ગોલમાલ: નોકરી બચાવવાની સાચી લડાઈ માટે જુઠું શસ્ત્ર વાપરવા મજબૂર મધ્યમવર્ગીય

0
398
Photo Courtesy: freepressjournal.in

બોલિવુડ ફિલ્મોને મનોરંજનનું સાધન માનવામાં આવે છે, પરંતુ ઘણીવાર મોટાભાગની બોલિવુડ ફિલ્મો આપણને હસાવતા કે રડાવતા જે છૂપો સંદેશ આપી જાય છે તેને આપણે અવગણતા હોઈએ છીએ બોલિસોફી એ છૂપા સંદેશને દર અઠવાડીએ તમારી સમક્ષ લાવશે. આવા જ એક છૂપો સંદેશ ધરાવતી ફિલ્મ 1979માં આવી ગઈ જેનું નામ હતું ગોલમાલ. આમતો હૃષીકેશ મુખરજીની લગભગ તમામ ફિલ્મો હળવી હોય પરંતુ તેમાં કોઈને કોઈ સંદેશ જરૂર રહેતો. વળી આ ફિલ્મો માત્રને માત્ર મધ્યમ વર્ગને જ ટાર્ગેટ કરીને બનાવાતી એટલે તેને ખાસ્સી લોકપ્રિયતા પણ મળતી.

Photo Courtesy: freepressjournal.in

ગોલમાલને આપણે એક cult classic કહીએ તો પણ જરાય ખોટું નથી. જેમ શોલે આજે પણ અને આજની પેઢી દ્વારા એટલી જ રસપૂર્વક જોવામાં આવે છે એવુંજ કશુંક ગોલમાલ સાથે પણ બને છે જ્યારે તે કોઈ ટીવી ચેનલ પર આવતી હોય ત્યારે. અમોલ પાલેકર અને ઉત્પલ દત્ત બંનેએ આ ફિલ્મને પોતાના મજબૂત ખભાઓ પર એક સરખી ઉપાડીને લોકોના દિલોદિમાગ સુધી પહોંચાડી દીધી છે. ગોલમાલ આજે પણ એટલીજ લોકપ્રિય એટલા માટે છે કારણકે તેમાં ઉપરોક્ત બન્ને ગજબના અદાકારોની ગજબની એક્ટિંગ તો છે જ પરંતુ તેમાં મધ્યમવર્ગીય વ્યક્તિની નોકરી બચાવવાની તકલીફને હસતા હસતા રજૂ કરી દેવામાં આવી હતી એ પ્રકારનું કથાનક પણ જવાબદાર છે.

રામપ્રસાદ શર્માને એના મામા પોતાના મિત્ર ભવાનીશંકરને ત્યાં નોકરી ખાલી હોવાની માહિતી આપે છે. પરંતુ આ નોકરી જો રામપ્રસાદને ટકાવી રાખવી હશે તો પોતાના નાક અને હોઠની વચ્ચેના પ્રદેશમાં તેણે ઉગાડેલી મૂછને આજીવન જાળવી રાખવી પડશે એમ પણ જણાવ્યું. આ પાછળનું કારણ એ હતું કે ભવાનીશંકર મૂછ ધરાવતી વ્યક્તિને જ સુશીલ અને સંસ્કારી ગણતા હોય છે. આમતો ભવાનીશંકરને મૂછ ન રાખવા ઉપરાંત પણ આજના (એટલેકે 1979ના જમાનાના) યુવાનો પ્રત્યે ઘણીબધી ફરિયાદો હતી, પરંતુ તેમને ભારતીય પોશાકમાં સજ્જ યુવાન વધુ પસંદ હતો એ વાત મામાજી રામપ્રસાદને જણાવવાનું ભૂલ્યા ન હતા.

