પ્રિયા પ્રકાશ નામની મલયાલમ અભિનેત્રીની મારકણી અદાઓ ને આંખ મારવાના વિડીયો માત્રથી ઇશ્ક્ના લાલ રંગે રંગાવું ને જેમ આખલો જેમ લાલ રંગ જોઇને ભડકે તેમ સોશિયલ મિડિયા પરની અફવાઓથી પ્રેરાઈને હિંસાના લાલ રંગે રંગાવું , પરસ્પર વિરોધાભાસની સ્થિતિમાં સોશિયલ મિડિયા સો-સ્પેશિયલ મિડિયા તરીકે ઉભરી રહ્યું છે.સોશિયલ મિડિયા એ અભિવ્યક્તિનું સરળ સહજ અને સ્ટ્રોંગ માધ્યમ છે ત્યારે મોટાભાગે આપણે તેના બધા પાસાઓ જાણ્યા વગર જ “દ્રાક્ષ ખાટી છે”નો રાગ આલાપીએ છીએ.ચાલો જાણીએ કેટલાક પ્રસંગો જયારે સોશિયલ મીડીયા સો-સ્પેશિયલ મિડિયાની ભૂમિકા ભજવીને ગેમ-ચેન્જર સાબિત થયું.
શરૂઆત વિશ્વવિખ્યાત ટાઇમ મેગેઝીનના ‘ટાઇમ પર્સન ઓફ ધ યર’ એવોર્ડ વિજેતા કેમ્પેઈન #MeTooથી

#MeToo- 2006માં અમેરિકન સામાજિક કાર્યકર્તા ટરાન બૂર્કેને જયારે 13 વર્ષની બાળકીએ પોતાની સાથે જાતીય સતામણી થઇ છે એવી આપવીતી કહી તેના પ્રત્યુતરમાં ટરાન બૂર્કે સહાનુભુતિ દર્શાવીને કહ્યું Me Too. બસ પછી ટરાન બૂર્કે 2006માં ત્યારના સોશિયલ નેટવર્ક Myspace પર #MeToo શબ્દસમૂહનું પ્રયોજન કર્યું જેનો મૂળભૂત ઉદેશ્ય જાતીય સતામણી, શારીરિક શોષણ અને હિંસાનો ભોગ બનેલી મહિલાઓ પ્રત્યે સહાનુભુતિ વ્યક્ત કરવાનો અને એવા દુષ્કર્મો વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો હતો.
2017માં હોલીવુડ અભિનેત્રી એલીસા મીલાનોએ #MeToo નો ઉપયોગ કરીને સોશિયલ મિડિયા પર જણાવ્યું કે તેમની સાથે જાણીતા પ્રોડ્યુસર હાર્વે વેઇન્સ્ટેઇને જાતીય સતામણી કરી છે.ત્યાર પછીના 24 જ કલાકમાં સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુક પર 1.24 કરોડ પોસ્ટ અને ટ્વીટર પર 5 લાખ લોકોએ #MeToo ટ્વીટ કરીને સમગ્ર દુનિયાનું ધ્યાન મહિલાઓ સાથે થતા અત્યાચાર તરફ ખેચ્યું.
#MeToo ના સોશિયલ મિડિયા પર પ્રયોજન થકી દુનિયાભરની મહિલાઓને પોતાની સાથે થતા અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવાની હિંમત મળી જેની ટાઇમ મેગેઝીને ન માત્ર નોંધ લીધી પરંતુ ટાઇમ પર્સન ઓફ ધ યર ના એવોર્ડથી #MeToo કેમ્પેઈનને નવાજ્યું,જે દર્શાવે છે કે સોશિયલ મિડિયા ન માત્ર મનોરંજનનું માધ્યમ બનીને રહી ગયું છે,તે જાતીય સતામણી કે રંગભેદ જેવી સામાજિક લાંછનરૂપ ઘટનાઓ વિરુદ્ધ બુલંદ અવાજ ઉઠાવીને પ્રચંડ પડઘો પાડવાની તાકાત પણ ધરાવે છે.
