્ટ્રીય ગેઇમ તરીકે આપણે પ્રસ્થાપિત કરેલ છે. તેની અત્યારે શું હાલત છે તેનાથી તો બધા અજાણ નથીજ.ભારત હોકી વલ્ડૅકપ જીતીને આવનારને 1 લાખ પણ નથી મળતા જ્યારે ‘ક્રિકેટ વલ્ડૅકપ’રમીને એટલે કે માત્ર ટીમના સભ્ય તરીકે જનારને એક પણ મેચ રમ્યો ન હોવા છતાં 1 કરોડ 30 લાખ રૂપીયા મળતા હોય તેને શું કહેવું ? આ આપણા દેશમાં રમાતી રમતોની બલિહારી છે. કેટલી બધી વિસંગતતા. કોઇપણ વ્યક્તિ શું કામ ક્રિકેટ રમવા પાછળ પાગલ છે તે આપણે જોઇ શકીએ છીએ.
    વિકસિત દેશો જેમ કે અમેરિકા,રશીયા,જમૅની,ફ્રાંસ,ચીન,જાપાન,કોરીયા,ઇટાલી વગેરે અનેક વિકાસ પામેલ દેશોમાં ક્રિકેટ રમાતી નથી તેની પાછળનું મૂળ કારણ આપણે કદી વિચારતાજ નથી. આ દેશોમાં R & D ( રીસચૅ એંડ ડેવલોપમેંટ) સંસ્થાઓએ પ્રસ્થાપિત કરેલ છે કે આ રમતથી નાનપણમાંજ વ્યક્તિનો પોતાનો શારીરિક વિકાસ થતો નથી તેમજ એક સ્તર (સ્ટેજ) સુધી સ્કીલની પણ જરૂર નથી. જે રમત બચપણથીજ વ્યક્તિનો શારીરિક વિકાસ નથી કરી શકતો તેનો માનસિક કે બૌધ્ધિક વિકાસ પણ કેવી રીતે થઇ શકે. જે રમત વ્યક્તિનો શારીરિક વિકાસ ના કરી શકતી હોય તેવી વ્યક્તિ પોતે પોતાનો, કુટુંબનો,ગામનો,શહેરનો,રાજ્યનો,કે દેશનો શું ખાક વિકાસ કરી શકવાનો છે. પરંતુ જોનારના કેટલા કલાકો (સમય) ,શક્તિ તથા નાણાંનો વ્યય થાય છે તે કદિ વિચારતો જ નથી. ઉપરોક્ત તમામ મૂળભૂત બબતોને ધ્યાનમાં રાખીને વિકસિત દેશોમાં આ રમતને પ્રાધાન્ય મળેલ નથી.પરંતુ આપણે ત્યાં ‘નવરો બૈઠો નખોદ વારે’ એ કહેવત પ્રમાણે 125 કરોડ ઉપરની વસ્તીમાં આવા લોકોની કમી નથી. અધૂરામાં પુરુ કરવા માટે ‘ગ્લેમર’ ને પણ ભેળવી દેતા આજકાલ સ્ત્રીઓને પણ આ રમતમાં જોતરવા માટે નવા નવા કીમીયા અજમાવવામાં આવી રહેલ છે. આ રમતમાં શોટૅકટ અપનાવીને કેવી રીતે આગળ નીકળી જવું તે માટે વ્યક્તિ શામ,દામ,દંડ અને ભેદ નો રસ્તો પણ અપનાવતા ખચકાતો નથી.
    ભારતમાં સરકાર દ્વારા, રાજકારણીઓ દ્વારા કલબો,જાહેર કે ખાનગી કંપનીઓ દ્વારા, કોપો’રેટ જગત તરફથી કે પ્રિંટ મીડીયા, પ્રેસ મીડીયા તથા ટેલીમીડીયા દ્વારા વધારે પડતું મહત્વ તેમજ પ્રોત્સાહન મળવાને કારણે ક્રિકેટની રમત થક્કી જ દેશનો ઉધ્ધાર થશે તેમ માનવામાં આવે છે પરંતુ તે સત્ય નથી. અમૂક વ્યક્તિઓનો જ ઉધ્ધાર થાય છે તે આપણી નજર સમક્ષ જોતા હોવા છતા તેનાથી અંજાઇને બીજાઓ પણ ઘેટાંની માફક ગાડરીયા પ્રવાહમાં ખેંચાય છે. પોતે પોતાનો કિંમતી સમય,શક્તિ તથા નાણાંનો વ્યય કરે છે પરંતુ તેને બહુ જ મોડેથી આનો અહેસાસ થાય છે. જ્યારે બધુ હાથથી નીકળી ગયેલ હોય છે. અને પોતે પોતાની જીંદગીને કોષે છે તેમજ પોતે બીજાને દોષ દે છે. 125 કરોડ ઉપરની વસ્તીમાં કેટલા ખરેખર પોતાની જાત મહેનતથી આ રમતમાં ઉપર આવ્યા હોય તેવા આંગળીના વૈઠે ગણી શકાય તેમ હોવા છતા આ સત્ય હકીકત થી આપણે અજાણ હોવાનો ડોળ કરીએ છીએ.
