“અમે ગુજરાતી લે’રી લાલા” : એક સાર્થક, સચોટ અને સત્ય વચન

0
442
Photo Courtesy: gujaratcityblog.com

થોડા વખત પહેલા પંકાયેલી યુવા ગુજરાતી ગાયિકા કિંજલ દવેનું એક ગીત આવ્યું, ‘અમે ગુજરાતી લે’રી લાલા’. જે લોકો ગુજરાતી નથી એમની આ ગીત પ્રત્યેની ઈર્ષા મેં નજરે જોયેલી છે. એમનું એવું કહેવું હતું કે, “એમાં વળી મોટી ધાડ શું મારી લીધી? તમે નવાઈના ગુજરાતી છો?”. તો એમને એક જ જવાબ આપવા માંગીશ કે “હા, અમે નવાઈના ગુજરાતી છીએ. જે ગુર્જરધરા પર અનેક મહાનુભાવોએ જન્મ લીધો એ ધરતી પર અમને જન્મ મળવો એ નવાઈની વાત તો છે જ”. મને આખા ભારતમાં ગુજરાતીઓ સિવાય અન્ય કોઈ રાજ્યની પ્રજા મનથી એટલી મુક્ત જણાઈ જ નથી. ગુજરાતીઓ સિવાય તમામ લોકો એક અજીબ પ્રકારની સોફીસ્ટીકેટેડ લાઈફ જીવતા જણાય છે.

Photo Courtesy: gujaratcityblog.com

ગુજરાતીઓ માટે લાઈફ પ્રત્યે ગંભીર વર્તણુક જેવું કશું નથી. તેઓ જીવન જેમ આવે છે એમનું એમ એને વધાવી લે છે. ગુજરાતીઓ જેવી ખુદ્દારી અને ‘જે થશે એ જોયું જશે’વાળી ખુમારી કદાચ જ અન્યોમાં જોવા મળે. ગુજરાતીઓ જીવનને જીવતા નહી માણતા શીખવે છે. તમે એક વાતની નોંધ લેજો અથવા તો લીધી જ હશે, કે આઉટ સ્ટેટમાં ફરવા જાઓ અને તમને ગુજરાતી લોકોની વસ્તી ન જણાય એવું તો ભાગ્યે જ બને. ખાવામાં અને ફરવામાં ગુજરાતીઓને કોઈ ન પહોચે. ભાત ભાતની વાનગીઓ જે રાજ્ય બહારના લોકોએ ચાખી તો શું, વિચારી પણ ના હોય એ તો રોજબરોજની સવારે ગુજરાતીઓ નાસ્તામાં આરોગી લે છે. દર મહીને એક નવી વાનગી માર્કેટમાં આવે અને એને લગતા સ્ટોલ્સનો મેળાવડો જામે. ગુજરાતીઓ “રૂપિયા તો ખાવાના બીઝનેસમાં જ છે બોસ” એમ કહેતા જાય અને પ્લેટ પર પ્લેટનો ઓર્ડર આપતા જાય એ દ્રશ્ય ગુજરાતના લગભગ બધા પ્રમુખ ખાણીપીણીના સ્ટોલ પર આપણે જોઈએ છીએ. બિઝનેસની વાત આવે એટલે એના પરથી યાદ આવે રિલાયન્સના સ્વપ્નદ્રષ્ટા એવા સ્વ. શ્રી ધીરુભાઈ અંબાણી! જેમણે આખી દુનિયાને બતાવ્યું કે બિઝનેસ કેવી રીતે થાય! અને એમ પણ સાબિત કર્યું કે બિઝનેસ કરવા માટે બેકગ્રાઉન્ડની નહિ, દિમાગની જરૂરીયાત છે. એવા ધીરુભાઈ કે જેમણે સ્થાપેલી રીલાયન્સ અત્યારે વિશ્વની ટોચની કંપનીમાં પોતાનું અસ્તિત્વ ધરાવે છે પછી કિંજલ દવે એમ કહે કે, “ગુજરાતીની બોલબાલા” તો એમાં તમને કેમ મરચાં લાગી જાય છે?

મેં એક બહુ મોટી કહી શકાય એવી વાત નોટીસ કરી છે કે જો હું ગુજરાતમાં પહેલેથી રહું છું અને થોડા સમય માટે આઉટ સ્ટેટમાં જવાનો વખત આવે તો મને ટેન્શન થઇ જાય છે. એનું એકમાત્ર કારણ એ છે કે ગુજરાત જેવું ફૂડ અને વેરાઈટી બીજા કોઈ સ્ટેટમાં નથી મળતી એ વાત સરાજાહેર છે. એટલે જ અન્ય રાજ્યોમાં ગુજરાતી લોકોને ફાવ્યું નથી અને ફાવશેય નહિ. પણ એક વાત છે કે બહારના રાજ્યોમાંથી, ખાસ કરીને બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને યુપીમાંથી આવતા લોકો માટે ગુજરાત એક સ્વર્ગ સમાન છે. એમની તમામ જરૂરિયાતો, ખરેખર તો એમના સ્ટેટમાં જે જરૂરિયાતો હતી એના કરતા વધારે જરૂરિયાતો ગુજરાત સંતોષી આપે છે. ગુજરાત બંને હાથે સ્વાગત કરવામાં માને છે. તમે અને મેં, બધાએ છેક યુપી બિહારના પાણીપુરીવાળાથી લઈને ગુજરાતની મોટી કંપનીઓમાં આઉટ સ્ટેટના મેનેજેર્સ સુધી બધાને જોયા હશે કે જેઓ બહારના રાજ્યમાંથી આવીને ગુજરાતમાં સેટલ થયા હશે.   પણ ગુજ્જુઓ બીજા સ્ટેટમાં એટલી સહજતાથી ટકી શકતા નથી. એટલે જ ગુજરાતની બહાર જવાનું થાય ત્યારે ખાખરા, થેપલા, ઢોકળાના ડબ્બાઓ ગુજરાતીની સાથે જ જાય કારણ કે ગુજરાતીઓ એક વાર રહેવાની અગવડતા વેઠી પણ લે પણ જમવાની અગવડતા વેઠવાનું એમના ડીએનએમાં નથી. પછી કિંજલ દવે એમ કહે, “અમે ગુજરાતી લેરી લાલા”, તો એમાં તમને શું કામ ખોટું લાગી આવે છે?

