લઘુકથા: સવિતા અને સરિતા

2
358
Photo Courtesy: freepressjournal.in

સવિતા અને હું બંને ખાસ બહેનપણી હતા.અમે બંને સાથે જ નિશાળે જતા. સવિતા રોજ નિશાળે મોડી આવતી.તેને લીધે હંમેશા અમારે નિશાળે જવામાં મોડું થાતું. તેનું ઘર નિશાળ ના રસ્તા માં જ આવતું હોવા છતા પણ તે ક્યારેય મને તેના ઘરે નહોતી લઈ જતી. મેં તેને ઘણી વાર નિશાળે મોડા આવવા બાબતે પૂછી જોયું. પણ તે ક્યારેય આના વિશે વાત ના કરતી. જયારે પણ હું મોડા આવવા કે તેના ઘરે જવા વિશે વાત કરતી તો તે જાણે આનો જવાબ દેવા ના માંગતી હોય એવું મને લાગતું એટલે મેં તેને હવે એ બાબતે પૂછવાનું છોડી દીધું હતું. પણ અંદર ને અંદર મને તેની ચિંતા થતી કે ક્યાંક તે મુસીબતમાં તો નહીં હોય ને? એવી મુસીબત કે જેના વિશે તે મને નહીં જણાવી શકતી હોય? અથવાતો કઈ બીજું કઈ કારણ હોય? એટલે મેં આ રહસ્ય  જાણવાનું નક્કી કરી લીધું…

એટલે એક દિવસ નિશાળે જતા પહેલા હું કહ્યા વીના સીધા તેના ઘરે પહોંચી ગઈ. તેના ઘરે એક વિચિત્ર પ્રકાર ની શાંતિ હતી. મેં જોરથી તેના નામની બૂમ પાડી તો તે એકદમ દોડતી બહાર આવી અને મને જોઇને એકદમ જ ગભરાઈ ગઈ.

‘સરિતા…… તું??’ તેણે આશ્ચર્ય થી મને પૂછ્યું….

‘મારે આ બાજુ કામ હતું એટલે વેહલા આવી ગઈ, તો મને થયું કે લાવ તારું ઘર પણ જોઇ લઉં અને આપણે બંને સાથે નિશાળે જઈએ.’ મેં જવાબ  આપ્યો.

‘હા..હા એક મિનીટ તું અહિયાં જ રહે…હું આવું છુ..!’ તેણે મને ઘરની અંદરથી જવાબ આપ્યો.

‘તારા મમ્મી નથી ઘરે?’ તેના ના કેહવા છતાં પણ ઘરની અંદર પ્રવેશતા મે પૂછ્યું.

તેણે સાવ ધીમા અવાજે કહ્યું ‘ના..મારા મમ્મી ઘરે નથી, કામ પર ગયા છે.’

‘અને તારા પપ્પા?’ આ વાક્ય સંભાળીને જાણે તે ગભરાઈ ગઈ હોય તેવું લાગ્યું.

‘તે સુતા છે.’ સવિતાએ ખુબ જ ધીમા અવાજે જવાબ આપ્યો.

‘અચ્છા..તો આજે તો તારા પપ્પા ઘરે છે. આજે તો મારે તારા પપ્પાને મળીને જ જવું છે. હું તારા પપ્પાને એકેય વાર નથી મળી ક્યારે ઉઠશે?’ મેં જરા જોરથી પૂછ્યું.

‘શશશ……….ચુપ રહે!!…મારા પપ્પા જાગી જશે.’. તેણે મને ગભરાઈ કહ્યું.

‘તો? એમાં શું?’ મેં નવાઈ પામતા પૂછ્યું.

હવે સવિતા લગભગ રડવા જ લાગી હતી તેણે રડતા રડતા જ સાવ ધીમા અવાજે મને કહ્યું. ‘તે પીને આવ્યા છે.’

‘એટલે શું પીને આવ્યા છે? સમજણ ન પડતા મેં તેને પૂછ્યું.

‘દારૂ!’ તેણે માંડ માંડ જવાબ આપ્યો.

‘માંડ-માંડ સુતા છે, જાગી જશે તો જમવા પણ નહીં દે, અને મારા મમ્મીને આવતા વેંતજ બોલશે.’ પોતાની જાત પર કાબુ રાખતા તેણે કહ્યું. ‘એટલે જ હું તને ક્યારેય ઘરે આવવાનું નહોતી કેહતી, એ રોજ આમ કરે છે. ક્યારેક તો રાંધવા પણ નથી દેતા, મમ્મી અને અમને બધા ને મારે પણ ખરા. બિચારા મમ્મીને એમના લીધે રોજ કામ પર જવું પડે છે. અને ઘર ના બધા કામ ની જવાબદારી મારા પર છે એટલે રોજ મારે નિશાળે આવતા મોડું થાય છે.’ તેણે સાવ ભાવવિહીન ચેહરે કહ્યું.

હું હજી કઈ કહું એ પેહલા અંદરથી અવાજ આવ્યો… ‘સવિતા..કોણ છે?’ અવાજ સાભળીને હું અને સવિતા બંને થથરી ગયા.

‘તું જા.! હું આવું છું’. સવિતાએ મને કહું અને હું દોટ મુકીને ત્યાંથી નીકળી ગઇ. તે દિવસથી મને તેના મોડા આવવાનું કારણ સમજાઈ ગયું હતું.

ત્યારપછી મે તેને ક્યારેય મોડા આવવા વિશે પૂછ્યું ના હતું અને  હું ક્યારેય એના ઘરે જતી પણ નહીં કારણકે તે દિવસથીજ મને દારૂડિયાઓ  થી ખુબ ડર લાગવા માંડ્યો હતો.

‘મમ્મી….ઓ મમ્મી.’ અચાનક જ મારી દીકરી શ્વેતાએ મને ઢંઢોળી. અને હું તંદ્રામાંથી જાગી ગઈ.

‘મમ્મી…..પપ્પા પાછા પીને આવ્યા છે..’ તેણે એકદમ ગભરાઈને ધીમા અવાજે મને કહ્યું. ‘એ કઈ બોલવાનું શરૂ કરે અને મારી બહેનપણીઓ આવે એ પેહલા હું સ્કૂલે જતી રહું.’ એટલું બોલીને એ ઝડપથી જતી રહી.

આજે મને શ્વેતામાં સરિતાનો ચેહરો દેખાતો હતો. એ જ ગભરામણ,એ જ મજબૂરી.

‘સરિતા……ખાવાનું લાવ……………’ લથડીયા ખાતાખાતા મારા પતિએ બૂમ પાડી. અને હું… આંખના ખૂણા લુછી ને ઉભી થઈ.

આજે સવિતાની એ દિવસની પરિસ્થિતિ મને સારી રીતે સમજાય છે અને હા, હવે મને દારૂડિયાઓથી ડર નથી લાગતો…

eછાપું

તમને ગમશે: 50 વર્ષનો સોમણ અને 20 વર્ષની ગર્લફ્રેન્ડ – ટ્વીટર ભડક્યું

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here