અને મારો દીકરો ક્રિકેટ કોચિંગ ક્લાસમાં ભરતી થયો …… (ભાગ-૨)

2
380
Photo Courtesy: YouTube

પુત્ર પરમ ક્રિકેટ કોચિંગમાં જવાનો અફર નિર્ણય લઈ ચૂક્યો હતો, તે નીરવ મોદી (PNB ફ્રેમ)ની જેમ મારું કરી નાખવાના મૂડમાં હતો, હમેશા મુજબ આર્યનારી પણ શકુર રાણાની (પાકિસ્તાનના નામચીન અમ્પાયર, વધુ જાણવા ગૂગલ કરજો હું કઈ બધી ચોખવટ કરવા નવરો નથી, હુહ) પેઠે યજમાન અર્થાત પુત્ર પક્ષે રહી. મારી જીદ ઉંધે કાંધ પડી, કમને મેં શરણાગતિ સ્વીકારી પરમને ક્રિકેટ કોચિંગ ક્લાસમાં જોડવા માટે ઘોર મંદીમાં રજામંદી આપી ગોદડું ઓઢી સૂઈ ગયો.

 પ્રથમ ભાગ વાંચવા અહીં ક્લિક કરો 

Photo Courtesy: YouTube

 

સવારે ઓફિસે જઈ કામકાજમાંથી પરવારી, ગૂગલ પરથી પઠાણ કોચિંગ એકેડેમીનો નંબર શોધ્યો. તે લેન્ડલાઈન નંબર મેં ઘુમાવ્યો. સામેથી એક મસ્તીનું મધુર “હેલ્લો” રણક્યું.

“હેલ્લો મૅડમ.” હું શર્ટનો કોલાર સરખો કરતાં બોલ્યો.

થોડીવાર સુધી સામેથી અવાજ ન આવ્યો. હું ભલે ચાલીસની ઉમરને પાર પહોંચી ગયો હોઉં, મોબાઈલની દુનિયામાં મારુ જ્ઞાન અગાધ છે. ફોનમાં મોબાઈલના મૅસેજ ટોન મને સંભળાતા હતાં. મૅડમ કોઈની સાથે ચેટિંગ કરતાં હોય તેવું મને લાગ્યું, કદાચ એટલે જ એ ધંધામાં ધ્યાન આપતી નહોતી. મને થોડો ગુસ્સો આવ્યો. બિચારો પઠાણ આમાં ક્યાંથી બે પાંદડે થાય એવું હું સ્વગત બબડ્યો.

“મૅડમ, મોબાઈલમાં ચેટિંગ કરતી પાર્ટીને હેવ એ ગુડ ડે…બબ્બ્બાય કહી થોડું મારામાં ધ્યાન આપો. બોવ ચેટિંગ કરશો તો અંગૂઠાના ગોઠલા ફુલાઈ જશે.” મેં થોડા ઊંચા અવાજે કહ્યું.

“ઓહ…સોરી. નોટ લાઈક વોટ યુ સે. જસ્ટ ઓફીસ વર્ક. એક ઈમ્પોર્ટન્ટ મૅસેજ સેન્ડ કરતી હતી.” તે ભોઠી પડી. “યસ, આસ્ક નાવ, પ્લીઝ.”

“તમે પઠાણની ક્રિકેટની નિશાળમાંથી બોલો છો?” ગુસ્સાને દબાવતા મેં પૂછ્યું.

સામેથી પેલ્લી મૅડમ થોડીવાર ઘુમરે ચડી હશે. થોડી સેકન્ડો બાદ એને ટ્યુબલાઈટ થઈ, તે હસીને બોલી: “ઓહ….નિશાળ!! યસ યસ.” પછી તેણે થોડું ગૌરવ ભેળવીને આગળ ગબડાવ્યું:“યા, આય એમ ફ્રોમ પઠાણ ક્રિકેટ એકેડેમી. સર, વોટ કેન આઈ ડુ ફોર યુ?”

