મોદી મેજીક?- કેપ્ટન અમરિંદર સિંઘ ને આખરે કેનેડાના વડાપ્રધાન ટ્રૂડો મળશે

0
436
Photo Courtesy: dailypost.in

આપણે ગુજરાતીઓ જેમ અમેરિકા માટે હરખઘેલા છીએ એવીજ રીતે પંજાબીઓનો કેનેડા પ્રેમ જાણીતો છે. હવે જોકે કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ વિસા નિયમો હળવા કરતા દેશભરમાંથી લોકો ત્યાં જવા લાગ્યા છે પરંતુ આજથી દોઢેએક દાયકા અગાઉ ગુજરાતીઓ માત્ર અમેરિકા વિષે વિચારતા અને પંજાબીઓ કેનેડા માટે. આમ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો ભારતની યાત્રાએ આવતા હોય અને અમૃતસર પણ જાય પરંતુ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘ ને ન મળે તો કેવું લાગે?

Photo Courtesy: dailypost.in

બિલકુલ એવુંજ લાગે કે ડોનાલ્ડ ટ્રમ્પ સોમનાથની મૂલાકાતે આવે અને વિજય રૂપાણીને ન મળે. હજી ચોવીસ કલાક પહેલા સુધી એટલેકે ટ્રૂડોના ભારતમાં આવી ગયાના બે દિવસ વીતી જવા સુધી ટ્રૂડો કેપ્ટનસા’બને નહીં મળે એ નક્કી હતું, પરંતુ ગઈકાલે મોડી સાંજે આ બંને નેતાઓ અમૃતસરમાં મળશે એ ઓફિશિયલી જાહેર કરવામાં આવ્યું. આવું કેમ બન્યું તેની પાછળ એક ટૂંકી વાર્તા છે.

થોડા સમય અગાઉ કેનેડાના સંરક્ષણમંત્રી હરજીત સજ્જન ભારતની મૂલાકાતે આવ્યા હતા અને એ સમયે કેપ્ટન સાહેબે તેમને મળવાની ના પાડી હતી કારણકે સજ્જનની છબી ખાલિસ્તાન તરફી હોવાની છે. ખાલિસ્તાન એટલે શું એનો ઈતિહાસ બહુ લાંબો છે પરંતુ ટૂંકમાં કહીએ તો 1980ના દાયકામાં પંજાબને ભારતથી અલગ કરીને ખાલિસ્તાન રાષ્ટ્ર બનાવવાની એક ચળવળ ચાલી હતી અને એ પણ પાકિસ્તાનના ઈશારે અને ભારતને સૌથી પહેલીવાર આતંકવાદનો અનુભવ થયો હતો. લગભગ અડધા દાયકાથી પણ વધુ સમય પંજાબ શીખ આતંકવાદને લીધે લોહીના રંગે રંગાયેલું રહ્યું હતું.

હવે કેપ્ટન અમરિંદર સિંઘ દ્વારા પોતાને ન મળવાનું કારણ જાહેરમાં બતાવી દેવાને લીધે સજ્જનને ખોટું તો લાગે જ અને પોતાના મંત્રીનું આ રીતે અપમાન કરનાર વ્યક્તિને પોતે કેવી રીતે મળી શકે એવો સવાલ ભારતની યાત્રાએ નીકળેલા કેનેડાના વડાપ્રધાન ટ્રૂડોને પણ થાય એ સ્વાભાવિક છે. પરંતુ કેનેડામાં શીખો અને પંજાબીઓની આટલી મોટી વોટબેંકની અવગણના પણ એ કેવી રીતે કરી શકે જો તેઓ ભારત સુધી લાંબા થાય અને અમૃતસરના સુવર્ણ મંદિરના દર્શન ન કરે?

હવે જો અમૃતસર જવાનું થાય તો નેચરલી ત્યાંના મુખ્યમંત્રી એટલેકે કેપ્ટન અમરિંદર સિંઘ ને મળવું પણ પડે અને એમની સાથે હાથ પણ મેળવવા પડે. આથી જસ્ટિન ટ્રૂડોના કેનેડાથી ભારત ઉપડવાના સમય સુધી કેનેડિયન સરકારે એક જ બાબત કીધે રાખી કે કેપ્ટન અમરિંદર સિંઘ ને મળવાની અમારા વડાપ્રધાનની કોઈજ યોજના નથી. કેનેડિયન સરકાર હોય કે અન્ય કોઇપણ દેશની સરકાર હોય આવા સંવેદનશીલ મામલાઓ પર આ પ્રકારે જ નિવેદનો અપાતા હોય છે.

