ભૂગોળમાં ગર્જતા ચાલીસા અને ‘ઉગ્ર પચાસા’ નામના શબ્દો વપરાય છે. પશ્ચિમી પવનો બંને અર્ધગોળાર્ધમાં 35 થી 60 ડીગ્રી વચ્ચે સમાંતર રીતે ફંટાય છે પણ દક્ષિણ ગોળાર્ધમાં 40 ડીગ્રી પછી આ પવનો ખૂબ જ બળવાન અને નુકસાનકારક બની જાય છે – નાવિકો આવા પવનને ગર્જતા ચાલીસા (Roaring 40s), ઉગ્ર પચાસા (Furious 50s) અને Screaming 60s કહે છે. જેમ જેમ મોટા એંગલમાં ફંટાય એમ આ પવનો ધ્વનિ પ્રદૂષણ કરે અને નાવિકોની તરફેણમાં કે કંટ્રોલમાં રહેતા નથી, વધારે નુકસાનકારક બને છે – જીવનમાં પણ આવું જ છે! વાત છે જીવનના એક એવા પડાવની જેને ‘નહીં દૂધમાં કે નહીં દહીમાં’ ગણી શકાય. ચાલીસીની ઉંમરનો કાળ! જીવનનો સંક્રમણ કાળ!!
દિલ્હીમાં રહેનાર હિંદી કવિયત્રી અંજુ શર્માની એક કવિતા છે જેનું શિર્ષક છે – चालीस साला औरतें એટલે કે ફોર્ટી પ્લસ લેડીઝ! કવિતા તો ખૂબ જ લાંબી અને શાંતિથી વાંચીને સમજવા જેવી છે પણ અહીં એના થોડાં અંશો મૂકું છું:
इन अलसाई आँखों ने रात भर जाग कर खरीदे हैं कुछ बंजारा सपने
सालों से पोस्टपोन की गई उम्मीदें उफान पर हैं कि पूरे होने का यही वक्त तय हुआ होगा शायद
अभी नन्हीं उँगलियों से जरा ढीली ही हुई है इन हाथों की पकड़
कि थिरक रहे हैं वे कीबोर्ड पर उड़ाने लगे हैं उमंगों की पतंगे
लिखने लगे हैं बगावतों की नित नई दास्तान, सँभालो उन्हे कि घी-तेल लगा आँचल
अब बनने को ही है परचम
बेफिक्र हैं कलमों में घुलती चाँदी से, चश्मे के बदलते नंबर से, हार्मोन्स के असंतुलन से
अवसाद से अक्सर बदलते मूड से
मीनोपाज की आहट के साइड एफेक्ट्स से किसे परवाह है,
ये मस्ती, ये बेपरवाही, गवाह है कि बदलने लगी है ख्वाबों की लिपि
वे उठा चुकी हैं दबी हँसी से पहरे, वे मुक्त हैं अब प्रसूतिगृहों से,
मुक्त हैं जागकर कटी नेपी बदलती रातों से, मुक्त हैं पति और बच्चों की व्यस्तताओं की चिंता से,
ये जो फैली हुई कमर का घेरा है न, ये दरअसल अनुभवों के वलयों का स्थायी पता है
और ये आँखों के इर्द गिर्द लकीरों का जाल है, वह हिसाब है उन सालों का जो अनाज बन
समाते रहे गृहस्थी की चक्की में
ये चर्बी नहीं, ये सेलुलाइड नहीं, ये स्ट्रेच मार्क्स नहीं
ये दरअसल छुपी, दमित इच्छाओं की पोटलियाँ हैं
जिनकी पदचापें अब नई दुनिया का द्वार ठकठकाने लगीं हैं
ये अलमारी के भीतर के चोर-खाने में छुपे प्रेमपत्र हैं
जिसकी तहों में असफल प्रेम की आहें हैं, ये किसी कोने में चुपके से चखी गई शराब की घूँटें है
जिसके कड़वेपन से बँधी हैं कई अकेली रातें, ये उपवास के दिनों का वक्त गिनता सलाद है
जिसकी निगाहें सिर्फ अब चाँद नहीं सितारों पर है,
ये अंगवस्त्रों की उधड़ी सीवनें हैं, जिनके पास कई खामोश किस्से हैं
ये भगोने में अंत में बची तरकारी है, जिसने मैगी के साथ रतजगा काटा है
अपनी पूर्ववर्तियों से ठीक अलग, वे नहीं ढूँढ़ती हैं देवालयों में
देह की अनसुनी पुकार का समाधान, अपनी कामनाओं के ज्वार पर अब वे हँस देती हैं ठठाकर,
भूल जाती हैं जिंदगी की आपाधापी, कर देती शेयर एक रोमांटिक सा गाना,
मशगूल हो जाती हैं लिखने में एक प्रेम कविता,
पढ़ पाओ तो पढ़ो उन्हें कि वे औरतें इतनी बार दोहराई गई कहानियाँ हैं
कि उनके चेहरों पर लिखा है उनका सारांश भी,
उनके प्रोफाइल पिक सा रंगीन न भी हो उनका जीवन
तो भी वे भरने को प्रतिबद्ध हैं अपने आभासी जीवन में इंद्रधनुष के सातों रंग,
जी हाँ, वे फेसबुक पर मौजूद चालीस साला औरतें हैं…
આહાહા – શું શબ્દો છે! વર્ષોથી મુલતવી રાખેલી ઉમ્મીદોને ઉફાનો આવ્યા છે અને હાથોની પક્કડથી ઢીલી પડી ગયેલી આંગળીઓ હવે કીબોર્ડ પર ઉમંગોના પતંગો ચગાવ્યા કરે છે. તે મેનોપોઝની આહટની સાઈડ ઈફેક્ટથી બેપરવા છે, પ્રસુતિગૃહોથી મુક્ત છે, અડધી રાતે બાળકની નેપી બદલવામાંથી મુક્ત છે. કમરનો ઘેરાવો વધ્યો છે એ એના અનુભવોનું કાયમી સરનામું છે. આ ચરબી નથી, આ સ્ટ્રેચમાર્ક નથી, આ સેલુલોઈડ નથી, હકીકતમાં દબાયેલી ઈચ્છાઓની પોટલીઓ છે.