ઈંગ્લીશ મારું ગાંધીજીના અક્ષર જેવું ખતરનાક. મેડમે બોલેલી છેલ્લી લાઈન હું સમજી ગયો;પણ એને એવું તો ન પુછાય કે મૅડમ મારા બરડાની વચ્ચોવચ્ચ ખણ ઊપડી છે, કેવી રીતે ખંજવાળું એની મને સલાહો આપો! આવું પૂછીએ તો વાયા ફોન એક થપ્પડ ફેંકે. ઈંગ્લીશનું નામ લીધું તો હજુ આગળ કહું, કોઈ છોકરી અથવા સ્ત્રીઓના દેહલાલિત્યના વખાણ કરતાં તમે ‘હોટ લાગો’ એવું કહો તો એ ગેલમાં આવી જાય. કોક દિવસ ‘હોટ’નું ગુજરાતી કરીને કહેજો …. વગર અનુભવે હું કહું શકું કે તમને લૂગડું હલે ત્યાં સુધી ધમારશે!

“મૅડમ, મારા છોકરાને તમારી નિશાળમાં ભરતી કરવો છે.” મારો સૂપરવાઈઝર ભૂપત બાજુમાં બેઠો હતો એટલે હું સીધા મુદ્દાની વાત પર આવ્યો.

“હહાહાહા…ઓકે” તે ખડખડાટ હસી.

“કેટલા કલાક આવવાનું હોય? ક્યાં ટાઈમે આવવાનું હોય તે જણાવવાની અનુકંપા કરશોજી.” તેના હાસ્ય એ મને પ્રોત્સાહન આપ્યું એટલે મેં ભારે શબ્દમાં એને પૂછ્યું.

“અનુકંપા!!” અનુકંપા શબ્દ એ તેની ટ્યુબલાઈટની સ્વિચ દબાવી. સરકારે વિજય માલ્યા, નીરવ મોદી જેવા કૌભાંડકારીની કટકીમાંથી થોડી રકમ ખર્ચી ભગવદ્ગૌમંડલનું વિનામૂલ્યે, છુટ્ટાહાથે દાન કરવું જોઈએ અથવા સ્કૂલોમાં એક વિષય તરીકે ભગવદ્ગૌમંડલનો સમાવેશ કરવો જોઈએ જેથી યુવા પેઢીને ગુજરાતી વાંચતાં, લખતા, સમજતા સારી રીતે આવડી જાય. તેને અનુકંપા શબ્દ માંડમાંડ સમજાયો, મીઠા અવાજે તે આગળ બોલી: “ એક્ચ્યુલી, મોર્નિંગ, નૂન, આફટરનૂન.”

“ત્રણ શો છે?” મેં પાછી સળી કરી.

“હીહીહી…યસ સર નોટ શો..ત્રણ બેંચ છે. એક સવારે, એક બપોરે અને એક સાંજે. તમને કયો ટાઈમ સ્યુટેબલ પડશે, સર?” આફેડી વહાલી થતાં તે બોલી.

“મૅડમ, તમને એટલે તમારો ઉંગલીનિર્દેશ મારા પુત્ર તરફ છે કે મારા તરફ?” મેં બનાવટી અચરજ કરી પૂછ્યું.

“વોટ? સર, આય કાંટ ગેટ યુ.” તે મુંજાય.

“રોંઢાની બેંચમાં નામ હાલે.” મેં વાત બદલી.

“વોટ? સર, આય કાંટ ગેટ યુ. તમે સમજાય એવું બોલો, પ્લીઝ.” તેના અવાજમાં થોડી નારાજગી હતી.

“એટલે કે બપોર પછીની સાંજની પાળીમાં એનું નામ લખો.” મેં ધીમેકથી સમજાવ્યું.

“હમમમ, ઓકે સર” એની ઉર્મીઓ છલકી.

