ભારતના મતદારો ભોળા તો ખરા જ. ફ્રીમાં જે આપે એ લઇ લે અને બદલામાં એમની પાસે જે માંગવામાં આવે એ આપી પણ દે પાછા. જો આવું ન હોત તો ફ્રી Wi-Fi, ફ્રી આ અને ફ્રી તે જેવા આપ એટલેકે આમ આદમી પાર્ટી (AAP) ના વચનોમાં દિલ્હીવાસીઓ ભોળવાઈ ન ગયા હોત અને વિધાનસભાની ત્રણ બેઠકો છોડીને બાકીની તમામ એની ઝોળીમાં ન નાખી દીધી હોત.

પરંતુ જ્યારથી આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સત્તા સંભાળી છે પછી તે પહેલીવારની હોય કે પછી બીજીવારની એના નેતાઓમાં સત્તા ચલાવવા જેટલી અક્કલ પણ હોય એવું ક્યારેય નથી લાગ્યું. પહેલા કોંગ્રેસ સાથે હાથ મેળવીને સત્તા ભોગવી અને પછી જ્યારે પૂર્ણ બહુમતિ મળી ત્યારે વારેવારે LG પર કામ ન કરવા દેવાનો આરોપ મૂકીને દિલ્હીની સત્તા ફક્ત ટકાવી રહ્યા છે એને ચલાવી રહ્યા નથી.
આપ નેતાઓ જેમાં અરવિંદ કેજરીવાલ પણ સામેલ છે એ એમની તમામ નિષ્ફળતાઓને ભાજપનું કાવતરું ગણાવી દે છે, પછી તે શાસન અંગે હોય, મંત્રીઓની ખોટી ડિગ્રી હોય, મંત્રીઓ વિરુદ્ધના ભ્રષ્ટાચારના મામલાઓ હોય, કે ઓફિસ ઓફ પ્રોફિટનો મામલો હોય કે પછી ગમે તે બાબત હોય. પણ હદ તો ત્યારે થઇ ગઈ જ્યારે એક રાત્રી અગાઉ મુખ્યમંત્રીની સમક્ષ દિલ્હીના ચિફ સેક્રેટરીને આપ ના જ બે વિધાનસભ્યોએ માર માર્યો અને જ્યારે ચિફ સેક્રેટરી અંશુ પ્રકાશે આ નેતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી ત્યારે એને પણ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપનું કાવતરું ગણાવી દીધું!
મધ્યરાત્રીએ ચિફ સેક્રેટરીને જગાડીને સેક્રેટરીએટમાં બોલાવો તમે, એમના પર મુક્કાબાજી કરે તમારા વિધાનસભ્યો અને જ્યારે એ પોતાનો જીવ બચાવીને ભાગે અને પોલીસ ફરિયાદ કરે તો એમાં ભાજપનું કયું કાવતરું હોય ભાઈ?
વાત હિન્દીમાં પેલી કહેવત છે ને કે, “અંધે કે હાથ મેં બટેર”? બસ એવુંજ કશુંક અરવિંદ કેજરીવાલ અને આપ સાથે થયું છે. કપિલદેવ ભલે શ્રેષ્ઠ ક્રિકેટર હશે પણ કોચ તરીકે એ એકદમ બકવાસ સાબિત થયો હતો. આમ તો અરવિંદ કેજરીવાલે અન્ના હઝારે સાથે મળીને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ‘કહેવાતું’ યુદ્ધ છેડ્યું હતું ત્યારેજ આ લખનાર સહીત ઘણાને ખ્યાલ આવી ગયો હતો કે આ લોકોમાં મીઠું ઓછું છે.
પણ એ લોકપ્રિયતાને આધારે અને મફતિયા વચનોની લ્હાણી કરીને કેજરીવાલ આણી મંડળી દિલ્હીની સત્તા પર તો બેસી ગઈ પણ હવે શું કરીશું એની કોઈજ ભાન એમને નહોતી પડી રહી અને હજીપણ નથી પડી રહી. અર્થાત્ આંદોલનકારી હોવું એક વાત છે અને મુખ્યમંત્રી હોવું બીજી વાત.
પોતાનીજ સરકારના ચિફ સેક્રેટરીને પોતાના જ મંત્રીઓ મુક્કા મારે ત્યારે મુખ્યમંત્રી કશું બોલે નહીં અને ઉપમુખ્યમંત્રી વિરોધ પક્ષ પર કાવતરાનો આરોપ મુકે ત્યારે સમજી લેવું જોઈએ કે આ લોકો શાસન ચલાવવા માટે બિલકુલ લાયક નથી.
આપણે તો સમજી ગયા પરંતુ આશા કરીએ કે હવે જ્યારે પેલા ઓફિસ ઓફ પ્રોફિટમાં બરતરફ થયેલા વિધાનસભ્યોની જગ્યા ભરવા દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ આવે ત્યારે દિલ્હીની પ્રજા સમજી જાય અને પોતાનો મત આપે.
eછાપું
शरम करो आपिये,गद्दी छोड दो