રવિચંદ્રન અશ્વિન જ્યારે પણ જોવા મળે ત્યારે આપણને કોઈ જેન્ટલમૅનને જોઈ રહ્યા હોવાનો અહેસાસ થાય. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે અશ્વિન જબરદસ્ત સેન્સ ઓફ હ્યુમર ધરાવે છે. ટ્વિટર પર જે જે લોકો રવિચંદ્રન અશ્વિનને ફોલો કરતા હશે તેમને આ હકીકતની બરોબર જાણ હશે. પરંતુ ઘણીવાર બને છે એમ રજનું ગજ અને હસવામાંથી ખસવું થઇ જાય એવુંજ અશ્વિન સાથે પણ ગઈકાલે બન્યું હતું.

એક્ચ્યુલી રવિચંદ્રન અશ્વિન એક શૂઝ ઉત્પાદક બ્રાન્ડ સાથે જોડાયો હતો અને આ અંગેની તેણે જાહેરાત ટ્વિટર પર કરી હતી. અશ્વિનના ફેન્સ તો તેને વધામણી આપે જ એ સ્વાભાવિક છે જ પરંતુ ભૂતપૂર્વ સાઉથ આફ્રિકન ક્રિકેટર હર્શેલ ગિબ્સે અશ્વિનની ટ્વિટનો જવાબ આપતા હળવો ટોણો માર્યો કે આશા કરીએ કે અશ્વિન આ શુઝ પહેરીને જરા વધારે ફાસ્ટ દોડી શકશે.
તમને ગમશે: સોશિયલ મીડિયા અને ચૂંટણી કોણ શું કરે છે?
ક્રિકેટને બરોબર ફોલો કરતા ચાહકોને ખ્યાલ હશે જ કે અશ્વિન ઓફસ્પિનર તરીકે લાખ દરજ્જે સારો છે પરંતુ ફિલ્ડર તરીકે એનું પરફોર્મન્સ જો એટલું ખરાબ નથી તો એટલું બધું નોંધપાત્ર તો નથી જ. આથી ગિબ્સનો મશ્કરીભર્યા અંદાજમાં મારવામાં આવેલો ટોણો સર્વથા અયોગ્ય તો ન જ હતો. પરંતુ અશ્વિનને કદાચ હર્શેલ ગિબ્સની આ મજાક પસંદ ન આવી અને તેણે પોતાના જવાબમાં કહ્યું કે, “બરોબર છે મને તારી જેમ ઈશ્વરના આશિર્વાદ નથી મળ્યા દોસ્ત, પરંતુ મારી પાસે નીતિવાન મન છે અને મારું ભોજન રળવા માટે મારે મેચો ફિક્સ કરવાની જરૂર નથી પડતી.”

હવે આપણને બધાને ખબર છે કે ગઈ સદીના અંતમાં ક્રિકેટ વિશ્વને હલબલાવી દેનાર મેચ ફિક્સિંગ કાંડમાં હર્શેલ ગિબ્સનું નામ પણ સામેલ હતું, પરંતુ બાદમાં ગિબ્સની સજા પૂર્ણ થયા બાદ તે અમુક વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પણ રમ્યો હતો. અશ્વિનને ગિબ્સની મજાક એટલી હદે નારાજ કરી ગઈ કે તેણે ગિબ્સના રુઝાઈ ગયેલા ઘા ફરીથી તાજા કરી દીધા. જવાબમાં ગિબ્સે શાલીનતા દર્શાવીને કહ્યું કે “જ્યાં મજાક પસંદ ન કરવામાં આવતી હોય ત્યાંથી ઝડપભેર ચાલ્યા જવું જ બહેતર રહે છે.”

ગિબ્સના આ જવાબથી કદાચ અશ્વિનને પણ પોતાની ભૂલ સમજાઈ અને તેણે સ્પષ્ટતા કરીને કહ્યું કે તેની ટ્વિટ પણ એક મજાક જ હતી. પરંતુ કોઇપણ બુદ્ધિશાળી વ્યક્તિ અશ્વિનની આ છેલ્લી ટ્વિટ સાથે સહમત ન જ થાય.

અશ્વિન અગાઉ પણ આ જ રીતે વર્લ્ડ Twenty20 વખતે બાંગ્લાદેશી ફેન્સ સાથે ખામખા ટ્વિટર પર બાખડી પડ્યો હતો. હર્શેલ ગિબ્સ પર એક જમાનામાં ભલે અત્યંત ગંભીર મામલે કાર્યવાહી થઇ હોય પરંતુ એનો એ મતલબ બિલકુલ નથી કે એની સાથે હલકું લોહી હવાલદારની જેમ વર્તણુક થાય. ગિબ્સે સજા ભોગવી લીધી છે અને ત્યારબાદ ફરીથી એ પોતાના દેશ માટે રમી ચૂક્યો છે.
eછાપું