આપણે તહેવારો ઉજવીએ તો એમાં લોકોને વાંધો કેમ પડે છે?

1
420
Photo Courtesy: india.com

“ભારતીયોની દેશભક્તિ એટલે વર્ષમાં બે દિવસ આવતો ઉભરો.” સોશિયલ મીડિયામાં છેલ્લા અમુક વર્ષોથી આ વાક્ય ખૂબ લખાય છે અને ખાસકરીને એ વ્યક્તિઓ દ્વારા જે લોકો વર્ષો અગાઉ ભારત છોડીને જતા રહ્યા હોય છે. જોકે ભારતના તહેવારો અંગે આવી ટીકાત્મક ટિપ્પણીઓ કરનારા ભારતમાં પણ રહે છે. આ માત્ર સ્વતંત્રતા દિવસ કે ગણતંત્ર દિવસ પૂરતું જ મર્યાદિત નથી. હોળી, દિવાળી, ગાંધી જયંતિ, બાળદિન અરે વેલેન્ટાઈન્સ ડે સુધી આ ટીકાઓ પહોંચી ગઈ છે.

Photo Courtesy: india.com

સોશિયલ મીડિયામાં એક સાવ નાખી દેવા જેવું વાક્ય આજકાલ ફરતું હોય તો દરેક લોકપ્રિય ઘટનામાં જાણીજોઈને સામેલ ન થવા બાદ જાણેકે મોટો મીર માર્યો હોય એ ટોનમાં કહેવાનું કે, “શું સમાજ મને માફ કરશે?” રાષ્ટ્રીય તહેવારો કે અન્ય તહેવારો પર શુભેચ્છાઓ પાઠવવા ફેસબુક પર સ્ટેટ્સ કે પછી ફોટોગ્રાફ્સ મુકવા એ એક ટ્રેન્ડ છે હવે કોઈ કારણોસર તમને ઈચ્છા નથી થતી આ પ્રકારની શુભેચ્છાઓ મુકવાની તો ન મુકો પણ પછી જેમણે ઉત્સાહથી આવી શુભેચ્છાઓ પાઠવી છે એને ઉત્સાહને મારી નાખતી પોસ્ટ કે શું મેં આવું નથી કર્યું તો સમાજ મને માફ કરશે? મુકવાની શી જરૂર છે?

જો તમને આ પ્રસંગે તમારી ટાઈમલાઈન ભરી દેતા શુભેચ્છા સંદેશાથી ચીડ છે તો એને ઇગ્નોર કરો પણ એની ટીકા તો ન કરો? આવા લોકોને ઘણીવાર પેલું ટ્રક પાછળ લખેલું જોવા મળતું હોય છે ને કે, “તું તારું કર” બસ એમ કહેવાનું મન થતું હોય છે. આપણે આપણા સંતાનની કે પછી આપણી અથવાતો આપણા કોઈ પરિવારજનની બર્થડે પાર્ટીના ફોટા મુકીએ તો પણ આ લોકોને તકલીફ પડે અને આપણને આડકતરો ટોણો મારે કે “મેં મારા બર્થડે પર આવું નથી કર્યું તો શું સમાજ મને….”

જેમ શરૂઆતમાં વાત કરી એમ આ પ્રજાને 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારો હોય ત્યારે ટીકા કરવાનો વધારે ઉજમ ચડે છે. “બસ આપણે કાલે દેશને યાદ કરીશું અને પરમદિવસે ભૂલી જઈશું.” આ પ્રકારની વાતો માત્ર વિદેશ જઈને વસેલા કેટલાક ભારતીયો જ નહીં પરંતુ દેશમાં રહેતા અમુક ભારતીયો પણ બંને રાષ્ટ્રીય તહેવારોની પૂર્વસંધ્યાએ કરવા લાગે છે. આ તમામ લોકોને આપણો દેશપ્રેમ માત્ર બે દિવસ જ ચાલતી લાગણી હોય એવું ભલે લાગે, પરંતુ એક આમ ભારતીય માટે એવું નથી.

જ્યારે તમે તમારા દરેક કર સમયસર ભરતા હોવ તો એ દેશભક્તિ જ છે. જ્યારે તમે ટ્રાફિકના દરેક નિયમો પાળો છો તો એ દેશપ્રેમ જ છે. જો દેશના કાયદાને અને બંધારણને સન્માન અપાતા હોવ તો એ દેશને કરેલા પ્રેમથી ઓછું કશુંજ નથી. જો ભારતની પુરુષ કે મહિલા ક્રિકેટ ટીમ, હોકી ટીમ, ટેનિસ ખેલાડીઓ, બેડમિન્ટન ખેલાડીઓ, શૂટર્સ, દેશ અને વિદેશમાં જ્યારે દેશનું નામ રોશન કરે ત્યારે જો તમારી છાતી ગદગદ થાય તો એ દેશપ્રેમ નથી તો બીજું શું છે? સિનેમાગૃહમાં મનોરંજન મેળવવા ગયા હોવ અને શરૂઆતમાં જ્યારે રાષ્ટ્રગીત વાગે ત્યારે આદરપૂર્વક કોઈના યાદ દેવડાવ્યા વગરજ પોતાની સીટ પરથી ઉભા થઇ જઈને એની ટ્યુન સાથે તમે પણ “જન ગણ મન” ગાવા લાગો અને રૂંવાડેરૂંવાડું ઉભું થઇ જાય તો એને દેશભક્તિ ન કહેવાય?