    ઓલમ્પીકમાં ક્રિકેટ ને કેમ દાખલ નથી કરાઇ તે આપણે ક્દી વિચારતા નથી. દુનીયાના 236દેશોમાં ભારતનું રમતગમતમાં સ્થાન ક્યાં આવેલું છે તે આપણને દેખાઇ આવે છે.આઝાદીના 70 વષો’ પછી ફક્ત એક ગોલ્ડ મેડલ અને બે સીલ્વર મેડલ મળ્યા છે તે સત્ય છે અને સત્ય હંમેશા કડવું હોય છે.એનો મતલબ એવો નથી કે આપણે ત્યાં ખેલાડીઓની ખોટ છે. 125 કરોડ ઉપરની વસ્તી ધરાવતા દેશમાં આવા ખેલાડીઓ આપણે બનાવી નથી શકતા તે હકીકત છે. ઓલમ્પીકમાં નાનામાં નાનો દેશ કે જે ક્રેદ્ર શાશીત પ્રદેશ ગોવા જેટલો દેશ પણ જો ગોલ્ડ મેડલ મેળવી શકતો હોય તો આટલા વિશાળ દેશમાં શું ટેલેંટની કમી હોય શકે. પરંતુ ફક્ત ક્રિકેટને જ વધારે પડતું મહત્વ આપીને આપણે આપણી જાતને , છેતરી રહ્યા છીએ. આવનારી પેઠીને આપણે શું માયકાંગલી,નિસ્તેજ, ગળથુંથીમાંથી જ કાવાદાવા શીખવાવાળી,જુગારી,વ્યભિચારી બનાવવા માંગીએ છીએ. ફક્ત વાતો કરવાથી કદી પરિણામ સારું મેળવી શકાતું નથી તે લક્ષ્ય ને પ્રાપ્ત કરવા માટે શારીરિક ક્ષમતા(ફિજીકલ ફિટનેશ),કૌશલ્ય(સ્કીલ) તેનો સતત અભ્યાસ અને તે માટે પ્રાથમિક સુવિધાઓથી માંડી આધુનિક સુવિધાથી વંચિત રહેતા ખેલાડીઓને એકલા દોશી ના ગણાવી શકાય. તેના માટે સૌથી જો કોઇ કમી હોય તો તે દેશદાઝ નો અભાવ ખુબજ મહત્વ ધરાવે છે.
    વધુંમાં 20-20 ઓવરોની મેચો રમાવાની ચાલું થવાથી ક્રીકેટરો પોતે આસમાનમાં ઉડવા લાગી ગયા. તેઓ પોતાની જાતને વેચીને પૈસો જ મારો પરમેસ્વર બાકી બધું નકામું. આવડત ન હોવા છતાં,અનફીટ હોવા છતાં, ટીમમાં બની રહેવા માટે કાવાદાવા કરીને પોતે પોતાનું તો નુકસાન તો કરેજ છે પરંતુ તેમાં સહભાગી થતા લોકો જેમકે એસોસીએશનના હોદેદારો,તેમજ તેઓને પ્રોત્સાહન આપતી સરકાર પણ એટલીજ જવાબદાર ગણી શકાય.ફક્ત ‘ જય હો,’ કે ‘ચક દે ઇંડીયા’ ના નારાથીજ ભારતને દુનીયામાં અગ્રેસર ન બનાવી શકાય. તે ફક્ત પિક્ચરમાં જ શોભાયમાન બની શકે છે હકિકતમાં નહિ.
    “દરેક રમતગમતના મંડળો ભારત સરકારના નેજા હેઠળ આવે છે પરંતુ ફક્ત ક્રિકેટ જ તેમાંથી બાકાત કેમ ? ભારત ના દરેક રાજ્યો તથા કેન્દ્રિત શાશિત પ્રદેશોના ક્રિકેટ ના મંડળો અલગ અલગ પક્ષોના હોદ્દેદારો હોવા છતા તારું મારુ હૈયારુ ની જેમ બધાજ હમામ થી નાહતા હોવાથી ચુપચાપ છે “!!!

  2. મને આજ સુધી ટેસ્ટ મેચ મા હાર જીત કેમ નકકી થાય એ સમજાયુ નથી હવે પરમ રમસે એટલે એની પાસેથી સમજી લઈ જઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here