ચૂંટણીપ્રચારમાં સોશિયલ મિડિયાનો ઉપયોગ હવે સહજ બાબત બની ગઈ છે ત્યારે ચૂંટણી પછી તેનો ઉપયોગ કરીને કઈ રીતે ગુડ ગવર્નન્સ ડીલીવર કરાય તેનું ઉત્તમ ઉદાહરણ આપણા રેલ મંત્રાલય અને વિદેશ મંત્રાલયે દેશ અને દુનિયાને પૂરું પાડ્યું છે.ઈરાકમાં ફસાયેલ 168 ભારતીયોનો વિડીયો સોશિયલ મિડિયા પર જોઇને તેમને બચાવવાનું કામ હોય કે UAEમાં જોબ કરવા ગયેલ બહેનને ત્યાં રૂમમાં ખોટી રીતે બંધક બનાવીને રાખી હોય તેને છોડાવવા માટેની ભાઈની આજીજી કરતી ટવીટના આધારે રેસ્ક્યુ કરવાનું કામ કે પછી બર્લિનમાં ઇન્ડિયન પાસપોર્ટ અને મની ખોવાઈ જવાથી મુશ્કેલીમાં મુકાયેલ છોકરીને મદદ પૂરી પાડવાનું કામ વિદેશ મંત્રાલયે ટ્વીટરના પ્લેટફોર્મ પરથી પાર પાડ્યું છે.
‘યાત્રીગણ કૃપયા ધ્યાન દે’ થી જાણીતી ઇન્ડિયન રેલ્વેએ પણ સોશિયલ મિડિયાના પ્લેટફોર્મ ટ્વીટર પર પોતાના હેન્ડલ @RailMinIndia થી યાત્રીગણની સમસ્યાઓનું નિવારણ કરે છે. સોશિયલ મિડિયા જનતા અને સરકાર વચ્ચે એક સેતુનું નિર્માણ કરે છે જેનો ઉપયોગ જન કલ્યાણના કામો માટે કરી શકાય છે.
સોશિયલ મિડિયાના ઉપયોગથી આપણે ક્યારેક હેરાન થતા હોઈએ છીએ પણ હવે તો આપણા રોજ સવારે ઉઠતાની સાથે જ ગુડ મોર્નિંગ અને મોટીવેશનલ મેસેજ ફોરવર્ડીંગથી સોશિયલ મિડિયાના સર્વરો હેરાન થવાનું વોલસ્ટ્રીટભાઈ જનરલે નોંધ્યું છે.
પ્રિયંકા ચોપરા અને સોનમ કપૂર જેવી સેલીબ્રીટી ફોટો શેરીંગ પ્લેટફોર્મ પર પોતાની ડ્રેસિંગ સેન્સને લઈને ચર્ચામાં રહે છે. સોનમ કપૂરે કેન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં પહેરેલા ગાઉન અને પ્રિયંકાએ MET GALA વખતે પહેરેલા ગાઉનને લઈને લોકોએ ફની ટ્વીટસ અને ફોટોશોપ ઈમેજીસ શેર કર્યા હતા. સોશિયલ મિડિયાની આ જ ખૂબી છે પ્રિય પ્રકાશ જેવી અભિનેત્રી કે જેની હજુ મુવી રીલીઝ થઇ નથી એ પહેલા એને હીરો બનાવી દીધી અને પ્રિયંકા ને સોનમ જેવી સ્થાપિત અભિનેત્રીઓને ઝીરો.
જેને કઈ કામધંધો ના હોય એ સોશિયલ મિડિયા વાપરે એવું આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ પરંતુ આ વાતને ખોટી પાડી છે અમુલે. જી હા પોતાની નટખટ અમુલ ગર્લ દ્વારા જાણીતી અમુલ ડેરીએ રેલ મંત્રાલયને રેલ્વેની રેફ્રીજરેટેડ પાર્સલ વાન સુવિધાનો ઉપયોગ બટર ટ્રાન્સપોર્ટ માટે કરવાનો બીઝનેસ પ્લાન ટ્વીટ કર્યો ને તરત જ રેલ મંત્રાલયે પણ Utterly Butterly Delighted કહીને હા ભણી.
સોશિયલ મિડિયાના યોગ્ય ઉપયોગથી આપણે પણ સો-સ્પેશિયલ મિડિયા બનાવી શકીએ છીએ ત્યારે આપ સૌને હેપી સો-સ્પેશિયલ નેટવર્કીંગ !
eછાપું
તમને ગમશે: આશ્ચર્યમ! ન્યૂઝીલેન્ડનું તુઈ બર્ડ સારા સ્પર્ધકને સહન કરી શકતું નથી