“અને હા…મૅડમ, વાતું વાતુંમાં તમે કેટલી ફી ઉઘરાવો છો એ પૂછતા તો હું ભૂલી જ ગ્યો!”

“સર, એ હું તમને ફોન પર ન કહું શકું. તમે રૂબરૂ વિઝિટ કરો ત્યારે ડિસ્કસ કરીશું.” મક્કમ સ્વરે તે બોલી.

“મૅડમ, છોકરાની જીદ છે એટલે મારે એને દાખલ તો કરવો જ પડશે. તમારી ફી સાંભળી હું બી નહી જાવ. રામ બોલી દયો, કશો વાંધો નહી.” મેં તેને આશ્વાસન આપ્યું.

“નો સર, પ્લીઝ. વી હેવ સમ રુલ. તમે રૂબરૂ આવો, અમારું કૅમ્પસ જુઓ, પછી જ હું ફીનું સ્ટ્રક્ચર તમને સમજાવીશ. ફોન પર આય કાંટ ટેલ યુ ઓલ ધીસ.” અંગ્રેજી અને ગુજરાતી મિશ્રિત વણશંકર ભાષામાં એણે ગબડાવ્યું.

“સારું, બીજું શું. રૂબરૂ મળીશું.” આજ સુધી કોઈ સ્ત્રી એ મને મળવા માટે આટલો ફોર્સ નથી કર્યો! મારી લાઇફની લાંછનરૂપ ગોજારી મુલાકાતની વાત મેં સ્વીકારી. ભક્તિભાવથી કહું તો જેમ શ્રીનાથજી ભગવાનની કોઈપણ તસ્વીરમાં તેમના હાથ ઊંચા છે, તેવી રીતે મેં મેડમની જીદ સામે હાથ ઊંચા કરી દીધા.

“ઓકે, પૂરું નામ અને આપનો ફોન નંબર આપશો પ્લીઝ.” તેણે આગળની કાર્યવાહી ચાલુ કરી. મેં તેને બધી વિગત લખાવી. આજ બપોર પછી જ મળીશું એવું વચન આપી ફોનનું લાલ બટન દબાવી દીધું. બપોર થવા આવી હતી. હું મારો બગલથેલો લઈ ઓફિસથી નીકળવાની તૈયારીમાં હતો.

ત્યાં જ નાકમાં ટચલી આંગળી ઘુમેડતા સૂપરવાઈઝર ભુપતે મને રોકીને પૂછ્યું “સાહેબ, આજ બપોરે ઘરે જવાનું છે? કેમ?”

“ઇમરાન પઠાણના જાનમાં નાગીન ડાન્સ કરવા જવું છે. બપોર પછી નહી આવું, તું સાંભળી લેજે. મજૂરોની માથે બેસજે. બીડી પીવા, વાતું કરવા પાનની દુકાને જઈ બેસી ના રહેતો.” આર્થિક લાસ્ટ સ્ટેજમાં આવવાથી મેં લેવાદેવા વગર ભૂપતને ઘઘલાવ્યો. તેણે ટચલી આંગળીને સાથળથી લૂછતાં એકએક વાક્ય પર ભોડું હલાવ્યું.

બપોરે ઘેર આવી મેં પુત્રને શુભ સમાચાર આપ્યાં કે આજ બપોર પછી આપણે પઠાણને ત્યાં જઈશું. દેવના ચક્કર જેવા તેજસ્વી પુત્રને હું નિરાશ કરવા માંગતો નહોતો. મારી વાત સાંભળી તે બીકની બાઉન્ડરી પાર કરીને ગેલમાં આવી ગયો.

“બેટા, તને ત્યાં મુકવા કોણ આવશે? હું કે મમ્મા તો જોબ પર હશું?” મેં શંકા દર્શાવી.

