દુઝતા મસા : તેરા ગમ મેરા ગમ ઇક જૈસા સનમ, એક કહાની…

1
1472

ફાસ્ટ યુગ માં ઉતાવળિયા વાતાવરણમાં મંદ પડેલા આંતરડાઓએ કબજીયાત સામે કરેલો બળવો એટલે હરસ-મસા. આપ પાઈલ્સના પેશન્ટ હોવ તો કસમ થી પ્રિયા પ્રકાશ વારિયર જેવી સ્માઈલો આપ કોઈની સામે ન જ ફેંકી શકો. બાઈબલમાં પણ વ્યક્તિને પાપોની સજારૂપે હરસની સજા મળતી આવતી હોવાનો ઉલ્લેખ છે. તો રાણી ક્લિયોપેટ્રા પણ હરસ થી પીડાતી હોવાના કિસ્સા છે. વિશ્વની 40% પ્રજા કબજિયાતના કારણે થતા મસા થી પીડાય છે.

Photo Courtesy: medimetry.com

અતિ ભોજન અને મદ્યપાનથી અને કેટલાક કુટિલ આહાર વિહારના કારણે લીવરમાંથી પરત ફરતા લોહીથી ગુદાની આસપાસની નસોમાં લોહી ભરાઈને ફૂલી જઈ મસાનું રૂપ ધારણ કરે છે. આ નસોમાં લંબાઈ વધુ હોય છે જેથી લોહી વધુ ભરાય છે અને વાલ્વનો અભાવ હોવાથી મળ ઘસાતા ત્યાં સરળતાથી રક્ત સ્રાવ અને દુખાવો થઇ જાય છે. વધુ પડતું બેઠાડું જીવન, વારંવાર ગર્ભાવસ્થા, લીવર કે હદયના રોગો, જુનો મરડો-ઝાડા કે હાજતે જતી વખતે વધુ પડતું કરાંજવાથી પણ આ થઇ શકે છે.

શું ધ્યાને લેશો??

રક્તનો સ્રાવ થતો હોય તેવા હરસ-મસાના દર્દમાં તત્કાળ લોહી બંધ કરવાની ઔષધિઓ લેવી જોઇએ. આમ કરવાથી બગડેલું લોહી શરીરની અંદર રહે છે. જે બીજાં દર્દો પેદા કરે છે, જેમ કે ચામડી પર ફોડલીઓ થાય, ખંજવાળ આવે, ખોરાક પ્રત્યે રુચિ ન થાય. માથાનો દુખાવો થાય. એટલે સારવાર કરતા પહેલાં રક્તશુદ્ધિ થવી જરૂરી છે.

થોડીક રેસીપી દુઝતા મસા માટે …

 • ચોખાના ધોવરામણ ને મધમાં સુંઠ નાખી પીવું.
 • પાકા બીલા ને છુંદી તેમાં અજમો,સુંઠ દાડમ નો રસ નાખી વઘારી સૂપ બનાવવો.
 • ગાજર હળદર આમળા છુંદી તેમાં કોકમ કે ખાટા બોર ની ચટણી હિંગ,સિંધવ નાખી ખાવું.
 • મસુર,મગ,મઠ કે તુવેર દાળ ને છાશ માં મરી,સિંધવ નાખી વઘારવી તેમાં દહીં ની મલાઈ મેળવી ખાવું.
 • ડુંગળીને છાશ માં વાઘરી શાક બનાવવું.
 • કાળા તલ માખણ અને સાકર નું ઘોળવું બનાવી પીવું.
 • ડાંગરની ધાણી નું ચૂર્ણ,દાડમ નો રસ મિક્ષ કરી સૂપ પીવો.

ખોરાક: રોટલી, ભાખરી, પરોઠા વગેરે ઘઉં અને જવમાંથી બનેલી ચીજો ખાઇ શકાય, પરંતુ મેંદામાંથી બનતી ચીજો ન ખાવી. ચોખામાંથી બનતી ચીજો ખાઇ શકાય.

 • મગ, તુવેર, ચણા વગેરે કઠોળ યોગ્ય પ્રમાણથી લઇ શકાય. આમ છતાં કઠોળ એકલા ન ખાવા તેની સાથે લીલોતરી શાકભાજી કે કચુંબર ખાવાં. અડદમાંથી બનતી ચીજો ન ખાવી. વાલ, વટાણા લીલી તુવેર ન ખાવી. તેનાથી હરસ-મસાની સમસ્યામાં વધારો થાય છે.
 • પરવળ, ટિંડોળા, કોબીજ, ફુલાવર, ભીંડા, ગવાર, સુરણ વગેરે શાક લઇ શકાય. લૂણી, મેથી, તાંદળજો, પાલક, મૂળાનાં પાનની ભાજી પણ લઇ શકાય, પરંતુ ટામેટાં ન ખાવાં. કોઇ અથાણાં હરસ-મસાના દર્દી માટે સારા નથી. દૂધ, માખણ, છાશ, ગાયનું ઘી લઇ શકાય. પરંતુ દહીં, રાયતું કે શ્રીખંડ ન ખાવાં.
 • બને એટલું ઘી માં વઘારેલું સુરણ અને છાશ વધુ લેવા.