ઉપર કહેલી બધીજ ક્રિયાઓ જો સામાન્યતઃ આપણે રોજબરોજના જીવનમાં કરતા હોઈએ છીએ તો પછી આપણા દેશપ્રેમનો ‘સો કોલ્ડ’ ઉભરો કેવી રીતે વર્ષમાં બે જ દિવસ માટે સમેટાઈ જાય છે એવી વાહિયાત દલીલ સાથે આપણે અગ્રી થઇ શકીએ? પણ જેને નેગેટિવ જ જોવું છે તો પછી એ પોઝિટીવ જોવાની કોઈજ મહેનત નહીં કરે. મારા અંગત મતે ઉપર કહ્યું એ બધીજ ફરજો તમે રોજ ભજવો છો તો એ તમારી દેશભક્તિ જ છે. આપણે દેશસેવા સરહદ પર જઈને નથી કરી શકતા, કારણ ભલે કોઇપણ હોય, પણ આપણે આપણી આર્થિક પ્રવૃત્તિઓ પણ ખંતથી કરીએ અને એ પણ દેશનો કાયદો તોડ્યા વગર તો એની કિંમત સરહદ પર દેશ માટે લડતા સૈનિકથી કે પછી દેશ માટે ભોજન ઉત્પન્ન કરતા ખેડૂત કરતા બિલકુલ ઓછી નથી.

જો આપણે આ બધું દરરોજ કરતા હોઈએ તો પછી એ દેશપ્રેમ જ છે અને આપણા સ્વાતંત્ર્ય દિવસ અને ગણતંત્ર દિવસ એ માત્ર આપણી એ રોજીંદી દેશભક્તિને ઉજવવાનો ઉત્સવ માત્ર છે. એટલે કે ત્રણસોને પાંસઠ દિવસ આપણે દેશને પ્રેમ કરતા જ હોઈએ છીએ પણ આ બે દિવસ એ બાકીના ત્રણસો પાંસઠ દિવસનો ગુલાલ કરવાનો છે. ગુલાલથી યાદ આવ્યું કે આપણે દરરોજ આપણી અને આપણા કુટુંબીજનોના, મિત્રોના, સગાંઓના જીવનમાં કોઈને કોઈ રંગ જરૂરથી પૂરતા હોઈએ છીએ પણ આપણે હોળી તો વર્ષ આખામાં એક જ દિવસ ઉજવીએ છીએને?

આપણા તહેવારો પ્રત્યે કેટલાક લોકોમાં આટલીબધી નકારાત્મકતા કેમ આવી ગઈ તેની પાછળ પણ મોટેભાગે સોશિયલ મીડિયા જ જવાબદાર છે. પહેલા જ્યારે ઈન્ટરનેટ આટલું બધું ફેલાયેલું ન હતું ત્યારે નજીકના વ્યક્તિઓ જ તહેવારો પર વિશ કરતા. હવે અસંખ્ય અને અદોદળા થઇ ગયેલા ફ્રેન્ડ્સ લિસ્ટ અને ફોલોઅર્સ લિસ્ટને કારણે દર મિલીસેકન્ડે આપણી નજર સામે શુભેચ્છાઓનો મારો થતો જોવા મળે છે. કદાચ આ સાયકોલોજીકલ કારણ પણ મહત્ત્વ ધરાવે છે લોકોના કંટાળી જવા પાછળ.

પણ અહીં એ નોંધવું રહ્યું કે દેશના દરેક તહેવારોની ઉજવણીની ટીકા કરતી દરેક વ્યક્તિ પાછી એટલી તમે માનો છો એટલી ભોળી નથી હોતી કે ઉપરના સાયકોલોજીકલ કારણને લીધે જ ટીકા કરતી રહેતી હોય. ઘણા એવા છે જે ખાસ મનમાં આ બધા અંગે ડંખ રાખે છે અને ટોણાના સ્વરૂપે સમાજ તેમને માફ કરશે કે કેમ એવું ભરડે રાખતા હોય છે.

આ પ્રકારના લોકોથી મુક્તિ મેળવવાનો એક જ રસ્તો છે કે જો એ લોકો આપણી લાગણીને અવોઇડ ન કરી શકતા હોય તો આપણે એમને અવોઇડ કરવા. એમની નકારાત્મક પોસ્ટ્સ કે ટ્વિટ ને ઇગ્નોર કરવી. નો લાઈક, નો કમેન્ટ કે નો રીટ્વિટ એન્ડ ધેટ્સ ઈટ!

આચારસંહિતા

“उत्सव प्रिया: खलु मानवा:”

અર્થાત્… તમામ લોકોને ઉત્સવ પ્રિય હોય છે કારણકે તે લોકોને પોતાના દુઃખ ભૂલવામાં મદદ કરે છે.

(સંસ્કૃત સુભાષિતનો એક ભાગ)

૧૬.૦૨.૨૦૧૮, શુક્રવાર

અમદાવાદ

eછાપું

1 COMMENT

  1. વાત જ્યારે પર્સનલ હોય તો હૂ હમેશાં પ્રયત્ન કરૂ છૂ કે તમારી દેશભક્તિની વ્યાખ્યામાં ફીટ બેસૂ. પણ જ્યારે પંદરમી ઓગસ્ટે કે છવ્વીસમી જાન્યૂઆરી એ ધ્વજવંદન કરતા લોકો ને કાનૂન તોડતા, રીશ્વત આપતા કે લેતા જોવ છૂ ત્યારે ખરેખર એવૂ લાગે કે લોકોની દેશભક્તિ આ બે દિવસોમા જ સમાયેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here