એક તરફી અથવાતો એકપક્ષી પ્રેમ એ પહેલેથી મારો ફેવરીટ વિષય રહ્યો છે. કદાચ એટલેજ મારી ત્રણેય નવલકથાઓ અનુક્રમે શાંતનુ, સુનેહા અને સૌમિત્રમાં આ પ્રકારની વાતોને વણી લીધી છે અને શાંતનુ તો હતીજ એકપક્ષીય પ્રેમના વિષય પર અને પ્રેમના રિજેક્શન પર. આજે Valentine’s Day છે અને થોડા દિવસ પહેલા પ્રપોઝ ડે ના દિવસે ઘણાબધાની પ્રેમ પ્રપોઝલો રિજેક્ટ થઇ હશે અને આજે એ તમામ ‘એને’ યાદ કરીને રોતા અથવા તો રોતી હશે.

‘ઐ દિલ હૈ મુશ્કિલ’ ફિલ્મ પણ એકપક્ષીય પ્રેમ પર આધારિત હતી અને તેનો એક મસ્ત ડાયલોગ છે જેનું ગુજરાતીકરણ કરીએ તો એમ થાય કે એકપક્ષીય પ્રેમની મજા એ છે કે તમારે તેને કોઈ સાથે શેર કરવો નથી પડતો… જેબ્બાત! પ્રેમ થાય એ કુદરતી ઘટના છે પરંતુ આપણા પ્રેમનો સ્વિકાર થાય કે ન થાય એમાં કુદરતી પરિબળો જેવા કે નસીબ કામ જરૂર કરતા હોય છે પરંતુ એ નિર્ણય પર એ બધાનો સંપૂર્ણ કાબુ નથી હોતો અને આપણા પ્રેમનો અસ્વીકાર થાય તેની પાછળ પણ ઘણા કારણો હોઈ શકે છે.
‘ઐ દિલ હૈ મુશ્કિલ’ ની હિરોઈન એના હિરોને એટલે love નથી કરતી કારણકે એણે તેને ક્યારેય એ રીતે જોયો જ નથી અથવાતો એના માટે એની દોસ્તી એના પ્રેમ કરતા વધુ મહત્ત્વ ધરાવે છે. પણ આપણા હિરોભાઈ જ એની પાછળ પડી જાય છે કે બસ તું મને પ્રેમ કર કર ને કર. જ્યારે મન એ સ્વીકારવાની ના પાડી દે કે આપણે જેને પ્રપોઝ કર્યું છે એ વ્યક્તિ પણ માનવીય સંવેદનાઓ ધરાવે છે અને એ આપણી સંવેદનાઓથી અલગ પણ હોઈ શકે, ત્યારે કાં તો આપણું મન દેવદાસ થઇ જાય છે અથવાતો જનૂની બની જાય છે.
લાગણીનો કોઇપણ સંબંધ હોય બે અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે જ્યારે તે બંધાય છે ત્યારે તેમાં ભિન્ન મત અને ભિન્ન પસંદગીને ભરપૂર અવકાશ હોવો જ જોઈએ. આપણે એમ કેમ ન વિચારી શકીએ કે ભલે એ મને પ્રેમ નથી કરતો કે કરતી પણ હું તો એને પ્રેમ કરું જ છું ને? અને મારી આ લાગણી તો એ વ્યક્તિ નથી જ છીનવી શકવાનીને? તો પછી એના કોઇપણ નિર્ણયને માથે ચડાવવો અને એને પ્રેમ કરતા રહેવો એ આપણા પ્રેમની જ સાબિતી છે.
આપણને જેના પર પ્રેમ છે એ વ્યક્તિ છેવટે તો સદાકાળ ખુશ રહે એ જ આપણી ઈચ્છા હોયને? તો પછી આપણે એની સાથે રહીને એ કામ ન કરી શકીએ તો એનાથી દૂર રહીને પણ એમ કરી જ શકીએને? આમ પ્રેમનું રિજેક્શન એ પ્રેમનું ઇન્જેક્શન બની જાય અને આપણો એના પ્રત્યેનો પ્યાર સદાકાળ જીવંત રહે એ જ ખરા પ્રેમની નિશાની છે.
વેલેન્ટાઈન્સ ડે ની ભરપૂર શુભકામનાઓ!
eછાપું