વિપરીત આહાર: દૂધની સાથે ફળો મેળવીને બનાવાતી ખાદ્ય ચીજો ન ખાવી- જેમ કે, ફ્રૂટસલાડ, દૂધની સાથે લસણ, ડુંગળી, ચૂર્ણ, મોગરી, દહીં, છાશ, આમલી, ગોળ ન ખાવા. તડબૂચ, ટેટી, કાળી દ્રાક્ષ, કેળાં, આમળા કે ઋતુ પ્રમાણેનાં ફળો લઇ શકાય. પરંતુ જેમને રક્તસ્રાવ થતો હોય તેમને પપૈયું ન ખાવું. પાણીપૂરી, ચટણીપૂરી, ભેળ, સેવપૂરી વગેરે તીખાં-તમતમતાં જંકફૂડ ન ખાવાં. લસણ, ડુંગળી, આદુ-મરચાં, મસાલાવાળો ખોરાક મસા રૂપી દરદ વધારી દે છે.

બાઈક રાઇડિંગ: ઊંટ, ઘોડા પર સવારી કરવી- કડક કે કઠણ બેઠક પર વધારે વખત બેસવાથી કે લાંબી મુસાફરીથી અપાતવાયુનું સંતુલન ખોરવાય છે. જેનાથી હરસ-મસા ની સમસ્યા ઉગ્ર બને છે. તડકામાં વધારે વાર બેસી રહેવાથી, ફરવાથી કે કામ કરવાથી પિત્તદોષની ઉગ્રતા વધે છે. જેમને રક્તસ્રાવ થતો હોય તેમણે સોના બાથ કે સ્ટીમ બાથ ન લેવા. આપ લાંબો સમય બાઈક ની સવારી કરતા હોવ કે એવી જ નોકરી કરતા હોવ તો આપ પાઈલ્સ ના હોટ લીસ્ટ માં ખરા જ…

ટોઇલેટ : એક પાઈલ્સ કથા…

ઘણી વાર ટોઈલેટ, બાથરૂમ ગંદાં હોય તો સ્વચ્છતાના આગ્રહી વ્યક્તિઓ કુદરતી હાજતે જવાનું ટાળે છે. પરંતુ આમ કરવાથી હરસ-મસાના દર્દીઓ દુખાવો વધારે છે કાં તો મળમાર્ગેથી રક્તનો સ્રાવ વધારી દે છે.

ટોઇલેટ સાફ કરવા પરફ્યુમ વાળા કે કલર વાળા નેપકીન ના વાપરવા ટોઇલેટ કરતી વખતે છાપા વાંચતા વાંચતા વધુ સમય બેસી રહેવું નહિ કે કરાંજવું નહીં

વધુ દુખાવો થાય તો શરીર ના તાપમાન જેટલું ગરમ પાણી ટબ માં લઇ શેક કરવો તેમાં જેઠીમધ કે છાશ ઉમેરી શકાય.

ઘરે જાતે જ પાણી ના એનીમા વધુ પડતા લેવા નહિ. વધુ પડતો સંભોગ ના કરવો

કોટન ના અંદર ના વસ્ત્રો પહેરવા, ખંજવાળવું નહીં.

રોજે ચાલવું કે હળવી કસરત કરવી જમવામાં ફાઈબર નું પ્રમાણ વધુ હોય તેવા શાક ફ્રુટ લેવા…

બાકી જાણવા છતાં અજાણ બની નિદાન સેવન કરશો તો ડોક્ટર તો છે જ…

પણ યાદ રાખજો મસા ના ઈલાજ માટે કરવામાં આવતું ગુદા નું આ ઓપરેશન રોજ સવારે રાડ પડાવી દે છે અને એ પછી મળમાર્ગ સાંકડો ના થઇ જાય એના માટે કરાતું ડાયલેટેશન દુશ્મન ની આંખે પણ પાણી લાવી દયે છે…

 

#eછાપું

1 COMMENT

 1. આ ડાયલેટેશન શુ છે . ને ક્ષરસૂત્ર થી કરાવેલ મસા ના ઓપરેશન માં પણ આગળ જતાં તકલીફ થાય?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here