મામાજીની આ સલાહ માનવી રામપ્રસાદ માટે જરૂરી હતી પણ તકલીફ એ હતી કે એની પાસે હાલતુરત કુર્તો ન હતો જે એ આવતીકાલના ઇન્ટરવ્યુ માટે પહેરી શકે અને ભવાનીશંકર સમક્ષ પોતાની છબી ઉજળી કરી શકે. આથી રામપ્રસાદ પોતાના એક્ટર મિત્ર દેવેન પાસેથી કોઈ અદાકારનો કુર્તો ઉછીનો લઇ આવે છે જે આમતો એને ટૂંકો પડે છે, પણ સવાલ માત્ર એકજ દિવસનો હતો એટલે રામપ્રસાદ આ ટૂંકો કુર્તો પહેરીને જ ઇન્ટરવ્યુ આપવા જાય છે અને અહીંથી એની સમસ્યા શરુ થાય છે.

ઇન્ટરવ્યુમાં રામપ્રસાદથી ઓલરેડી ઈમ્પ્રેસ થઇ ગયેલા ભવાનીશંકર એને છેલ્લે આ ટૂંકા કુર્તા અંગે પણ સવાલ કરે છે. ઇન્ટરવ્યુ દરમ્યાન ભવાનીશંકરને ઈમ્પ્રેસ કરવા માટે રામપ્રસાદે કશુંજ બાકી નહોતું રાખ્યું અને આથી તેણે જોશમાં આવી જઈને કહ્યું કે એના પિતા ભારતની વસ્ત્ર સમસ્યા અંગે ખૂબ ચિંતિત હતા અને આથીજ તેઓ પહેરવેશમાં જેટલું ઓછું કપડું વપરાય એ સિધ્ધાંતના હિમાયતી હતા અને આથીજ તે પોતે પણ સ્વર્ગવાસી પિતાજીની જેમજ ટૂંકો કુર્તો પહેરે છે.

રામપ્રસાદનો ઇન્ટરવ્યુ જ જૂઠના પાયા પર શરુ થયો હતો અને ટૂંકો કુર્તો તેની આધારશીલા બની ગયો. બસ ત્યારથી રામપ્રસાદે આટલી સારી નોકરી ટકાવી રાખવા માટે જૂઠ ઉપર જૂઠ બોલવાનું શરુ કર્યું અને તેની તમામ હદ વટાવી દીધી.

આમ તો ગોલમાલ જેમ ઉપર કહ્યું તેમ એક હળવી ટ્રીટમેન્ટ ધરાવતી ફિલ્મ હતી પરંતુ બેરોજગારીની સનાતન સમસ્યાથી લડતો ભારતીય યુવાન આજની જેમ ત્યારે પણ ટૂંકા કુર્તાની જેમ ટૂંકા રસ્તા અપનાવતો એ સંદેશ આ ફિલ્મ આપણને સમજાવે છે. આટલુંજ નહીં પણ ગોલમાલ જોઇને અને વારંવાર જોઈને એ પણ સમજાય છે કે જ્યારે એક મધ્યમવર્ગીય વ્યક્તિને ખબર જ છે કે દેશમાં નોકરીઓ ઓછી છે અને એને જે નોકરી મળી છે એ તેણે કોઇપણ ભોગે ટકાવી રાખવી છે તો પછી સિવાય અસત્યનો સહારો લેવો તેની પાસે બીજો કયો રસ્તો હોઈ શકે ખરો?

આપણે જાહેરમાં સત્યને વળગી રહેવાની ઘણીબધી ચર્ચાઓ કરતા  હોઈએ છીએ, પરંતુ જ્યારે એમ કહેવાયને કે જીવનમરણનો પ્રશ્ન આવીને ઉભો રહે છે ત્યારે આપણે યુધિષ્ઠિરની જેમ માત્ર નરોવા કુંજરોવાથી જ નથી પતાવતા, પરતું તેનાથી પણ ઘણા આગળ વધી જઈએ છીએ અને છેવટે આપણેજ દોરેલા કુંડાળામાં આપણે ભરાઈ પડીએ છીએ. અને જ્યારે તે કુંડાળામાં ભરાઈ પડીએ ત્યારે તેમાંથી બચવા માટે પણ આપણે અસત્યની જ મદદ લઈને નવાનવા રસ્તાઓ શોધીએ છીએ અને નવાનવા વ્યક્તિઓનો સાથ પણ લઈએ છીએ જેથી આપણું અસત્ય ટકી રહે.