“અરે…એ કોઈ મોટો ઇશ્યુ નથી. રાણી ટાવર સુધી પેલા જાડિયાની મમ્મી અમને મૂકી જશે. ત્યાંથી તો ક્લાસની બસ આવે છે. લઇ જશે. રિટર્નમાં બસ ત્યાં જ ઉતારશે અને ત્યાંથી જાડિયાની મમ્મી પાછી લઈ જશે. પ્રૉબ્લેમ સોલ્વ. સમજે?” પુત્ર એ દ્ગઢતાથી સમજાવ્યું.

ઉફ્ફ્ફ…આજકાલના છોકરા બધું સેટિંગ કરી લે! PNBમાં મારા પુત્રનું ખાતું હું ખોલાવી દઉં તો ૮-૧૦ કરોડોનું ટેસથી કરી નાંખે એટલો હોશિયાર તે થઈ ગયો, તેવું મને લાગ્યું. કારતક મહીને કણબી ડાહ્યો તે કહેવતને યથાર્થ ઠેરવતા પુત્ર, ન ભાવતું હોવા છતાં દુધીના શાકના ડબલ ફીંડવા રોટલી એ ચડાવી લહેરથી ભચડતો હતો. ચોરયાશીમાં દખણા સમાન દૂધીનું શાક અને ક્રિકેટ કોચિંગની ફી ભરતા હોજી જવાની એવા વિચાર કરતા-કરતા મેં મોઢું કટાણું કરી જમી લીધું.

જમીને પ્યોર રાજકોટીયન થઈ મેં બે કલાક ઊંઘ લીધી. ઊઠીને ચાપાણી પી ઉતાવળા થતાં પુત્રને લઈ હું ક્રિકેટ કોચિંગ ક્લાસ જવા તૈયાર થયો. ચેલૈયાની લોકકથા તમે સાંભળી હોય તો તમને યાદ હશે, જેમ શેઠ સગાળશા ખાંડણિયામાં ખાંડવા માટે ચેલૈયાને દોરી જતાં હોય ત્યારે જેવા ભાવ ચંગાવતીના ચહેરા પર છવાયેલા હતાં તેવા જ સ્નેહ નિર્ગળતા ભાવથી પત્ની એ અમને વિદાય આપી. આશરે પંદરેક કિલોમીટર જેટલું અંતર કાપી, ચાર-પાંચ જગ્યા એ પૂછીને અમે એક અવાવરું ગામની નજીક પઠાણ ક્રિકેટ એકેડેમીનું પાટિયું વાંચ્યું. ક્રિકેટની એક ઓવરમાં કેટલા બોલ હોય તેવું આખા ગામમાંથી કોઈ નહી જાણતું હોય તેવો ગામનો દીદાર હતો. ગામના કાંઠે જ આ એકેડેમી હતી, કદાચ પઠાણ સાહેબે જમીન દબાવેલી પણ હોય શકે તેવો નજારો બહારથી દેખાતો હતો.

કોચિંગ એકેડેમીના દરવાજા વગરના ગેટથી અમે અંદર ઘૂસ્યા. રોડની બંને બાજુ ઝાડવા ફિલ્ડિંગ ભરી રહ્યાં હતાં. થોડા આગળ પાર્કિંગની વ્યવસ્થા હતી. ઝાડના પાંદડા અને મારી ઠોઠીયા કારના અવાજથી એક સિકયુરિટી વાળો દોડતો આવ્યો, તેણે હહુડી (સિસોટી) વગાડી અમને રોક્યાં. મારી બાજુમાં આવી ભવા તંગ કર્યા, જેનાથી એના માથે રહેલી ટોપી એક ઇંચ ઊંચી થઈ. શીળીના ડાઘા, અણીદાર મૂછો અને ટબા જેવડી આંખો વાળા એ સિકયુરિટી ગાર્ડે ઉલ ઉતારતો હોય તેમ મને પૂછ્યું કે, “કોનું કામ છે?”  મેં કારનો કાચ ઊતારી તેને કોચિંગ ક્લાસના એડમીશન માટે આવ્યા છીએ એવું કહ્યું. જેનાથી તે રાજી થયો, વેવાઈ આવ્યા હોય તેવો હરખ એના મોઢા પર તરી આવ્યો. આખું પાર્કિંગ ખાલી હોવા છતાં મારી કાર ભટકાઈ ન જાય ત્યાં સુધી સિસોટીનો ગોકેરો કરી પાછળ લેવડાવી પાર્ક કરાવી!