ઓર્સન વેલ્સ નામના વિચારક લખે છે – સમાજનો દુશ્મન મિડલ ક્લાસ છે અને જિંદગીની શત્રુ મધ્યવય છે. પરેશ વ્યાસ લખે છે કે જિંદગીના મધ્યે સંક્રમણકાળ આવતો હોય છે. કટોકટી, સંકટ અને ઉત્પાતનો સમય, નિર્ણયાત્મક ઘડી. આ એવો સમય છે જ્યારે જીવનમાં ઉથલપાથલ થતી હોય છે જેને અંગ્રેજીમાં ‘મિડલાઈફ ક્રાઈસીસ’ કહેવાય છે. આ સમયે કદાચ હોર્મોન્સનું સંતુલન બદલાતું હોય, જાતીય જીવન એંડ્રોપોઝ કે મેનોપોઝથી ખોડંગાતું હોય, બાળકો લગભગ પોતાની યુવા અવસ્થામાં હોય અને કોઈના કહ્યામાં ન હોય તથા ઘર છોડીને જવાની ધમકી આપતા હોય અથવા તો છોડીને જતાં રહ્યાં હોય, માતાપિતાનું મૃત્યુ અથવા લાંબી માંદગીમાં જીવન અટવાયેલું હોય, ‘એક સાંધતાં તેર તૂટે’ એવી પરિસ્થિતિમાં નોકરીમાં પ્રમોશન વિનાનો એકધારો ઢસરડો હોય, આંખે બેતાળાના ચશ્મા આવ્યા હોય, ફાંદનું ક્ષેત્રફળ અને શરીરનો ઘેરાવો વધતો હોય, લગ્નજીવનમાં સારાવટ ન હોય, રોમાન્સ ન હોય, પતિ-પત્ની વાતે-વાતે એકબીજાને વડચકાં ભરતાં હોય, કામ અને કુટુંબને સમતોલ કરવામાં ભેજાનું દહીં થઈ ગયું હોય, જીવન ગર્જતા ચાલીસા થી ઉગ્ર પચાસા તરફ ગતિ કરતું હોય – આવા કાળને જ સંક્રમણ કાળ કહેવાય છે.