ગોલમાલમાં એક જગ્યાએ દેવેન વર્મા ખૂબ સરસ સંવાદ બોલે છે કે, “પહેલા તારે કુર્તો જોઈતો હતો,પછી નકલી મૂંછ અને હવે તને નકલી મા પણ જોઈએ છીએ? યાર તારી સ્ટોરી તો હિન્દી ફિલ્મોની સ્ટોરી કરતા પણ વધારે વણાંકો ધરાવે છે!” દેવેન વર્મા પાસે બોલાવડાવવામાં આવેલો આ સંવાદ રિયલ લાઈફમાં પણ કોઈ સમસ્યાને દૂર કરવા મરણીયા થયેલા મધ્યમવર્ગીય વ્યક્તિની ભાવનાને સુપેરે રજુ કરે છે. નોકરીમાં કે ધંધામાં ઘણીવાર નાછૂટકે ખોટું બોલવું પડે છે અને પછી સર્જાય છે અસત્યની હારમાળા.

નોકરી તો અલગ વસ્તુ થઇ, પરંતુ નાના ધંધાદારીઓ પણ તેમાં સામેલ છે જે વ્યાજે પૈસા લેતા હોય છે અને લગભગ એને પરત કરવાની ડેડલાઇન ચુકી જતા હોય છે. આ ધંધાદારીઓમાંથી ઘણાની દાનત ખરાબ નથી હોતી, પરંતુ કોઈને કોઈ હિસાબે તેઓ એ ડેડલાઇનને સંભાળી શકતા નથી અને પછી પેલા ખતરનાક વ્યાજખોરના ગુસ્સાથી બચવા માટે શરૂઆતમાં સાવ બાળક જેવા બહાના બનાવે છે, કે બહાર છું, બપોરે મળું, રસ્તામાં જ છું, સાંજે આવું જ છું… વગેરે વગેરે.

ઉપરના કિસ્સામાં જેમ બને છે એમ જ ગોલમાલ ફિલ્મ પણ આપણને કહે છે કે રામપ્રસાદની દાનત ખોટી ન હતી, તેને પોતાના ભવિષ્ય માટે પોતાની નાની બહેનના લગ્ન માટે કે અન્ય કોઈ કારણસર નોકરીની જરૂર હતીજ અને ભવાનીશંકરે તો એની ઈચ્છા કરતા પણ વધારે પગાર આપ્યો હતો અને એવામાં જો નોકરી છૂટી જાય તો આર્થિક ધક્કો તો વાગે જ પરંતુ નામ બદનામ થાય એ નફામાં. એવીજ રીતે ધંધાદારી વ્યક્તિને જે નાણા એણે બજારમાં ફેરવવા માટે મુક્યા હોય એ તેને એકાદ દિવસ પછી મળવાના હોય એ શક્ય હોય છે અને એટલેજ એને માત્ર એકાદ દિવસ માટે જ પેલા વ્યાજખોરથી બચવાનો રસ્તો શોધવો પડતો હોય છે પરંતુ એની દાનત પૈસા ખાઈ જવાની તો હરગીઝ નથી હોતી.

આજે પણ મધ્યમવર્ગનો વ્યક્તિ કરીયાણાનું બીલ, દૂધનું બીલ, છાપાવાળાનું બીલ અરે પાનવાળાનું બીલ પણ એક નક્કી તારીખે આપી શકતો નથી. ડીટ્ટો મકાનમાલિકને ભાડું આપવામાં પણ થતું હોય છે. એની દાનત ખરાબ નથી, પણ એના સંજોગો તેના દુશ્મન બની ગયા છે. પણ, યે  જીવન હૈ, ઇસ જીવન કા યહી હૈ રંગરૂપ!

તમે મધ્યમવર્ગ સાથે સંબંધ ધરાવતા હોવ કે  હોવ પરતું એકવાર હૃષીકેશ મુખરજીની ઉત્કૃષ્ટ કલાકૃતિઓમાંથી એક આ ગોલમાલ જરૂર જોઈ લેશો, જે YouTube પર સરળતાથી ઉપલબ્ધ છે.

ટીટબિટ્સ

રામપ્રસાદ દશરથપ્રસાદ શર્માનો ઇન્ટરવ્યુ…

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here