અમે કારમાંથી ઊતરી સામે આવેલી ઑફિસમાં ઘૂસ્યા. ફિલ્ડરો વગરની પીચ જેવી ઑફિસમાં એક ખૂણે આધેડવયની સ્ત્રી ક્રિકેટ સ્કોરરની માફક ટેબલમાં માથું ઘૂસેડી કાગળમાં કંઈક લખી રહી હતી. મેં હળવો ખોંખારો ખાધો, મારા પગરખા પ્રવેશદ્વારે ઘસડ્યા, અવાજથી એનું ધ્યાન અમારા તરફ ગયું. તેના સૌંદર્યની પ્રસસ્તિમાં હું વધુ કહીશ તો કિટીપાર્ટીમાં છાકો પાડી દેતી મહિલાઓ ‘હતરંગ’ ઊભી થઈ ત્રિકોણબાગે મહિલા મોરચો કાઢશે! માટે ટુકમાં કહું તો બતકને ગમે તેટલું શણગારો હંસ ન જ બને તે કહેવતનું પ્રતિપાદન કરતો તેનો દેહ હતો! પ્રાસંગિક વાતચીત પછી વધુ એક મુરઘો હલાલ થવાની વેતરણમાં છે એવી ખાત્રી થતા તેણે અમારું મલકીને સ્વાગત કર્યું. અમને સામેના મખમલી સોફા પર બેસવાની સલાહ કરી.

તે મોટી ઉમરના મેડમે અંદરની કેબીનમાં જઈ કશી ઘૂસપુસ કરી, બહાર આવી “જસ્ટ મિનિટ, પ્લીઝ. તમને હમણા જ બોલાવશે.” કહી અમારા માટે પાણીના ઓર્ડરો આપ્યા. ટાઈમપાસ માટે મેં દીવાલો પર ડાફોળ્યા માર્યા. દીવાલો પર ઇમરાન પઠાણના અવનવા ફોટાઓ ચોટાડેલા હતાં. અમુક ફોટામાં એકેડેમીના વિરલાઓ ચાળિયા પેઠે ઉભેલા હતાં. ઓફિસનું ફર્નીચર અત્યંત આધુનિક જણાયું. મોઢીયા વગરની પેન અને એક ફોર્મ મને ભરવા માટે આપવામાં આવ્યું, ટેકા માટે મને કશું દેખાય નહી એટલે મેં મોબાઈલને નીચે રાખી મારા પુત્રને ક્રિકેટર બનાવવાના સ્વપ્નને ફોર્મમાં સ્થાપન કર્યું. ફોર્મ ભર્યું. થોડીવારમાં અંદરથી મારે માટે સમન્સ પાઠવવામાં આવ્યું. હું અને પુત્ર ઉભા થઈ એક કેબીનમાં દાખલ થયા.

“ઓહ…વેલ કમ મી. ભીમાણી ટુ ધ પઠાણ ક્રિકેટ એડેકેમી.” એક યુવા મેડમે નાક પરની નથળીને ઘોચપરોણો કરી ચાવીચાવીને બોલી અમારું ઉમળકાથી સ્વાગત કર્યું. તે પેલો ફોનવાળો જ અવાજ હતો! મારી કુંડળી એને બરાબર યાદ હતી. કદાચ રોજ સવાર, બપોર, સાંજ બદામ-શેઈક ઢીચતી હશે! ગોળ અંડાકાર ચહેરો, સફેદ શર્ટ-જીન્સમાં તે ટેસ્ટમેચના ખેલાડી જેવી લાગતી હતી. માત્ર પેગડા પહેરવાના જ બાકી હતાં ટુંકમાં કહું તો સૌન્દર્યનું રોડરોલર!