ચાલીસી એ યુવાનીની વૃદ્ધાવસ્થા છે અને પચાસ વર્ષ એ વૃદ્ધાવસ્થાની યુવાની છે. ખાસ કરીને મિડલએજ ની મમ્મીઓ માટે ‘મિસિસ પૅડમેન’ ટ્વિંકલ ખન્ના પોતાની બુક ‘મિસિસ ફન્નીબોન્સ’માં લખે છે કે એક જમાનો હતો જ્યારે હું રાત્રે 8 વાગે હાથમાં વાઈનનો ગ્લાસ પકડીને વિચારતી કે આજે રાત્રે પાર્ટીમાં કયું ગાઉન પહેરું? હવે 8 વાગે હું મારા પલંગમાં થાકેલી પાકેલી નસકોરાં ઘોરતી હોઉં છું. હું મારી J બ્રાન્ડની 26 સાઈઝની બ્રા પાછી પહેરી શકીશ કે નહીં એ વિચારો મારા મગજમાં ઘુમરડી ખેલતા હોય છે. પ્રેમભાવથી જે મને એકીટશે જોયા કરતો અને જાહેરમાં કહેતો કે તું કેટલી સુંદર છે, એવો મારો પતિદેવ (??) હવે ફક્ત ‘ક્યુટ’ શબ્દથી સાટું વાળી દે છે – CUTE? એટલે શું? હું કંઈ ટેડી બેઅર છું? 145નો IQ ધરાવતી હું, હવે twinkle શબ્દ સાથે કયા શબ્દનો પ્રાસ બેસે છે એ પણ યાદ નથી રહેતું. Sparkle? Spangle? મને મળવા આવનાર દરેકને મારો ધણી કહે છે કે અત્યારે હું બાળકને ધવરાવું છું એટલે મળી નહીં શકાય. એટલે મારું સ્ટેટસ એક ‘cool chick’માંથી ‘દૂજણી ગાય’નું થઈ ગયું છે. દરેક વખતે હું અરીસામાં ડ્રેસની સાઈઝ જોઈને મારી બોડી અને ઘેરાવાનો અંદાજ લગાવતી, પણ હવે હું આ મશીનને જોયા કરું છું જેણે બે સુંદર બાળકો આપ્યા, ઘણી વાર લોકોની ગાળો ખાધી, ઘણી વાર ઉપેક્ષાઓ પણ વેઠી. બેબી થયાં પછી જીન્સ કેવી રીતે પહેરવી એ ખબર છે? નિશ્ચિતપણે દરેક મહિને પહેરવી. પહેલાં ઘૂંટણ સુધી ચડશે, પછી થોડું ઉપર, પછી વધુ ઉપર, અને એમ એ એની ધારેલી જગ્યાએ પહોંચી જશે. પણ છેલ્લે તમારે પલંગ પર સુઈને જીન્સની ચેઈન બંધ કરવી પડશે. – ડૉન્ટ વરી, જીવનની બેસ્ટ વસ્તુઓ પલંગ પર સૂતાં સૂતાં જ થાય છે.
પરેશ વ્યાસ એવું પણ લખે છે કે મધ્યવય એ મૃત્યુ પામેલી યુવાનીની શોકસભા છે. યુવાનીમાં પ્રેમનાં પરાક્રમો સ્વાભાવિક છે, ન કરે તો જ નવાઈ. પણ ઉંમર થાય એમ માણસનો જાતિય આવેગ ઠરી જાય છે પછી ફૈઝ સાહેબ યાદ આવે – ઔર ભી ગમ હૈ જમાનેમેં મહોબ્બત કે સિવા…પણ આ ઉંમરની મોકાણ કરવા કરતા એને માણવાની જરૂર છે. એક ઈન્ટરવ્યુમાં મિશેલ ઓબામાએ કપાળ પર લટકતાં જુલફાંની લટ વિશે હળવાં મૂડમાં કહ્યું હતું કે આ તો મિડલાઈફ ક્રાઈસીસની નીપજ છે. મને કોઈ સ્પોર્ટસ-કાર લઈ ન દે અને બંજી જંપીંગ હું કરી ન શકું એટલે મારી હેરસ્ટાઈલ બદલીને કામ ચલાવી લઉં છું. બસ એ જ વાત છે! 11 ફેબ્રુઆરી 2018 – ગયા રવિવારે 120 મહિલાઓનું એક ટોળું બેંગ્લોરના ફેમસ ઈંદિરાનગરના 100 ફીટ રોડ પર એકઠું થયું. ના ના, કોઈ ફિલ્મનો વિરોધ કરવા કે ધરણા કરવા કે અનામત માટે નહીં, પણ સાડી પહેરીને પણ મૅરેથોનમાં ભાગી શકાય એ વાતનો અનોખો પ્રયોગ કરીને ‘સાડી રન’માં દોડવા માટે. આ મૅરેથોનનો હેતુ હતો – સ્ત્રીની હેલ્થ અને બ્રેસ્ટ અવૅરનેસનો! દોડનારી મહિલાઓમાં મોટા ભાગની મહિલાઓ પોતાની ચાલીસીમાં પહોંચેલી વયસ્ક હતી. બે-ત્રણ મહિલાઓ તો રાણી લક્ષ્મીબાઈની જેમ પોતાના બાળકને બાંધીને દોડી. મધ્યવય તો બિનધાસ્ત થવાની ઉંમર છે. શરીર ભલે કોબિજના દડાની જેમ સંકોચાઈ જાય પણ આત્માને ગુલાબના ફૂલની જેમ ઉઘાડવાની જરૂર છે.
પડઘોઃ
ચાલીસે પહોંચ્યોં છું, ઉંમર વર્તાય છે. મેં ફેરારી ખરીદવાનો ઑર્ડર આપી દીધો છે. હું મિડલાઈફ ક્રાઈસીસનું આખું પેકેજ માણી લેવા આતુર છું. (‘સ્પીડ’ અને ‘મૅટ્રિક્સ’નો હીરો કિયાનુ રિવ્સ)