અમૃતા હંમેશા માનતા કે તેમનું જીવન બે ભાગમાં વહેચાયેલું છે એક અમૃતા ફક્ત સ્ત્રી તરીકે અને બીજી અમૃતા ફક્ત લેખક તરીકે અને આ બેમાંથી લેખક તરીકેનું તેમનું રૂપ વધારે ઉપસી આવે છે. કેવળ સ્ત્રી તરીકેના રૂપનો અનુભવ તેમણે જીવનમાં ત્રણ વાર થયેલો. પહેલી વખત ત્યારે જ્યારે તેમણે સપનામાં કુંડામાં એક બાળકનો ચહેરો ઉપસી આવેલો દેખાતો અને તે ફૂલને પાણી પીવડાવે ત્યારે એ બાળકનો ચહેરો ખીલી ઉઠતો જોયો અને તે સમયે તેમને તેમના સ્ત્રીત્વનો અહેસાસ થયેલો.
શ્રુંખલાની પ્રથમ કડી અહીં વાંચો
બીજો પ્રસંગ તેમના જ શબ્દોમાં ‘બીજી વાર એવો જ સમય મેં એ વખતે જોયો હતો જ્યારે એક દિવસ સાહિર આવ્યો હતો અને તેને થોડો તાવ ચડ્યો હતો, તેને ગળામાં દુખતું હતું, શ્વાસ ભરાઈ ગયો હતો. તે દિવસે તેનાં ગળા અને છાતી પર મેં વિકસ ચોળ્યું હતું. કેટલીયે વાર સુધી ચોળતી રહી અને ત્યારે લાગ્યું હતું કે આમ જ ઉભી-ઉભી હું ટેરવાથી, આંગળીઓથી અને હથેળીથી એની છાતીમાં ધીરે ધીરે ચોળતા ચોળતા આખી જીંદગી વિતાવી શકું છું. મારી અંદરની ‘કેવળ સ્ત્રી’ ને દુનિયાના કોઈ કાગળ-કલમની જરૂર નહોતી.’ આ ક્ષણોને તેમણે જીવનભર ફ્રીઝ કરીને રાખી અને જ્યારે જરૂર લાગે ત્યારે આ ક્ષણો દ્વારા હુંફ મેળવતા રહ્યા.
અને વર્ષો પછી ત્રીજી વાર આ સમય આવ્યો તેની વાત અમૃતાનાં જ શબ્દો માં ‘અને ત્રીજી વાર આ ‘કેવળ સ્ત્રી’ મેં એ વખતે જોઈ હતી, જ્યારે પોતાના સ્ટુડિયોમાં બેઠેલા ઈમરોઝે પાતળું બ્રશ કાગળ પરથી ઊંચકીને એક વાર લાલ રંગમાં ડુબાડ્યુ અને પછી ઉઠીને એ બ્રશથી મારા કપાળ પર એક બિંદી કરી હતી.’
આમ અમૃતા માટે ‘કેવળ લેખક’ અને ‘કેવળ સ્ત્રી’ વચ્ચેની કોઈ અદાવત નહોતી. પણ ‘કેવળ લેખક’ હંમેશા બાજી મારે એવું થાય ફક્ત આ ત્રણ પ્રસંગોને બાદ કરતા. ક્યારેક અજુગતું લાગે પણ અમૃતા માટે સ્ત્રીત્વનો અહેસાસ જે સમયે અને સંજોગે થયો છે તે તેમના માટે જીવનભરની પુંજી હશે કદાચ.

અમૃતાના જીવનમાં સતતપણે દરેક પડાવે મળતા રહેવું અને છુટ્ટા પડતા રહેવાનું એક ચક્ર ચાલ્યા કર્યું. જ્યારે ૧૯૬૦માં તેમણે તેમના પતિથી છુટા પડવાનું નક્કી કર્યું ત્યારે એ નિર્ણય બંનેનો સંયુક્ત હતો, કોઈ ફરિયાદ નહીં, કોઈ આક્ષેપો નહીં, પોતાની વ્યક્તિ પાસેથી કશું ન મળ્યાનું દુઃખ નહીં, જે મળ્યું હતું તેનો કોઈ ઈન્કાર નહીં બસ ફક્ત મૈત્રીભર્યો ફેસલો કે છુટા પડવું છે. વળી, આ પ્રસ્તાવ અમૃતાનો હતો કે જે વ્યક્તિ સાથે આટલા વર્ષો વિતાવ્યા છતાં જો તેને પ્રેમ ના આપી શકે તેના કરતા છુટ્ટા પડવું સારૂ. અને કાયદાકીય કોઇપણ જાતની પ્રક્રિયા કર્યા વગર છુટા પડી ગયા, બંનેના રસ્તા અલગ થઇ ગયા. જીવનપર્યંત અમૃતાના મનમાં તેમના પતિ પ્રીતમ સિંહ માટે સતત માન અને આદર રહ્યા. અને છુટા પડ્યા છતાં અમૃતાએ ક્યારેય પોતાના નામમાંથી ‘પ્રીતમ’ ને હટાવવાની કોશિશ નથી કરી.