“મેડમ, તમારો અંત:પુર્વક આભાર.” મેં હાથ જોડી કહ્યું.

“અરે…ઇટ્સ ઓકે.” ખીલખીલાટ હસતાં તે બોલી. થોડીવાર અમારા બંને સામે જોઈ આંખો નચાવીને આગળ ચલાવ્યું: “વેલ….તમે અમારી એકેડેમી વિષે ક્યાંથી જાણ્યું તે કહી શકો?”

મેં મારા પુત્ર સામે જોયું એટલે તેણે જ જવાબ આપતા કહ્યું કે, “મેડમ, ફ્રોમ માય ફ્રેન્ડ, તે અહી આવે જ છે.”

“ઓહ..રીયલી નાઈસ” તે આવેગમાં આવીને બોલી, ચમકતું નાકનું ટેરવું ઊંચું થયું. તેને આગળની મારી વાતો યાદ હશે એટલે વધુ લમણાજીંક ન કરતાં મને ટાળીને તે મુદા પર આવી પુત્ર તરફ ફરી: “સો… પરમ, રાઈટ? આપણે પહેલાં કેમ્પસનું ઓરીએન્ટેશન કરીએ?”

“જેવી તમારી મરજી…હાલો.” હું ખુરશીને હડસેલીને અડધો ઊભો થયો.

અમે તેની કેબિનમાંથી બહાર નીકળ્યા. પેસેજ વટાવી એક મેદાનમાં પહોચ્યાં. ત્યાં ઘણાબધા છોકરાઓ એક લીલાછમ્મ મેદાનમાં પરસેવો પાડી રહ્યાં હતાં. ઘણાના ટીશર્ટ પરસેવે રેબઝેબ દેહ સાથે ચોટી ગયેલ હતાં. અમુક આળસુના પીર ઠાલા મફતની સ્ટાઈલો મારી રહ્યાં હતાં. મેડમે અમને કાલીકાલી ભાષામાં પ્રેકટીસ વિષે સમજાવ્યું. વધુમાં કેમ્પસ વિષે માહિતી આપી તેમજ ઇમરાન પઠાણના યશોગાન ગાયા. તેણે શ્રાવણ મહિનામાં કોઈ શિવભક્ત શિવલિંગ પર બીલીપત્ર ચડાવે તેવી રીતે હાથને ઘુમાવી થોડી ગધેડાને તાવ આવે એવી પોતાની ક્રિકેટ એકેડેમીની વાતો પણ કરી. મેડમ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ઇમરાન ગેસ્ટ એપીરીયંસ તરીકે વર્ષમાં એક વખત અહી આવે છે! સાલ્લુ….એક વખત અહી આવે અને તેના નામની એકેડેમી ખુલે! મારા સહીત ઉલ્લુઓનો જ આ દેશ છે હો. મેદાન પાસે અમે થોડીવાર ઉભા રહ્યાં, છોકરાઓની પ્રેકટીસને નીરખી! મેદાન પરના ઘાસનું એક તણખલું બીજાને હસીને, ઠોસો મારી કહેતું હશે કે જો વધુ એક હોનહાર ક્રિકેટર આપણને રગદોડવા આવી રહ્યો છે!

મેદાનની મુલાકાત પૂરી કરી અમે ફરી પાછા તે મેડમની કેબીનમાં પહોચ્યાં.

“મેડમ, કોચિંગ માટેની ફી કેટલી છે … હવે તો કહો.” મેં તેના ટેબલ પર પડેલું નાનું પેપરવેઈટ બેટ ફેરવતા મસ્તીમાં ગૂગલી મારી.