જે ગાંધીજીના ફોટાવાળી નોટો માટે આખું ભારત ચોવીસ કલાક દોડધામ કરે છે એ ગાંધીજી પણ આ ભારતને અપાયેલી ગુજરાતની દેણ છે. જેમને વગર તલવાર, વગર બંદુકે અંગ્રેજોની ગુલામીમાંથી આખો દેશ લાકડીના બલબુતે આઝાદ કરાવ્યો એનાથી વિશેષ ગુજરાતીઓની ખુમારી વિષે શું હોઈ શકે? અને જો આ ઉદાહરણ પણ નાનું લેખાતું હોય તો ગુજરાતે દેશને એક સરદાર આપ્યા જે ખરા અર્થમાં સરદાર બન્યા અને આખા દેશના રજવાડાં એકત્રિત કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું. એનો એવો મતલબ નથી કે અન્ય રાજ્યોમાંથી સપૂતો પેદા નથી થયા, પણ અન્ય રાજ્યોના લોકોના મનમાં ગુજરાતીઓની જે આળસુ અને ઘેલી પ્રજા તરીકેની વાહિયાત માન્યતા છે એ બિલકુલ ગેરલાયક છે. ઉલટાનું ગુજરાતીઓ પાસેથી તો શીખવા જેવું છે કે, ‘યા હોમ કરીને કુદી પડો, ફતેહ છે આગે’. ગુજરાતની પ્રજા આળસ અને સ્ફૂર્તિનો અનોખો સંગમ છે જે તમને ક્યાંય બીજે જોવા નહિ મળે. આળસ આવે એટલે પુરેપુરી આળસ કરી લેવાની, પણ જ્યારે કામ કરવાનો વખત આવે ત્યારે કમર કસીને એ કામ કરી લેવું એ પહેલેથી જ ગુજરાતીઓની આદત રહી છે. કદાચ એટલે જ ગુજરાતીઓને નવથી પાંચની પ્રાઈવેટ નોકરીઓ પ્રત્યે સુગ છે. કારણ કે એમના મનમાં સતત વધારે રૂપિયો ક્યાંથી મળી શકે એ માટેના વિચારો જન્મ લીધા કરતા હોય છે. માટે જ કહેવાય છે કે ગુજરાતની હવામાં જ બિઝનેસ છે.

બીજાને મદદ કરવામાં પણ ગુજરાતીઓ ક્યારેય ઉણા ઉતરતા નથી. જો તમે મોડી રાત્રે ગુજરાતમાં કશેક સલવાઈ જાઓ અને રસ્તો ન મળે તો પોતાની બાઈક પર તમને યોગ્ય જગ્યાએ પહોચાડી દેવામાં ગુજરાતીઓ ક્યારેય પાછીપાની કરતા નથી. કાઠીયાવાડમાં તો તમે દિવસે જઈને પણ જો સરનામું પૂછો તો, “હું મોર થાઉં તમ વાંહે વયા આવો” કહીને કોઈકનું કોઈક તમને છેક તમારા નિર્ધારિત સરનામે પહોચાડી આવે! આવી ભલમનસાઈ ગુજરાતીઓની ગળથૂથીમાં હોય છે, એના માટે અલગથી કોઈ ટ્રેનીંગ આપવામાં નથી આવતી. વળી, ગુજરાતની મહેમાનગતિની તો વાત જ નિરાળી! તમે ગુજરાતમાં કોઈને ત્યાં મહેમાનગતિએ જાઓ એ પછી તમારા ખિસ્સામાંથી એકેય રૂપિયો ખર્ચાય એવું ન બને. યજમાન તમને હોંશેહોંશે પોતાના શહેરની પ્રખ્યાત વાનગીઓ પ્રખ્યાત દુકાને જઈને ખવડાવે અને છેલ્લે “બસ આટલામાં જ પેટ ભરાઈ ગયું? ના ચાલે”, કહીને ભાવથી વધુ જમાડે. એટલે જ કાઠિયાવાડમાં કહેવાય છે કે, “કદી કાઠીયાવાડમાં ભૂલો તું પડ ભગવાન, તને સરગના (સ્વર્ગના) ઠાઠ ભુલાવું શામળા”! પછી કિંજલ દવે એમ કહે કે, “ગરવી ગુજરાતની આ ધરતી”, તો એમાં તમે શેના મોઢાં ચઢાવો છો?

આ લેખમાં તો એટલું જ લખ્યું છે કે જેટલું ગુજરાતમાં નજરે જોઈ શકાય છે. બાકી એમ જો તમારે ગુજરાત અને ગુજરાતીઓની ભવ્યતા જાણવી અને માણવી હોય તો ગુજરાતમાં ભૂલું પડવું જ રહ્યું!

આચમન : “અમે ગુજરાતી લેરી લાલા” કહીને કોઈ શેખી મારવામાં નથી આવી, જે છે એને ગીતમાં વર્ણવ્યું છે અને એ ગીતથી પણ બિઝનેસ કરી જાણ્યો છે. એમાં તમને શેનાં મરચાં લાગે છે?                        

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here