RSS પ્રમુખનું હિટ એન્ડ રન કરવા જતા લિબરલો અને સેક્યુલરો ભરાઈ પડ્યા

0
308
Image Courtesy: newindianexpress.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા અઠવાડીએ જ્યારે કોંગ્રેસી સંસદસભ્યોના શોરબકોર વચ્ચે રાષ્ટ્રપતિના અભિભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવ પર ઉત્તર આપી રહ્યા હતા ત્યારે તેમણે એક ખૂબ સરસ વાત કરી હતી. આ વાત હતી રાજકીય હિટ એન્ડ રનની. RSS પ્રમુખ મોહન ભાગવતને આ રાજકીય હિટ એન્ડ રનનો પરચો વડાપ્રધાનના એ સંબોધનના એક અઠવાડિયાની અંદર જ મળી ગયો.

Image Courtesy: newindianexpress.com

લિબરલો અને સેક્યુલરો RSS પર કેટલો ખાર ખાય છે તેની આપણને બધાને ખબર છે. RSSના ઘણા જડસુ અને જુનવાણી વિચારો સાથે સહમત ન થવાય એવું હોવા છતાં દેશમાં આવેલી કોઇપણ આપત્તિ વખતે RSS કાર્યકર્તા હંમેશા આગળ હોવાના દાખલાઓ આપણને વખતો વખત મળતા હોય છે. પણ જેમને RSSને નફરત જ કરવી છે તેમના માટે આ ‘મારો અને ભાગી જાવ’ વાળી કળા ખુબ ફાવી ગઈ છે.

હાલમાં એક પ્રસંગે RSS પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું હતું કે જો જરૂર પડે અને દેશનું સંવિધાન હા પાડતું હોય તો કટોકટીના સમયે કોઈ આર્મી ઉભી કરવા માટે છ મહિના લાગે પરંતુ RSS દેશની મદદમાં ત્રણ દિવસમાં તૈયાર થઇ શકે છે. સૌપ્રથમ મેઈન સ્ટ્રીમ મિડિયામાં રહેલા કેટલાક જાણીતા તત્વોએ તરતજ ભાગવતના આ ભાષણને ટ્વિસ્ટ કરીને એમની ફરજ નિભાવી દીધી. બાદમાં કાશ્મીરમાં આર્મી પાસેથી પેલેટ ગન છીનવાઈ જાય એનું સુપેરે ધ્યાન રાખનારાઓ અને સર્જીકલ સ્ટ્રાઈક પર શંકા કરનારાઓનું દેશની સેના બાબતે અચાનક જ હ્રદય પરિવર્તન થયું અને તેઓ ભાગવતના માથા પર કિલોના ભાવે માછલા ધોવા લાગ્યા.

આ આર્ટીકલના અંતમાં મોહન ભાગવતના એ ભાષણના એ હિસ્સાની ક્લિપ અડધાથી પણ ઓછી મિનીટની આપવામાં આવી છે. આ ક્લિપ જોતા જ ખ્યાલ આવી જાય છે કે મોહન ભાગવતે માત્ર દેશને જરૂર પડે તો જ RSS ત્રણ દિવસમાં સેનાને તૈયાર કરી આપશે એમ કહી રહ્યા છે. વળી તેઓ ઉમેરે પણ છે કે દેશનું સંવિધાન હા પાડે તો જ. અને છેલ્લે ભાગવત કહે છે કે ખરેખર તો RSS એ પારિવારિક સંગઠન છે નહીં કે લશ્કરી.

આટલી સ્પષ્ટ વાત હોવા છતાં RSS વિરોધીઓ જેમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ સામેલ છે તેમણે ભાગવતે આર્મીનું અપમાન કર્યું હોવાની કાગારોળ મચાવી દીધી. આ જમાતને વારંવાર ટકોર કરવામાં આવે છે કે સોશિયલ મિડિયા અને ઈન્ટરનેટના જમાનામાં જરા સંભાળીને, તમારી પાસે રહેલા સાક્ષ્ય દસ વખત તપાસીને જ મોઢું ખોલો નહીં તો માત્ર છ થી અડતાળીસ કલાકમાં તમે કેવો ભાંગરો વાટ્યો છે એની દુનિયાને જાણ થઇ જશે. આ લોકોને ભારતમાં કમ્પ્યુટરકોણ લાવ્યું એનું અભિમાન લેવામાં રસ છે પણ એ કમ્પ્યુટર હવે વિકાસ પામીને લોકોના દિલોદિમાગ સુધી પહોંચી ગયું હોવાની અપડેટ લેવી નથી.

લિબરલો અને સેક્યુલરોનું વનેચંદના પ્રિન્સીપાલ જેવું છે, RSSનું નામ સાંભળ્યું નથી કે વિચાર્યા વગર એને બસ ધોવા જ માંડે. જેમ આગળ કહ્યું એમ તમે જો RSS સાથે સંકળાયેલા ન હોવ તો તમે એની તમામ વાતો અને વિચારધારાઓ સાથે સહમત ન થઇ શકો પણ રાષ્ટ્રને મદદ કરવામાં RSS અન્ય કોઇપણ સેવાદળ કે સંગઠનથી આગળ હોય જ છે તે નકારી તો ન જ શકો. આમને RSSની જેમ સેવા કરવામાં ચૂંક આવે છે અને જ્યારે મન થાય ત્યારે એમની સાથે રહેલા પત્રકારોને સોપારી આપીને RSSને નીચું દેખાડવાનો કોઈજ મોકો છોડતા નથી.

પરંતુ નસીબજોગે સોશિયલ મિડિયામાં આ બધા તરતજ ખુલ્લા પડી જાય છે અને અમુક દિવસ શાંત રહ્યા બાદ અગાઉની બેશરમજનક હારને અવગણીને, કપાયેલા નાકની સર્જરી કરીને ફરીથી માર ખાવા માટે તૈયાર થઇ જાય છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here