મોદીથી માલ્યાથી મોદી – ભ્રષ્ટાચાર માટે ખાળે ડૂચા ને દરવાજા મોકળા

0
528
Photo Courtesy: pragativadi.com

જેટલા આપણા દેશના નેતાઓ, સરકારી કર્મચારીઓ અને ઉદ્યોગપતિઓ ભ્રષ્ટાચારી છે એટલાજ ભ્રષ્ટાચારી આપણે પણ છીએ. આપણે આ બધો ભ્રષ્ટાચાર ચલાવી લઈએ છીએ અને જાણે અજાણે આપણું કામ સહેલાઇથી પતી જાય એટલે એમાં સાથ આપીએ છીએ એટલે આપણે પણ ભ્રષ્ટાચારી જ કહેવાઈએ. વર્ષોથી બોલતા અને સાંભળતા આવીએ છીએ કે આપણી સિસ્ટમ જ ભ્રષ્ટ થઇ ચુકી છે. અને બસ ત્યાંજ પૂર્ણવિરામ.

Photo Courtesy: pragativadi.com

પરમદિવસે દેશના મોટા જ્વેલર્સમાંથી એક એવા નિરવ મોદીનું પંજાબ નેશનલ બેન્કને મસમોટો ચૂનો લગાડવાનું કૌભાંડ બહાર આવ્યું ત્યારથી મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેવાને બદલે આપણા રાજકીય પક્ષો અને નેતાઓ અને એમના ટેકેદારો એકબીજાને બ્લેમ કરવામાં લાગી ગયા. કેટલાક આ ભ્રષ્ટાચાર અમારા નહીં પરંતુ તમારા કાળમાં થયો હોવાનું કહીને છૂટી જવા માંગતા હતા, તો કેટલાક અમારા ટાઈમમાં ભલે શરુ થયો પણ તમે એ ભ્રષ્ટાચારીને કેમ ભાગવા દીધો એમ કહીને ભાગી જવા માંગતા હતા.

આવું બધું ત્યારે પણ થયું હતું જ્યારે લલિત મોદી અચાનક લંડન ભાગી ગયા હતા. આવું બધું ત્યારે પણ સામે આવ્યું હતું જ્યારે વિજય માલ્યા પણ ભારતના એરપોર્ટ પરથી શાંતિથી કોઈ એક પ્લેનમાં બેસીને લંડન નાસી ગયા હતા. આવું બધું ત્યારે પણ થઇ રહ્યું છે જ્યારે નિરવ મોદી કરદાતાઓના કરોડો રૂપિયા હજમ કરીને ત્યારે સ્વિત્ઝરલેન્ડમાં સુરક્ષિત હોવાનું બહાર આવ્યું છે.

સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા કરતી વખતે વડાપ્રધાને દેશની બેન્કો જે અધધધ NPAનો બોજ સહન કરી રહી છે તેના માટે જૂની સરકારને દોષ દીધો હતો. પરંતુ આ NPA ઉભી કરનારાઓમાંથી ત્રણ મોટા માથાં લલિત મોદી, વિજય માલ્યા અને નિરવ મોદી એમના જ શાસનકાળમાં ભાગી જવા માટે સફળ થયા છે એ હકીકત એમણે પણ સ્વિકારવી રહી.

બેન્કિંગ અંગે સારુંએવું જ્ઞાન ધરાવતા મિત્ર મેહુલ તેવર સાથે ગઈકાલે WhatsApp પર થયેલી ચર્ચામાં જણાવ્યું કે અન્ય ગુનાઓની સરખામણીએ નાણાકીય ગુનો આચરતા અને આટલી મોટી કક્ષાએ નાણાકીય ગુનેગારી કરતા લોકોને એમ શોધી કાઢવા એ જરા અઘરું છે. નિરવ મોદીને કિસ્સામાં મેહુલભાઈએ એક મુદ્દો એ પણ ઉઠાવ્યો છે કે કોઈ સરકાર શું કરી શકે જ્યારે એમના વ્યવહારોને CORE બેન્કિંગમાં દર્શાવવામાં પણ નહોતા આવતા?

મેહુલભાઈની વાત સાથે હું અંશત: સહમત થાઉં છું પણ મનમાં ફરી ફરીને સવાલ તો એ જ થાય છે કે 2011થી આ બધું ચાલતું હતું તો આ સરકાર તો હવે ચાર વર્ષથી સત્તા પર છે, તો એને જરા સરખી પણ ગંધ ન આવે એવું કેવી રીતે બને? અને ખરેખર એવું જો બન્યું હોય તો NDA સરકાર માટે આનાથી વધુ શરમજનક બાબત બીજી કોઇપણ ન હોઈ શકે કે એનું તંત્ર એટલું આળસુ છે કે એને ચાર વર્ષ સુધી આ બધાની ગંધ પણ ન આવી.

આ કૌભાંડ ત્યારે બહાર આવ્યું છે જ્યારે સરકારે બેન્કો માટે હજી બે થી ત્રણ મહિના પહેલા જ પુનઃમૂડીકરણ જાહેર કર્યું છે. NPA સામે કામ પાર પાડવા અને બેન્કો પાસે નાણા ધીરવા માટે લિક્વિડીટી વધે તેના માટે સરકારે તેમને હજારો કરોડો રૂપિયા આપ્યા છે અને જો સરકાર હવે એમ કહે કે આ તો અગાઉથી ચાલતું હતું એટલે આ ભ્રષ્ટાચાર માટે તે જવાબદાર નથી એવું બિલકુલ નહીં ચાલે કારણકે આ તો દળી દળીને ઢાંકણીમાં એવું થયું.

બહારના કાળાનાણા લાવો કે ન લાવો પરંતુ દેશની અંદરના ભ્રષ્ટાચાર માટે ખાળે ડૂચા અને દરવાજા મોકળાની માનસિકતા મોદી સરકારે જ બદલવી પડશે અને તત્કાલિક ભ્રષ્ટાચારીઓ દેશના કરદાતાના પરસેવાના પૈસા ચાટી જઈને ભાગી ન શકે એટલી તો વોટર ટાઈટ વ્યવસ્થા તેણે ઉભી કરવી જ પડશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here