“ઓહ…યસ, જુઓ ચાર મહિનાનો કોર્ષ છે. સાંજના ફોર ટુ સિક્સ. સેટરડે-સંડે ઓફ. અમારી બસ તમારા લોકેશન પરથી લેવા મુકવા આવશે. અહીંથી ક્રિકેટ કીટ પણ એલોટ કરવામાં આવશે. બધું મળીને તમારે ટ્વેંટી થાઉંઝંડ પે કરવાનું રહેશે.” સ્મિત કરી બોલી તેણે કાંડાઘડિયાળમાં જોયું.

“વીસ હાજર…….!” મારાથી રમરમતી રાડ નંખાય ગઈ. ફીની રકજક કરતા મારામાં સંશયાત્મા પ્રવેશ્યો: “સાચે જ કે રૂપિયે આઠ આના નો ફેર?”

“યસ સર, ફીમાં નો બારગેનીંગ, ગુજરાતની આ બેસ્ટ ક્રિકેટ કોચિંગ એકેડેમી છે. અમારી એકેડેમીની પોલીસી છે કે ફીમાં નો બારગેનીંગ, પ્લીઝ સર .” નથળી પર કુમાશથી હાથ ફેરવતા તે મીઠાશથી કડવી વાત બોલી. તેણે ફરી કાંડા ઘડિયાળમાં નજર ફેરવી. તેને કશી ઊતાવળ હશે તેવું લાગ્યું. એવામાં જ એક  વિનોદ કામ્બલીના માંસીયાય ભાઈ જેવો હટ્ટોકટ્ટો, રંગે રૂડો રૂપે પૂરો જુવાન દાખલ થયો. મેડમે ખુરશી પરથી ઊઠી પોતાનો કાર્યભાર કામ્બલીને સોપી “સર, આ તમારા સનના કોચિંગ ટીચર હશે.” મારી બસનો ટાઈમ થયો, ડીટેલ વિગત સર સમજાવશે. ઓકે” આવું કહી તે પી.ટી.ઉષા થઈ.

કામ્બલી એ અમને લેપટોપમાં થોડું ઘણું ક્રિકેટ વિષે સમજાવ્યું. કેટલા નામાંકિત ક્રિકેટરો ગેસ્ટ લેકચરર તરીકે આવે છે એના નામ અને ફોટા બતાવ્યા. Under 14, Under 16, under 19માં અમારી એકેડેમીના કેટલાં ખેલાડીઓ સિલેક્ટ થયા તેના નામ ગૌરવથી કહ્યાં. અંતે તે મારા અમુક સવાલોથી કંટાળ્યો. એલાયમેન્ટ વગરની કારના ટાયર હલબલે તેવી રીતે તેણે હોઠ હલાવ્યા. હું ય આ લપથી થાક્યો હતો એટલે ચર્ચાની પુર્ણાહુતી કરતા મેં ઊભા થઈ તેની સાથે હાથ મિલાવી કહ્યું: “ઓકે, ફરી મળ્યા.”

“તો…. બેટા, કોચિંગ એકેડમી ક્યારથી જોઈન કરવાનો પ્લાન છે?” મને અવગણી કામ્બલી એ પુત્રને બાટલીમાં ઉતારવાના આશયથી પૂછ્યું. પુત્ર એ મારા સામે ડોકું ઊંચું કરી પ્રશ્નાર્થ નજરે જોયું એટલે મેં કામ્બલીને ઉદેશીને કહ્યું: “વેરી સૂન સરરરરર….”

અમે ક્રિકેટ કોચિંગ એકેડેમીમાંથી બહાર નીકળ્યા.

“ડેડ.” પુત્ર કારની સીટમાંથી અડધો ઊંચો થઈ બોલ્યો.

“કાલ જ જમકુડા” મેં એના ટકા પર હાથ ફેરવતા સહ્સ્મિત ઊર્મિ ઠાલવી અને વીસ હજાર કોની પાસેથી ઊછીના લેવા તેના નામ વિચારવા લાગ્યો.

==:: સંપૂર્ણ ::==

 

eછાપું

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here