પરંતુ ભારત સરકારે નોંધી લીધું કે ટ્રૂડોનું કેપ્ટનના રાજ્યમાં આવવાનું મન તો છે પણ એમને મળવાની ઈચ્છા એ જરા પણ ધરાવતા નથી. જો કેનેડિયન વડાપ્રધાન પોતાના મંત્રીનું અપમાન સાંખી ન શકતા હોય તો ભારત સરકાર કેવી રીતે પોતાના દેશના જ એક મુખ્યમંત્રીનું અપમાન સહન કરે? બસ કદાચ મોદી સરકારમાં અત્યંત ઉચ્ચકક્ષાએ એક નિર્ણય લેવામાં આવ્યો અને એ મુજબ જસ્ટિન ટ્રૂડોનું ભારતમાં અત્યંત ઠંડુ સ્વાગત કરવામાં આવ્યું.

આપણને યાદ છે જ કે શિન્ઝો આબે અને બેન્જામિન નેતનયાહુને લેવા ખુદ વડાપ્રધાન એરપોર્ટ પર ગયા હતા. નેતનયાહુ જ્યારે તાજ મહાલ જોવા આગ્રા ગયા ત્યારે ત્યાંના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમની સાથે રહીને તાજ મહાલ દેખાડ્યો હતો. પરંતુ ટ્રૂડોને એરપોર્ટ લેવા એક જુનિયર મંત્રી ગયા, પરમદિવસે જ્યારે ટ્રૂડો અને તેમનો પરિવાર તાજ મહાલની મુલાકાતે ગયો ત્યારે પણ આદિત્યનાથને બદલે ઉત્તર પ્રદેશનો કોઈ મંત્રી હાજર રહ્યો અને ડીટ્ટો અમદાવાદમાં પણ ગઈકાલે એમ જ થયું.

કદાચ જસ્ટિન ટ્રૂડોને પણ અણસાર આવી ગયો હશે અને જે કેપ્ટન અમરિંદર સિંઘને મળવાની એમની કોઈજ યોજના એમના ભારતગમન સુધી ન હતી એમાં અચાનક જ ફેરફાર થયો અને ગઈકાલે ખુદ કેપ્ટનસા’બે ટ્વિટ કરીને કન્ફર્મ કર્યું કે તેઓ ટ્રૂડોને અમૃતસર એરપોર્ટ લેવા પણ જશે અને એમની સાથે વાતચીત પણ કરશે.

આંતરરાષ્ટ્રીય સંબંધોની દ્રષ્ટિએ કદાચ કેનેડિયન સરકાર પોતાના વડાપ્રધાનને આ રીતે આવકાર આપવા માટે ભારત સરકારને પોતાની લાગણી જરૂર વ્યક્ત કરશે જે ભારતની છબી માટે કદાચ યોગ્ય નહીં ગણાય. પરંતુ કેનેડાના પ્રજાજનો કદાચ પોતાના વડાપ્રધાનની આવી મોળી મહેમાનગતીની નોંધ પણ ન લે એવું બને કારણકે વડાપ્રધાન બન્યા બાદ બહુ જલ્દીથી જસ્ટિન ટ્રૂડોની લોકપ્રિયતા કેનેડામાં ઘટતી ચાલી છે.

એનીવેઝ, છેલ્લે આપણે એક બાબત જરૂર નોંધવી રહી કે આ એ નરેન્દ્ર મોદી છે જે પોતાના દેશના મુખ્યમંત્રીનું અપમાન નથી ચલાવી લેતા ભલે પછી એ વિરોધી કોંગ્રેસનો મુખ્યમંત્રી પણ કેમ ન હોય અને આ એ જ કોંગ્રેસ છે જેના સંસદસભ્યોએ એક સમયે મોદીને વિસા ન આપવા અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને વિનંતી કરી હતી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here