અમૃતા દ્રઢપણે એવું માનતા કે પછીના વર્ષોએ જે ન્યાય તેમની સાથે કર્યો છે તે તેમના છુટા પડેલા સાથી સાથે નથી કર્યો. જીવનના ઉતરાર્ધમાં અમૃતાને મૃત્યુપર્યંત ઈમરોઝની મિત્રતા મળી અને હૃદયના એક ખૂણે સાહિર માટે પ્રેમ. પણ તેમના પતિ પ્રીતમસિંહને સતત એકલતા મળી. તે બન્નેના સંબંધો સતત મૈત્રીપૂર્ણ રહ્યા, અમુક સમયે એકબીજા સાથે ટેલીફોન દ્વારા સંપર્કમાં રહેતા અથવા બાળકો બાબતની કોઈ જરૂરીયાત વખતે સંપર્ક કરતા. તેઓ એવું માનતા હતા કે અલગ થવાનો અર્થ એવો તો નથી કે ‘સલામ પણ ન પહોચે’. પોતાની જ વ્યક્તિથી છુટ્ટા પડ્યા પછી પણ એકબીજાને માન સન્માન આપવું એ સંબંધોની અને તે વ્યક્તિઓની મહાનતા હોય છે.
આજકાલ આવા ઘણા સંબંધો આપણી આંખ સામેથી પસાર થતા હોય છે જેમાં છુટા પડેલ બંને પક્ષ એકબીજાનું માન ખુબ સારી રીતે જાળવતા હોય છે ત્યારે માન થઇ આવે. પણ અમૃતા – પ્રીતમનું એકબીજાથી છુટા પડવું એ ૧૯૬૦ની ઘટના હતી કે જ્યારે પતિ-પત્નીને એકબીજા સાથે ન ફાવે તો અલગ પણ થઇ શકાય તેવી માનસિકતા હતી જ નહીં. તો આ બાબતે અમૃતાના પતિ પ્રીતમ સિંહ પણ મુઠ્ઠી ઉચેરા માનવી જ સાબિત થયા કહેવાય. અમૃતાના ઘણા વિરોધીઓ તેમના પતિને જઈ ને કહેતા હતા કે બસ અમારી વાત માનીને અમે કહીએ તે પ્રમાણે સહી કરી આપો તો એને વર્ષો સુધી અદાલતના પગથીયા ઘસાવ્યા કરીશું. પણ તેમણે હંમેશા અમૃતાનું માન-સમ્માન જાળવ્યું.
એ સંબંધનો અંત કદાચ ક્યારેય નહોતો આવ્યો, અંત હતો ફક્ત એ સંબંધનાં નામનો. ઈમરોઝ પોતાના એક ઈન્ટરવ્યુમાં કહે છે કે ‘ખરેખર પ્રેમને અને ઉમરને કઈ લાગતું વળગતું નથી’. પ્રેમ એ દરેક શરતોથી પર હોય છે. અમૃતાના પતિ પ્રીતમસિંહ થી છુટ્ટા પડ્યાનાં ઘણા વર્ષો બાદ જ્યારે પ્રીતમસિંહ ખુબ જ બીમાર રહેતા હતા ત્યારે અમૃતા અને ઈમરોઝ મળીને તેમને પોતાના ઘરે લઇ આવ્યા હતા અને તેમના મૃત્યુપર્યંત તેમની સેવા ચાકરી કરી હતી. આ સમયે અમૃતા અને પ્રીતમ કોઈ પતિ-પત્ની નહોતા, કોઈ પ્રેમીઓ નહોતા, હતા તો બધા સાથીઓ હતા જે પ્રેમ, વિશ્વાસ, માન-સમ્માનની દોરીઓ થકી બંધાયેલા હતા. જ્યાં કોઈને કોઈ પાસે કઈ પણ લેવાની ભાવના નહોતી, ફક્ત પ્રેમ આપવાની જ ભાવના હતી. જ્યાં કોઈનો એ ઉદ્દેશ મહાન બનવાનો કે પોતાની મહાનતા બતાવવાનો નહોતો અને આ જ સંબંધની સાચી ગરિમા છે.
—–ક્રમશ——-
eછાપું
अमृताए मात्र प्रितम रहीने ज जीवन एनी यादमां विताव्युं होत,तो तेमना स्त्रीत्वने माता सीता जेवुं सन्मान मलत।परंतु साहिर अने ईमरोज साथेना सहजीवन पछी ते एक भणेली वारांगनानी श्रेणीमां आवे छे।आपणी उच्च हिंदु परंपरामां स्त्री ए त्यागमूर्ति होय तो पूजाय , वैशालीनी नगरवधु जेवुं भोगी जीवन नहीं।
આપના પ્રતિભાવ માટે આભાર. અમૃતાનું સાહીર સાથેનું સહજીવન ક્યારેય નહોતું. દરેક વખતે સ્ત્રીએ સીતા માતાની જેમ પુજાવુ જરૂરી નથી હોતુ. આભાર. વાંચતા રહેજો અને પ્રતિભાવ આપતા રહેજો.